Badlaav books and stories free download online pdf in Gujarati

બદલાવ


આજે સવારે હજી તો સાત વાગ્યા ત્યાં જ નવ્યાબેને એમના લાડલા રાજકુમાર કલાપને ઉઠાડી દીધો. બપોરના બાર વાગ્યા સિવાય ન ઉઠનાર કલાપને પણ આજે કમને ઉઠવું પડ્યું. નવ્યાબેન ઝડપથી એક પછી એક આદેશો આપતા હતા. ઘરના નોકરચાકર પણ આજના દિવસનું મહત્વ સમજીને બધું કામ જલ્દી આટોપતા હતા. કલાપના પપ્પા રાહુલભાઈ કે જેમને ક્યારે પણ એમના ધંધામાંથી ફુરસદ નહોતી એ પણ આજે ઘરે જ હતા. રાહુલભાઈને પોતાની પ્લાસ્ટિકની ફેકટરી હતી. આ ફેક્ટરી એમના માટે એમનું બીજું સંતાન જ હતી કે જેને એમણે સ્વબળે ઉભી કરી હતી. આજે બજારમાં કોઠારી ઈન્ડસ્ટ્રીનું જે નામ હતું એ રાહુલભાઈને જ આભારી હતું. રાહુલભાઈનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. પૈસાના અભાવે એમણે એમની ઘણી ઈચ્છા મારી હતી. પોતાના દિકરા કલાપને આનાથી વિરુદ્ધ એમણે ક્યારે પણ કોઈ જ ચીજવસ્તુની કમી નહોતી થવા દીધી. એ જેટલું માંગતો એના કરતાં ઘણું વધારે આપતા એને રાહુલભાઈ. આજના દિવસની રજા પણ એમણે એમના દિકરા કલાપ માટે જ લીધી હતી. આજે કલાપને જોવા છોકરીવાળા આવવાના હતા.

કલાપ દેખાવે તો કોઈ અભિનેતાને પણ પાછળ પાડે એવો સોહામણો હતો. સ્વભાવ સારો તો નહિ પણ પિતાના પૈસાનું પ્રદર્શન કરે એવો ઘમંડી હતો. પચ્ચીસ વર્ષનો થયો હોવા છતાં આજ સુધી એણે પોતાની મહેનતનો એક રૂપિયો પણ નહોતો કમાયો. નવ્યાબેન પણ નાનો છે કહીને આવી વાતો ટાળી દેતા.. કલાપનો આખો દિવસ મિત્રો સાથે પાર્ટી કરીને બાપના પૈસા ઉડાવવામાં જતો. રાહુલભાઈ ઘણીવાર કલાપને સમજાવવાની કોશિશ કરતા પણ સમજે તો કલાપ શાનો?

નવ્યાબેનની આતુરતાનો અંત આવ્યો. છોકરીવાળા આવી ગયા. છોકરીના મમ્મી ભાવિષાબેન અને પપ્પા નિરવભાઈને નવ્યાબેને આવકાર્યા. છોકરી કૈરવી દેખાવે ઘણી સુંદર હતી. એના વર્તન પરથી એ સંસ્કારી પણ લાગતી હતી. રાહુલભાઈ અને નવ્યાબેને તો મનોમન જ કૈરવીને ભાવિ પુત્રવધુ તરીકે સ્વીકારી લીધી. ભાવિષાબેન અને નિરવભાઈની બોલચાલ પરથી એમને પણ આ સંબંધ મંજુર હોય એમ લાગતું હતું. થોડીવાર પછી કલાપ કૈરવીને પોતાના રૂમમાં વાત કરવા લઈ ગયો. કૈરવીને કલાપના સ્વભાવનો અંદાજ તો આવી જ ગયો હતો છતાં એ મર્યાદાના કારણે ચૂપ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે કલાપે વાતવાતમાં કહ્યું કે, "તું તો ઘણી જ ખુશ હોઈશ નહિ? તને તો ટૂ બીએચકેના ફ્લેટમાંથી સીધું જ આવા બંગલામાં આવવા મળશે. છુટા હાથે પૈસા પણ ખર્ચવા મળશે અને..."કલાપ આગળ બોલવા જાય એ પેલા જ કૈરવીએ એને અટકાવ્યો. હવે એનું મગજ છટક્યું હતું. પોતાના અપમાન સમાન આ શબ્દો એ ન સાંભળી શકી. કૈરવીએ કલાપને કહ્યું, "ખરેખર...! તને લાગે છે કે તારા પૈસાના લીધે હું અહીંયા ઉભી છું? જો તું આવું વિચારતો હોય તો તું ખોટો છે. તું આટલો બધો જે પૈસાનો અહંકાર બતાવે છે એમાં તે પોતે કમાયેલો એક પણ રૂપિયો છે? બાપના પૈસે તો બધા વટનો કટકો જ હોય. જો તારામાં તાકાત હોય તો તું આ બધું જાતે કરીને બતાવ તો માનું." આમ બોલી ગુસ્સામાં લાલ કૈરવી રૂમમાંથી બહાર નીકળી ગઈ.

કૈરવી હોલમાં આવી. જોયું તો એના મમ્મીપપ્પા અને કલાપના મમ્મીપપ્પા ઘણા જ ખુશ લાગી રહ્યા હતા. બંને તરફથી જાણે સંબંધ પાક્કો જ કરવો હોય એમ લાગતું હતું. કૈરવી ભાવિષાબેન પાસે આવી અને બને એટલી સભ્યતાથી ઘરે જવા કહ્યું. નિરવભાઈને કૈરવીનું વર્તન અજુગતું લાગ્યું પણ કંઈક તો થયું જ હશે એમ માની રાહુલભાઈની રજા લઈ એ લોકો ત્યાંથી નીકળી ગયા. એ લોકોના ગયા પછી નવ્યાબેને કલાપ સાથે વાત કરવાની કોશિશ કરી તો ક્લાપે વાત જ ઉડાવી દીધી. આજે કલાપ આ બધું બન્યા પછી પહેલીવાર આખો દિવસ એના રૂમમાં ભરાઈ રહ્યો. એના સ્વભાવથી વિરુદ્ધ એ આખો દિવસ બહાર જ ન નીકળ્યો.

સવાર પડી. આજે તો રાહુલભાઈ ઘરેથી જલ્દી નીકળી ગયા. કલાપ પણ આજે જાતે જ વહેલો જાગી ગયો. તૈયાર થઈને એ રાહુલભાઈ પાસે ગયો. એ એમને પગે લાગ્યો અને અત્યાર સુધીના એના વર્તન બદલ માફી માંગી. રાહુલભાઈ કલાપમાં આવેલા આ પરિવર્તનને જોઈને દંગ રહી ગયા. જાણ્યેઅજાણ્યે કલાપને કૈરવીની વાત હૃદયમાં વાગી હતી. એણે એની જાતે જ આજે કોઈની મદદ વિના એની લાયકાતને અનુકૂળ એવી મેનેજરની નોકરી શોધી. આ કરવામાં એને થોડી મુશ્કેલી પડી પણ એણે સારી કોલેજમાંથી એમબીએ કર્યું હોવાથી સારી નોકરી તો મળી જ ગઈ.

આમને આમ જ કલાપની નોકરીને એક મહિનો થઈ ગયો. આજે એના હાથમાં એની પહેલી નોકરીની કમાણી હાથમાં હતી. કલાપે એ બધા જ પૈસા નવ્યાબેનને આપી દીધા. રાહુલભાઈ અને નવ્યાબેન કલાપમાં આવેલો આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ હતા. ધીરેધીરે કલાપને એની નોકરીમાંથી મેનેજરનો સારો એવો અનુભવ મળી ગયો. હવે એણે નોકરી છોડી દીધી અને રાહુલભાઈને જ બિઝનેસમાં મદદ કરવા લાગ્યો. રાહુલભાઈએ પણ સમય પારખી નિવૃત્તિ લઈ લીધી અને આખો ધંધો કલાપના હાથમાં સોંપી દીધો. કલાપ પણ ધંધામાં રાહુલભાઈથી વધુ નફો કમાતો થઈ ગયો હતો. એમનો ધંધો આજે પહેલા કરતા પણ ઊંચા સ્થાને જઈ પહોંચ્યો હતો. આ બધા વચ્ચે પણ ઘણીવાર કલાપ ખૂબ જ ઉદાસ થઈ જતો. પોતાની આ ઉદાસીનું કારણ કોઈને ન જણાવતો. રાહુલભાઈને કારણ ખબર હતું પણ એ યોગ્ય સમયની રાહ જોતા હતા.

ડોરબેલ વાગી. ભાવિષાબેને દરવાજો ખોલ્યો. સામે નવ્યાબેન અને રાહુલભાઈ ઉભા હતા. ભાવિષાબેને એમની સરભરા કરી. એમને ચિંતા થવા લાગી કે આજે અચાનક બે વર્ષ પછી આ લોકો અહીંયા કેમ? ત્યાં તો કૈરવી પણ ઘરે આવી ગઈ. ફ્રેશ થઈને એ પણ બધા સાથે બેઠી. નવ્યાબેન અને રાહુલભાઈએ કૈરવીનો કલાપને સુધારવા બદલ આભાર માન્યો. કલાપમાં આવેલા બદલાવ વિશે જણાવ્યું અને એને પોતાના ઘરની વહુ બનવા વિનંતી કરી. આ સાંભળી ભાવિષાબેનના મોઢા પર તો ચમક આવી ગઈ. કૈરવી પાસે પણ આ વખતે ના પાડવાનું કોઈ કારણ નહોતું. એણે પણ ખુશીથી વાતમાં હામી ભરી. કલાપને સરપ્રાઈઝ આપવા નવ્યાબેને કૈરવીને એમની સાથે આવવા કહ્યું. કૈરવીએ ભાવિષાબેન સામે જોયું. એમની રજા લઈ એ તૈયાર થઈ.

રાત થતા કલાપ ઘરે આવ્યો. કૈરવીને જોઈને એ ખુશ થયો. નવ્યાબેન પાસેથી જ્યારે એણે આખી વાત જાણી ત્યારે તો એ ખુશીથી પાગલ થઈ ગયો. આ જોઈને કૈરવી પણ હસી પડી. થોડા સમય પછી કલાપ અને કૈરવીને લગ્ન લેવાયા. આજે નવ્યાબેનને ખરા અર્થમાં પોતાનો પરિવાર પૂર્ણ થયો એમ લાગ્યું.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED