સ્ત્રીશક્તિ Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રીશક્તિ

મિરાહી ખૂબ જ ખુશ હતી આજે. અને હોય પણ કેમ નહિ? આવતીકાલે એની મમ્મીનો જન્મદિવસ છે અને પોતે એની શાનદાર સરપ્રાઈઝ પાર્ટીના આયોજનમાં અઠવાડિયાથી મંડી પડી હતી તે આજે છેક તૈયારી પુરી થઈ હતી.

મિરાહીનો પરિવાર એટલે એની વ્હાલસોયી મમ્મી. પરિવારમાં માત્ર એ માં-દીકરી બે જ. એના પપ્પા તો એ માંડ એક વર્ષની હતી ત્યારે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે તો એની મમ્મીની ઉંમર પણ 25ની આજુબાજુ હશે. બધાએ બીજા લગ્ન માટે ખૂબ જ દબાણ કર્યું હતું એની મમ્મીને. પણ એની મમ્મીએ આ બધું છોડીને માત્ર એને જ પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવ્યું હતું. મિરાહી પોતે પણ જાણતી જ હતી કે મમ્મી માટે એ એનું બધું જ છે. એટલે જ પોતે સારી રીતે ભણીને ડોક્ટર બની અને જેવી એને નોકરી મળી કે તરત જ જીદ કરીને મમ્મીની નોકરી પણ એને છોડાવી દીધી અને મનોમન નક્કી પણ કરી લીધું કે પોતે પરણશે તો એવા યુવાન સાથે કે જે એની મમ્મી સાથે એને સ્વીકારે.

સાંજના સાત વાગવા આવ્યા હતા પણ દર્દી વધારે હતા અને વધારામાં પૂરું એ આવતીકાલે રજા પર હતી.એટલે એને મોડે સુધી એને હોસ્પિટલમાં રહ્યા વગર છૂટકો પણ ન હતો. એણે બને એટલી ઝડપથી બધા દર્દીને તપસ્યા તો પણ રાતના નવ તો વાગી જ ગયા. ફોન તપાસ્યો તો એને ખબર પડી કે અત્યાર સુધી એની મમ્મી પુરા 15 ફોન કરી ચુકી હતી. એણે તરત જ મમ્મીને કોલ કરીને જણાવ્યું કે પોતે હવે નીકળે જ છે. વાત પતાવીને એ નીચે પાર્કિંગમાં આવી અને એનું એકટીવા કાઢ્યું ને ચાલુ કરી ઘરની દિશામાં મારી મૂક્યું. આજે ઘરે પહોંચવાની જલ્દીમાં એણે શોર્ટકટ પસંદ કર્યો. આમ તો ક્યારે પણ એ રસ્તે ના જતી એ કેમ કે એ રસ્તો ખૂબ જ સુમસામ હતો. પણ આજે તો એને મમ્મીને મળવાની એટલી જલ્દી હતી કે એની એકટીવા આપોઆપ જ એ રસ્તે વળી ગયું. પણ હજી તો એ અડધે રસ્તે પણ નહોતી પહોંચી ને એનું એકટીવા બંધ થઈ ગયું. એ નીચે ઉતરી ને ફરી એકટીવા ચાલુ કરવાનો પ્રયત્ન કરવા લાગી. પણ આજે તો એકટીવા પણ જાણે એનાથી રિસાઈને બેઠું હોય એમ ચાલુ થવાનું નામ જ નહોતું લેતું. આખરે એ કંટાળી. આખરે એણે ચાલવાનું ચાલુ કર્યું અને એ વિસ્તાર અજાણ્યો હોવાથી એણે એકટીવાને પણ સાથે દોરવાનું જ નક્કી કર્યું.

એ ફટાફટ ચાલવા લાગી પણ સાથે એકટીવા પણ હોવાથી એ ઈચ્છવા છતાં પણ ઝડપ નહોતી કરી શકતી. હજી તો એ માંડ દસ ડગલાં પણ નઈ ચાલી હોય ત્યાં જ એને લુખ્ખાઓની ટોળકી દેખાઈ. એણે ચાલવાની ઝડપ વધારી. પેલા લુખ્ખાઓની ટોળકી પણ એની પાછળ આવવા લાગી અને આડુંઅવળું બોલવા લાગી. એની પાછળ જોવાની પણ હિંમત નહોતી. પણ હવે તો બોલ્યા વગર ચાલે એમ નહોતું કેમ કે એ હવે વધારે ને વધારે નજીક આવવા લાગ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એમાંના એકે મિરાહીનો દુપટ્ટો ખેંચી લીધો. ડરના લીધે એના મોઢામાંથી ચીસ જ નીકળી ગઈ. એ મદદ માટે બુમો પાડવા લાગી. પણ એ રસ્તામાં એની મદદ માટે આવે પણ કોણ? એણે આખરે એ લોકોને પોતાને છોડી દેવા વિનંતી કરી. પણ જો આવા લોકો કોઈની વિનંતી સાંભળતા હોય ને વિચારતા હોય તો ખબર નઈ કેટલીય છોકરીઓની જિંદગી બચી ગઈ હોય...!

આ બાજુ રાતનાં 12 વાગ્યા હોવા છતાંય મિરાહી ઘરે નહોતી પહોંચી. એના મમ્મીએ ફોન પણ કેટલાંય કર્યા પણ એનો ફોન પણ બંધ આવતો હતો. હવે એના મમ્મીની ધીરજ ખૂટી ગઈ હતી. એ ઘરેથી નીકળી સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. ત્યાં ફરિયાદ કરવા ગયા તો પોલીસ ફરિયાદ નોંધવા સિવાય બીજી બધી આડીઅવળી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતી. એમાંનાં કેટલાને પોતાની ફરજ થઈ વ્હાલી પોતાની ઊંઘ હતી તો કેટલાંયથી એમનો ફોન છૂટતો નહોતો. તો વળી એમાના કેટલાયને તો એય ભાન નહોતું કે એક સ્ત્રી સાથે કેવી રીતે વાત કરવી. અંતે એમાંનો એક બહુ મોટો ઉપકાર કરતો હોય એમ મિરાહીના મમ્મી પાસે આવ્યો ને ફરિયાદ લખવાની ચાલુ કરી. પણ એની પૂછતાછ કરવાની ઢબ પરથી લાગતું હતું કે એને ફરિયાદ લખવાની જગ્યાએ છોકરીની ઈજ્જત ઉતારવામાં વધારે રસ હતો. માંડ માંડ એના મમ્મીએ ફરિયાદ નોંધાયી ને પોલીસ સ્ટેશનમાંથી રડતાં રડતા બહાર આવ્યા.

એ મિરાહીની હોસ્પિટલ ગયા પણ ત્યાંથી તો એમને જાણવા મળ્યું કે મિરાહી ત્યાંથી તો 9 વાગ્યે નીકળી ગઈ હતી. એના મમ્મી ત્યાંથી પણ વિલે મોઢે બહાર નીકળ્યા. હવે એના મમ્મીએ કોઈની મદદ વગર જાતે જ મિરાહીને શોધવાનું નક્કી કર્યું. એ હોસ્પિટલથી એમના ઘરના રસ્તા પર ચાલતા ગયા અને મિરાહીના નામની બુમો પાડતા હતા. આજુબાજુ કોઈ દેખાય તો એમને પણ મિરાહીનો ફોટો બતાવતા હતા ને તપાસ કરતા હતા. આમને આમ જ ઘર આવી ગયું પણ મિરાહીની કશી જ ખબર ના મળી. હવે તો એમની હિંમતે પણ જવાબ આપી દીધો હતો. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ત્યાં જ એમના મગજમાં પેલો શોર્ટકટ રસ્તો આવ્યો. એમણે વિચાર્યું કે અહીં આવી રીતે બેસી રહેવા કરતા એકવાર ત્યાં પણ જોઈ લેવું જોઈએ. એ લગભગ દોડતા દોડતા ત્યાં પહોંચ્યા.

એ રસ્તો આખો બિહામણો ભાસતો હતો. ત્યાં માણસ તો દૂર કોઈ કૂતરાં પણ નહોતા દેખાતા. એ આગળ વધતા જાય ને મિરાહીના નામની બુમો પાડતા જાય. અચાનક જ ચાલતાં ચાલતાં એમના પગને ઠોકર વાગી. નીચે જોયું તો બીજું કંઈ નઈ પણ મિરાહીની લાશ પડી હતી. મિરાહીના મમ્મીથી એક રાડ નીકળી ગઈ. એ બેભાન થઈ પડી ગયા. જ્યારે હોશ આવ્યો અને જોયું તો બાજુમાં જ એમની દીકરીની લાશ દેખાઈ. લાશ ચીંથરેહાલ અવસ્થામાં હતી. લાશ જોઈને જ સમજાઈ ગયું કે એની સાથે શું બન્યું હશે.થોડીવાર માટે તો એમને કંઈ સમજાયું જ નહીં કે એકાએક આ બધું શું બની ગયું. સવાર સુધી એ ત્યાં જ બેસી રહ્યા. સવાર થતા રસ્તા પર થોડી ચહેલપહેલ વર્તાઈ. એમાંના થોડાં ભલા કહેવાતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ આવી અને લાશનો કબ્જો લીધો. મિરાહીના મમ્મીની પૂછતાછ શરૂ કરી પણ એમને તો હોશ જ નહોતો. એમણે પોલીસના એક પણ સવાલના જવાબ ન આપ્યાં.

એ ઘરે આવ્યા. મનોમન નક્કી કર્યું કે મિરાહી સાથે જેણે એ ક્રુરતાભર્યું કૃત્ય કર્યું છે એને એ મોતના ખોળામાં સુવાડીને જ જંપશે. જાણે કંઈક નક્કી કરી લીધું હોય એમ એ બજારમાં ગયા. એક મોટો બાટલો ભરી એસિડ ખરીદ્યું. અને રાત પડવાની રાહ જોવા લાગ્યા. રાત પડતાં જ એ તૈયાર થયા. સાથે એક મોટું ચપ્પુ લીધું ને જ્યાં એમને મિરાહીની લાશ મળી હતી એ જ રસ્તા પર ગયા. એ એકદમ ધીમી ગતિએ ચાલતા હતા. આસપાસની બધી જ વસ્તુઓનું નિરીક્ષણ કરતા હતા ત્યાં જ એમને અવાજ સાંભળ્યો પાંચ-છ જણાનો. એમની વાતચીત પરથી મિરાહીના મમ્મીને ખબર પડી જ ગઈ કે આ લોકો બીજા કોઈ નઈ પણ એ જ છે જેના લીધે પોતાની લાડલી આજે પોતાની પાસે નથી. એમણે દુપટ્ટા વડે બરાબર રીતે પોતાનો ચહેરો ઢાંકયો. અને એસિડનો બાટલો ખોલીને પેલા હેવાનો ઉપર રેડી દીધો. એ લોકોએ ઘણી ચીસાચીસ કરી પણ ત્યાં એમને બચવવાવાળું કોઈ નહોતું. અચાનક હુમલાથી એ લોકોને પોતાના રક્ષણનો પણ મોકો ના મળ્યો. અને શરીર પર એસિડના લીધે એટલી બળતરા થતી હતી કે એ લોકો કંઈ જ કરી શકે એમ ન હતા. મિરાહીના મમ્મીએ ચહેરો ખોલ્યો અને ત્યાં જ જોર જોરથી હસવા લાગ્યા. ક્યાંય સુધી એ હસતા જ રહ્યા. એમના મોઢા પર એમની લાડલીને ન્યાય અપાવ્યાનો સંતોષ ઝળકતો હતો.

ફરી સવાર પડી અને ફરી પેલા ભલા લોકોએ પોલીસ બોલાવી. આ વખતે પણ પોલીસે લાશનો કબ્જો મેળવ્યો અને મિરાહીના મમ્મીને લઈ ગયા પોલીસ સ્ટેશન. આ વખતે પણ મિરાહીના મમ્મી કંઈ જ ન બોલ્યા. એમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. જજની સામે મિરાહીના મમ્મીએ બધી જ વાત કીધી. શું લાગે છે તમને કે મિરાહીના મમ્મીને સજા મળવી જોઈએ?અને હા તો શું સજા મળવી જોઈએ?

મિત્રો, આ એક વાર્તા છે એટલે એનો અંત આટલો સહેલો છે. પણ ખરી જિંદગીમાં આવું નથી થતું. ખરી જિંદગીમાં તો કેટલા કોર્ટ-કચેરીના ધક્કા પછી પણ ન્યાય દુર્લભ હોય છે. જે પુરુષ એવું સમજે છે ને કે સ્ત્રી નિર્બળ છે એને જન્મ લેવાનો જ કોઈ અધિકાર નથી. પીડાને માપવાનો એકમ ડેલ છે અને વિજ્ઞાનના મત પ્રમાણે મનુષ્ય 45 ડેલથી વધુ પીડા સહન ના કરી શકે પણ એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ 57 ડેલની પીડા સહન કરે છે. એટલે જો સ્ત્રી નિર્બળ હોત તો આ દુનિયાનું અસ્તિત્વ જ ન હોત. અને એમ જ તો ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી નઈ કહેવાયું હોય ને???....