દીઠાનું ઝેર Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીઠાનું ઝેર

દીઠાંનું ઝેર

લગ્નજીવનના પાંચ વર્ષ બાદ અને તે પણ પ્રેમલગ્ન હોવા છતાં મને લાગ્યું કે થોડા વખતથી મહેશનું વર્તન કાંઈક બદલાઈ ગયું છે. શું હવે તેને અન્યમાં રસ પડ્યો છે? હા, એક પુત્રપ્રાપ્તિ બાદ મારૂં જીવન એક ને બદલે બેમાં વહેચાઈ ગયું હતું પણ તેથી આમ કરાય? મારા કાને વાત આવી હતી કે મહેશ તેની ઓફિસની સહકાર્યકર મનીષા સાથે વધુ નજીક આવી રહ્યો છે. આમ તો પહેલી નજરે મારો મહેશ આવું કરે તે ન મનાય પણ એકવાર શંકાનો કીડો સ્ત્રીના મનમાં પેસી જાય પછી એમ જલદી નાશ પામે? તેમાય જ્યારે એવું કાંઈ જોવાય તો તે શંકા વધુ દ્રઢ બને. પણ પછી મને સમજાયું કે આ બધું દીઠાનું ઝેર છે ને ભાઈ, દીઠાનું ઝેર.

વાત જાણે એમ છે કે એક દિવસ હું રોજની જેમ હું મહેશના આવવાની રાહ જોતી બાલ્કનીમાં ઊભી હતી. અચાનક મારૂં ધ્યાન તેની સાથે બેઠેલી મહિલા પર પડ્યું. શું આ મનીષા તો નથી? જ્યારે તે મહિલા નીચે ઉતારી ત્યારે ખાત્રી થઇ કે તે મનીષા જ છે કારણ એક વાર હું અને મહેશ બાગમાં ફરવા ગયા હતાં ત્યારે તે અમને મળી હતી અને મહેશે ઓળખાણ કરાવતાં જણાવ્યું હતું કે તે તેની સહકાર્યકર છે. દેખાવમાં સુંદર અને દેહયષ્ટિ પણ ધ્યાનાકર્ષક એટલે મારા મનમાં તેની છબી અંકિત થઇ ગઈ હતી. (એક સ્ત્રી તરીકે હું તેની સુંદરતાના વખાણની વિગતો કેમ જણાવું?). એટલે આજે તેને ઓળખતા વાર ન લાગી.

પ્રથમ દ્રષ્ટિએ તો તેમાં કશું અજુગતું ન લાગ્યું પણ જે રીતે તે મહેશને વળગીને બેઠી હતી અને ઉતરતી વખતે જે અદાથી ઉતારી ત્યારે અચાનક કાને પડેલી વાત યાદ આવી અને હવે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ, શંકાનો કીડો સળવળાટ કરવા લાગ્યો હતોને!

વધુ ધ્યાનથી જોયું તો છૂટાં પડતી વખતે બંનેએ એકબીજા સાથે હાથ મેળવ્યા. સામાન્ય સંજોગોમાં તેમાં કશું ખોટું ન ગણાય પણ કમળો હોય તેને બધું પીળું દેખાય તે હિસાબે તે પણ મને ખૂંચ્યું. પછી એવો પણ વિચાર આવ્યો કે સારૂં છે કે બંને જાહેર રસ્તે છે અને હજી અંધારૂ નથી થયું નહીં તો હાથ શું હોઠ પણ મેળવ્યા હોત અને કદાચ તેથી પણ આગળ.........! આજે તે દ્રશ્ય યાદ કરૂ છું ત્યારે થાય છે કે અરેરે, ડહોળાયેલા મનમાં કેવા કેવા વિચારો આવી ગયા.

જ્યારે મહેશ ઘરમાં આવ્યો ત્યારે તેને પૂછતાં કહ્યું કે એ તો મનીષાને બાજુના મોલમાં જવું હતું એટલે મારી પાસે લીફ્ટ માંગી હતી. હું તો તેને ત્યાં સુધી મૂકી આવતે પણ તેણે જ મના કરી. હા ભાઈ હા, આવો સંગાથ અને લહાવો નસીબમાં હોય તો કોણ તેમ કરતાં અચકાય?

આટલું જોયા પછી અને મહેશની વાત સાંભળ્યા પછી મારૂં મન છટપટ થતું રહ્યું. આખી રાત તેઓના વિચારમાં સરખી ઊંઘ પણ ન આવી. એક બાજુ નજરે જોયેલું ભૂલાતું ન હતું તો બીજી બાજુ મન કહેતું હતું કે હું મહેશ પર ખોટી શંકા કરૂ છું. તેના પ્રેમ પર વિશ્વાસ રાખીને તો તેં તેની સાથે સહજીવનના શપથ લીધા અને હવે?

હવે તમે જ કહો આ વાત એવી સાધારણ છે કે હું મહેશને સીધે સીધું પૂછું કે તારી અને મનીષા વચ્ચે કોઈ ચક્કર છે? તો તો ન કેવળ જોયા જેવી થાય પણ સત્ય પણ જાણવા ન મળે અને ત્યારબાદ મારી હાલત શું થાય તે તો કલ્પી પણ ન શકાય! વળી આ વાત જ એવી હતી કે ન કહેવાય ન સહેવાય!

હવે શું?

અંતે એક એવો વિચાર આવ્યો જે કોઈ અન્ય સ્ત્રીમાં આવ્યો હશે કે નહીં તે હું કહી શકતી નથી. બહુ મંથન બાદ તે વિચાર મેં બીજે દિવસે સવારે અમલમાં મુક્યો.

જ્યારે મહેશ નહાવા ગયો ત્યારે પલંગ પર મુકેલા તેના કપડાં ઉપર એક ચીઠ્ઠી મૂકી જેમાં મેં નીચે મુજબ લખ્યું હતું.

‘મહેશ,

હમણાં હમણાં તારૂં વર્તન થોડુક વિચિત્ર લાગે છે. મને લાગે છે કે તું મારાથી ઉબાઈ ગયો છે અને એટલે તું અન્ય સાથે મેળ મેળવવા પ્રયત્ન કરતો હોય તેમ લાગે છે. કદાચ આ મારી ગેરસમજ પણ હોય પણ કેટલીક વાતો સાંભળી અને કાલે તને અને મનીષાને સાથે જોયા અને તેનું વર્તન પણ જોયું તે જોયા બાદ હું આમ લખવા પ્રેરાઈ છું. કદાચ જે જોયું તે આ પહેલી વાર ન પણ હોય તો?

તને સામે ચાલીને પૂછીશ તો તું સત્ય કહેશે કે નહીં તેની ખબર નથી અને એટલે મારી શંકાનું સમાધાન થશે કે કેમ? ના. એટલે મેં નિર્ણય કર્યો છે કે હું રજ્જુને લઈને મારા પિયર જતી રહું. આગળ ઉપર શું કરવું તે વિચારી તને જાણ કરીશ. તને કદાચ મારૂં આ પગલું યોગ્ય નહીં લાગે પણ બહુ વિચાર્યા બાદ હું આમ કરૂ છું.

લોપા’

ત્યાર બાદ હું અમારા પલંગની નીચે સંતાઈ ગઈ જેથી મને મહેશનો પ્રતિભાવ જોવા મળે.

પાંચેક મિનિટ પછી મહેશ નહાઈને બહાર આવ્યો અને કપડાં પહેરવા ગયો ત્યારે તેણે મારી ચિઠ્ઠી જોઈ. વાંચીને તે થોડોક મલકાયો અને પછી મેં લખ્યું હતું તેની નીચે કશુક લખ્યું અને મોબાઈલ લઇ ફોન કર્યો.

‘મનીષા, લાઈન ક્લીઅર. લોપા ઘર છોડીને ચાલી ગઈ છે. ચાલ, બલા ટળી. આપણે હવે મુક્ત પંખીની જેમ મળી શકીશું. એમ કર આજે આપણે ઓફિસ ન જતાં મેટિનીમાં રોમાંટિક પિક્ચર જોઈ લઈએ અને પછી કોઈ સારી હોટેલમાં લંચ લઈએ.’

સામેથી શું જવાબ આવ્યો તેની ખબર ન પડી એટલે મારી અકળામણ ઓર વધી. હવે મારી તાલાવેલીએ મારા પર કબજો કરી લીધો પણ જ્યાં સુધી મહેશ રૂમમાં હોય ત્યાં સુધી હું બહાર કેવી રીતે આવી શકું?

જેવો મહેશ તૈયાર થઇ બેડરૂમની બહાર નીકળી ગયો કે હું પલંગ નીચેથી બહાર આવી. મેં ચિઠ્ઠી ઉપાડી અને ઉત્કંઠાથી તેમાં શું લખ્યું છે તે વાંચ્યું તો તેણે લખ્યું હતું કે તે બહાર ડાઈનીંગ ટેબલ પર બેઠો છે અને હું તેને માટે નાસ્તો લઇ આવું.

અરે વાહ, આ તો જાણે હું હાજર હોઉં તેમ માનીને લખી નાખ્યું. આમ લખ્યું તો તેનો ખુલાસો તો થવો જ જોઈએને?

હું રસોડામાં ગઈ અને નાસ્તો ટેબલ પર મૂકી તેની સામે બેઠી. સામેથી કોઈ પ્રતિક્રિયા નહીં, ફક્ત એક સ્મિત!

‘તને ખાત્રી હતી કે હું ઘર છોડીને નથી ગઈ?’

‘અરે, એમ તું ચાલી જાય તેવી સ્ત્રી નથી. ચાલી જાય તો મારો પ્રેમ ખોટો. મને મારા પ્રેમપાત્ર પર પૂરો ભરોસો છે.’

‘અરે ભરોસો કેવો ને વાત કેવી? આ તો હું ગમે ત્યારે અમલમાં મૂકી શકું, આજે નહીં તો કાલે. પણ મને એ કહે કે તને કેમ ખબર પડી કે હું ઘરમાં જ છું?’

‘ગાંડી, તું પલંગ નીચે છૂપાઈ તો ગઈ પણ તારી કાયાની લંબાઈ એટલી છે કે તારા પગ બહાર દેખાતા હતાં. વળી તું રજ્જુને લઈને જાય છે એમ લખ્યું પણ રજ્જુ તો હજી સૂતો હતો તે તારી બીજી ભૂલ.’

હવે મારે કાન પકડવા સિવાય છૂટકો ન હતો. પણ એમ હું હાર માનું?

‘મને કહે કે હું ઘરમાં હતી તેમ છતાં તે મનીષાને ફોન કરી કેમ એમ કહ્યું કે બલા ટળી? અને ઉપરથી ઓફિસ ન જવાનું કહી પ્રોગ્રામ પણ બનાવ્યો તો હું કેમ માનું કે તમારી વચ્ચે કશું નથી?

‘એ તો તને જલાવવા.’

‘એટલે?’

‘આ જો મારો ફોન. છેલ્લો ફોન જે મેં કર્યો છે તેમાં દસને બદલે આઠ આંકડા લગાવ્યા હતાં એનો અર્થ શું? એ જ કે કોઈનો સંપર્ક થયો ન હતો. આ મેં જાણીજોઇને કર્યું હતું કારણ મને ખબર હતી કે આ તારી ચિઠ્ઠીનું સ્વરૂપ ગંભીર ન હતું અને તું મને ચકાસવા રમત રમે છે. તો હું કેમ રમત ન રમું?’

‘ધારો કે હું ખરેખર આવો નિર્ણય લઉં તો?’

‘તું એટલી કાચા મનની નથી તેની મને સો ટકા સમજ છે. હું એ પણ સમજી ગયો હતો કે તું તારી શંકાનું સમાધાન સીધી રીતે નહીં પણ આડકતરી રીતે કરવા માંગતી હતી. તે આમ કર્યું તેનો મને અફસોસ નથી કારણ તેને લઈને આપણો સંબંધ હવે વધુ ગાઢ બનશે તેમાં કોઈ બે મત નથી. રહી વાત મનીષાની તો ઓફિસના કામસર નજીક આવીએ ખરા પણ હું એટલો નબળા મનનો નથી કે હું લપસી પડું.

એક વાત આપણે બંનેએ વોટ્સએપ પર વાંચી હતી તે યાદ કરાવું. તેમાં પતિ-પત્ની બંને એકબીજાને કહે છે કે જિંદગીના અંત સુધી આપણે બંનેએ જ એકબીજાનો સાથ આપવાનો છે. સંતાનો તો દૂર જતાં રહેશે એટલે વૃદ્ધાવસ્થામાં એકબીજાનો સહારો આપણે જ છીએ. એકબીજાના સાથ વડે બાકીની જિંદગી ગુજારવામાં જ પ્રેમનું સાતત્ય છે. તે સંદેશો મારા જીવનનું ધ્યેય બની ગયું છે અને છેવટ સુધી તે હું નિભાવી શકીશ તેની મને પૂર્ણ ખાત્રી છે.’

‘હું એટલી કાચી કે મેં પણ તે ધ્યેય અપનાવવાનો વિચાર કર્યો હતો પણ છતાં હું મોળી પડી ગઈ. થેંક્યું મહેશ, મને સાચા રાહે લાવવા બદલ. મારા વર્તન બદલ મને માફ તો કરશે ને?’

‘જાઓ, માફ કર દિયા. પણ તેની કિંમત તો ચૂકવવી પડશે.’ કહી તેના હોઠ ઉપર આંગળી મૂકી ઈશારો કર્યો અને હું શરમાઈ ગઈ.

નિરંજન મહેતા