બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ
આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા માણસોના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા..
"ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી..
" ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..' પ્રોફેસરને ગુડ મોર્નિંગ કહી ફરીથી કેપ્ટ્ન હેરીએ આંખ ઉપર દૂરબીન ચડાવી સમુદ્રના નિરીક્ષણમાં પરોવાઈ ગયા..
દરિયો આજે શાંત હતો. છતાં કેપ્ટ્ન આંખો ઝીણી કરીને દૂર સુધી બારીકાઈથી દરિયાને તાકી રહ્યા હતા. પ્રોફેસર અલ્બુકર્ક ને કેપ્ટ્નની આવી રીતભાત જોઈને લાગતું હતું કે જરૂર કંઈક તો હશે નહીંતર અનેક દરિયાઈ સફરોનો અનુભવી આવી નજરથી દરિયાને ના જુએ.. જરૂર કંઈક નવી ઘટના વળાંક લેવાની હશે.
" આજે તો દરિયો પણ શાંત છે છતાં તમે આટલું જીણવટ ભર્યું નિરીક્ષણ શા માટે કરી રહ્યાં છો ?? પ્રોફેસરે ફરીથી નવાઈ પામતા પૂછ્યું..
બેત્રણ મિનિટ કેપ્ટ્ન હેરી કાંઈજ ના બોલ્યા.ત્યારબાદ દક્ષિણ તરફ જોઈ ઊંડો નિશ્વાશ નાખ્યો.એમના કપાળ પર થોડીક ચિંતાની રેખાઓ ઉપસી આવી.પ્રોફેસર કેપ્ટનનું આવું વર્તન જોઈ અચંબિત થયા...તેમને કેપ્ટનનું મૌન ભેંદી લાગ્યું
"પણ કારણ તો કહો જરા ? દરિયામાં જોઈને શા કારણે નિશ્વાસ નાખી રહ્યા છો....' પ્રોફેસરે ફરીથી પ્રશ્ન કર્યો.
" પ્રોફેસર.. મને સવારથી જ દરિયાનું આ શાંત સ્વરૂપ રહસ્યમય લાગતું હતું..જુઓ દક્ષિણ તરફ દરિયો થોડોક તોફાની બની રહ્યો છે.આ તોફાન હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. હમણાં જુલાઈ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં વાવાઝોડા ભયકંર સ્વરૂપે ત્રાટકે છે... ' મૌન તોડતા ચિંતાથી દબાયેલા આવજે કેપ્ટ્ન બોલ્યા.
"ઓહહ !!!....' દૂરબીન આંખે માંડતા પ્રોફેસરના મોંમાંથી શબ્દો સરી પડ્યા... પ્રોફેસરે થોડીક જીણવટતાથી જોયુ તો દક્ષિણ તરફ નાના-નાના મોજાઓ ઉછળી રહ્યા હતા.
જેમ-જેમ જહાજ આગળ વધતું હતું તેમ-તેમ મોજાઓ મોટુ સ્વરૂપ ધારણ કરતાં હતા..જહાજના તૂતક પર હાજર સૌ ખલાસીઓ સવારની તાજગીનો આનંદ લઈ રહ્યા હતા જયારે પ્રોફેસર તથા કેપ્ટ્ન બંને ચિંતિત વદને કુદરતની આ અકલ્પીત લીલાને ઉદ્ભવતી જોઈ રહ્યાં હતા.
" પ્રોફેસર તમે નીચે જાઓ અને જહાજનું મુખ્ય એન્જીન બંધ કરવાનો આદેશ આપો.... હું આ સઢ સંકેલાવી દઉં જેના કારણે જહાજની ગતિ ધીમી પડે.." કેપ્ટ્ને આટલું બોલી સઢ ઉતારવા માટે કૂવાથંભ તરફ દોટ મૂકી..
દક્ષિણ તરફ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે આવા સમાચાર સમગ્ર જહાજમાં વાયુવેગે પ્રસરી ગયા..નાવિકોમાં દોડધામ મચી ગઈ તેઓ સઢ સંકેલાવાના કામમાં લાગી ગયા..તૂતક પરના લોકો નીચે પોતાની સુરક્ષિત કેબીનમાં જવા લાગ્યા. તૂતક પરની અવર-જવર ઘટતાં સઢ સંકેલી દેવામાં આવ્યો.. જહાજનું મુખ્ય એન્જીન બંધ થતાં જહાજની ઝડપ એકદમ ઘટી ગઈ...નીચેથી જહાજના અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યા. કેપ્ટને બધાને આવી રહેલી મુસીબત અંગે વાફેક કર્યા.
ધીમે-ધીમે આકાશમાં વાદળાંઓ છવાવા લાગ્યા. દરિયામાં ધીમે-ધીમે મોજાઓ ઉછળવા લાગ્યા.. સવારથી શાંત બનેલો દરિયો હવે રોદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યો.દરિયાનું સ્વરૂપ આજે ભેંદી લાગી રહ્યું હતું.
"જ્યોર્જ... જલ્દી જહાજને પશ્ચિમ દિશા તરફ.. જલ્દી.. ' કેપ્ટ્ન હેરીએ જહાજના મુખ્ય નાવિકને હુકમ આપ્યો...
ફરીથી જહાજનું મુખ્ય એન્જીન ધણધણી ઉઠ્યું.. મોટુ ચક્કર કાપીને જહાજ પશ્ચિમ દિશા તરફ વળ્યું...
"ઝડપ વધારો... 'કેપ્ટને આદેશ આપ્યો...
"જલ્દી...' ફરીથી કેપ્ટનના શબ્દો ગુંજ્યા..
વાતાવરણ જલ્દી પલટાઈ ગયું.મધ્યમ ગતિએ વરસાદ ચાલુ થઈ ગયો. નિરીક્ષણ કેબિનમાં જહાજના મુખ્ય અધિકારી જોન્સનને થોડીક તકેદારી રાખવાનું કહી કેપ્ટ્ન એન્જીનની ગતિ-વિધિઓ તપાસવા માટે નીચે ગયા..જહાજ પર હાજર સૌ એન્જીનીયરોને જહાજનું એન્જીન ફરીથી સારી રીતે તપાસવા માટે હુકમ કર્યો.... જેના કારણે એન્જીનમાં કોઈ ખામી હોય તો તેનું જલ્દી નિવારણ લાવી શકાય. સૌએ એન્જીનની જીણવટભરી તપાસ કરી. સદભાગ્યવશ એન્જીન સંપૂર્ણ રીતે સલામત હતું..
"પીટર કોલસો તો પૂરતા પ્રમાણમાં ભર્યો છે ને...' જ્યોર્જે પૂછ્યું..
" હા સર બધું બરાબર જ છે. અને લગભગ પંદર દિવસ ચાલે એટલો કોલસો સંગ્રહિત છે..' પીટરે જવાબ આપ્યો.
"પંદર દિવસ જ... ' ચિંતાતુર આવજે જ્યોર્જ બોલ્યો.
"પણ એમાં ચિંતાનું કારણ શું છે.. છ-સાત દિવસમાં આપણે
લાઓસ ટાપુ ઉપર પહોંચી જવાના... ત્યાંથી બળતણ મળી રહેશે...' પીટર બોલ્યો..
"અબે મૂર્ખ..અત્યારે આપણે લાઓસ તરફ નથી જઈ રહ્યા..દક્ષિણ તરફ વાવાઝોડુ શરૂ થયું છે.. જેના કારણે કેપ્ટને જહાજની દિશા બદલાવી દીધી છે.... આપણે અત્યારે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છીએ..' જ્યોર્જ બોલ્યો..
"ઓહ !!! એમ વાત છે....' જ્યોર્જની વાત સાંભળી પીટર પણ ચિંતામાં મુકાયો..
"તું અહીં જ રહે હું કેપ્ટ્નને આ બાબતે બતાવી દઉં..'કહીને જ્યોર્જ ઉતાવળા પગલે કેપ્ટ્ન હેરીની કેબીન તરફ ચાલ્યો ગયો...
"સર ...' કેપ્ટ્ન હેરીની કેબીનમાં પ્રવેશ કરતાં જ્યોર્જ બોલ્યો..
"હા.... જ્યોર્જ શું થયું ? બધું બરાબર તો છે ને... ' કેપ્ટને જ્યોર્જને ચિંતામાં જોઈ પૂછ્યું.
"હા સર બધું બરાબર છે.. પણ કોલસો પંદર દિવસ ચાલે એટલો છે.આપણે પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા છીએ... ખબર નહીં નવા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે ?? અને જો વખતસર ના પહોંચ્યા તો ? બસ આ વાતની જ ચિંતા છે...' જ્યોર્જ બોલ્યો.
"ઓહહ ! આ તો મેં વિચાર્યું જ નહીં...એક કામ કર જલ્દી પ્રોફેસર અલ્બુકર્કને બોલાવી લાવ. એટલે પશ્ચિમ દિશા તરફનો નકશો જોઈ લઈએ.. કોઈ નવો ટાપુ હોય તો ત્યાંથી કદાચ બળતણ મળી રહે... ' કેપ્ટન ચિંતાના સુરમાં બોલ્યા.
જ્યોર્જ પ્રોફેસરને બોલાવવા ગયો. કેપ્ટ્ને પોતાના ટેબલનું ખાનું ખોલ્યું. અંદરથી એક નાનકડી પેટી બહાર કાઢી.પેટી ખોલી અંદર એક ચામડાની થેલી હતી જેમાં નકશાઓ હતા.
બધા નકશાઓમાંથી પ્રશાંત સામુદ્રિક ટાપુઓનો નકશો શોધી એને ટેબલ પર પાથર્યો. જહાજ અત્યારે પશ્ચિમ તરફ જઈ રહ્યું હતું. કેપ્ટ્નની આંગળીઓ ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરના નકશા પર ફરવા લાગી. નજીકના ટાપુ દર્શાવતા ભાગ ઉપર નજર સ્થિર થઈ. એક ટાપુ સમૂહ ઉપર નજર સ્થિર થઈ. આંખો ઝીણી કરી જોયુ તો જોગાસ ટાપુસમૂહ એવું લખેલુ હતું.
પ્રોફેસર આવી ગયા..
પ્રોફેસરને જોઈને કેપ્ટ્ન બોલ્યા " પ્રોફેસર જોગાસ ટાપુ છે નજીકમાં...પણ મારા માટે એ નવો છે... હું ક્યારેય એ બાજુ ગયો નથી.. તમને માહિતી છે જરાય એની ??
પ્રોફેસરે આંખ ઉપર ચશ્માં ચડાવ્યા.પછી નકશો હાથમાં લીધો. થોડીવાર નકશો જોઈ રહ્યા પછી એક હળવો નિશાસો નાખ્યો અને નકશો હતો ત્યાં જ મૂકી દીધો.. એમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ઉપસી આવી..
પ્રોફેસરના ચહેરા ઉપર ચિંતાની રેખા અંકિત થયેલી જોઈને કેપ્ટ્ન પણ ચિંતામાં આવી ગયા..
"શું થયું પ્રોફેસર આટલા બધા ચિંતિત કેમ થઇ ગયા ?? ચિંતાસૂચક ચહેરે કેપ્ટ્ને પ્રોફેસરને પ્રશ્ન કર્યો..
પ્રોફેસરે પોતાના ચશ્માં ઉતાર્યા..શર્ટના એક છેડાથી ચશ્માંના ગ્લાસ લૂછ્યાં..અને પાછા વળી ચશ્માં હતા એમ પહેરી લીધા..
પછી બોલ્યા " જુઓ મિસ્ટર હેરી આ જોગાસ ટાપુ છે કે જેના ઉપર સતત જ્વાળામૂકી ફાટતા રહે છે.. એટલે ત્યાં જવુ એ પણ જાનને જોખમમાં મુકવા જેવી વાત છે..
"તો હવે શું કરીએ બીજો કોઈ ઉપાય પણ નથી ને.. કેપ્ટ્ન નિરાશ થતાં બોલ્યા.
ત્યાં જ્યોર્જ દાખલ થયો કેબિનમાં.. એને આમ અચાનક આવેલો જોઈને પ્રોફેસર બોલ્યા " શું થયું જ્યોર્જ બધું બરાબર તો છે ને ??
"સર વાવાઝોડુ તિવ્રતાથી વધી રહ્યું છે.. આપણે ઉતાવળ કરવી પડશે.. પવનની ઝડપ બહુ જ વધારે છે.. જો આમ જ ચાલ્યું તો કૂવાથંભ તૂટી પડશે " જ્યોર્જ ચિંતાતુર આવજે બોલ્યો.
તરત જ પ્રોફેસર તેમજ કેપ્ટ્ન તૂતક પર આવ્યા.. પણ પવન એટલો જોરદાર હતો કે ત્યાં ઉભું રહેવું અસંભવ હતું.. કૂવાથંભ આવા જોરદાર પવનમાં ટકી રહે તે મુશ્કેલ હતું.. હવે કટોકટીની પળ હતી.. જો દરિયાએ વધારે તોફાન ધારણ કર્યું તો અંત નિશ્ચિત હતો.. જે પણ નિર્ણય લેવાનો હતો એ જલ્દી લેવો જરૂરી હતો..
કેપ્ટ્ને પ્રશ્નાર્થ નજરે પ્રોફેસર સામે જોયુ..
પ્રોફેસર થોડુંક વિચારીને બોલ્યા " જુઓ મિસ્ટર હેરી નિર્ણય લેવો અત્યંત જરૂરી છે.. અને એ માટે જહાજના અન્ય અધિકારીઓ તથા નાવિકોની સંમતિની પણ જરૂર છે.. જેના કારણે પાછળથી એ લોકો બળવો ના કરે..
"હા એ માટે અર્જન્ટલી મિટિંગ બોલાવવી પડશે બધાની.. પ્રોફેસરની વાત સાંભળીને કેપ્ટ્ન બોલ્યા..
પછી કેપ્ટ્ન અને પ્રોફેસર જલ્દી તૂતક પરથી નીચે આવ્યા. કેપ્ટ્ને જ્યોર્જને બોલાવ્યો..અને જહાજના મુખ્ય અધિકારીઓ તથા મુખ્ય નાવિકોની મિટિંગ બોલાવી. બધા આવી ગયા પછી કેપ્ટ્ન બધાને સંબોધીત કરતા બોલ્યા.
"મારા વ્હાલા બહાદુર સાથીઓ તમને તો ખબર જ છે કે આજે એક નવી આપત્તિએ આપણા સૌના જીવનને જોખમમાં મૂકી દીધું છે.. વાવાઝોડું વધી રહ્યું છે.. જો દરિયો વધારે તોફાની બન્યો તો આપણો અંત નિશ્ચિત છે.. એટલા માટે મેં જહાજને નજીકના ટાપુ તરફ આગળ વધાર્યું છે... પણ એ ટાપુ ઉપર જ્વાળામુખી વધારે ફાટે છે એટલે આપણે આપણી સેફ્ટીની સંપૂર્ણ તકેદારી રાખવી પડશે... દરિયો જેવો શાંત બનશે.. એટલે તરત જ આપણે લાઓસ ટાપુ તરફ પ્રયાણ કરીશુ... તો બધા તૈયાર છો ને..
બધાએ એકસાથે હા કહી.. પછી બધા પોતપોતાના કામે વળગ્યા.. સુકાનીની સંપૂર્ણ જવાબદારી જોન્સનને સોંપવામાં આવી.. નિરીક્ષણ કેબિનમાં ખુદ કેપ્ટ્ન અને પ્રોફેસર બન્ને બેસીને બહારના વાતાવરણનું નિરીક્ષણ કરવા લાગ્યા.. સાંજ થઇ ચુકી હતી.. લગભગ રાત્રે નવ વાગે દરિયાનું તોફાન એકદમ વધ્યું..
આખું જહાજ હાલક ડોલક થવા લાગ્યું..કૂવાથંભ આમ થી તેમ હલવા માંડ્યો.. બધા નાવિકો તેમજ જહાજના અધિકારીઓ સાબદા થઇ ગયા. કેપ્ટ્ને નિરીક્ષણ કેબીનમાંથી બહારના વાતાવરણનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો..તો દિવસ કરતા પણ પવનની ઝડપ દસ ઘણી વધી ગઈ હતી... આજુબાજુ મોજાઓ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઉછળી રહ્યા હતા.. મોજાંઓને જોઈને એવું લાગતું હતું કે હમણાં જ એ જહાજને ભરખી જશે..
જહાજની દિશા જાણવા માટે કેપ્ટ્ને હોકાયઁત્ર હાથમાં લીધું.. જહાજ ઘાયલ વ્હેલ માછલીની જેમ ઉત્તર-પચ્ચિમ દિશા તરફ ઘસડાતું હતું.. પ્રોફેસર તથા કેપ્ટ્ન ફાટી ગયેલી આંખે કુદરતની આ અકલ્પીત લીલાનો નજારો જોતાં હતા.. શું કરવું એ એમને સમજાતું નહોતું.. નાવિકો ભયના માર્યા બૂમબરાડા પાડતા હતા..
અચાનક જહાજ ધડાકાભેર કોઈક વસ્તુ સાથે અથડાયું.. કૂવાથંભ તૂટી પડ્યો.. કેટલાય નાવિકોની મરણચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી અને દરિયાના ઘૂઘવાટમાં સમાઈ ગઈ. પ્રોફેસર અને કેપ્ટ્ન બહાર ફેંકાયા અને પડ્યા ત્યારે તેમને જમીન જેવી વસ્તુનો અહેસાસ થયો.. પાછા બંને બેભાન થઇ ગયા..
**********************************************
શું પ્રોફેસર અને કેપ્ટ્ન જે જમીન પર પછડાયા એ જોગાસ ટાપુ જ હશે ??
પ્રોફેસર અને કેપ્ટ્ન સિવાય અન્ય કોઈ નાવિક યા ખલાસી બચ્યો હશે ??
કેપ્ટ્ન અને બચેલા માણસો એ ટાપુ ઉપર નવા જીવનની શરૂઆત કેવી રીતે કરશે ??
👆આ બધું આગળના ભાગમાં જાણવા મળશે.
**********************************************