વન્સ અપોન અ ટાઈમ - 158 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 158

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 158

છોટા રાજન કરાચીમાં છુપાયેલા દાઉદને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે મુંબઈ પોલીસ છોટા રાજનના અત્યંત મહત્વના સાથીદાર વીકી મલ્હોત્રાની પાછળ પડી હતી. રહસ્યમય અને આશ્વર્યપ્રેરક વાત એ હતી કે છોટા રાજને વીકી મલ્હોત્રાને જ દાઉદનું કાટલું કાઢવાની યોજના ઘડવાની જવાબદારી સોંપી હતી! વીકી મલ્હોત્રાએ ઘણા સમયથી હોંગકોંગમાં પડાવ નાખ્યો હતો. પણ 2005ના મધ્યભાગમાં તે કોલકત્તા અને પછી દિલ્હી આવ્યો હતો. મુંબઈ પોલીસને ‘સૂત્રો’ તરફથી વીકી મલ્હોત્રા વિશે માહિતી મળી એટલે મુંબઈ પોલીસે હોંશેહોંશે એક ટીમને તેની પાછળ છૂટી મૂકી દીધી અને મુંબઈ પોલીસે દિલ્હીમાં એક કાર આંતરીને વિકીને ઝડપી લીધો. વીકી મલ્હોત્રાની ધરપકડથી દાઉદ છાવણીમાં મજા પડી ગઈ અને રાજન ગેંગ હતપ્રભ બની ગઈ. બીજી બાજુ આ જ મુદ્દે ભારતીય ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ને વિવાદમાં ઘેરાવાનો વારો આવ્યો.

મુંબઈ પોલીસની ટીમે 11 જુલાઈ, 2005ના દિવસે મલ્હોત્રાને દિલ્હીના કોનોટ પ્લેસ વિસ્તારમાંથી એક કારમાંથી પકડી પાડ્યો હતો. એ કાર ઈન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડાયરેક્ટરની હતી અને સમાચાર ‘લિક’ થતા વિવાદ સર્જાઈ ગયો. આ ઉપરાંત અખબારો સુધી એવી વાત પણ પહોંચી કે, છોટા રાજને જ વીકી મલ્હોત્રાની આઈબીના ભૂતપૂર્વ વડા સાથેની બેઠક ગોઠવી હતી. વીકી મલ્હોત્રા દિલ્હીની ઓલ્ડ રાજીન્દરનગર વિસ્તારના એક ગેસ્ટ હાઉસમા ઊતર્યો હતો અને તેને આઈબીના ભૂતપૂર્વ વડા કોનોટ પ્લેસમાં એક હોટલમાં મળવા બોલાવ્યો હતો. કોર્નાટ પ્લેસની હોટલમાંથી બહાર નીકળીને તે દિલ્હીમાં બીજા કોઈને મળવા જવાનો હતો એટલે આઈબીના ભૂતપૂર્વ વડાએ તેને લિફ્ટ આપી હતી પણ હોટલમાંથી તેમની કાર બહાર નીકળી એ સાથે જ પોલીસે કાર આંતરીને વીકી મલ્હોત્રાને ઝડપી લીધો. એ પછી વળી બીજા દિવસે એવી વાત બહાર આવી કે મુંબઈ પોલીસે આઈબીના ભૂતપૂર્વ વડા એ.કે.ડોવલની વીકી મલ્હોત્રાની કારમાંથી ધડપકડ કરી હતી. મુંબઈના પોલીસ કમિશનર એ.એન. રૉય અને એ.કે. ડોભલે તરત જ આ વાતને રદિયો આપ્યો. પણ આ ઘટનામાં ‘જોગાનુજોગ’ કહી શકાય એવી ઘણી બધી વાતો હતી.

મુંબઈ પોલીસે વીકી મલ્હોત્રાની ધરપકડ પછી ગણતરીના કલાકોમાં છોટા રાજન ગેંગના બીજા ખૂંખાર ગુંડા ફરીદ તાનાશાને પણ પકડી પાડ્યો. વીકી મલ્હોત્રા અને ફરીદ તનાશાની સામે મુંબઈ સહિત ભારતનાં જુદાં જુદાં શહેરોમાં ડઝનબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. તેમણે મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના આરોપીઓને પણ ગોળીએ દીધા હતા. 2000ના વર્ષમાં વીકી મલ્હોત્રા અને ફરીદ તનાશા દાઉદને મારવા માટે જાતે કરાંચી ગયા હતા પણ દાઉદની આજુબાજુ જડબેસલાક સિક્યુરિટી કવર હોવાને કારણે તેમણે ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.

આ બંને ખૂંખાર શૂટરની ધરપકડથી રાજન ગેંગને ફટકો પડ્યો. આ ઘટનાના બે મહિના અગાઉ જ રાજન ગેંગને મલેશિયામાં પણ જબરો ફટકો પડ્યો હતો. 20 મે, 2005ના દિવસે રાજન ગેંગના ખેપાની શૂટર બાળુ કેશવ ઢોકરેને દાઉદના શૂટરોએ મારી નાખ્યો હતો. વીકી મલ્હોત્રા અને ફરીદ તાનાશાની ધરપકડના ત્રણ દિવસ પછી મુંબઈ પોલીસે રાજન ગેંગનો મોટો શસ્ત્ર જથ્થો જપ્ત કરીને રાજન ગેંગને વધુ એક ફટકો માર્યો. આ દરમિયાન એવી વાત વહેતી થઈ કે આઈબીના અધિકારીઓ છોટા રાજનને મદદ પૂરી પાડીને કરાંચીમાં દાઉદની દીકરીના રીસેપ્શન વખતે જ દાઉદનું કાટલું કઢાવી નાખવાની યોજના ઘડી રહ્યા હતા. એ વાતની દાઉદને માહિતી મળી ગઈ એટલે દાઉદ ગેંગ દ્વારા જ મુંબઈ પોલીસને વીકી મલ્હોત્રા વિશે માહિતી પહોંચાડીને વીકીની ધરપકડ કરાવી હતી. સ્વાભાવિક રીતે જ મુંબઈ પોલીસ અને આઈબીના અધિકારીઓ દ્વારા આ વાતને પણ રદિયો અપાયો.

મુંબઈ પોલીસ અને આઈબી વચ્ચે ‘કોલ્ડ વૉર’ ચાલી રહી છે એવી છાપ ઊભી થઈ હતી ત્યારે જ ‘જોગાનુજોગ’ વધુ એક ઘટના બની જેના કારણે મુંબઈ પોલીસ વિવાદના વમળમાં ઘેરાઈ ગઈ. 11 જુલાઈ,11 જુલાઈ 2005ના દિવસે મુંબઈ પોલીસે વીકી મલ્હોત્રાની ધરપકડ કરી કે પછી 14 જુલાઈ, 2005ના દિવસે અંગ્રેજી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ની મુંબઈ આવૃત્તિની શરૂઆત વખતે એ દૈનિકે ધમાકો કર્યો કે વિવાદાસ્પદ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સાથે ઘનિષ્ટ સંબંધ છે અને એની કબૂલાત તેણે તેની ભૂતપૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા રાયને ધમકી આપતી વખતે કરી હતી. સલમાને ઐશ્વર્યાને ફોન પર ધમકાવી હતી એ વાત મુંબઈ પોલીસે આંતરીને રેકોર્ડ કરી લીધી હતી. એ ટેપના સંવાદો પણ એ અહેવાલની સાથે છપાયા. એ પછી સેટેલાઈટ ન્યૂઝ ચેનલ્સ પર પણ સલમાન અને ઐશ્વર્યાની ટેપનું પ્રસારણ શરૂ થઈ ગયું અને નવો મુદ્દો ઊભો થઈ ગયો કે મુંબઈ પોલીસ પાસે એ ટેપ ચાર વર્ષથી પડી હોવા છતાં મુંબઈ પોલીસે સલમાન સામે કેમ કોઈ પગલાં લીધાં નહીં. આ વિવાદ દરમિયાન જ મુંબઈના પોલીસ કમિશનર એ.એન. રૉય મુંબઈની ક્રાઈમ બ્રાંચના યુનિટ વડા સિનિયર ઈન્સ્પેકટર અસલમ મોમિનને તાત્કાલિક અસરથી ફરજમાંથી બરતરફ કરી દીધા. એની પાછળ પણ એક ટેપ કારણભૂત હતી. અસલમ મોમિને દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના પ્રત્યાર્પણ અગાઉ ફોન પર એવી ખાતરી આપી હતી કે તમે ભારત આવી જાઓ, તમને કોઈ તકલીફ નહીં પડે તેની ખાતરી હું આપું છું! અને એ ટેલિફોન સંવાદની ટેપ પોલીસ કમિશનર એ.એન.રૉય સુધી પહોંચી ગઈ હતી. દાઉદ ગેંગ સાથે સંબંધ રાખવા માટે ઈન્સ્પેક્ટર અસલમ મોમિનને ફરજમાંથી બરતરફ કરી દેવાયા.

એ દરમિયાન દાઉદની કરાંચીમાં દીકરીનાં લગ્નમાં મહાલી રહ્યો હતો. દાઉદની દીકરીના લગ્ન પછી 22 જુલાઈ, 2005ના દિવસે દુબઈની ‘ગ્રાન્ડ હયાત’ હોટેલમાં દાઉદની દીકરી અને જાવેદ મિયાંદાદના દીકરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન ગોઠવાઈ ગયું.

દાઉદની દીકરીનાં લગ્ન પછી થોડા સમય માટે દાઉદ સમાચારોમાંથી ગુમ થઈ ગયો પણ વળી ઓકટોબર, 2005ના દિવસે ‘ઈન્ડિયા ટીવી’ ચેનલે ધડાકો કર્યો કે ફિલ્મસ્ટાર અને સંસદસભ્ય ગોવિંદાને દાઉદ ઈબ્રાહિમ સાથે ગાઢ સંબંધ હતો અને ગોવિંદા દાઉદની પાર્ટીમાં મહાલવા માટે દુબઈ પણ ગયો હતો. ગોવિંદા અને દાઉદ દુબઈ હસીમજાક કરતા હોય અને ગળે મળતા હોય એવી વિડીયો ટેપ પણ એ ચેનલે પ્રસારિત કરી અને ફરી એકવાર દાઉદ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ.

જોકે આ દરમિયાન સીબીઆઈએ એક સિક્રેટ ઓપરેશન હાથ ધર્યું હતું. જેની અંડરવર્લ્ડથી માંડીને મુંબઈ પોલીસ સુધી કોઈને ગંધ સુદ્ધાં નહોતી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 4 દિવસ પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Ashwin Vanparia

Ashwin Vanparia 3 વર્ષ પહેલા

Mayur

Mayur 3 વર્ષ પહેલા