વન્સ અપોન અ ટાઈમ - 159 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 30

    હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પા...

  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 159

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 159

ફિલ્મ સ્ટાર ગોંવિંદા અને દાઉદની વિડીયો ટેપના વિવાદના પડઘા ભારતભરમાં પડી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીબીઆઈ ચૂપકીદીથી એક ‘ઓપરેશન’ને છેલ્લો ઓપ આપી રહી હતી. સીબીઆઈ દાઉદના એક સમયના સાથી અને કુખ્યાત ખંડણીખોર અબુ સાલેમની પોર્ટુગલથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની વેતરણમાં પડી હતી.

અબુ સાલેમ અને તેની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદી 2002માં બનાવટી પાસપોર્ટ રાખવાના આરોપ હેઠળ લિસ્બનમાં (પોર્ટુગલમાં) ઝડપાઈ ગયાં એ પછી તેઓ પોર્ટુગલની જેલમાં હતા અને તેમને ફાંસી નહીં આપવાની શરતે ભારતના હવાલે કરવાની મંજૂરી પોર્ટુગીઝ કોર્ટે આપી દીધી હતી. જોકે એમ છતાં અબુ સાલેમ વિરુદ્ધના કેસના જડબેસલાક પુરાવા પોર્ટુગીઝ કોર્ટ સમક્ષ રજૂ કરવા જરૂરી હતા. એ ઉપરાંત પણ સીબીઆઈએ કેટલીક ફોર્માલિટિઝ પૂરી કરવી પડે એમ હતી.

સીબીઆઈએ સાલેમના પ્રત્યાર્પણ માટેની કાનૂની વિધિ પૂરી કરી એ પછી પણ એક સમસ્યા ઊભી થઈ. અબુ સાલેમ અને મોનિકા બેદી પાસે નકલી પાસપોર્ટ હતા એટલે તેમને સામાન્ય ઉતારુઓની જેમ ભારત લાવી શકાય એમ નહોતા.

જો કે પછી ભારત સરકારે એનો રસ્તો કાઢ્યો અને સીબીઆઈએ સાલેમ અને મોનિકાને ભારત લાવવા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી અને છેવટે 11 નવેમ્બર, 2005ના દિવસે સાલેમ અને મોનિકાને ભારત લાવવામાં આવ્યાં. 11 નવેમ્બરની સવારે 8 કલાકે સાલેમ અને મોનિકાને મુંબઈ લાવવામાં આવ્યાં ત્યાં સુધી સીબીઆઈએ મુંબઈ પોલીસથી માંડીને કોઈ પણ અન્ય એજન્સી કે મીડિયાને એ બંનેના પ્રત્યર્પણની ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી.

દાઉદના એક સમયના અત્યંત વિશ્વાસુ સાથીદાર અબુ સાલેમના પ્રત્યર્પણ પછી ફરી એક વાર ચર્ચા શરૂ થઈ ગઈ કે હવે દાઉદ ઈબ્રાહિમનું પ્રત્યાર્પણ થશે કે નહીં! આ અગાઉ 2004માં દાઉદના ભાઈ ઈકબાલ કાસકર સહિત દાઉદ ગેંગના અડધો ડઝન મહત્વના ગુંડાઓને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા.”

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી અને મોબાઈલ ફોનની સ્ક્રિન પર ફ્લેશ થયેલો નંબર જોઈને તેણે અમારી સામે જોયું એ સાથે જ અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલાને કહ્યું કે “તમારે ઉતાવળે જવું પડશે રાઈટ?”

પપ્પુ ટકલા હસ્ચો અને અમે છૂટા પડ્યા.

પપ્પુ ટકલાથી છૂટા પડ્યા પછી એ જાણે અદશ્ય થઈ ગયો હોય એમ તેનો કોલ આવ્યો નહીં અને અમે જ્યારે જ્યારે કોલ કર્યો ત્યારે ક્યાં તો તેના નંબર પર રીંગ વાગતી હતી અને ક્યાં તો તેનો મોબાઈલ નંબર સ્વિચ્ડ ઑફ આવતો હતો.

અમે અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડને કોલ કર્યો અને કહ્યું કે, “અમારે નવું પ્રકરણ લખીને મોકલવું પડશે અને પપ્પુ ટકલાનો કોઈ અત્તોપત્તો નથી.” પોલીસ ઑફિસર ફ્રેન્ડ શરૂઆતથી જ પપ્પુ ટકલાની અને અમારી વાતોના સાક્ષી રહ્યા હતા અને તેમણે જ અમારી મુલાકાત પપ્પુ ટકલા સાથે કરાવી હતી. તેમણે કહ્યું કે “તમારી ડેડલાઈન ચુકાય નહીં એટલે હું તમને માહિતી આપું છું, પણ પપ્પુ ટકલાની જેમ હું તમને સ્ક્રીન પ્લેની જેમ અંડરવર્લ્ડ કથા નહીં કહી શકું.”

એ દિવસે પોલીસ ઑફિસર ફ્રેન્ડને અમે મળ્યા અને તેમણે અંડરવર્લ્ડ વિશે અમને માહિતી આપવા માંડી: “23 ડિસેમ્બર, 2007ના દિવસે સવારના દસ વાગ્યે મુંબઈના આર્થર રોડ જેલમાં અંડરવર્લ્ડની ગેંગવોરનું એક પ્રકરણ ઉમેરાયું. આર્થર રોડ જેલમાં જુદી જુદી ગેંગના ગુંડાઓ વચ્ચે મારામારીની ઘટના બહુ સામાન્ય ગણાતી રહી છે, પણ 23 ડિસેમ્બર, 2006ના દિવસે દાઉદના જમણા હાથ સમા ગુંડા સરદાર છોટા શકીલના આદેશથી દાઉદ ગેંગના ગુંડાઓ ઈરફાન હસન અહમદ ઉર્ફે મહેંદી સચીન શેટ્ટી અને પ્રકાશ ધુલે ઉર્ફે પંકજે છોટા રાજન ગેંગના ગુંડા એવા સહકેદી જોહન ડિસોઝા પર હુમલો કર્યો. જોહ્ન ડિસોઝા પર તીક્ષ્ણ ધારે કાઢેલી ચમચીઓથી અને એલ્યુમિનિયમની તૂટેલી પ્લેટથી 14 ઘા ઝીંક્યા. જ્હોન ડિસોઝાએ પ્રકાશ ધુલેના હાથમાં ધારદાર બનાવાયેલી ચમચી ખૂંચવીને એના પર વળતો હુમલો કર્યો પણ છેવટે ઈરફાન હસન અહમદે તેનું ગળું ચીરીને તેને મારી નાંખ્યો. એ ઘટનાના આગલા વર્ષે 1 ઓગસ્ટ, 2005ના દિવસે છોટા રાજન ગેંગના ગુંડા સરદાર વીકી મલ્હોત્રા અને ફરીદ તાનાશાએ આર્થર રોડ જેલમાં દાઉદ ગેંગના સલીમ શેખ અને એહતેશામ શેખ પર હુમલો કર્યો હતો, પણ ફરજ પરના પોલીસ કર્મચારીઓએ દાઉદ ગેંગના ગુંડાને બચાવી લીધા હતા. દાઉદ ગેંગના ગુંડાઓ તો બચી ગયા હતા પણ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શહાબુદ્દીન મુલાનીનું માથું ભાંગ્યું હતું. જો કે તેમના માથામાં 20 ટાકા લઈને ડૉક્ટરોએ તેમને બચાવી લીધા હતા.

23 ડિસેમ્બર, 2007ના દિવસે આર્થર રોડ જેલમાં ગેંગવોર પછી દાઉદ અને રાજન ગેંગ વચ્ચે ફરી એક વાર છમકલાં શરૂ થયાં. જોકે 2005ના વર્ષમાં દાઉદ અને રાજન ગેંગ વચ્ચે ખૂનખરાબાની બહુ નોંધપાત્ર ઘટનાઓ બની નહોતી. પણ 2009ની શરૂઆતમાં દાઉદ અને છોટા રાજનના ગુંડાઓ વચ્ચે નાનામોટાં છમકલાં થયાં. જોકે 2009નો માર્ચ મહિનો દાઉદ ઈબ્રાહિમ માટે બહુ આઘાતજનક પુરવાર થયો. એ મહિનામાં એવી એક ઘટના બની કે દાઉદે નાના બાળકની જેમ રડવું પડ્યુ.

***

31 માર્ચ, 2009ની સવારના 4 કલાકે પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ નૂરાએ તેની પત્ની રેશમાને જગાડી કહ્યું કે મને છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે. નૂર-ઉલ-હક ઉર્ફે નૂરા માટે તાબડતોબ ડૉક્ટરોને બોલાવાયા, પણ ડૉક્ટરો પહોંચે એ પહેલાં જ પ્રચંડ હાર્ટએટેકને કારણે નૂરા મૃત્યુ પામ્યો. નૂરાને હેવી ડાયાબિટીસ હતો અને તેની બંને કિડનીને નુકસાન પહોંચ્યું હતું. તેની એક કિડની તો ફેઈલ થઈ ગઈ હતી, પણ ડૉક્ટરોએ નૂરાને કહ્યું હતું કે અમુક પરેજી પાળીને અને નિયમિત દવા લઈને એ ઘણા વર્ષો ખેંચી કાઢશે. પણ નૂરા એકાવન વર્ષની ઉંમરે જ હાર્ટ અટેકથી માર્યો ગયો.

નૂરાનું મોત થયું એ દિવસે નૂરાની પત્ની રેશમા અને ત્રણ દીકરીઓએ હૈયાફાટ રૂદન કર્યું જ હતું, પણ ખુદ દાઉદ એ દિવસે નાના બાળકની જેમ રડ્યો હતો. નૂરાના મૃત્યુથી તેને ઊંડો આઘાત લાગ્યો હતો. દાઉદના નિક્ટના માણસોના કહેવા પ્રમાણે દાઉદને નૂરાના મૃત્યુ પછી કહ્યું હતું કે, આપણા કુટુંબ પર જાણે શ્રાપ છે. આપણા કુટુંબની કોઈ વ્યક્તિના મૃત્યુ વખતે પણ આપણે બધા ભેગા થઈ શકતા નથી. દાઉદના કુટુંબના કેટલાક સભ્યો ભારતમાં, કેટલાક દુબઈમાં અને કેટલાક કરાંચીમાં એટલે કે પાકિસ્તાનમાં રહે છે.

નૂરાના મૃત્યુના સમાચાર વાયુવેગે પાકિસ્તાન, દુબઈ અને ભારતમાં દાઉદ ગેંગના સભ્યો અને દાઉદ સાથે સંકળાયેલા બીજા લોકોમાં ફરી વળ્યા હતાં. દુબઈના ઘણા શોપિંગ મોલ્સ 31 માર્ચ, 2009ના દિવસે નૂરાના મૃત્યુને કારણે બંધ રહ્યા હતા. તો બીજી બાજુ મુંબઈમાં દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકર અને દાઉદની બહેન હસીના પારકર પાસે નૂરાના મોતના ખરખરો કરવા માટે સંખ્યાબંધ માણસો પહોંચી ગયા હતા.

દાઉદના કુટુંબના મુંબઈસ્થિત એડવોકેટે પત્રકારોને કહ્યું કે, નૂરા ભારત પાછો આવવા માંગતો હતો અને તેણે પોતાનો પાસપોર્ટ રીન્યુ કરાવવાની કોશિશ કરી હતી, પણ 2004માં તેણે પોતાનો પાસપોર્ટ દુબઈ સ્થિત ઈન્ડિયન કૉન્સ્યુલેટમાં આપ્યો ત્યારે તેની અરજી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાઈ હતી. દાઉદના કુટુંબના વકીલના કહેવા પ્રમાણે નૂરાની ઈચ્છા હતી કે તેનું મૃત્યુ થાય એ પછી તેને દક્ષિણ મુંબઈમાં બડા કબ્રસ્તાનમાં તેની માતાની કબર નજીક દફનાવવામાં આવે. દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનું પ્રત્યાર્પણ થયું અને તેને દુબઈ સરકારે ભારતના હવાલે કર્યો એ વખતે ઈકબાલ કાસકરનો કેસ લડવા માટે ચુનંદા વકીલોની ફોજ ઊભી થઈ ગઈ હતી અને એના એના લીડર હતા એડવોકેટ અધિક શિરોડકર, જે એ સમયમાં દાઉદની કટ્ટર વિરોધી પોલિટિકલ પાર્ટી શિવસેનાના સંસદસભ્ય તરીકે રાજ્યસભામાં બિરાજમાન હતા!

(ક્રમશઃ)