અનાયા ગુસ્સામાં એના રૂમમાં આવી અને દરવાજો જોરથી પછાડીને બંધ કરી દીધો. આજે ફરી સવાર સવારમાં એની મમ્મી લગ્નની રામાયણ વાંચવા બેસી ગઈ હતી. એને હજારવાર એની મમ્મીને લગ્ન માટે ના પાડી હશે પણ એની મમ્મી તો એ વાત છોડતી જ ન હતી.અનાયાના મનમાં એના મમ્મી-પપ્પાનું લગ્નજીવન જોઈને એ વાત ઘર કરી ગઈ હતી કે છોકરા માટે લગ્ન એટલે જલસા અને છોકરી માટે લગ્ન એટલે માત્રને માત્ર સમર્પણ.
અનાયાના મમ્મી-પપ્પા એટલે વિશાખાબેન અને પર્ણવભાઈ. આમ તો એ બંનેના લવમેરેજ હતા પણ પર્ણવભાઈના મમ્મી-પપ્પા ભારે રૂઢિચુસ્ત. એથી જ તો એની મમ્મી સીએ હોવા છતાં એ લોકોની ખુશી માટે નોકરી ના કરતા ઘરમાં જ હાઉસવાઈફ બનીને રહેતી. તો આ બાજુ પર્ણવભાઈને પોતાનો બિઝનેસ હોવાથી એ વિશાખાબેનને પૂરતો સમય ન આપી શકતા. લગ્નજીવનની શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ બે વર્ષમાં તો વિશાખાબેન કંટાળી ગયા. એ પર્ણવભાઈના માતા-પિતાને મનાવવા ગમે એટલું કરે છતાં પણ એમને ક્યાંક ને ક્યાંય કશું ખૂટતું જ હોય. એ બંને આખો દિવસ વિશાખાબેનને મહેણાં મારવામાંથી નવરાં જ ના પડે. એમાં પણ જ્યારે એ બંનેના લગ્નના ત્રણ વર્ષ પછી જ્યારે અનાયાનો એમના જીવનમાં પ્રવેશ થયો પછી તો એ લોકોનો ત્રાસ વધી જ ગયો હતો. એમને તો એમના કુળને દીપાવનાર કુલદીપક જોઈતો હતો ને અનાયાનો જન્મ થયો. પછી તો એ લોકો ઘણું બધું ન સંભળાવવાનું પણ વિશાખાબેનને બોલતા હતા. આખરે એક દિવસ આ બધાથી કંટાળી વિશાખાબેન અનાયાને લઈને અલગ રહેવા ચાલ્યા ગયા.
એ પછી પર્ણવભાઈ દરરોજ એ માં-દીકરીને મળવા આવતા ને જરૂર મુજબના પૈસા આપી જતા. અનાયા ઉપર તો એ ખૂબ જ વ્હાલ વરસાવતા. વિશાખાબેને પણ હવે એમના જીવન સાથે સમાધાન કરીને એમનું સંપૂર્ણ ધ્યાન અનાયાને ઉછેરવામાં પરોવી દીધું હતું. પણ હવે હમેશાં હસતા રહેતા વિશાખાબેનના મોઢા ઉપર ભાગ્યે જ હાસ્ય જોવા મળતું. એ બંને પતિપત્નીના સંબંધમાં પણ હવે પહેલા જેવી ઉષ્મા ન હતી. બંને જણ માત્ર અનાયાના લીધે જ જોડાયેલા હતા. આ બધાં વચ્ચે મોટી થઈ રહેલી અનાયાએ બાળપણથી જ પોતાની મમ્મીની હાલત જોઈ હતી.
અનાયાએ આથી વિચારી લીધું હતું કે પોતે પગભર છે અને એટલે જ હવે એ લગ્ન કરીને પોતાનું જીવન એની મમ્મી જેવું નહિ થવા દે. એ જ દિવસે સાંજે એના પપ્પા પર્ણવભાઈએ પણ અનાયાને સમજાવવાની કોશિષ કરી. આમ પણ એ બંને વચ્ચે બાપદીકરી કરતા મિત્રતાનો સંબંધ વધારે હતો. આથી અનાયાએ શાંતિથી એના પપ્પાને પેટછૂટી વાત કરી. અનાયાની સાથે વાત કરવાથી એના પપ્પાને એમની ભૂલ સમજાઈ. પણ આ સમયે એમની ભૂલ સુધારવા કરતા વધારે જરૂરી અનાયાના વિચારોને સુધારવાના હતા. પર્ણવભાઈ મનોમન કશું નક્કી કરી ત્યાંથી નીકળ્યા.
પર્ણવભાઈના કહેવાથી વિશાખાબેન હવે લગ્નની વાતને લઈને મગજમારી ન કરતા. એથી અનાયા ખુશ હતી. એની ઓફિસમાં હમણાં જ અમય નામનો યુવાન એના બોસ તરીકે નવો ચૂંટાયો હતો. એનો બિન્દાસ સ્વભાવ અને ખુલ્લા વિચારો જોઈને અનાયા એની તરફ આકર્ષિત થઈ હતી. પણ કેમય કરીને એના મનમાંથી પેલી વાત ખસતી જ ન હતી. આથી એ પહેલાં કરવામાં સંકોચ અનુભવતી. એને પણ ખબર હતી કે આ આકર્ષણ માત્ર એના તરફથી જ ન હતું પણ સામે અમય પણ એને એટલું જ પસંદ કરતો હતો.
આજે તો સવારમાં જ અનાયા એના તૈયાર થવા પર ખાસ ધ્યાન આપી રહી હતી. એ જોઈને વિશાખાબેનને નવાઈ તો લાગી પણ કંઈ બોલ્યા નહિ. જ્યારે અનાયા ઘરેથી નીકળી ત્યારે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લ્યૂ ડેનિમ શોર્ટ્સમાં કોઈ હિરોઈનને પણ ટક્કર મારે એવી લાગતી હતી. આજે ઓફિસમાં રજા હતી પણ એના બોસે એટલે કે અમયે જરૂરી કામ છે કહીને એને બોલાવી હતી. અનાયા એટલી ડફોળ પણ ન હતી કે એને ખબર ન પડે કે કયું જરૂરી કામ છે અમયને. એ ઓફીસ પહોંચી ત્યારે અમય એની રાહ જોતો ત્યાં જ ઉભો હતો. અનાયાને જોતા જ ઘડીભર તો એ એની સામેથી પોતાની નજર જ ન હટાવી શક્યો. અનાયાએ જ્યારે ચપટી વગાડી ત્યારે ફરી એ વર્તમાનમાં આવ્યો અને અનાયાને બેસવાનું કીધું.
અનાયાએ જોયું તો અમયે એની આખી કેબીન ને ફુગ્ગા અને ગુલાબથી સજાયી હતી. હજી તો એ આ બધું જોતી જ હતી કે ત્યાં જ અમયે ઘૂંટણ પર બેસીને ડાયમંડ રિંગ કાઢી અનાયાને કહ્યું,"અનાયા આઈ લવ યુ. વુડ યુ લાઈક ટુ સ્પેન્ડ યોર હોલ લાઈફ વિથ મી? વિલ યુ મેરી મી?" ઘડીભર તો અનાયાને થઈ આવ્યું કે હા પાડીને પોતે હમેંશા માટે અમયની થઈ જાય પણ ત્યાં જ એને એની મમ્મીની હાલત યાદ આવી. એણે અમયને કહ્યું,"અમય આઈ લવ યુ ટુ બટ આઈ વોન્ટ ટુ ટેલ સમથિંગ." આગળ એણે કહ્યું,"અમય મારા માટે લગ્ન એટલે મારી જીંદગી જીવવાનો અંત નથી. લગ્ન પછી પણ હું મારી રીતે જ મારી જિંદગી જીવીશ જેવી રીતે અત્યારે જીવું છું એવી રીતે જ. અને મને અત્યારની જેમ જ કોઈ ખોટી રોકટોક અને મહેણાં પસંદ નથી કે મારા સપના પુરા નઈ થઈ જાય. ઘરના કામમાં પણ તું મને મદદ કરાવીશ અને ક્યારે પણ મને આગળ વધતા નઈ રોકે તું. જો તને આ બધું મંજુર હોય તો જ આપણે આગળ વધીશું". અમયે ખુશી-ખુશી એની વાતમાં હામી ભરી. ત્યાં જ પાછળથી પર્ણવભાઈ આવ્યા ને બોલ્યા,"ચલો મારી દીકરીને મારી પસંદ પસંદ આવી ગઈ." આ સાંભળીને અનાયાને કંઈ સમજાયું નઈ. ત્યાં જ વિશાખાબેન આવ્યા ને બોલ્યા,"અમયને અમે પહેલેથી જ ઓળખીએ છીએ અને આ બધો અમારો જ પ્લાન હતો."
આજે અમય અને અનાયા ખૂબ જ ખુશ હતા. બંને આજે હંમેશા માટે એક થવા જઈ રહ્યા હતાં. પણ આ લગ્નમાં દુલ્હનની વિદાય નહીં પરંતુ અમય હંમેશા માટે અનાયા પાસે એના ઘરે આવી રહ્યો હતો. અમયને એ વાતની ખુશી હતી કે હવે એને પણ અનાથાશ્રમની જગ્યાએ માંબાપનો પ્રેમ મળશે ને અનાયાને એ વાતની ખુશી હતી કે આજે એણે ખરા અર્થમાં આધુનિકતા સાકાર કરી હતી. આજે એકસાથે બે લગ્નજીવન ફરીથી મહેકી ઉઠ્યા.