panndu lilu ne rang raato books and stories free download online pdf in Gujarati

પાંદડું લીલુને રંગ રાતો..

આ વિસ્તારમાં અમે કલાકારો અને પત્રકારો જ રહીએ છીએ. શેરીઓ સાંકડી પણ શણગારી ફાંકડી. ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી.

હું પણ એ લોકો માંનો એક લેખક,કોલમનિસ્ટ છું.

અહીંના શેરીઓના અવનવા વળાંકો વચ્ચે કોઈ ચિત્રકાર ,કોઈ પત્રકાર,કોઈ વાર્તાકાર..ભાતીગળ કારકિર્દીના પણ એવા જ વળાંકો ધરાવતા

રહેવાસીઓ .સાદા અને ક્લાપ્રિય,આત્મીય.

ઘરોમાં પણ એવાં સાદાં પણ નવી જ કલ્પના દોડાવી બનાવરાવેલાં ફર્નિચર મળે.ભીંતો પર પણ મનભાવન ચિત્રો મળે. નાના બગીચાઓ પણ ખરા. કુંડાઓ માં ના ફુલછોડો નું રંગ આયોજન પણ રોચક. કહો મીની ગોકુળ.

અહીં જ એક સ્ટુડિયો ઉભો કરી મારી ચિત્રકાર અને કોઈ ચિત્રમાં થી ઉતરી આવી હોય એવી પત્ની કેનવાસ પર રંગો ભરે, હું કોલમો અને કથાઓ લખું. એના ટાઇટલ ચિત્રો બેશક મારી પત્નીના જ હોય.એ બીજી કથાઓ, કોલમો,જાહેરાતો માટે પણ અદભુત ચિત્રો આપેછે. અમે એક આવા કલા પ્રદર્શન માં જ મળેલાં. મેં એની લાઈફ સ્ટોરી લખી નાખી, એણે મારા કોરા કેનવાસ પર રંગ ભરી દીધા.અમારા અમારી અખબારી આવક માં આનંદ,સંતોષથી દિવસો જતા હતા.

અમારી વસાહતને કોણ જાણે, કાળ ની નજર લાગી ગઈ. ભૂંડો,કાળિયો, કાળ નો દુત અને પોતાના બરફ જેવા ઠંડા આંગળાઓથી એવા જ ઠંડા કલેજે હત્યા કરતો પિશાચ,જેને ડોક્ટરો ડેન્ગ્યુ કહે છે, એ અહીં તહીં આંટા ફેરા કરવા લાગ્યો. એને બે ચાર કુમળા શિશુઓને ભરખી જતાં સંતોષ ન થયો કે એ ક્રૂર રાક્ષસે મારી સહચરીના એ નાજુક ચિત્રાત્મક દેહ પર પણ પોતાનો રક્તરંજીત પંજો પ્રસાર્યો. હા, મારી વહાલસોયી ચિત્રકાર પત્ની ડેન્ગ્યુમાં સપડાઈ.

નજીકના ડોક્ટરને બોલાવ્યા. તેઓ સાથે હું અંદર બેડરૂમમાં ગયો. એમને મૂકીને બહાર મારુ લેખન કાર્ય આગળ ધપાવતો બેઠો. ડોક્ટરે એને તપાસી,વાતો કરી.તેણી ભાગ્યે જ હલન ચલન કરી શકતી હતી. પોતે ખુદ પેઇન્ટ કરેલા સાદા લોખંડ ના પલંગ ની બાજુઓ જાણે પાંખો હતી,ઓશિકા તરફ હંસ નું મોં બનાવી ચિતરેલું,નીચે પટ્ટીઓ પર વાદળ ની ભાત. જાણે આકાશમાં ઊડતી હોય તેવું. બે મિસાલ કલ્પના હતી તેની.પોતે જ બનાવેલા પલંગની.એમાં સુઈ,મને પણ સુવરાવી પોતાને પરી,મને રાજકુમાર બનાવી સ્વર્ગની સહેલ કરાવતી. પણ આજે તે માંડ આંખો ખોલી શકતી હતી,તાવમાં તરફડતી હતી. સતત ખાંસતી બેવડ વળી ગઈ હતી.

એને તપાસી થર્મોમીટર નો પારો છંટકોરતાં ડોક્ટરે મને પેસેજમાં બોલાવ્યો અને ધીમેથી મારા ખભે હાથ મૂકી કહ્યું “ દર્દ ઘણું આગળ વધી ગયું છે.એના બચવાના ચાન્સ દસ માં થી એક છે. અને મને લાગે છે કે આપની આ સુંદરીએ ઈશ્વર ના દરબાર ની અપ્સરા થવા મન મનાવી લીધું છે. એ આમ ચાલશે તો મેડિકલ સાયન્સ કંઈ જ ચમત્કાર કરી શકશે નહીં. એનું મન જ કોઈક રીતે જીવનનો મોહ છોડી રહ્યું છે.

એને મનમાં કોઈ મોટું દુઃખ, કોઈ અધુરી ઈચ્છા છે?”

“એને જીવનમા એકવાર શહેરનો કોઇ લેન્ડમાર્ક પેઇન્ટ કરવો છે જે સહુ જોઈ એને યાદ કરે.એના પ્રયત્નો એ દિશામાં ચાલુ છે પણ હજુ નિષ્ફળતાઓ જ મળે છે.”

“એવી મહત્વાકાંક્ષા તો મને ય છે. એ નહીં. જેમ કે તમારાથી કોઈ અસંતોષ, નિઃસંતાન હોવાનું દુઃખ, એવું”

“એને જ પૂછી જુઓ. આપને ખાતરી થશે કે એવું કઈં જ નથી.અમે બે એકમેકને સમજીએ છીએ, કારકિર્દીની આંટીઘૂંટીઓ સમજીએ છીએ અને એથી જ થોડા વર્ષ સંતાન થી સ્વેચ્છાએ દૂર રહીએ છીએ.”

“ઠીક.તો આને અતિશય નબળાઈ છે. હું મારા જ્ઞાન અને અનુભવ ને પુરી તાકાત થી કામે લગાવી દઉં છું.પણ જ્યાં દર્દી જ પોતાની સ્મશાનયાત્રા નું વર્ણન આંખો સમક્ષ જોવા લાગે ત્યારે મેડિકલ સાયન્સ ની શક્તિના પચાસ ટકા આ દસ ટકા માંથી પણ બાદ કરવા પડે. એ જો મને આવતા શિયાળે કઇ ફેશન ચાલતી હશે કે પોતાના હાથે કયું અમર ચિત્ર થશે એની વાત કહી શકે તો આ દસ ને બદલે પાંચ એ એક ચાન્સ એની જીવવાની શક્યતા.”

ડોક્ટર ફરી અંદર ગયા, એના ધાબળો ઓઢેલા રુજ્ઞ શરીરે હાથ ફેરવી કહ્યું “ જિંદગી ના મિલગી દોબારા, બેટા, આરામ લઈ સાજી થઈ જા. સારવાર માટે હું બેઠો છું બાર વર્ષનો.”

ડોક્ટર ગયા. એ બધું સાંભળી ચુકેલી. એ ઓશિકામાં પોતાનું મોં છુપાવી ચોધાર આંસુએ જોરથી રોઈ પડી. એટલું તો રોઈ કે જાડો નેપકીન પણ એ આંસુઓનો જલરાશી ઝીલી ટીસ્યુ પેપરનો લોન્દો બની જાય.

“ હું તમને એકલા મૂકી જઇ રહી છું. મને માફ કરો.મને રજા આપો. આ સામેની દીવાલ પરની વેલ ના પાંદડાં ખરવા લાગ્યાં અને હું બીમારી માં પટકાઈ. પાંદડાંઓ ખરે છે અને મને ઉપર થી સાદ આવે છે. બસ આ પીળાં પાંદડાંઓ ખરી જશે કે હું વિદાય લઈશ.”

“વિદાય? પંથ લાંબો છે. ઉભી થા. મારી સાથે ચાલ.” મેં પ્રેમ થી કહ્યું.

એ મુશ્કેલી થી ઉભી થઇ, મેં એને સહારો આપ્યો.એણૅ પોતાનું ડ્રોઈંગ બોર્ડ અને પીંછીઓ લીધી. એને પેન્સિલ થી પેપર પર કોઈ મેગેઝીન માટે ઇલસ્ટ્રેશન દોરવું શરૂ કર્યું. હું ધીમેથી બોલ્યો “યુવાન લેખકો ની વાર્તાઓ આપણી જેવા યુવાન ચિત્રકારો જ જીવંત બનાવી શકે.તારે પેલાં … મેગેઝીન માં ચિત્ર મોકલવાનું છે ને? કર શરૂ.”

ચાલો હુ પણ મારી વાર્તા પૂરી કરું. વાર્તા ને આકર્ષક બનાવવા એક ચિત્ર પણ મુકવું છે. પત્નીનું કામ અત્યારે નહીં. માંડ સુતી છે. એમાં મોડેલ મુકવા પૈસા પોષાય એમ નથી. ચિત્ર માટે મોડેલ... ઓહ, ઉપરવાળા પટેલ કાકા. બેસ્ટ. એ જ આ વાર્તાની સ્થિતિનું ચિત્રણ કરી શકશે. પ્રેસ થી તો ઘેર આવી ગયા હશે.

કદાચ ચિત્ર દોરતી પત્નીને હમણાં આવું છું કહેવા ગયો.

કેનવાસ એમ ને એમ થોડી રેખાઓ દોરેલો પડેલો. એ બેડ પર સુતી,ફાટી આંખે બારી બહાર જોઈ ગણતી હતી..”ચૌદ, તેર, બાર..”

“બસ હવે આઠ,સાત, છ. અને..”

“શું ગણે છે? ચિત્ર ન થાય તો આરામ કર.”

“હું બારી બહાર પેલી વેલ જોઉં છું.સુકાઈ ગઈ છે. પીળાં પાન ખરી રહ્યાં છે. પંદર રહેલાં. હવે માત્ર છ.. છેલ્લું પાન ખર્યું નથી ને હું જતી રહીશ. અનંત યાત્રાએ.”

“ખોટા વિચાર ન કર. ચિત્રકારોએ તો દુનિયાને રંગીન થતી, વિકસતી જોવાની હોય.સુજલામ સુફલામ યોજના માટેનું તારું જ ચિત્ર યાદ કર’.

“મારા યાદ કરવાથી કંઈ નહીં થાય. બસ આ છ પાન બધાં જ પીળાં પડી ખરશે ને આ બાજુ મારો દેહ પડશે.”

“નોનસેન્સ. એવું કોણૅ કીધું?” મેં સહેજ ગુસ્સા, સહેજ તિરસ્કારથી કહ્યું.

“મારા મને. હું અને વેલ સાથે જ બીમાર પડ્યાં, સાથે જ મરશું. એનાં પર્ણ ખરી ચૂક્યાં છે,મારો દેહ પણ અંદરથી ખરી ચુક્યો છે. બસ આ છેલ્લાં પાંચ પાન ખરે અને હુ પંચ મહાભૂત માં.”

“ગાંડી, પાન ખરવાને અને તારે મરવાને ક્યાં કોઈ સંબંધ હોય? મારી વાર્તાઓમાં પણ એવી કલ્પના હું મુકતો નથી.હંબગ. ચાલ.દવા પી લે, કઈંક ખાઈ લે.”

“મારે કંઈ ખાવું નથી.” તેણીએ બારી બહાર પેલી વેલ પર નજર ઠેરવતા કહ્યું.

“જુઓ, પાંચ.. આ પાવન ફૂંકાયો. હવે ચાર. સાંજના અંધારા ઉતરે ત્યાં તો બધાં પાંદડાં ખરી ચૂક્યાં હશે અને હું પણ. મારી વેલી શણગારો.. જગને..

હું બસ છેલ્લું પાંદડું ખરતું જોવા માંગુ છું.”

“પ્લીઝ, તું આંખો બંધ કરી દે અને પડી રહે. હું મારે કાલે મેગેઝીનમાં વાર્તા ગમે એમ કરી આપવાની છે એ પુરી કરી લઉં. મારે લાઇટની જરૂર છે, લે બારીનો પડદો બંધ કરું.”

“તું બીજા રૂમમાં જા ને પ્લીઝ?”

“ના, તારી નજીક બેસવું જરૂરી છે. અને તું એ સુક્કી વેલ સામે જોઈ ખોટા વિચારો ન કરે એ પણ જોવું છે”

“ભલે.તારું પૂરું થાય એટલે મને કહે. મારે એ છેલ્લું પાન ખરતું જોવું છે.” તેણીએ ફિક્કા ચહેરા અને ઢીલા શરીરે પડ્યાં પડ્યાં આંખો બંધ કરી કહ્યું.


“હું પટેલકાકાને બોલાવી હમણાં આવું. કથા માટે ચિત્ર પૂરું કરવા મારે એમની જરૂર છે. ત્યાં સુધી તું આંખો બંધ રાખી આરામ કર.આ ગયો ને આ આવ્યો.ત્યાં સુધી તું સહેજ પણ હાલતી નહીં.”

ઉપર રહેતા પટેલકાકા કારકિર્દીના અંતે પણ સંઘર્ષ કરતા જ રહેલા. નસીબે મોટી યારી આપી ન હતી. એ ચિત્રો સારાં કરતા પણ હજુ જાહેરખબરો ને પોસ્ટરો સિવાય કોઈ મોટું કામ મળ્યું ન હતું. એ ક્યારેક મોડેલ બની ચિત્રકારો પાસેથી કઈંક કમાતા. હું એમના ઘરમાં ગયો. એક ખૂણામાં ક્યારેક તો મોટો માસ્ટરપીસ બનવાની આશાએ એક કોરો કેનવાસ પડેલો.

“આવ દીકરા, શુ કામ પડ્યું?”

મેં ટૂંકમાં એમને પત્નીની કલ્પનાની અને મૃત્યુના ભય ની વાત કહી.

“ઠીક.એને લાગે છે કે એ ખુદ એ ખરતું પાન છે. એ પાન પણ ખરવા સાથે પોતે પણ આ જગતનો સાથ છોડી દેશે. કલાકારોને જાતજાતની ફેન્ટસી થતી હોય છે પણ આ નવું. તું એને ગણકારે છે જ શું કામ?”

“એ માંદગીમાં આવી ફેન્ટસી સાચી માની બેઠી છે. આમાંથી તમે જ ઉગારો કરી શકો.”

“હું ભલા શુ કરી શકું?’

“તમે જ વિચારો. જાહેરાતમાં વસ્તુને લોભામણી બનાવી, ન હોય એ હોવાનું ને હોય એ ન હોવાનું તમે કરી શકો. વડીલ છો અમારા. પ્લીઝ.”

મેં હાથ જોડ્યા.

“ચાલ કઈંક કરું છું. થોડો સમય આપ.”

પટેલકાકાએ મારી પત્ની પાસે આવી એને ખખડાવી

“ગાંડી, આ શું માંડ્યું છે? મરવું હોય તો સાજી થઈ આને માટે બીજી મળે પછી ખુશીથી મર. તારું પ્રિય મોટી જગ્યાએ ચિત્ર કરતાં. પડીને, કચરાઈને ગમે એમ. પણ આમ પાંદડાં ખરતાં જોઈ મરવાની વાત મૂર્ખ જેવી છે.હું તો પટેલ ભાઈડો તડ ને ફડ કહી દઉં.”

પછી પ્રેમથી એને માથે હાથ મૂકીને કૈ

કઈંક વિચારતા થોડીવાર ઉભા. એને ધાબળો સરખો ઓઢાડી

મને કહે “બહુ ઠંડો પવન છે. બારી તો બંધ કર અક્કલ બુઠા!’

હું ઘરમાં ગયો. મેં ફરી પડદો ખેંચ્યો.ખૂબ ઠંડી છે. રાત પડી, આમેય કંઈ દેખાશે નહીં.

બીજી સવારે પડદો ખોલ્યો. એ વેલી પર હવે એક જ પાન હતું.

“સુસવાટા મારતો શિયાળો છે. ગમે ત્યારે આ એક માત્ર પાન ખરશે અને હું વિદાય લઈશ. આવજો. ચાલો, મને છેલ્લું વેલ્લુ એક જબ્બરદસ્ત આલિંગન આપો. હું સાંજ નહીં જોવું.” ફિક્કી પડી ગયેલી, તાવ અને તે કરતાં વધુ ભયથી થથરતી પત્ની બોલી.

મેં એને ધાબળા સાથે સુતી જ બાહુપાશમાં લીધી અને હળવેથી થાબડી, એના લાશ બની રહેલાં ઘાટીલા શરીરે હાથ ફેરવતાં કહ્યું.

“તું જઈશ તો મારું શું થશે? હિંમત રાખ.”

પત્નીને સાંજનો ઢળતો તડકો આપવા મેં બારી ખોલી.એણે ઊંચા થઈ જોયું.હજુ પાન લટકતું હતું.

બીજી સવાર. હજુ પાન ઊંચે, સ્થિર રહેલું. વેલી નીચે પડવા ધમપછાડા કરતી હતી. સાંજ પડી. મેં પડદો બંધ કર્યો. એ આંખ બંધ કરી પડી રહી. એકાદવાર એણે જીદ કરી બારી ખોલાવી. પેલું એકમાત્ર પાન હજુ હતું. આશાનો તંતુ તૂટ્યો ન હતો. એ ઊંડો શ્વાસ લઈ ફરી સુઈ ગઈ.

ત્રીજી સવાર. એ ઉઠી. દવાએ અસર કરેલી. કુમળા સૂર્યના પ્રકાશમાં એણે બારી બહાર જોયું. એ પાન તો હતું, કદાચ નાનું કુમળું લાલ રંગનું બીજું પાન પણ દેખાતું હતું, કે પેલા પાન નો પડછાયો હતો.

“ ઓહ, મેં એક જીવવા ઝઝૂમતા જીવનને મારી નાખવા ઇચ્છયું. એ જીવી ગયું. ખૂબ ઝઝૂમી, મરતાં મરતાં જીવી ગયું. હવે હું પણ જરુર જીવીશ.”

હું એને ઓઢાડવા ઝુક્યો, એણે મને હળવું ચુંબન કર્યું.

ચારેક દિવસ પછી એણે કહ્યું “હું જીવીશ. પેલી વેલી પણ નવ પલ્લવિત થશે. હું શહેરના લૅન્ડમાર્ક પર ફૂલપાંદડીઓની ડિઝાઇન બનાવીશ. હું જીવીશ. હા, હું જીવીશ આ પાંગરતી વેલ જોતી.”

“ક્યારેક આપણે પણ નવું જીવન આપણા આંગણે પાંગરતું જોશું. તું સાજી થઈ જા એટલે જલ્દીથી.”

એ શરમાઈ ગઈ. બીમાર ફિક્કા મોં પર સુરખીની લહેર દ્રષ્ટિગોચર થઈ.

ડોક્ટર ફરી તબિયત જોવા આવ્યા. કહે કે “હવે આઉટ ઓફ ડેંજર છે. સારું થયું. આ ડેન્ગ્યુ હાર્યો તો ન્યુમોનિયાએ એક વધુ ભોગ લીધો પણ તમારી પત્ની બચી ગઈ.”

“કોણ? કોનો ભોગ લેવાયો?”

“દુઃખદ છે. ઉપર રહેતા મી. પટેલ.’

“હેં? ક્યારે?”

“ગઈ રાત્રે. બે દિવસ પહેલાં સામેના ફ્લેટ વાળાઓએ એમને મોડી રાત્રે બહાર જતા જોયેલા. વરસાદ, ઠંડી હવા અને કરા પડતા, એમાં શું કામ બહાર ગયા હશે? ઘરમાંથી બુટ અને કપડાં પલળેલા મળેલાં. સામેના ફ્લેટની બહાર એક સીડી, એક ચાલુ ટોર્ચ મળી હતી. દીવાલ પર લીલા લાલ રંગના લીસોટા હતા. સખત ઠંડી અને વરસાદમાં પલળતાં એમને ન્યુમોનિયા થઇ ગયો અને ત્યાં પણ મેં પુરી તાકાત લગાવી પણ ભગવાનની તાકાત આગળ મારૂં કંઈ ચાલ્યું નહીં.”

મેં એ ફ્લેટ નજીક જઇ જોયું. પેલું પાન પટેલકાકાનો માસ્ટરપીસ હતો. એક એ પાન જેવું જ લીલું પાન અને એક ઉપર કૂંપળ .

અમને કોઈને એ પણ ન સૂઝ્યું કે આટલા ઝંઝાવાત માં એ પાન ફફડતું કેમ નથી?

(ઓ હેન્રી ની વાર્તા ધ લાસ્ટ લીફ પર આધારિત.)

-સુનીલ અંજારીઆ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED