ઝેર તો પીધાં ગાળી ગાળી...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝેર તો પીધાં ગાળી ગાળી...!

ઝેર તો પીધાં ગાળી ગાળી..!

પહેલ્લેથી ચોખવટ કરી લઉં, પાટલી છોડીને છૂટાછેડા લેતા નેતા સાથે આ વાતને કોઈ નિસ્બત નથી. લોક કલ્યાણકારી પગલા તરીકે જે ઠીક લાગ્યું એ જ એમણે કર્યું હોય, એવો ઢેકાર ખાય લેવાનો. એઈડ ટેસ્ટ નહિ કરવાના. ક્યારેક હાસ્ય લહરી પણ મરડાવાની તો થાય ને યાર..? એટલે સળગતી રીંગમાંથી કૂદી પડવાના સાહસ કરવા નહિ. કોઈના ઓટલે બેસીને પેન્ટ ઘસતા હોય એવા નવરાઓએ ‘હાલો-હાલો’ કરીને, મેરેથોન દૌડ લગાવવી નહિ. એસબીઆઈના શેર માટે જાહેરાત આવી છે, તો લાવ હું પણ મારું યોગદાન આપું, કરીને ધૂમાકા મારવાની જરૂર નથી. એટલી તો સંસ્કારિતા હોવી જ જોઈએ કે, ખુલ્લી બારી જોઇને કોઈના બેડરૂમમાં ડોકિયા નહિ કરાય..! કુળને લજામણી લાગે. શું કહો છો મામૂ..? આ તો આજની ગમ્મત...!

મિત્રોઓઓઓઓ...! કોરોનાની મહામારીમાં આપ સૌ સ્વસ્થ રહી, તંદુરસ્ત રહો, ને હસતા રહો એવી હાસ્ય લહ્રીની શુભકામના. આ તો મોટું મગજ ઊંઘતું હતું, એટલે નાનું મગજને વિચાર આવ્યો કે, સમૂહ લગ્નની માફક ક્યારેક સમૂહ છૂટાછેડાની સવલત તો નહિ આવે ને..? જુઓ ને, નેતાઓ કેવાં પાર્ટીમાંથી છૂટાછેડા લઇ રહ્યા છે..? આ વાયરસ જો પત્નીવ્રતા પતિને આભડી ગયો તો શું થાય..? સામુહિક લગ્નની માફક, સામુહિક છુટાછેડાના પણ બ્યુગલ વાગતા થઇ જાય. દાઝેલા, બળેલા, મોઢાં ફૂલેલા, દબાયેલા, કચડાયેલા, વંકાયેલા કે, ખીંટીએ ટીંગાડી દેવાયેલા પતિઓનો ક્યાં તોટો છે. દાદૂ.? આવી લોલીપોપ બહાર પડે તો તો એમને મઝ્ઝા આવી જાય...! જો કે આવું બને તો નહિ. પત્નીઘેલા બનીને જ રહેવું. પત્નીમેલા થવું એના કરતાં, કક્કો બારાખડી ફરીથી ઘૂંટીને સુધરી જવું સારું...!

આ તો એક અનુમાન. માન સન્માનને તો છોલે ભગો દાજી, અનુમાન તો કરાય ને..? અનુમાનને ક્યાં આકાર, વિકાર કે પ્રકાર હોય છે ? જૂની નોટ જમા કરાવી, નવી લઇ જવાની સ્કીમ આવેલી. ત્યારે પણ અમુકને આવો ભેદી વિચાર આવેલો કે, વાઈફના મામલામાં આવી અદલાબદલી આવે તો કેવું સારું..? જો કે આ તો હસવા-હસાવવાની વાત છે, પણ એના કપાળમાં કાંદા ફોડું શરદી થઇ હોય તો, બામ લગાવીને જ વાર્તા પૂરી કરી લેવાય, શરદી મટાડવા જુલાબ બંધ કરવાની ગોળી નહિ લેવાય, એની પણ કબજીયાત થાય..!

માણસ છે ભાઈ..! મફતમાં જો મળતું હોય તો બધું પચાવે, માત્ર ઝેર જ નહિ ખાય. એને ખબર છે કે, મરવા માટે ચપટી ઝેર ચાલે, પણ જિંદગીને જીવવા માટે ઘણા બધા ઝેરની જરૂર પડે. પણ આતો લાભની વાત છે. લાભ મળતો હોય તો વાઈફ તો ઠીક, કાગળ ઉપર મા-બાપ પણ બદલી નાંખે. માણસમાં ભાવ પણ હોય ને દુર્ભાવના છાંટા પણ હોય. જેવો જેનો સ્વભાવ..! બધાં જ માણસ કંઈ પોતાની ધરી ઉપર ફરતાં ના હોય ? અમુક તો, કોઈની હથેળી ઉપર પણ ચક્કર કાપીને તમ્મર ખાતા હોય. હરિશ્ચંદ્ર નામ રાખવાથી સત્યવાદી રાજા હરીશચંદ્ર થવાતું હોય તો, ઘરે ઘરે ટીવીની માફક રાજા હરીશચંદ્ર નીકળે. એ માટે સ્વયં સંકલ્પ જોઈએ, સાધના જોઈએ, ને સિમેન્ટ જેવું મજબુત મનોબળ જોઈએ. ઉત્તમભાઈ, ઉત્તમ બની શકે. બાકી ગૌતમ બુદ્ધ બનવા માટે તો મહાત્યાગની ભાવના જોઈએ. બોલો, હાઆઆઆ..! માણસ કોઈ નવરાત્રીની માતાજીની માટલી નથી કે, એમાં છિદ્રો પાડીએ તો જ નવરાત્રી આવે. અમુક તો સ્વયંભુ છિદ્રિત જ હોય. લાગ મળે ત્યારે સમય પ્રમાણે એની મૌજ લુંટતો જ હોય. અમુકને વૃક્ષ નીચે સુવાડો, તો પણ ઊંઘી જાય, ને સોનાના ઢોલીયા ઉપર સુવાડો તો ઊંઘની ગોળીઓ ભભરાવીએ તો પણ ઊંઘ ભાગે. આવા લોકો આઈફોન ૧૧ ના ખોખા જેવાં હોય, ખોલીએ ત્યારે ખબર પડે કે આ તો અંદરથી ૩૩૧૦ નું ડબલું છે..!

માણસ છે ભાઈ...! અમુક બહારથી હિમાલય જેવા હોય, ને અંદરથી લ્હાયમાં ભભૂકતો હોય. કોઈના પ્રસન્ન ચહેરા જોઇને અંદાજ નહિ બંધાય, બહારથી સુંદર લાગતું નાળીયેર અંદરથી બગડેલું પણ હોય. આવા વાયરસ આજનાં નથી, આદિમથી ચાલી આવે. પૃથ્વી ઉપરથી ડાયનોસોર નાબુદ થયા, પણ મેલા મનના માનવી હજી આપણી સાથે મોર્નિંગ વોક કરે છે. અગન બલેળાઓની તો દાનત જ એવી હોય કે, ફલાણો ક્યારે મારા સાણસામાં આવે, ને હું ભીન્નાવી દઉં...! ત્યારે તો એમ જ થાય કે, કુતરાઓને પાળવા સારા, પણ આવા અદેખાઓના ગળે પટો બાંધીને રોટલા નાંખવા ઠીક નહિ, એને પોતીકો ક્યારેય નહિ મનાય. આવાં લોકો શ્વાસમાં આપણું લોહી ખેંચે, ને ઉચ્છવાસમાં વાસ જ કાઢે...!

એક ભાઈ હાથમાં બરફનો ટુકડો લઈને ચૌટે ઉભેલો. ­­­­­­­­­­­­­મેં કહ્યું,’ યાર....ચૌટે ઉભો રહીને બરફ સામે શું જોયા કરે છે..? તારે લીધે ટ્રાફિક કેટલો જામ થાય છે એ તો જો..?’ મને કહે, ‘ ડોન્ટ ડીસ્ટર્બ મી...! આ બરફ ક્યાંથી લીકેજ થાય છે, એનું સંશોધન કરું છું..! “ એના કપાળમાં કાંદા ફોડું, આવાને ‘કોરોનો’ અડે..? એવું કહેવું પડે કે,

કુંડળી તો માણસની હતી વ્યવહારે એ પશુ બની ગયો

પશુના રવાડે ચઢ્યો ને એક દિવસ માણસ બની ગયો

માણસ જીવે છે, ધબકે છે, ખમકે છે, ને કોરોનો સામે લડે પણ છે. ફાવ્યું ત્યાં ફિરંગી, ને નહિ ફાવ્યું તો નવરંગી..! બાપ્પા સીત્તારામ...! લગનની સળગતી ચોળી સામે કોડબંધાએ ભલે સાત ભવ સાથે રહેવાના સોગંદ લીધા હોય, છતાં છેડો ફાડીને વાઈફ સાથે મોડબંધો ક્યારે નેતાની માફક. અલગ થાય એ નક્કી નહિ..! લગન વેળા જોવડાવેલા બધાં ગુણાંક ચપટીમાં ઊંધા પાડી.! આ વાત ભલે, પાટલી બદલુ નેતાઓને મળતી આવતી હોય છતાં, વાત એમની નથી. આ તો સામાજિક ચેતનાની કહાણી છે. ધોળું એટલું દૂધ ભલે લાગે, ક્યારેક ખાટી છાશ પણ નીકળે..! બાકી વાઈફને રઝળતી મુકીને જતા રહે તો, અર્ધાંગની બિચારી તંબુરો વગાડીને ક્યાંય સુધી રાડો જ પાડતી રહે કે, “ છોડી મત જા મને એકલી રે વણજારા..!” ભરોસાની જ ભેંસ પાડો જણે એમાં ગોવાળીયાઓને કેમનો દોષ દેવાય..? તારો ભરોસો મને ભારી રે..કહીને પલાંઠીવાળીને બેઠી હોય, એને પછી પિયરીયા પણ કેમના સંગ્રહે..! નહિ આમના નહિ તેમના પછી પાકટ વયે રહે કેમના..?

અમારા જમાનામાં તો પરણ્યા ત્યારે સારામાં સારી હોટલ એટલે ‘રામ વિલાસ હિંદુ હોટલ..!’ કોઈ ઝાંપા સુધી પણ મુકવા નહિ આવતું. ત્યારે નેતાઓ કુળ બદલવાના થાય તો, પ્લેનમાં ને પ્લેનમાં ઉપાડી જાય. ખુદા દેતા હૈ તો, છપ્પર ફાડકે દેતા હૈ..! પતિદેવોના નસીબમાં આવી જાહોજલાલી ક્યાંથી હોય મામૂ..? જો કે, એમના જેવી હિમત પણ જોઈએ. ઘરમાં કોઈ ટીવીની ચેનલ નહિ બદલવા દે, એને શું વાઈફ બદલવા દે..? નેતાઓને ભલે કાળા ટપકાની કીમત ના હોય, બાકી ચપટી સિંદુરકી કીમત ક્યા હૈ, એની સમજ તો દરેકને સમજાય..! ભલે એક ઝાટકે સાપ કાંચળી ઉતારે. એમ ખેસ બદલી નાંખે, પણ પતિઓ પાનેતરનો છેડો ફેંકીને વાઈફ બદલી શકતા નથી...! ને કરવા ગયા તો બરફ ગોળો પણ અગન ગોળો લાગવા માંડે. પરિવારની આખી પલટુન લગનનું આલ્બમ પકડીને પાછળ દોડે. માતાજીને ચુંદડી ચઢાવવા પદયાત્રા કાઢી હોય એમ તંબુરો પકડીને ગાતાં ગાતા પાછળ આવે કે, “ છોડી મત જા રે મને એકલી રે વણજારા, તમે રહી જાઓ આજની રાત રે વણજારા..! “ જો કે, પતિમાં પણ દમ જોઈએ. દમેલ પતિ હોય તો, પદયાત્રા નહિ કાઢે. જીવતા જીવત સ્મશાન યાત્રા જ કાઢે..! એમ પણ કહી દે, કે તેલ લેવા જાય..! તું નહિ તો ઔર સહી,,ઔર નહિ તો ઔર સહી...! એ ગયા તો ભલે ગયા, આપણે તો રહ્યા..! બનાવ કંસારને જલશા કરો જયંતીલાલ..!

---------------------------------------------------------------------------------------------------------------------