એકલતા-પ્રેમનો એહસાસ Priyanka Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકલતા-પ્રેમનો એહસાસ

સાંજ થાય ગઈ હતી. સુરજ પોતાની રોશની સમેટવામાં હતો. રસ્તા પર ખૂબ જ ટ્રાફિક હતો.બધાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. આટલા બધા ઘોંઘાટ વચ્ચે પણ ઋત્વિકા બસની વિન્ડો સીટમાંથી શાંતિથી બધા ને નિહાળી રહી હતી. તે વિચારી રહી હતી કે "બધા ને કેટલી ઉતાવળ છે ઘરે જવાની કેમ કે બધા પાસે કોઈ એવું છે જે એમની રાહ જોવે છે, ચિંતા કરે છે. અને પોતે....". આ બધા વિચારો વચ્ચે એનું સ્ટોપ આવ્યું. એ બસમાંથી ઉતરીને યંત્રવત પોતાના ઘર તરફ ચાલવા લાગી. જો કે હવે તો ક્યાં એ ઘર રહ્યું જ હતું?? બસ એ ઘર હવે મકાન બનીને રહી ગયું હતું.

ઘરે પહોંચતા તો એ હાંફી ગઈ. સોફા પાર લંબાવ્યું અને સાથે જ મનમાં વિચારોનો વંટોળ ચાલુ થયો. એણે અને મલયએ કેટલા અરમાનોથી લીધું હતું આ ઘર. આ ઘર જ એમના મિલન અને વિરહ નું એકમાત્ર સાક્ષી હતું. રોજે સાંજે પોતે અને મલય સાથે આવતા નોકરી પરથી. સાથે જ જમવાનું બનાવતા અને જમતા. મલય એના ના પાડવા છતાં દરેક કામમાં એની મદદ કરતો. એ કહેતો કે "જો તું કમાય શકે તો હું કેમ ઘરકામ ના કરી શકું?" અને એ જવાબ એ જ મારકણું સ્મિત આપતી અને કહેતી કે"તું જ મને બગાડે છે" તો સામે એ પણ આંખ મારતા જવાબ આપતો કે "મને તો તું બગડેલી જ ગમે છે."

એ અને મલય કોલેજમાં સાથે ભણતા. મલય ઋત્વિકા નો સિનિયર હતો. બંને જણા ભણવામાં અવ્વલ. એમની મુલાકાત પણ લાઈબ્રેરી માં જ તો થઈ હતી. મલય દેખાવ માં તો સામાન્ય પણ એના સ્વભાવથી ભલભલના હૃદય જીતી લે એવો. કદાચ આ જ કારણથી એ બધે જ પ્રિય થઈ પડતો. તો આ બાજુ ઋત્વિકાનું વ્યક્તિત્વ હતું જ એવું કે કોઈ પણ અંજાય જાય. પછી તો શું?? મલયને તો ઋત્વિકા પહેલી જ નજરમાં ગમી ગઈ. પછી તો મલય એને મળવાના જાતજાતના બહાના શોધતો રહેતો. પોતે બાઈક લઈને કોલેજ આવતો હતો એની જગ્યાએ બસ માં આવવા-જવાનું ચાલુ કરી દીધું. ઋત્વિકા સાથે વધુ સમય વિતાવવા મળે એટલે જ તો. થોડા દિવસ માં તો બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ. પછી તો જ્યાં જોવો ત્યાં બંને સાથે જ જોવા મળે. ઋત્વિકાએ પણ હવે તો બસ છોડીને મલય સાથે બાઈકમાં જ કોલેજ આવવા-જવાનું ચાલુ કરી દીધું. પછી તો ઘણીવાર બંને જ્યારે લેક્ચર ના હોય ત્યારે સાથે ફરવા પણ જતા.

આમ જ દિવસો ક્યાં વીત્યા અને મલયનું ભણવાનું પતી ગયું એ ખબર જ ના પડી. ભણવામાં સારો હોવા થી મલય કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ સિલેક્ટ થઈ ગયો અને એને સારા પગાર ની નોકરી મળી ગઈ. હવે મલય જોબ કરતો હોવા થી બંનેનું મળવાનું ઓછું થતું પણ પ્રેમ તો હવે પેલા કરતા પણ વધુ ગાઢ થઈ ગયો હતો. હવે તો બંને જણ ઋત્વિકાનું ભણવાનું પતે એની જ રાહ જોતા હતા. બંને એ નક્કી કર્યું હતું કે જેવું ઋત્વિકાનું ભણવાનું પતશે કે તરત જ બંને પોતાના ઘરનાને વાત કરી ને લગ્ન કરી લેશે.

સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે? જોતજોતામાં તો ઋત્વિકા નું પણ ભણવાનું પતી ગયું. બંને ને ખબર જ હતી કે ઘરના ને મનાવવા કંઈ સહેલા ન હતા. પણ બંનેએ આખી જિંદગી એકબીજા સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું. બંનેએ પોતપોતાનાં ઘરે વાત કરી. બંનેએ ધાર્યું હતું એમ જ પરિવાર ના માન્યો. બંનેએ ઘર છોડીને ભાગીને લગ્ન કરી લીધા. શરૂઆતનો સમય તો બંને માટે ખૂબ જ આકરો હતો. ભાગીને લગ્ન તો કર્યા પણ હવે રહેવું ક્યાં? બંને એ પહેલાં તો ભાડે મકાન રાખ્યું. પછી લૉન લઈને પોતાનો ફ્લેટ લીધો. પછી તો મલયને મદદરૂપ થવા એણે પણ નોકરી ચાલુ કરી. હોંશિયાર હોવાના લીધે તેઓને ઝડપથી પ્રમોશન પણ મળતા ગયા. પગાર પણ હવે તો છ આંકડામાં મળવા મંડ્યો હતો. એમની જિંદગી કોઈને પણ ઈર્ષા આવે એવી હતી.

સુખના દિવસો વીતતા ક્યાં વાર લાગે છે? ખબર નઈ એમની જિંદગીને કોની નજર લાગી ગઈ. શરૂમાં સવારે થતા ઝઘડા અને સાંજે એના આવતા મધુર અંત ની જગ્યા હવે અઠવાડિયા અને પંદર દિવસના ઝઘડાએ લઈ લીધી હતી. હવે તો બંનેને વાત કરવામાં પણ અહમ આડો આવવા લાગ્યો હતો. આખરે એક દિવસે મલયએ સામેથી જ ડિવોર્સની વાત કરી. અને જાણે ઋત્વિકા તો આની જ રાહ જોઇને બેઠી હોય એમ તરત જ એની વાત સાથે સહમત થાય ગઈ. એ રાત મલયની છેલ્લી રાત હતી આ ઘરમાં. બીજા દિવસે સવાર પડતા જ મલય ઘર છોડીને ચાલ્યો ગયો. એ પછી ન તો ઋત્વિકાએ મલય નો સંપર્ક કર્યો કે ન તો મલયએ ઋત્વિકાનો. અને બસ ત્યારથી જ એની જિંદગી જિંદગી નઈ પણ એક ઘરેડ જ બની ગઈ હતી. રોજ સવારે ઉઠીને ઘરનું કામ પતાવીને નોકરી જવાનું. અને ઘરે આવીને ફરી પાછું એ જ. અરે મલયના ગયા પછી તો એને એના જમવાનું ભાન પણ ન હતું. ઈચ્છા તો ઘણીવાર થઈ કે મલય સાથે વાત કરે અને એને માનવીને ઘરે પાછો લાવે. પણ એવું થાય તો એનો અહમ ના ઘવાય??

આ બાજુ મલય પણ ઋત્વિકા થઈ દૂર થઈને ખુશ ન હતો. એને પણ એની ઘણી જ યાદ આવતી. એ ખૂબ જ પ્રયત્ન કરતો કે એ પોતાની જાતને એટલી વ્યસ્ત રાખે કે એની પાસે ઋત્વિકાને યાદ કરવા સમય જ ન રહે. પણ જો જિંદગી માં બધું આપણે વિચારીએ એમ જ થાય તો એ જિંદગી શાની?? એ પોતે તો પળ પળ મરી રહ્યો હતો ઋત્વિકાની યાદમાં. પેલા તો ટીપટોપ રહેનારો એ હવે લઘરવઘર થઈને ફરતો હતો. ઘરમાં તો જાણે કોઈ વસ્તુ નું ઠેકાણું જ ન હતું. બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. કોણ જાણે એણે છેલ્લે ક્યારે ઘરે જમ્યું હતું?? પણ એ જમતો પણ ક્યાં હતો હોવી સમયસર. ઋત્વિકા જ તો હતી જ એનું ધ્યાન રાખતી. પણ હવે તો એ હતી નઈ.

આખરે હવે તો મલયએ ઋત્વિકા પાસે જવાનું નક્કી કરી જ લીધું. પહોંચી ગયો એ ફરી એમના કહેવાતા ઘરમાં. ડોરબેલ વાગી. ઋત્વિકા એ દરવાજો ખોલ્યો. એને ઘડીભર તો વિશ્વાસ જ ન થયો. મલય ઘરમાં આવ્યો. જોયું તો બધું એમ જ પડ્યું હતું જેવું એ એક વર્ષ પહેલાં મૂકીને ગયો હતો. ત્યાં જ ઋત્વિકા પાણી લઈને આવી. મલયે પાણી પીધું. ઋત્વિકા એની સામે બેઠી. એકેયમાં વાત શરૂ કરવાની હિંમત ન હતી. બંને કંઈ ન બોલ્યા. બસ બંનેની આંખો જ વહેતી રહી. કંઈ બોલ્યા વગર જ ઘણું બધું કહેવાય ગયું અને સમજાય ગયું. અને ફરી આ મકાન ઘર બની ગયું.