મિત્રતા-અનોખું બંધન Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા-અનોખું બંધન


કિઆ અને કોશા. એકબીજાના પર્યાય જ સમજી લો. બંનેની મિત્રતા ખૂબ જ જૂની. માનોને કે જ્યારથી મિત્રતા એટલે શું એ સમજતા થયા એટલે મિત્ર માટે બંનેને એકબીજાનો જ ચહેરો સામે આવે. એમાં પણ બંનેનું ઘર સામસામે એટલે બંને ઘર વચ્ચે સારો એવો ઘરોબો કેળવાયેલો. એમાં પણ વળી બંનેની ઉંમર પણ લગભગ સરખી એટલે આખો દિવસ કિઆ કોશાના ઘરે હોય કે કોશા કિઆના ઘરે. બંને જણ માત્ર સુવા જ પોતપોતાના ઘરે જતા બાકી જમતા પણ સાથે જ. બંને પરિવાર પણ એમ જ સમજતા કે ભગવાને એમને એકના બદલે બે દીકરી આપી છે. બંનેના ઘરે બંનેને એકસરખું જ વ્હાલ મળતું.

જોતજોતામાં એ શાળામાં જવા લાગ્યા. ત્યાં વળી સાથે જ તો. બંનેનો કલાસ એક અને બેન્ચ પણ એક જ. સવારે સાથે શાળાએ જાય ને બપોરે ઘરે આવે. સાંજે ટ્યુશનમાં પણ બંને સાથે જાય અને રાતે રમે પણ સાથે. આમને આમ સમય વીતતો ગયો ને બંનેએ જુવાનીમાં ડગ માંડ્યા. દેખાવમાં તો કિઆ ખૂબ જ સુંદર અને કોશા પણ એટલી જ નમણી. જોનારને પણ ઘડીક તો એમ થઈ જાય કે બેમાંથી કોને જોવું? બંને જણે પાછલો ઘટનાક્રમ જાળવતા કૉલેજમાં પણ એકસાથે જ એડમિશન લીધું.

કૉલેજ એટલે જાણે મુક્ત ગગનમાં વિહરવાનો સમય. કિઆ અને કોશા પણ આ સમયને ભરપૂર જીવી લેવા માંગતા હતા. કોલેજમાં એમનું ફ્રેન્ડસર્કલ પણ ખાસ્સું મોટું. બધા સાથે ભણે ને લહેર કરે. એમના સર્કલમાં ઘણાં બધાં છોકરાઓ પણ હતા. એમાં પણ કિઆન સાથે તો કિઆ અને કોશા બંનેને સારું એવું બનતું. કિઆન પણ સ્વભાવે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. અને કદાચ એની આ જ વાત પર કિઆ અને કોશા એનાથી આકર્ષિત થયા હતા.

હવે તો એમની કોલેજનું પણ છેલ્લું વર્ષ હતું. કિઆ મનોમન કિઆન ને ચાહતી હતી. આ વાત એણે કોશાને જણાવી. કોશાની સ્થિતિ તો આ વખતે ના રહેવાય ના સહેવાય જેવી હતી. પોતે પણ કિઆનને પસંદ તો પહેલી નજરથી જ કરતી હતી પણ પોતાના શરમાળ સ્વભાવના લીધે ક્યારે પણ કહી ના શકી. કિઆના મોઢે આ વાત સાંભળીને કોશાએ મનોમન એ બેઉની જિંદગીથી દુર જવાનો મક્કમ નિર્ધાર કરી લીધો.

કિઆએ પોતાના મનની વાત કિઆનને જણાવી. કિઆનને તો જાણે ભાવતું હતું ને વૈદ્યએ કીધું. એણે કિઆને તરત વાતમાં હામી પુરાવતાં કહ્યું, "જો આજે તું આ વાત ન કહેતી તો હું કહેવાનો જ હતો." કિઆ અને કિઆન બંને ખૂબ જ ખુશ હતા અને આ ખુશીની વાત એ કોશાને કીધા વગર કેમ રહે? એ બંને કોશાને આ વાત જણાવવા ખૂબ જ ઉત્સુક હતા. એમણે કોશાને આખી કોલેજમાં શોધી પણ એની ક્યાંય ભાળ ન મળી. છેવટે કિઆએ કિઆનને કહ્યું, "ખૂબ મોડું થઈ ગયું છે તો કદાચ એ ઘરે જતી રહી હશે." આમ તો કિઆ પણ જાણતી હતી કે કોશા ક્યારે પણ પોતાને જણાયા વગર ઘરે ના જાય પણ હવે આ વિચારવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. ભારે હૈયે એણે ઘરની વાટ પકડી.

કિઆ ઘરે પહોંચી અને તરત બેગ મૂકીને કોશાના ઘરે ગઈ. ઘરમાં લાઈટ બંધ હતી. ચારેબાજુ અંધારું જ હતું. કિઆએ સૌથી પહેલા લાઈટ ચાલુ કરી. લાઈટ ચાલુ થતાં જ કિઆના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એણે જોયું કે સામે પલંગમાં કોશાની લાશ હતી. એની ચીસ સાંભળી બધા દોડી આવ્યા ને જલ્દી એમ્બ્યુલન્સને બોલાવીને કોશાને દવાખાને લઈ ગયા. આ વાત જાણીને કિઆન પણ બધું કામ પડતું મુકીને દવાખાને પહોંચ્યો.

કોશાને ધીરેધીરે સારું થવા માંડ્યું. કિઆએ જ્યારે એના આ પગલાનું કારણ જાણ્યું તો ઘડીભર તો એને વિશ્વાસ જ ન આવ્યો. એ કોશા પાસે ગઈ અને અને એણે કોશાને સમજાઈ. કિઆને લાગ્યું કે એની વાતની અસર કોશા પર થાય છે. કોશા પણ ધીરેધીરે આ બધામાંથી બહાર આવી. એણે પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું.

આજે કિઆ અને કિઆનના લગ્ન છે. આ લગ્નની ખુશી જેટલી કિઆને નથી એટલી કોશાને છે. લગ્નની મોટા ભાગની તૈયારી એણે જ કરી છે. કિઆન અને કિઆ પાસે પણ માફી માંગી લીધી છે. કિઆ અને કિઆને પણ મોટું મન રાખીને કોશાને માફ કરી દીધી છે અને એમની દોસ્તી હજી પણ પેલા જેવી મહેક અકબંધ છે.