તારો ને મારો સંગ Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારો ને મારો સંગ

સાંજ ઢળી રહી છે. ઠંડો પવન સુસવાટા મારે છે. પવનના લીધે બારીના કાચ વારે ઘડીએ અથડાયા કરે છે. પણ રૂમમાં બેઠેલી રચનાને તો જાણે કંઈ ભાન જ નથી. ત્યાં જ રચિત હોસ્પિટલથી ઘરે આવીને રચનાની આ હાલત જોવે છે. રચના એમના લગ્નનો આલ્બમ લઈને બેઠી છે. એના વાળ પણ એણે પિંખી નાખ્યા છે. ઘરનો બધો સામાન પણ ટુટીને અહીંતહીં પડ્યો છે. રચિત ઝડપથી રચના પાસે આવે છે. જોયું તો એ રડતી જાય છે અને આલ્બમ ફાડતી જાય છે. રચિત એના ખભા પર હાથ મૂકીને એને બોલાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

રચના અને રચિત. પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા એમના. હતા તો એમના અરેન્જ મેરેજ. પણ બંને વચ્ચેનો પ્રેમ જોઈને તો કોઈ કહે જ નઈ કે એમના અરેન્જ મેરેજ છે. ઈશ્વરે જાણે એમને એકમેક માટે જ સર્જ્યા હતા. રચિત વ્યવસાયે ડેન્ટિસ્ટ હતો. પોતાની હોસ્પિટલ હતી. એને એ એની રાતદિવસ ની મહેનતથી બનાવી હતી. રચના એન્જીનીયર હતી. પણ એણે તો લગ્ન પહેલા જ રચિતને જણાવી દીધું હતું કે એ લગ્ન પછી નોકરી નહીં કરે. એને નવું શીખવાનો પહેલેથી ખૂબ જ શોખ. પણ પરિસ્થિતિના અભાવે એના કેટલાંય શોખ અધૂરા રહી ગયા હતા. લગ્ન પછી રચિત એના આ શોખને પ્રોત્સાહન આપતો. એમ પણ ઘરમાં એ બે જ હતા. રચિતના બા-બાપુ તો પહેલેથી જ ગામડામાં રહેતા હતા.

બંનેનું જીવન સારી રીતે ચાલતું. બંને એકબીજાને દરેક વાતમાં સમજવાનો પ્રયત્ન કરતા. માનોને કે એકબીજાના પૂરક બનીને જ જીવતા. એમાં પણ જ્યારે એક દિવસ ખબર પડી કે એ માં-બાપ બનવાના છે ત્યારથી તો એમની ખુશીનો કોઈ પાર જ ન હતો. જોતજોતામાં રચનાને સાતમો મહિનો બેઠો. એ હવે ડિલિવરી માટે એના પિયર જવાની હતી. રચિત તો આ સાંભળીને જ દુઃખી થઇને નાના બાળકની જેમ રડવા લાગ્યો. રચનાએ માંડ સમજાઈને શાંત કર્યો એને. બીજા દિવસે સવારે જ રચિત રચનાને એના પિયર મુકવા નીકળ્યો. હજી એમની ગાડીએ માંડ દસ કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં જ એમની ગાડીને એક ટ્રકે ટક્કર મારી. એ બંને તો બચી ગયા પણ રચનાના ગર્ભમાં ઉછરી રહેલું એમનું બાળક ના બચી શક્યું. અને આટલું જાણે ઓછું હોય ત્યાં જ ડોકટરે કહ્યું કે, "હવે ભવિષ્યમાં રચના ક્યારે પણ માં નહિ બની શકે". બંનેના માથા પર દુઃખનો ડુંગર ટૂટી પડ્યો. રચના આ આઘાત ના જીરવી શકી. એ તો પાગલ જ થઈ ગઈ અને એણે અધૂરામાં પુરી એની યાદશક્તિ પણ ગુમાવી દીધી. ડોકટરના કહેવા પ્રમાણે તો રચના સાથે આ આઘાતના લીધે બન્યું હોવાથી એના પર કોઈ દવા અસર કરે એમ ન હતી. ડોકટરે કહ્યું હતું કે, "રચિત એનું જેટલું ધ્યાન રાખશે અને એને પ્રેમ આપશે એટલી જ જલ્દી રચના સામાન્ય થશે".

હવે તો રચિતના માથે નોકરી અને રચનાની બેવડી જવાબદારી આવી પડી. જો કે રચિતે એનો પ્રેમથી સ્વીકાર કર્યો. એણે નક્કી કર્યું કે જ્યાં સુધી રચના સાજી ના થાય ત્યાં સુધી પોતે એની નાના બાળક ની જેમ જ સંભાળ રાખશે. એણે હવેથી હોસ્પિટલ રચનાને પણ લઈને જ જવાનું શરૂ કર્યું. ત્યાં રચના એની આંખો સામે જ રહેતી એટલે રચિતને થોડી રાહત હતી. આજે તો રવિવાર હતો. એટલે સવારથી બંને જણા ઘરે જ હતા. પણ બપોરે રચિતને હોસ્પિટલમાં જરૂરી કામ હોય ફોન આવ્યો. એણે રચનાને સાથે લઈ જવાની ઘણી કોશિશ કરી પણ રચના ના માની તે ના જ માની. આ બાજુ રચિતને ગયા વગર છૂટકો ન હતો. એ રચના કંઈ તોફાન કે આડુંઅવળું ન કરવાનું સમજાવીને હોસ્પિટલ ગયો અને જ્યારે પાછું આવીને જોયું તો આ હાલત હતી.

એણે રચનાને બીજીવાર બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો રચના બેભાન જ થઈ ગઈ. રચિત તરત એને હોસ્પિટલ લઈ ગયો. ડોકટરે ત્યાં કીધું કે,"અચાનક જ એણે બધું યાદ કરવાની કોશિશ કરી એના લીધે એના નાના મગજ પર ખૂબ જ અસર થઈ છે. જ્યાં સુધી હોશ ના આવે ત્યાં સુધી કંઈ કહી ના શકાય." એ આખી રાત રચિતે જાગતા જાગતા જ વિતાવી. બીજા દિવસે સવારે રચનાની આંગળીઓમાં હલચલ દેખાઈ. રચિતે તરત જ ડોકટરને બોલાવ્યા. ડોકટરે રચનાને તપાસીને કહ્યું કે, "હવે એ આ દુનિયામાં નથી". આ સાંભળીને રચિતને ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યો અને એ પણ નીકળી પડ્યો એની સંગીનીને સાથ આપવા.