'નિષ્ફળ વાર્તાકાર'
હું અસમંજસમાં છું. મારે તમને એ વાત વાર્તાની શરૂઆતમાં કહી દેવી જોઈએ કે અંત સુધી હું એ વાતની ગુપ્તતા જાળવી રાખું? મનમાં સંશય છે કે જો હું એ વાત તમને જણાવી દઈશ તો તમને વાર્તામાંથી રસ ઉડી જશે. બીજો વિચાર એ પણ આવે છે કે તમારાથી કોઈ વાત છુપાવીને હું તમને છેતરી પણ ન શકું. તો શું કરું? સમયને સમયનું કામ કરવા દઉં? તમે મને થોડો સમય આપશો, મારી વાર્તા સમજવા? તમારો જવાબ મને નથી ખબર પણ હું મારી વાત આગળ વધારી રહ્યો છું.
હું એક યુવાન લેખક છું. મેં અઢળક વાર્તાઓ લખી છે. મારી વાર્તાઓ મોટાભાગે ટીકાપાત્ર બની છે. હા, માત્ર ટીકાપાત્ર જ રહી હોવા છતાંપણ મને ક્યારેય નથી લાગ્યું કે મારે લખવાનું છોડી દેવું જોઈએ. મને હંમેશા એવું જ લાગ્યું છે કે લોકોએ રૂઢીગત વાર્તાઓ વાંચવાની આદતને તરછોડી મારી ઓફબીટ કહી શકાય એવી વાર્તાઓ વાંચવી જોઈએ, સમજવી જોઈએ અને એના હૃદય ખોલીને વખાણ કરવા જોઈએ.
હું તમને મારી નવી વાર્તા વિશે જણાવું એ પહેલા મારે તમારી સમક્ષ એ ખુલાસો પણ કરવો જોઈએ કે હું એલન એડગર પોથી પ્રભાવિત થઈને લખતો હતો એવા મારા પર આક્ષેપો લાગ્યા હતાં. આ આક્ષેપોથી કંટાળીને મેં એક વાર્તા લખી જે મારા ટીકાકારોને અને આ સમાજને તેમનો અસલી ચહેરો બતાવતી હતી, એ વાર્તા સમાજની નગ્ન વાસ્તવિકતા છતી કરતી હતી, તો એમણે એ વાર્તામાં મંટોની છાંટ શોધી લીધી.
હું આ બધી ટીકાઓ, આક્ષેપોથી કંટાળ્યો છું એટલે આ વાર્તા પ્રકાશિત કરતા પહેલા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ મારી અને મારી પ્રેમિકા પ્રિયાની વાર્તા છે.
આ વાર્તાની નાયિકા એટલે કે મારી પ્રેમિકા પ્રિયા એક યુટ્યુબર છે, 'અજાણી દુનિયા' નામની એની ચેનલ છે, ચેનલના લાખો સબસ્ક્રાઈબર છે. પ્રિયા 'અજાણી દુનિયા' પર ભૂતપ્રેતનાં નામથી પ્રચલિત જગ્યાઓની મુલાકાત લે છે, ત્યાં આખી રાત એકલી વિતાવે છે, પોતે જ કેમેરા એન્ગલ સેટ કરી વિડીયો ઉતારે છે. અત્યાર સુધી એણે ભયાનક કહી શકાય એવા અનેક સ્થળોની સફળ મુલાકાત લીધી છે. એની આ બહાદૂરીની ચર્ચાઓ યુટ્યુબ થકી દેશ વિદેશમાં થાય છે. એની આવી જ એક સ્થળની મુલાકાત દરમિયાન અમે મળ્યા હતા. એ રાત હજુ પણ મને યાદ છે. એ રાત્રે જ હું આ ચેનલના નામથી અને એના કાર્યથી માહિતગાર થયો હતો.
એ રાત્રે હું રાજસ્થાનથી અમદાવાદ પરત આવી રહ્યો હતો, ખૂબજ મોડું થઈ ગયું હતું. રસ્તા પર મારી ગાડી સિવાય કોઈ દેખાઈ રહ્યું ન હતું. વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો, વાદળાનો ગડગડાટ સાથે વિજળીનો ચમકારો વચ્ચે વચ્ચે થતો હતો, એ જ સમયે થોડે દૂર રસ્તાની એકબાજુ એક ગાડી ઉભેલી મને દેખાઈ. મેં મારી ગાડીની ઝડપ ઘટાડી તે ગાડી તરફ નજર કરી. મને કોઈ યુવતી દેખાઈ. કાળી ટીશર્ટ અને વાદળી જીન્સ પહેરેલી એ યુવતી પહેલી નઝરે જ મારી આંખોમાં વસી ગઈ, કદાચ એ પ્રેમ નહીં હોય પણ તમે કામદેવની કૃપા સમજી શકો. મેં ગાડી રોકી, હોર્ન માર્યો. મને રોકાયેલો જોતા જ એ મારી તરફ આવી. એણે જણાવ્યું કે એની ગાડી બગડી છે અને એને લિફ્ટ જોઈએ છે. આ દરમિયાન મારી દ્રષ્ટિ એની આંખોથી લઈને એની પગની પાની સુધી ફરી ચૂકી હતી. વરસાદમાં પલળેલી એ અતિશય સુંદર લાગતી હતી, એની એ સુંદરતા માટે જો હું કોઈ શબ્દો કહીશ તો એ તમને ફિલ્મી લાગી શકે, હૃદયના ઉંડાણથી કહેલ દરેક વાત સામેવાળાને ફિલ્મી જ લાગતી હોય છે. મેં એને લિફ્ટ આપવા સહમતી દર્શાવી. એ એની ગાડીમાંથી બેગ લઈને આવીને મારી ગાડીમાં બેઠી. "મને આગળ કોઈ હોટેલ પર ઉતારજો, સવારે કોઈ મિકેનીકને લાવી ગાડી રીપેર કરાવી લઈશ" એ બોલી. આ સાંભળતા જ મારા મગજમાં એક યુક્તિ સળવળી. થોડો સમય એની સાથે વધુ રહેવા મળશે એ લાલચે આશિષનું ખાલી પડેલ ઘર તો આગળ હાઈવે ટચ જ છે એ યાદ આવ્યું.
મેં એને જણાવ્યું કે આગળ થોડી દૂર મારા મિત્રનું ઘર છે, ત્યાં હું રોકાઈ રહ્યો છું, એને જો કોઈ તકલીફ ન હોય તો એ મારી સાથે આવી શકે. એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં આશિષનું ઘર કહ્યું તેના કરતાં આગળ જવા માટે તેની પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો અને ત્યાં નજીકમાં કોઈ હોટેલ પણ ન હતી એટલે એ તૈયાર થઈ. મારા એન.આર.આઈ મિત્રનું હંમેશા ખાલી રહેતું ઘર જેની ચાવી મારી પાસે રહેતી, અમે ત્યાં રાત્રિ વિતાવી. એક જ રૂમમાં સાથે હોવા છતાં મેં એની સાથે કાંઈ ખોટું ન કર્યું પણ હું ખોટું નહીં બોલું એક વખત રાત્રે એ સુતી હતી ત્યારે મેં એના સ્તનના ઉભારને ધારી ધારીને જોયો હતો.
હું ધારત તો એની મજબૂરીનો લાભ લઈ શકત પણ મેં ન કર્યું એ વાત એને આકર્ષી હોય એવું મને લાગ્યું. સવારે મિકેનીકને લઈને એની ગાડી ચાલુ કરાવી, મારી મદદ અને નિખાલસતાથી એ પ્રભાવિત થઈ અને અમારી પ્રેમકહાનીના કૂંપણ ફૂટ્યા.
એ મુલાકાત બાદ અમે પ્રત્યક્ષ મળ્યા ન હતા પણ અમારી ફોન પર ઘણી વાતો થતી, વ્હોટ્સએપ મેસેજ અને ફોન પર થતી વાતોએ અમારા પ્રેમમાં વધારો કર્યો. સમય પસાર થતો ગયો અને હું એના પ્રેમમાં વધુ ડૂબતો ગયો. એ મુલાકાતને ત્રણ મહિનાઓ વીતી ગયા છતાં એ રૂબરૂ મળવાની વાત હંમેશા ટાળતી. એકદિવસ મેં એને મહાપરાણે રૂબરૂ મળવા મનાવી. એ તૈયાર થઈ પણ એની શરતમાત્ર એ હતી કે એ અમારી પહેલી મુલાકાત થઈ હતી ત્યાં જ ફરીવાર મળશે. હું સહમત થયો.
હું તૈયાર થઈને નિયત સમયે ત્યાં પહોંચવા નીકળી જ રહ્યો હતો ત્યાં મારી નજર એ દિવસના ન્યૂઝપેપર પર પડી. એ પેપરનાં મુખ્ય પેજની નીચેની જમણી બાજુએ એક રંગીન ફોટો હતો જે પ્રિયાનો હતો, એ પ્રિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિની જાહેરાત હતી. મને આશ્ચર્ય થયું. હું અવાક થઈને ત્યાં ઉભો રહી ગયો. આજુબાજુનું વાતાવરણ શાંત થઈ ગયું હોય એવી મને અનુભૂતિ થઈ. દિવાલ પર રહેલ ઘડિયાળના કાંટાનો ટક ટકનો અવાજ પણ કોઈ મોટેથી ઢોલ વગાડતું હોય એ સરીખો લાગી રહ્યો હતો. સમય અને મારા હૃદયની ચાલવાની ગતિ મંદ થઈ, હું ત્યાં જ ફસડાઈ પડ્યો. હું તો પ્રિયાને ત્રણ મહિના પહેલા જ મળ્યો હતો. રાત્રે અમે સાથે જ તો રહ્યા હતા એ વિચારો એ મગજમાં તોફાન મચાવ્યું. અમુક કલાકો પછી હું સ્વસ્થ થયો. મેં આટલા સમયમાં પહેલી જ વખત પ્રિયા વિશે ગુગલમાં શોધ કરી. ગુગલ દ્વારા એના અઢળક વિડીયો પરિણામમા આવ્યા ઉપરાંત એક આર્ટિકલ પણ નજરે ચઢ્યો, જે આર્ટિકલ વાંચતા મને ખ્યાલ આવ્યો કે પ્રિયા એક રાત્રીએ હોન્ટેડ પ્લેસની મુલાકાત દરમિયાન મૃત્યુ પામી હતી. એ ભયાનક જગ્યાએ એ એકલી હતી ત્યારે રાત્રે તેના પર કોઈએ બેરહેમીથી બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ હત્યા કરી હતી.
આ ઘટનાની જે તે સમયે મીડિયાએ ચર્ચા પણ કરી હતી. ગુનેગારની કોઈ માહિતી મળી ન હતી. આ ઘટના મારી ધ્યાન બહાર ગઈ હતી.
હું હવે ગભરાયો, મારે શું કરવું જોઈએ? પ્રિયાને મળવા જઉં કે ન જઉં એ દુવિધામાં મેં કલાક પસાર કર્યો પણ ત્યારબાદ તેને મળવું એ નક્કી કરી હું મળવા પહોંચ્યો.
મને આશ્ચર્ય થયું તે ત્યાં હાજર જ હતી, એ જ બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ જિન્સમાં ! હવે મને ખબર હતી કે તે મૃત્યુ પામી છે એટલે હું ડરી રહ્યો હતો, તે મારા ભયને પામી ગઈ હોય તેમ હસતા ચહેરે બોલી "તને ખબર પડી ગઈ?".
હું અચકાતા અચકાતા પરસેવો લુછતાં બોલ્યો " શું..શું.. શેની?"
તે વળી બોલી " મને ખબર છે કે મારા મૃત્યુ વિશે તને ખબર પડી ગઈ છે અને તું મને મદદ કરશે એ જ આશયથી મેં તને બોલાવ્યો છે."
"?" મારા ચહેરા પર પ્રશ્નાર્થ ભાવ હતો.
"તે રાત્રિએ મારી ચેનલમાં કામ કરતો મારો એડિટર રાહુલ મારી પાછળ પાછળ આવ્યો હતો અને પછી મારી સાથે બળજબરી કરી એની હવસ સંતોષી, મને પીંખી નાખી અને એટલું પૂરતું ન હોય તેમ મારું ગળું દબાવીને મારી હત્યા કરી નાખી. મારા શરીરમાંથી જીવ તો જતો રહ્યો પણ આત્મા ભટકી રહી છે અને એ બળાત્કારીના ખૂન બાદ જ એને શાંતિ મળશે." એ એકીશ્વાસે બોલી ઉઠી.
"મારી પાસેથી શું અપેક્ષા છે? હું કોઈની હત્યા ન કરી શકું." હું એનો આશય સમજી ગયો અને બોલ્યો, હું હજુ બોલતા ગભરામણ અનુભવતો હતો.
તે હસી પડી, મને હાસ્ય ન સમજાયું. મારું માથું ભમવા મંડયુ અને પછી શું થયું તેની મને ખબર નથી.
હવે હું મુખ્ય મુદ્દા પર આવું, વાર્તા અહીં અધૂરી છે, પૂરી નથી કરી શકતો, તમે સજેસ્ટ કરો અંત શું હોઈ શકે?
તમને આ વાર્તા સંભળાવ્યા પછી મને હજુ પણ લાગે છે કે મારે એ વાત શરૂઆતમાં જ કહી દેવી જોઈતી હતી. જો શરૂઆતમાં એ વાત કહી હોત તો વાર્તા કદાચ મજબૂત બનત. મારે તમને અંધારામાં રાખવા જોઈતા ન હતાં. મારે તમને એ જણાવવું જોઈતું હતું કે આ કલ્પના નથી, આ સત્યઘટના છે. મારે તમને એ શરૂઆતમાં જ જણાવવું જોઈતું હતું કે પ્રિયાની ચેનલના એડિટર રાહુલના ખૂનના આરોપ હેઠળ હું જેલમાં છું. મેં અનેકવાર એ લોકોને કહ્યું કે મેં ખૂન નથી કર્યું, ખૂન તો પ્રિયાની આત્માએ કર્યું છે, છતાંપણ એ નથી માનતા. મારી વાતોને એ કાલ્પનિક ઉપજાવી કાઢેલી ગણે છે. કાનૂનને તપાસ કરતા એવા સબૂત મળ્યા છે કે મારી વાર્તા પરથી એણે શોર્ટફિલ્મ બનાવેલી અને મને ક્રેડિટ મળી ન હતી એ અંગત કારણોસર મેં રાહુલની હત્યા કરી છે. મારા અવારનવાર પ્રિયાની વાત જણાવા છતાં મને જ ગુનેગાર માને છે, હવે કદાચ તેઓ મને પ્રિયાના ખૂનનો પણ આરોપી ગણે છે પણ મેં એકપણ ખૂન નથી કર્યું.
મારે તમને એ પણ જણાવવું જોઈએ કે એ લોકો મને પાગલ ગણે છે અને હું અત્યારે આ પાગલખાનામાં ભરતી છું. અરે કોઈ એમને સમજાવો કે પાગલ મારી વાર્તાના પાત્રો હોય છે, હું નથી. હું એક વાર્તાકાર છું. સફળતા ઝંખતો નિષ્ફળ વાર્તાકાર.
સમાપ્ત