આખો દિવસ પસાર થયો અને રેવા એકપણ વાર નજરે ના ચડી તો કૌશલને ચિંતા થવાં લાગી. અને રેવાને શોધતો તે રેવાનાં ઘર તરફ નિકળી પડ્યો. પણ ઘેર પહોંચી દાદીમાં ને પૂછે એ પહેલાં જ રચના રસ્તામાં જડી અને તેની સાથે વાત કરવાં ઉભો રહ્યો " અરે રચનાદીદી!... તમેં અત્યારે અહીં?.. રેવાનાં ઘેરથી આવતાં લાગો છો!..." કૌશલે અળવીતરી રીતે પુછ્યું. " હા... દાદીમાં ને મળીને આવી છું. આજે રેવા છે નહીં તો તેમને જમવાનું મારાં ઘેરથી આપવાં આવી હતી. અને..." " રેવા છે નહીં મતલબ??.. ક્યાં ગઈ એ?.. આજે સવારથી જ નજરે નથી પડી?.. એમ તો મારું મગજ ખાધા કરે છે આખો દિવસ અને આજે તો તેનો અવાજ જ નથી સાંભળ્યો! " કૌશલે રચનાની વાત કાપતાં પુછ્યું. રચનાએ કૌશલને શાંત કરાવતા કહ્યું " અરે શાંત..શાંત... રેવા મને સવારે મળી હતી. અમારી ઘણી વાતો થઈ અને પછી મેં જ તેને કહ્યું કે મારાં સાસરે થોડાં દિવસ રહી આવે. " "કેમ ત્યાં?.. અને એ ત્યાં શું કામ જશે એ પણ રહેવા માટે?.." કૌશલે અકડાઈને પુછ્યું. " કદાચ તું ભૂલી ગયો હોય તો યાદ કરાવું કે મારાં સસરા માટે રેવા તેની દિકરી છે. અને પોતાની દિકરીને ઘેર બોલાવવી અને રાખવી એમાં કાંઈ નવાઈની વાત નથી. દરેક પિતા કરે. અને પછી વંદિતા પણ અહીંયા નથી તો રેવાને વધારે એકલતા જણાતી હતી એટલે તે ચાલી ગઈ. " રચનાએ શાંતિથી સમજાવ્યું. કૌશલનાં ચહેરાં પર મૌન છવાઈ રહ્યું અને થોડીવારમાં શાંત બની બોલ્યો " તેને એકલતા અનુભવાતી હતી?... અને મને ભાન જ ના રહ્યું?.. હું આખો દિવસ એટલો વ્યસ્ત રહેતો કે તેની સાથે વાત કરવાનો પણ સમય ના કાઢી શક્યો!... હા... દીદી તે એક દિવસ આવી હતી મારી જોડે કે તેને કંઈક વાત કરવી છે પણ પછી કશું કહ્યું જ નહતું. તમને ખબર છે તેની વાત?.." કૌશલ પોતાની જાતથી નિરાશ જણાતો હતો. " કૌશલ.. એ વાત તો તું રેવાને જ પુછજે. પણ મને એ નથી સમજાતું કે તું આટલી ચિંતા કેમ કરે છે તેની?.. તે તારી મિત્ર છે કે કંઈક વધારે....?..." રચનાએ પુછ્યું. રેવાને પુછતાં આવેલો જવાબ જ કૌશલ પાસેથી પણ મળ્યો. અને રચનાને બંને તરફની લાગણી સમજાય ગઈ. રચના માત્ર એટલું બોલી " કૌશલ.. રેવાએ પોતાનાં જીવનમાં ઘણાં સંઘર્ષ કર્યાં છે. હવે તેને પણ ખુશ રહેવાનો હક્ક છે. એ હક્ક તું પુરો કરજે. તેને સાચવજે, સંભાળજે, વ્હાલ કરજે અને તેની દરેક વાતો સાંભળી સમજવાનો પ્રયત્ન કરજે. જો કોઈ દિવસ તેનાં નિર્ણય તારી વિરુધ્ધ પણ જાય છતાં તેનો સાથ ના છોડતો! " કૌશલને બધી વાત સમજાય રહી હતી. અને તે ત્યાંથી ચાલ્યો ગયો. મનમાં ઘણાં પ્રશ્નો હતાં " રેવાએ મને જણાવ્યું કેમ નહીં કે તે જવાની છે?... હું ક્યાં તેને રોકવાનો હતો પણ કહેવું તો જોઈતું હતું!.. આટલાં દિવસ તેને જોયાં - સાંભળ્યાં વગર કેવી રીતે રહીશ?... શું એ રહી શકશે મારાં વગર?.. મેં જ તેને સમય ના આપ્યો એટલે તે ચાલી ગઈ. હવે જ્યારે પાછી આવશે ને તો મારો પુરો સમય તેની જ સાથે રહીશ. કોઈ કામ નહીં.. " કૌશલનું મન લાગણીથી ઉભરાઈ રહ્યું હતું. તે આજથી જ રેવાને યાદ કરવાં લાગ્યો હતો.
બીજી તરફ રેવા આખા રસ્તે એમ વિચારતી હતી કે તે શું નિર્ણય કરે. પણ સાથે સાથે કૌશલની યાદો તેનાં મનમાં ઘર કરી ગઈ હતી. રેવા જેમ જેમ શેરસિંહજી ના ઘરની નજીક પહોંચી રહી હતી તેમ તેમ તેનાં મનમાં એક વિચિત્ર ગભરામણ થવાં લાગી. " હું એકદમથી પહોંચી જઈશ તો તે લોકો શું વિચારશે?.. તેમનાં અઢળક પ્રશ્નો ના જવાબ હું કેમની આપીશ? " પણ રેવાનાં ધાર્યા કરતાં વિરુધ્ધ જ પરિસ્થિતિ સર્જાય ગઈ. શેરસિંહ એ રેવાને જોઈને જોરથી હરખનો ઉમેળકો માર્યો અને પોતાનાં છાતી સરસી ચાંપી લીધી. અમી પણ રેવાને જોઈ વળગી પડી. બધાં એકદમ ખુશ હતાં. ચારેતરફ જાણે ઉત્સવ હોય તેમ હાલ્લો થઈ ગયો. રેવાનું એકદમ પોતાનાં ઘરની દિકરી જેમ જ આગમન કરાવવામાં આવ્યું. તેની પસંદનુ જમવાનું, તેણે પહેરવાં - ઓઢવાની અને રુમમાં તેની પસંદની રચનાઓ કરી દેવામાં આવી. રેવાનું મન પણ આટલો સ્નેહ જોઈ ભાવુક થઈ ગઈ. અને બસ શેરસિંહજી ને જોતી જ રહી ગઈ. માત્ર એક વાક્ય મગજમાં આવવાં લાગ્યું કે સારું થયું રચનાદીદીની વાત માની હું અહીં આવી ગઈ.
બીજી તરફ કૌશલ જે દિવસની એક -એક ક્ષણો ચોરીને રેવાને મળતો રહેતો હતો, જોતો રહેતો હતો તે આજે એકદમ ખાલીપો અનુભવી રહ્યો હતો. એમ જણાતું જાણે રેવાની આસપાસ જ દુનિયા ફરતી હતી, જેમ સૂર્યની આસપાસ ગ્રહો અને પૃથ્વી ફરે છે અને જો અચાનક જ સૂર્ય ગાયબ થઈ જાય તો બધા ગ્રહોની સ્થિતિ કેવી બને!..( એમ તો ભૌતિક શાસ્ત્ર ના નિયમો અનુસાર તે સીધી રેખામાં ગતિ કરી પોતાની કક્ષા છોડી જતાં રહે!..) પણ કૌશલને પોતાની જગ્યા કે પોતાનું ગામ છોડાય એમ નહતું. તે માત્ર રેવાનાં જલદી આવવાંની રાહ જોઈ બેઠો હતો. અને આ તરફ રોહન પણ નિયતિનાં અચાનક ગાયબ થવાથી થોડું અચંબામાં હતો. પણ તેનાં ચહેરાં પર કોઈ જાતની ચિંતા નહતી. તે જાણતો હતો કે રેવા પાસે પાછાં આવવાં સિવાય કોઈ રસ્તો નથી. તે જાણતો હતો કે રેવા હોય કે નિયતિ તેણે પાછું આ ગામમાં જ આવવું પડશે. એટલે તે શાંત બની બધી ઘટનાઓ જોતો રહ્યો.
રચનાને પોતાનું મન ભારે લાગવાં લાગ્યું હતું. "રેવાની આટલી મોટી મુશ્કેલી શું કૌશલથી છુપાવવી યોગ્ય રહેશે?.. શું ખરેખર કૌશલ રેવાએ ધારેલું છે તેમ વ્યવહાર કરી ચાલ્યો જશે?... હું કોઈ બીજાં ને જણાવું?.. દાદીમાં ને કે સરપંચજી ને..!... ના ના... મારું આમ કરવું રેવાને ભારે પડી શકે છે. પણ હું તેને એકલી પણ નથી છોડી શકતી.!... શું ચુપ રહેવું જ સારું છે?.. " રચના પોતાનાં જ વિચારોમાં ફસાયને બેઠી હતી. પણ તેને પોતાનાં મનથી કોઈ જવાબ મળ્યો નહીં તો ચુપ રહેવું જ વધારે યોગ્ય સમજી તે શાંત રહી. પોતાની વાત પોતાની સુધી જ રાખી.
દિવસો પસાર થવાં લાગ્યાં. અને રેવાનું મન ધીમે ધીમે શાંત બનવાં લાગ્યું. હા, ચિંતા છૂટી નહતી પણ ઓછી થવાં લાગી. અને હવે તે કંઈક વિચારવાની સ્થિતિમાં આવી હતી. અમી સાથે આખો દિવસ પસાર કરવો, સાંજનાં સમયે શેરસિંહ સાથે બેસી વાતો કરવી અને તેમનાં કામમાં મદદ કરવી... દરેક વાતથી તેનું મન રોહન માંથી ભટકવાં લાગ્યું હતું. અને થોડાં દિવસ પછી અચાનક એક વ્યક્તિ આવી ચડી. રેવાનાં મનને નજીક પણ અમી માટે આફતરુપ.. ... હા.. બીજું કોઈ નહીં પણ વંદિતા...
" દીદી........... " એક ગામ ગજવનારી બૂમ.... અને બધાં ભડકી ગયાં. બહાર નિકળી જોવાં લાગ્યાં અને ત્યાં ઉભેલી વંદિતા રેવાની તરફ દોટ મુકી વળગી પડી. રેવાને સમજાયું નહીં કે વંદિતા અત્યારે અહીં કેવી રીતે!... કંઈ પુછે તે પહેલાં તે બોલી ઉઠી " કેટલાં દિવસો વીતી ગયાં હતાં... મને તમારી બહું યાદ આવી રહી હતી અને અમારો કેમ્પ પત્યો અને ખબર પડી કે તમેં ઘણાં દિવસથી અહીં છો તો હું સીધી તમને મળવાં જ આવી ગઈ. તમને મારી યાદ આવી કે નહિ?.. અને તમેં અહીં કેવી રીતે?.. તબિયત કેવી છે તમારી?.. અને તમેં કશું કહ્યું કેમ નહીં કે તમેં ગામની બહાર જવાનાં છો?.... અને...." " અરે બસ બસ.... શ્વાસ લઈ લે.... દીદી પર ચડી ના જઈશ... તેમની ઈચ્છા તેમને મારાં ઘેર આવવું હોય તો આવે પણ તું તારાં ઘેર જવાં પહેલાં દીદી પાસે કેમ આવી ગઈ?!..." અમી બોલી પડી. અમી અને વંદિતા વચ્ચે ઘર્ષણ તો પહેલાં દિવસથી જ ચાલતું હતું. રેવાને લઈને બંનેનો પ્રેમ કોઈ જોડે વહેંચવા ના માંગતી બંને છોકરીઓ વચ્ચે રેવા હંમેશાથી ફસાઈ છે. અને આજે ફરી એ જ વાત પર રેવા ફસાવાની હતી. કેમકે વંદિતા પાછી આવી ચુકી છે....
રેવાએ સમજદારીથી કામ લઈ બંને ને શાંત કર્યાં અને બંનેને થોડો સમય આપ્યો એટલે બંને હાલ પૂરતા શાંત થયાં. વંદિતાને આવતાં સાંજ પડી હતી એટલે શેરસિંહ એ તેને પોતાનાં ઘર તરફ જવાં દેવાં ના કહ્યું. અને એક રાત વંદિતા રેવા સાથે જ રોકાઈ. બીજે દિવસે સવારે વંદિતાને નીકળવાનો ટાઈમ થયો એટલે રેવાએ પણ કહ્યું કે તે પણ વંદિતા સાથે પાછી ઘેર જશે. શેરસિંહ અને અમી બંને વિચારમાં પડી ગયાં અને આનાકાની કરવા લાગ્યાં. પણ આજે રેવાનાં ચહેરાં પર એક આત્મવિશ્વાસ દેખાતો હતો. અને રેવા માની નહીં. વંદિતા અને રેવા બંને પરત ફરવાં નિકળી ગયાં. રેવાનાં મનમાં કંઈક ચાલી રહ્યું હતું. પણ તેનો ચહેરો અને મોં બંને ચુપ હતાં. શું રેવાએ પોતાનો નિર્ણય કરી લીધો?.. શું પગલું ભરશે રેવા?.. શું તે નિયતિ બની વિચારશે કે રેવા બની લડશે?...
ઘણાં પ્રશ્નો વચ્ચે ઘેરાયેલો ઘર તરફનો રસ્તો....
ક્રમશઃ