જંતર-મંતર - 35 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 35

જંતર-મંતર

( પ્રકરણ : પાંત્રીસ )

આજે છેલ્લા ગુરુવારે સુલતાનબાબા છેલ્લી વિધિ કરી રહ્યા હતા. એકાએક માટલીમાંથી એક વિકરાળ આકાર ધુમાડો બનીને બહાર નીકળી ગયો. આખો કમરો ધુમાડાથી ભરાઈ ગયો. કમરામાં ટયુબલાઈટ ચાલુ કરી હતી છતાંય અંધકાર છવાઈ ગયો હતો. હંસાએ મનોજનું બાવડું સખત ભીંસ સાથે પકડી લીધું હતું. એનો જીવ મૂંઝાવા લાગ્યો હતો. શ્વાસ પણ ઘુંટાઈ રહ્યો હતો. મનોરમામાસીની પણ એવી જ હાલત હતી. એમનું મજબૂત કાળજું પણ ફફડી રહ્યું હતું. એમણે હંસાનો ખભો પકડી રાખ્યો હતો. એમનું હૃદય સખત રીતે ધ્રૂજી રહ્યું હતું. એમની આંખો બળી રહી હતી. હાથ-પગનાં તળિયાં પરસેવાથી ભીંજાઈને ઠંડા થવા લાગ્યાં હતાં. મનોજ પણ ડરેલો અને ડઘાયેલો બેઠો હતો.

અચાનક ત્રણ જણાં એક સાથે ચોંકી ઊઠયાં. બારી બહાર વીજળીનો એક લિસોટો કમરાના અંધકારને ચીરી ગયો. એ વીજળીનો લિસોટો એટલો ભયાનક હતો કે, એ ત્રણે જણાં એકીસાથે ડરીને ચોંકી ગયાં. એ ભયાનક કમરામાં એમને બેસાડી રાખનાર અને હિંમત આપનાર હોય તો સુલતાનબાબાનો અવાજ હતો. સુલતાનબાબાનો પઢવાનો અવાજ ખૂબ બુલંદ હતો. અત્યારે તેઓ ખૂબ મોટા અવાજે પઢી રહ્યા હતા. એમના અવાજને આશરે એ ત્રણેય જણાં ચૂપચાપ હિંમતથી બેઠાં હતાં.

ધીમે-ધીમે ધુમાડો વિખરાવા લાગ્યો. બહારથી ઠંડી હવાની લહેરો આવવા લાગી અને બહાર એક જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડયો. અને કમરામાં તાજગીભર્યું અને શાંતિભર્યું વાતાવરણ પથરાવા લાગ્યું. ધીમે-ધીમે અંધારું પણ દૂર થઈ ગયું...હવે બધાને સુલતાનબાબા, રીમા અને માટલી સાફ દેખાતા હતાં. હજુ પણ માટલીમાંથી કાળો, ઘેરો અને ઘાટ્ટો ધુમાડો નીકળી રહ્યો હતો.

સુલતાનબાબાએ પેલી માટલી ખસેડીને, તાસક નજીક લીધી. એમાં પાણી ભરવા માંડયું....અને પછી પેલી ઝોળીમાંથી એક નાનકડી ડાબલી કાઢી. એમાંથી ઝીણા લાલ મોતી જેવા દાણા કાઢયા....અને પછી પઢી પઢીને એ દાણાઓ ઉપર ફૂંક મારી, એક પછી એક કરીને એ દાણા પેલી તાસકમાં નાખવા લાગ્યા.

જેમ-જેમ સુલતાનબાબા તાસકમાં દાણા નાખતા ગયા તેમ-તેમ રીમાના શરીરમાં હલનચલન થવા લાગી. ધીમે-ધીમે એ ભાનમાં આવી હોય એમ બેઠી થઈ. એણે બેઠાં થઈને પોતાના વાળ સરખા કર્યા. કોઈકની સાથે લડવા તૈયાર થઈ હોય એમ બેય હાથ ઊંચા કરીને બાવડાં સરખાં કર્યાં.

સુલતાનબાબાએ પઢવાનો અવાજ હવે ધીમો કરી નાખ્યો હતો. એમણે ઈશારાથી મનોજને પાસે બોલાવ્યો અને બે લીંબુ મંગાવ્યાં. મનોજ તરત જ લીંબુ લઈ આવ્યો. સુલતાનબાબાએ દર ગુરુવારે એમને ચાર-પાંચ લીંબુ લાવી રાખવાની સૂચના આપી રાખી હતી. કયારે લીંબુની જરૂર પડશે એ અંગે તો તેમણે કંઈ જણાવ્યું નહોતું. પણ આજે આ રીતે અડધી રાતે એમણે પહેલીવાર જ લીંબુ માગ્યાં અને મનોજે તરત જ એ લીંબુ સુલતાનબાબા સામે હાજર કરી દીધાં.

સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક પેટી કાઢી. એમાંથી મોટી-મોટી સોયો કાઢી અને પછી પઢતાં-પઢતાં એક સોય ઉપર ફૂંક મારીને એ સોય એમણે પેલા લીંબુમાં ઘોંચી....

લીંબુમાં સોય ઘોંચાતાં જ એકાએક રીમા ઊભી થઈ ગઈ. એણે હાથમાં ભાલો પકડી રાખ્યો હોય અને સામે કોઈ દુશ્મન ઊભો હોય એમ ઊભી રહી ગઈ. સુલતાનબાબાએ ધીમે-ધીમે એ સોય લીંબુમાં ઉતારવા માંડી અને એની સાથે જ રીમા કોઈક દુશ્મન સામે લડવા લાગી. એને જોશથી ભાલો મારીને બોલી, ‘હરામખોર હવે તું મારા હાથમાંથી નહીં બચે. તું જાદુગર છે પણ હું તારો જાદુ બાળી નાખીશ. તેં જાદુ મેળવવા અને શક્તિશાળી બનવા અનેક જુવાન છોકરીઓનું લોહી પીધું છે અને તને મળેલી શક્તિ તેં ખરાબ કામોમાં વાપરી છે. પણ યાદ રાખ, હું તને ખતમ કરી નાખીશ.’ કહેતાં એણે હવામાં ભાલો વીંઝતી હોય એમ હાથ ઊંચા કર્યા અને પછી પેલા તરફ ઘા કર્યો...

‘નીચ....તું બચી ગયો...પણ બચી બચીને તું કેટલીકવાર બચીશ...ચલાવ તારો જાદુ અને આવી જા મારી સામે...’ રીમાનો ઘા ખાલી ગયો હોય એમ એ બોલી રહી હતી. હાથમાં ભાલો અને સામે દુશ્મન હાજર હોય એમ એ નાચી રહી હતી, ‘આવી જા....આવી....જા....સુવ્વર. હું તને ખતમ કરી નાખીશ....આવી જા....’ કહેતાં એણે ભાલો વીંઝયો હોય અને ઘા મારતી હોય એમ ભાલો વીંઝવા માંડયો.

રીમાએ હવે રીતસરની લડાઈ માંડી હતી. સુલતાનબાબાએ ધૂપદાનમાં વધારે લોબાન ભભરાવી દીધું હતું. બહાર પવન, વરસાદ અને વીજળી ખૂબ જોશમાં હતાં....કોઈ ભયંકર તોફાન ચાલી રહ્યું હોય એવું લાગતું હતું. ઘરના લોકો તો બહારના તોફાન કરતાં ઘરની અંદર ચાલતા આ તોફાનથી વધારે ડરી રહ્યાં હતાં.

બહાર દીવાનખંડમાં બેઠેલા ચુનીલાલે એકાએક રેડિયો ચાલુ કરી દીધો હતો. અત્યારે ઓરિસ્સામાં ભયંકર તોફાનો આવી રહ્યાની ચેતવણી રેડિયો ઉપર આવી રહી હતી. કોઈપણ નાગરિકે બહાર નહીં નીકળવાની અને બિનસલામત જગ્યાએથી સલામત જગ્યાએ ખસી જવાની સૂચના અપાઈ રહી હતી....ભારતમાં છેલ્લા સો વરસમાં આવું વાવાઝોડું અને આવું ખતરનાક તોફાન પહેલીવાર આવી રહ્યાના એ સમાચાર હતા. પણ રેડિયો ઉપર આગળ કંઈક સૂચના અપાય એ પહેલાં જ, એકાએક વીજળી ખોરવાઈ ગઈ....રેડિયો બંધ થઈ ગયો, બત્તીઓ બુઝાઈ ગઈ અને ચારે તરફ અંધકાર છવાઈ ગયો.

રંજનાબહેને બહારના ભયાનક તોફાનના સમાચાર આપ્યા અને મનોજને કહ્યું, ‘ભાઈ, તું બારીઓ બંધ કરી દે.’ અને પછી પૂછયું, ‘હંસા કયાં છે...?’

મનોરમામાસીએ જવાબ આપ્યો, ‘એ રસોડામાં ઈમરજન્સી લાઈટ લેવા ગઈ છે...!’

‘રીમા કેમ છે...?’ રંજનાબહેને રીમા વિશે પૂછપરછ કરી ત્યારે મનોરમામાસી બોલ્યાં, ‘બહેન, તું મારા બનેવી પાસે બેસ. એમનું ધ્યાન રાખ.... રીમા પાસે અમે બેઠાં છીએ. તું એની ફિકર ન કર.’

હજુ આ વાત ચાલતી હતી ત્યાં હંસા લાઈટ અને બે-ત્રણ મીણબત્તીઓ લઈને આવી.

રંજનાબહેન રીમા ઉપર એક નજર નાખીને ચાલ્યાં ગયાં. રીમા હજુ પણ હાકોટા અને પડકારા કરી રહી હતી. એ જોશથી ઉછળતી કોઈકની સાથે ભાલાના આટાપાટા ખેલતી હતી અને બૂમાબૂમ પણ કરતી જતી હતી. બહાર વરસાદનો અવાજ વધી ગયો હતો. વાદળનો ગગડાટ પણ બહુ ભયાનક હતો. રહી રહીને જોરદાર કડાકાઓ સંભળાતા હતા. બંધ બારીઓના કાચમાંથી વીજળીનો લિસોટો સહેજવાર માટે બધાને આંજી જતો હતો.

સુલતાનબાબા એક પછી એક સોય પઢી પઢીને લીંબુમાં પરોવતા હતા. લીંબુમાં અણીદાર લાંબી સોય પરોવતાં તેમને ખૂબ મુશ્કેલી પડતી હતી. તેઓ ખૂબ જોશથી સોય દબાવતાં ત્યારે માંડ જરાય સોય અંદર ઘૂસતી હતી. ધીમે-ધીમે તેમણે બે સોય અંદર ઉતારી દીધી હતી અને અત્યારે ત્રીજી સોય લીંબુમાં ઉતારતાં હતા. પણ અગાઉની બે સોય પરોવતાં જ તેમને ખૂબ ખૂબ મુશ્કેલી પડી હતી. તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમનો આખો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. એમનો સોય પરોવતો હાથ ધ્રૂજી રહ્યો હતો. એમના કપાળ ઉપર ચિંતા અને મૂંઝવણભરી કરચલીઓ છવાયેલી હતી. એમની આંખો લીંબુ ઉપર ચોંટેલી હતી. ધીમે-ધીમે જોર કરીને એમણે ત્રીજી સોય લીંબુમાં ઉતારી દીધી.

જ્યારે મનોજ લીંબુ લઈને આવ્યો ત્યારે એ લીંબુ પૂરેપૂરાં પીળાં હતાં. લીંબુમાં કયાંય બીજા કોઈ રંગની છાંટ વરતાતી નહોતી. પણ હવે પીળા રંગનું લીંબુ લીલા રંગનું બની ગયું હતું.

મનોરમામાસી, હંસા અને મનોજ એકીટસે સુલતાનબાબાને જોઈ રહ્યાં હતાં. વારેઘડીએ એમની નજર રીમા તરફ ખેંચાઈ જતી હતી. રીમાને ઉછળતી-કૂદતી અને હાકોટા કરતા જોઈને તેમને નવાઈ લાગતી હતી. ઘરમાં બિલકુલ શાંત અને ચૂપ રહેતી રીમા આ રીતે ઉછળે-કૂદે એ ખરેખર ન માની શકાય એવી વાત હતી. પણ અત્યારે રીમા એ જ રીતે ઉછળતી-કૂદતી હતી એટલું જ નહીં પણ કોઈકની સાથે ઝઘડો કરતી હતી. એ કોની સાથે ઝઘડો કરી રહી હતી એની કોઈને ખબર પડી નહીં. પેલો સિકંદર તો જાણે ખતમ થઈ ગયો હતો. એ સિકંદર ખતમ થઈ ગયાનો આનંદ બધાનાં મનમાં હજુ ઉભરાયો નહોતો. હજુ પણ રીમા તો સાજી થઈ જ નહોતી. અને બધા જાણતા હતાં કે રીમા આજે સાજી થાય તો ભલે, નહીંતર એ કદી સાજી નહીં શકે. બધા રીમાને સાજી-નરવી અને સ્વસ્થ જોવા માંગતા હતા. પણ રીમા તો અત્યારે કોઈકની સાથે ભાલાથી આટાપાટા રમતી હતી અને વારેઘડીએ પેલાની મજાક પણ ઉડાવતી હતી. જાણે આ દુનિયાથી એ બિલકુલ બેખબર હતી. મનોરમામાસી, હંસાભાભી કે મનોજભાઈને એ ઓળખતી જ નહોતી અને કોઈક બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હતી.

સુલતાનબાબા એને લડવા દેવા માંગતા હોય એમ લીંબુમાં ત્રણ સોય પરોવ્યા પછી આંખો મીંચીને બેસી ગયા હતા. લીંબુ એમણે પાછું જમીન ઉપર મૂકી દીધું હતું. અને લીંબુમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. હવે એ આંખો મીંચીને મોટા અવાજે પઢી રહ્યા હતા અને રીમા હવે દુશ્મન ઉપર વિજય મેળવી લીધો હોય અથવા તો વિજય હાથવેંતમાં હોય એમ ખુશખુશાલ થઈને લડી રહી હતી.

હવે તો બહાર તોફાને વધારે જોર પકડી લીધું. આડેધડ ફૂંકાતાં પવન સાથે વરસાદનું જોશ પણ વધી ગયું હતું. આખું વાતાવરણ ભયંકર બની ગયું હતું. આખાય બંગલાની બારીઓ અને બારણાં બંધ હતાં છતાં ઠંડી લાગવા માંડી હતી.

લગભગ અડધા કલાક પછી સુલતાનબાબાએ આંખો ઉઘાડી ત્યારે રીમા પણ ખૂબ જોશમાં હતી. સુલતાનબાબાએ પઢવાનું ચાલુ જ રાખી, પોતાનો અવાજ સહેજ ધીમો કર્યો અને પછી પોતાની ઝોળીમાંથી એક ડબ્બી કાઢી એમાંથી કેટલાક દાણા કાઢયા. અને પછી એમાં પેલા લાલ દાણા ભેળવીને ફૂંક મારીને એમણે એકી સાથે એ તાસકમાં નાખી દીધા.

તાસકમાં દાણા પડતાં જ જાણે એક મોટો ભડકો થયો. એની જ્વાળાઓ છેક ઉપરની છત સુધી અડી ગઈ અને પછી થોડી જ વારમાં એ જ્વાળા શાંત થઈ ગઈ.

એ જ્વાળાની સાથે જ રીમાએ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું. એ ત્રાડ નાખતી હોય એમ બોલી, ‘હું હમણાં જ આવું છું સુવ્વર..હું તને ખતમ કરી નાખીશ...હવે તું નહીં બચે....!’ કહેતાં એણે નીચે જમીન ઉપર ગુલાંટો ખાવા માંડી. ચાર-છ વરસના બાળકો કે કોઈક સરકસની સુંદરી ખાય એવી ગુલાંટો...

પણ ગુલાંટો ખાતી રીમા તો બારણામાં થઈને આગળ નીકળી ગઈ.

મનોરમામાસી અને હંસા તરત જ ગભરાઈને, ‘અરે રીમા રીમા...!’ કરતાં રીમાને રોકવા પાછળ દોડયાં, પણ સુલતાનબાબાએ તરત જ ત્રાડ નાખી, ‘તમે એને જવા દો...એના કામમાં અત્યારે દખલ કરશો નહીં. એ જે કંઈ કરે છે તે બરાબર કરે છે. તમે ચૂપચાપ બેસી જાવ.’

મનોરમામાસી અને હંસાને મનોજે બોલાવીને પાછા બેસાડી દીધાં. પણ મનોરમામાસી બોલ્યાં, ‘મનોજ, એ તો આપણા ઘરની બહાર નીકળી ગઈ છે.’

સુલતાનબાબાએ કહ્યું, ‘ભલે નીકળી ગઈ-તમે ચિંતા ન કરો !’

રંજનાબહેને ગભરાટથી દલીલ કરી, ‘પણ, બહાર તોફાન છે, અંધારું છે....!’

‘બહાર ભલે અંધારું હોય, તમારી દીકરીને અંધારું નડવાનું નથી. અત્યારે એ અંધકારમાં પણ સાફ સાફ દેખી શકે છે. તમારે તમારી દીકરી કયાં ગઈ એ જોવું હોય તો અહીં આવો.’

સુલતાનબાબાની વાત સાંભળીને બધાં જ અચરજ પામતાં આગળ આવ્યાં. સુલતાનબાબાએ લીંબુમાં ચોથી સોય પરાણે ઘોંચી દેતાં કહ્યું, ‘તમે લોકો ચૂપચાપ તાસકમાં જોતાં રહો.’ અને પછી એમણે બાજુની ડોલમાંથી લોટામાં પાણી ભરીને એ તાસકમાં રેડયું અને બોલ્યા, ‘હવે જે કંઈ થશે તે આ તાસકમાં તમને દેખાશે. તમારી સાથે વાત કરું ત્યારે જ મારી સાથે વાત કરવાની છે. મને કોઈ ખલેલ પાડશો નહીં.’ આટલું કહીને સુલતાનબાબાએ પાણીની તાસક ઉપર એક જોરદાર ફૂંક મારી. તાસકમાંનું થોડું પાણી ઉછળીને બહાર ઢોળાઈ ગયું. પાણીમાં થોડાંક વમળો દેખાયાં અને એની સાથે જ રંગબેરંગી દૃશ્ય દેખાવા લાગ્યું. વમળો શાંત થયાં અને પાણી બિલકુલ સ્થિર થઈ ગયું ત્યારે બધાંને એમાં હાથમાં ભાલો પકડીને દોડતી-ભાગતી રીમા દેખાઈ.

દૂર-દૂર કોઈ પહાડી, રસ્તા ઉપર રીમા દોડી રહી હતી. એના રસ્તામાં કાટા-ઝાંખરા અને પથ્થરો આવતાં હતાં. છતાં રીમા પૂરઝડપે દોડી રહી હતી, એ જગ્યા કઈ હતી એની કોઈનેય ખબર નહોતી. કોઈ બિલકુલ અજાણી જગ્યા હતી છતાંય રીમા કોઈ સાફ, ચોખ્ખા અને જાણીતા રસ્તા ઉપર દોડતી હોય એમ સહજપણે દોડી રહી હતી. રીમાની આંખો સ્થિર હતી. હાથમાં ભાલો ઊંચકાયેલો હતો. એના ચહેરા ઉપર ઝનૂન દેખાતું હતું. રીમાનું આવું વિકરાળ રૂપ જોઈને સૌને નવાઈ લાગતી હતી.

અચાનક એક ધડાકાથી બધાં ચોંકી ઊઠયાં. ઘડીકવાર માટે તેઓ બહારના તોફાનને ભૂલી ગયાં હતાં. પણ ધડાકાએ એમને ચોંકાવી દીધા. ધરતીકંપ થયો હોેવો ધડાકો હતો. આખો બંગલો ધ્રૂજી ગયો હતો. હંસાએ ફાનસના આછા અજવાશમાં ભીંત ઘડિયાળ તરફ જોયું. ઘડિયાળનું લોલક ધીમું થઈ ગયું હતું. અને એકાદ-બે સેકન્ડમાં એ થોભી ગયું, એનો મતલબ કે હજુ હમણાં જ ધરતીકંપ થયો. એણે ગભરાટથી પેલી તાસક તરફ નજર કરી. એ તાસકનું પાણી ધ્રૂજી રહ્યું હતું. એમાં ગોળ-ગોળ ચક્કરો દેખાતાં હતાં. જોકે, એ ચક્કરો હોવા છતાંય પેલું દૃશ્ય દેખાતું હતું. એ ચક્કરોને કારણે એ આખુંય દૃશ્ય ધૂંધળું દેખાતું હતું.

હંસા મનોમન ગભરાઈ ગઈ હતી. આમેય એ ગભરાયેલી હતી પણ આ ધડાકો થતાં જ અને એ ધડાકો ધરતીકંપનો છે એવું લાગતાં જ એના હાથપગ પરસેવે રેબઝેબ થઈ ગયાં હતા. હવે રીમા કેવી રીતે પાછી આવશે ? એ કયાં ગઈ હશે ? શા માટે ગઈ હશે ? એવા વિચારો સાથે એણે સુલતાનબાબા સામે જોયું. સુલતાનબાબા અત્યારે બિલકુલ ચૂપ અને સ્થિર હતા. એમની આંખો બંધ હતી અને એ ઝડપથી પઢતા હતા.

સુલતાનબાબાએ પછી પેલી ડબ્બી ઉઘાડી એમાંથી મોતીના કાળા દાણાઓ કાઢયા અને એને ફૂંકો મારી મારીને એ તાસકમાં નાખવા લાગ્યા. તાસકમાં ભડકાઓ થવા લાગ્યા. લગભગ દસેક મિનિટ સુધીમાં સુલતાનબાબાએ પચાસેક દાણાઓ આ રીતે નાખી દીધા. એ ભડકાઓથી દાઝી ન જવાય એટલે મનોરમામાસી, મનોજ અને હંસા દૂર ખસી ગયાં.

થોડીકવારે પેલા ભડકાઓ શાંત થઈ ગયા. પાણી શાંત થઈ ગયું એટલે પેલું દૃશ્ય બિલકુલ સાફ દેખાવા લાગ્યું.

હવે રીમા કોઈ વસ્તીમાં પહોંચી ગઈ હતી. કોઈ મોટું શહેર હતું. પણ એ મોટા શહેરની વસ્તી અત્યારે ઊંઘી ગઈ હતી. રસ્તા ઉપર દોડતી મોટરો સ્થિર થઈ ગઈ હતી. અડધી રાતે રસ્તા ઉપર જે થોડાંઘણા માણસો હતાં-જે થોડીઘણી હલન-ચલન હતી એ બધી જ સ્થિર થઈ ગઈ હતી.

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું ? સુલતાનબાબા સિકંદરને ખતમ કર્યા પછી એના ગુરુ અને અઘોરીઓને ખતમ કરવામાં સફળ થયા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***