જંતર-મંતર
( પ્રકરણ : આઠ )
રીમા પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી.
ગભરાટથી ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી.
હંસાને મનમાં કંઈક શંકા ગઈ. એણે ચૂપચાપ રીમાનો પીછો કરવાનું નક્કી કર્યું અને કોઈ ન જુએ, રીમાને પણ ખ્યાલ ન આવે એ રીતે એ પણ રીમાની પાછળ પાછળ જવા લાગી.
રીમા સરકતી સરકતી પાછળના ભાગમાં વાડા તરફ આગળ વધી. હંસા પણ એની પાછળ ને પાછળ ખેંચાઈ.
રીમા વાડામાં પહોંચી ત્યારે અગાઉથી જ ત્યાં એક પુરુષ ઊભેલો હંસાની નજરે પડયો. હંસા મનમાં ફફડી ગઈ. રીમા આટલી હદે ‘ખરાબ’ થઈ ગઈ હશે એવું તો એણે મનમાં કદી વિચાર્યું નહોતું. મનમાં થરથરતી હંસા પેલો પુરુષ પોતાને જોઈ ન લે એટલા માટે એક ઝાડની પાછળ છુપાઈ ગઈ.
હંસા ઝાડ પાછળથી માથું બહાર કાઢીને રીમા તરફ જોઈ રહી હતી. પેલો પુરુષ રીમાને બાહુપાશમાં લેવા માટે પોતાના બેય હાથ પહોળા કરીને ઊભો હતો. ‘આવા આધેડ પુરુષમાં રીમા શું જોઈ ગઈ હશે ?’ હંસા મનોમન બબડી. એને રીમા તરફ નફરત થઈ આવી. રીમા હોસ્ટેલમાં રહેતી હતી.
ત્યાંથી જ એને એવી ખરાબ લત લાગી છે એવું અનુમાન હંસાએ લગાવ્યું. એ વધુ સારી રીતે બન્નેને જોઈ શકાય એવા વિચારે ઝડપથી લાંબા ડગ ભરતી આગળ વધી અને બિલકુલ માવજીની પાછળના ઝાડ પાસે જ લપાઈ ગઈ અને શ્વાસ રોકીને બન્નેને જોવા લાગી.
ત્યાં સુધીમાં માવજીએ રીમાને પોતાના બાહુપાશમાં જકડી લીધી હતી.
અચાનક હંસાનું મોઢું અચરજ અને ગભરાટથી ફાટી ગયું. અત્યારે રીમાનો ચહેરો ઘણો બદલાઈ ગયો હતો. એના ચહેરા ઉપર ઝડપથી દાઢી-મૂછ ફૂટી રહ્યાં હતાં. એના આગલા બે દાંત બહાર નીકળી આવ્યા હતા. રીમાના બેય હાથ ધીમે-ધીમે અદ્ધર થતા માવજીના ગળા સુધી પહોંચી ગયા હતા. હાથ ઉપર રીંછની જેમ લાંબા વાળ ફૂટવા લાગ્યા હતા. એના ગળાના નખ લાંબા અને તીણા થઈ ગયા હતા. હંસા રીમાના બદલાતા રૂપને ફાટી આંખે જોઈ રહી હતી.
માવજીના ગળે રીમાના લાંબા અને તીણા નખ વાગતાં જ એ ચોંકી ઊઠયો. એણે માથું ઊંચું કરીને રીમાના ચહેરા સામે જોયું. રીમાનો ચહેરો જોતાં જ એણે રીમાને છોડી દીધી. ચીસ પાડવા માટે એનું મોઢું પહોળું થયું. પણ એ ચીસ ન પાડી શકયો. એણે રીમાના પંજામાંથી છૂટવા પ્રયત્ન કર્યો, પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું. માવજીના ગળામાં રીમાના લાંબા, અણીદાર અને તીણા નખ ઘૂસી ગયા હતા. અને ગળામાંથી લાલ-લાલ, ગરમા-ગરમ લોહીના રેલાઓ નીકળી રહ્યા હતા. રીમાએ એ ગરમ અને લાલ લોહી ઉપર પોતાનું મોઢું મૂકી દીધું હતું.
થોડી જ વારમાં હંસાની આંખો સામે જ માવજી ખતમ થઈ ગયો. એની આંખોના ડોળા ભયથી બહાર આવી ગયા હતા. હંસા તો આ દૃશ્ય જોઈને ધ્રૂજી ઊઠી હતી. એના શરીરે ટાઢ ચડી ગઈ હોય એમ એનું શરીર અને એનું હૃદય ધ્રૂજતાં હતાં. ગભરાટથી એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.
માવજી ખતમ થઈ ગયો એટલે રીમા એને છોડીને પાછી વળી. એ વખતે એનો ચહેરો ફરી બદલાઈ ગયો હતો. એ અસલ જેવી હતી તેવી જ થઈ ગઈ હતી. હા, એની આંખમાં શિકારથી ધરાયેલા પશુ જેવી ચમક હતી.
રીમા પાછી વળી એટલે ડરતી, ધ્રૂજતી હંસા પણ પાછી વળી ગઈ. એ હળવે હળવે દાદરો ચડીને પોતાની પથારી સુધી આવી. ત્યારે રીમા પોતાની પથારીમાં નિરાંતે ઘસઘસાટ ઊંઘતી હતી.
દૃ દૃ દૃ
એ રાતે હંસા મોડી રાત સુધી પથારીમાં પડી-પડી, ફફડતી અને તરફડી જાગતી રહી. રીમાનું બદલાયેલું અને ભયાનક રૂપ અને માવજીનું ખૂન પોતાની સગી આંખે જોઈને હંસા ખૂબ ડરી ગઈ હતી. એનું હૃદય જોશ જોશથી ધડકતું હતું. એને વારેઘડીએ એમ લાગતું હતું કે, જોશ જોશથી ઉછળતું અને ધડકતું હૃદય હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. રીમાનું ભયંકર-ડરામણું રૂપ અને માવજીનો આંખો ફાટેલો ચહેરો તો એની આંખો સામે સતત તરવરતો હતો. બેચેનીથી પડખાં ઘસતાં ઘસતાં જ સવાર પડવા આવી ત્યારે માંડ માંડ એની આંખ મીંચાઈ.
એની આંખ ખૂલી ત્યારે ચારે બાજુ ઘોંઘાટ ચાલુ હતો. બધી જ સ્ત્રીઓ ઉપરથી ઝૂકીને નીચેની તરફ જોતી હતી. રીમા પણ ત્યાં જ ઊભેલી હતી. હંસા ઝડપથી ઊભી થઈ અને રીમાની પડખે જઈને ઊભી રહી. અને નીચેની તરફ ઝૂકીને જોયું. જોતાં જ એ ચોંકી ગઈ. નીચે પોલીસના સાત-આઠ માણસો ઊભા હતા. વચ્ચે એક પોલીસ ઈન્સ્પેકટર અને ફોટોગ્રાફર ઊભા હતા અને એમની ચારે બાજુ લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. એક એમ્બ્યુલન્સ કાર પણ આવીને ઊભી હતી.
પોલીસને જોતાં જ હંસા ફફડી ગઈ. એનું હૃદય ફરી જોરજોરથી ધડકવા લાગ્યું. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. એની આંખે અંધારા આવી ગયાં હોય એમ એની આંખો સામે લીલાં, પીળાં અને લાલ ધાબાં એકાદ પળ માટે દેખાયાં અને પછી આંખોમાં બરફ ધસી આવ્યો હોય એમ એની આંખો ઠંડી થઈને, બીડાઈ ગઈ. બીજી જ પળે એ રીમા ઉપર ઢળી પડી.
તરત જ રીમાનું ધ્યાન એની ભાભી તરફ ખેંચાયું. ભાભીને બેભાન થઈને ઢળી પડતી જોઈને એણે ભાભીને પકડી લીધી અને ‘ભાભી શું થયું ? શું થયું ?’ ગભરાટભરી બૂમાબૂમ કરી મૂકી. રીમાની બૂમાબૂમથી બીજી સ્ત્રીઓનુ ધ્યાન એની તરફ ખેંચાયું અને બધી જ સ્ત્રીઓ બહાર જોવાનું પડતું મૂકીને એ તરફ દોડી. એક-બે અનુભવી સ્ત્રીઓએ ઝડપથી હંસાને પથારીમાં સુવડાવી એનાં કપડાં ઢીલાં કર્યાં અને એના ચહેરા ઉપર જોરથી પાણીની છાલકો મારવી શરૂ કરી. એક-બે સ્ત્રીઓએ પંખો નાખવા માંડયો. થોડીવારની સારવાર પછી હંસાને કંઈક કળ વળી, એ ભાનમાં આવી હોય એમ આંખો ખોલી. રીમાએ એને ગભરાટથી પૂછયું, ‘શું થયું ભાભી ? હવે કેમ છે ?’
બેઠા થવાનો પ્રયત્ન કરતાં હંસા બોલી, ‘ઠીક છે રીમા...જરાક ચક્કર આવી ગયાં હતાં.’
હંસા બેઠી થઈ એટલે મોટા ભાગની સ્ત્રીઓ ફરી નીચેનું દૃશ્ય જોવા માટે ચાલી ગઈ. રીમાએ પણ હંસાને ઊભી કરતાં કહ્યું, ‘ભાભી, ચાલો આપણે ત્યાં ઊભા રહીને જોઈએ.’ અને પછી ભાભીને ખબર આપતાં બોલી, ‘ભાભી, તમને કંઈ ખબર પડી ? ગઈ કાલે આપણી સાથે જાનમાં માવજીભાઈ હતા ને...પેલા ટાલવાળા, ઊંચા સરખા...મામાના મિત્ર...એમનું રાતનાં કોઈએ ખૂન કરી નાખ્યું છે.’
રીમાને બિલકુલ શાંતિથી-પોતે જાણે એ વિશે કશું જ ન જાણતી હોય અને બિલકુલ નિર્દોષ હોય એમ ખબર આપતી જોઈને હંસાને નવાઈ લાગી. એણે વધુ જાણવા માટે રીમાને પૂછયું, ‘કોણે ખૂન કર્યું છે ?’
‘એની તો હજુ સુધી કંઈ ખબર નથી પડી ભાભી...પોલીસ એની જ પૂછપરછ કરે છે.’ કહેતાં એણે નાનકડા હેમંતને પોતાની પાસે તેડી લીધો અને પછી હળવેકથી મનમાં બબડી, ‘એ મૂઓ હતો જ એ લાગનો !’
હંસાએ પોતાનાં કપડાં સરખાં કર્યાં. બેય હાથથી આગળ આવેલા વાળની લટ સરખી કરી અને પછી કંઈક સ્વસ્થ થઈ હોય એમ નિરાંતનો દમ ખેંચીને એ રીમાની પાછળ આગળ વધી.
નીચે એમ્બ્યુલન્સવાળા માવજીની લાશને લઈ જવાની ધમાલમાં હતાં. પોલીસના માણસો પણ વ્યવસ્થામાં પડી ગયા હતા. પોલીસ ઈન્સ્પેકટર એક ખુરશીમાં બેસીને પંચનામું કરતા હતા.
રીમાની બાજુમાં ઊભા રહ્યા પછી હંસાએ સતત બે-ત્રણવાર રીમાના ચહેરા ઉપર નજર નાખી. રીમાના ચહેરા ઉપર બિલકુલ ગભરાટ નહોતો. થોડીક વાર પછી એણે રીમાને પૂછયું, ‘રીમા, તને બીક નથી લાગતી ?’
‘શાની બીક ?’ રીમાએ સામેથી પૂછયું, ત્યારે હંસાએ ધારદાર નજરે રીમા તરફ જોઈને કહ્યું, ‘પોલીસની...!’
રીમા એક પળ ભાભી સામે જોઈ રહી હતી પછી હસીને બોલી, ‘નાની હતી ત્યારે પોલીસની ખૂબ બીક લાગતી હતી. પણ હવે તો બિલકુલ બીક નથી લાગતી.’
રીમાનો જવાબ સાંભળીને ભાભીનું અચરજ બેવડાઈ ગયું. રાતના રીમાની સરકતી ઝડપી ચાલ અને બદલાયેલું રૂપ એની આંખો સામે તરી આવ્યું. કોઈ પણ માનવનું રૂપ આ રીતે બદલાય નહીં એવું તો હંસા પોતાની આટલી જિંદગીમાં જાણી ચૂકી હતી. એને મનમાં શંકા ગઈ કે, હોય ન હોય પણ રીમા જરૂર કોઈક ભૂત-પ્રેતના પંજામાં ફસાયેલી છે અને રાતના માવજીનું ખૂન રીમાએ નહીં પણ એ ભૂત-પ્રેતે જ કર્યું છે. રીમાએ ખૂન નથી કર્યું એવું અનુમાન કર્યા પછી હંસાના મનને ધરપત થઈ. થોડોક આનંદ થયો. છતાંય વધારે ખાતરી કરવા એણે રીમાને પૂછયું, ‘રીમા, તું આ ખૂન બાબતમાં શું જાણે છે ?’
પોતાની સગી ભાભીને આવો સવાલ કરતી જોઈ રીમાને નવાઈ લાગી. એને ખોટું લાગ્યું હોય એમ મોઢું ફુલાવીને ભાભી તરફ જોઈને કહ્યું, ‘હું કંઈ જાણતી નથી.’
‘મારા સોગંદ ખા....!’
‘તમારા સોગંદ ભાભી...!’ સોગંદ ખાધા પછી રીમાએ ભાભી પાસેથી ખુલાસો જાણવા પૂછયું, ‘ભાભી, તમે કેમ મને પૂછો છો...?’ ત્યારે ભાભીએ રીમાને ખોટું ન લાગે એ માટે વાત વાળી લીધી, ‘કંઈ નહીં રીમા, તું મારા કરતાં વહેલી જાગી છો એટલે તું કંઈ જાણતી હોઈશ એમ માનીને મેં તને પૂછેલું.’
રીમા હસી પડી. ‘ના રે ભાભી, બધા મૂંઝવણમાં છે. પોલીસ તો હું જાગી એ પહેલાંની આવી ગઈ છે અને બધા પુરુષોને પૂછપરછ કરે છે.’
ત્યારબાદ હંસાએ રીમાને કંઈ ન પૂછયું. પણ એને એક વાતનો ખ્યાલ આવી ગયો કે રીમા આ વાતમાં કંઈ જાણતી નથી અને રીમાને બદલે આ કામ કોઈ ભૂત-પ્રેતે જ કર્યું છે. એણે જ રીમા પાસે આ કામ કરાવ્યું છે. મનને મક્કમ કરી હંસા નીચેની તરફ જોવા લાગી.
માવજીનું શબ લઈને એમ્બ્યુલન્સ ચાલી ગઈ હતી. પેલો પોલીસ ઈન્સ્પેકટર હવે જાનમાં આવેલા પુરુષોને વારાફરતી પૂછપરછ કરીને કંઈક નોંધી રહ્યો હતો. થોડીવાર પછી હંસાને ખ્યાલ આવી ગયો કે એ પોલીસ ઈન્સ્પેકટર જાનૈયાઓનાં નામ અને સરનામાં નોંધી રહ્યો હતો. જેમના નામ-ઠામ લખાઈ જાય, એટલે સીધા બસમાં બેસાડી દેવામાં આવતા હતા.
બધા પુરુષો બસમાં બેસી ગયા પછી સ્ત્રીઓને બસમાં બેસી જવાનો હુકમ ઈન્સ્પેકટરે આપ્યો. સહુથી પહેલાં વહુ સાથે બે-ત્રણ સ્ત્રીઓ બસમાં બેઠી. પછી બાકીની સ્ત્રીઓને લાઈનમાં ઊભી રાખીને બસમાં ચડવા દેવામાં આવી.
પોલીસ ઈન્સ્પેકટર બસના દરવાજા પાસે ઊભો હતો અને બસમાં ચડી રહેલી સ્ત્રીઓને ઝીણવટથી જોઈ રહ્યો હતો. રીમા તો ઝડપથી હેમંતને લઈને બસમાં ચડી ગઈ. પણ હંસા તો પોલીસ ઈન્સ્પેકટર પાસેથી પસાર થતાં થતાં મનમાં કંપી ઊઠી. એના ચહેરા ઉપર પરસેવો ફરી વળ્યો અને ફરી એકવાર એની આંખો સામે લાલ, પીળાં અને લીલાં ધાબા દેખાવા લાગ્યાં. પણ તરત જ એના હાથમાં બસના પગથિયાં પાસેનો દંડો આવી ગયો. હિંમત કરીને એ બસનું એક પગથિયું ચડી ગઈ. બીજાં બે પગથિયાં પણ એ ઝડપથી ચડીને કન્ડકટરની સીટમાં જ બેસી ગઈ. સારા નસીબે કોઈનુંય ધ્યાન એ તરફ ખેંચાયું નહિ. ઈન્સ્પેકટર પણ સ્ત્રીઓનું અવલોકન કરવામાં પરોવાઈ ગયો હતો. હંસાની બરાબર પાછળ એક જાડી બાઈ હતી. એટલે આમેય બહારથી હંસા ઉપર કોઈનીય નજર પડે એમ નહોતી. થોડીકવારે હંસાને કળ વળી એટલે એ ઊભી થઈને રીમા પાસે, પોતાની જગ્યાએ જઈને બેઠી અને જ્યાં સુધી બસ ઊપડી નહીં ત્યાં સુધી એનું હૃદય જોશજોશથી ધડકતું રહ્યું.
ત્યારપછીના ત્રણ-ચાર કલાક પણ હંસાએ ફફડતા અને બેચેન મને પસાર કર્યા. રહી રહીને એને રાતની વાત યાદ આવતી હતી. રીમાનો ભયંકર ચહેરો યાદ આવતો હતો અને માવજીનું ભયાનક મોત યાદ આવતું હતું. હંસાનું શરીર આ બધું યાદ આવતાં જ કંપતું હતું. એનાં રૂવાટાં વારેઘડીએ ખડાં થઈ જતાં હતાં અને ચહેરો પરસેવે રેબઝેબ થઈ જતો હતો. શરીર ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરતા હતા. એની બાજુમાં જ રીમા હેમંતને લઈને બેઠી હતી. એકાદ બેવાર રીમાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે હંસાએ ખૂબ હળવેકથી જવાબ આપ્યો, ‘રીમા, મને ચુપચાપ પડી રહેવા દે. મારી તબિયત બરાબર નથી.’ અને ત્યારબાદ રીમાએ પણ એને બોલાવાનો પ્રયત્ન કર્યો નહોતો, એને ભાભીની તબિયતની ચિંતા થવા લાગી હતી.
માંડ-માંડ ચાર-સાડા ચાર કલાક પછી માંડવે આવી ત્યારે રીમાએ પોતાના મામા-મામીની રજા લઈને તરત જ ત્યાંથી વિદાય લઈ લીધી હતી. હંસાવહુની તબિયત ઠીક નથી, એવું જાણ્યા પછી મામા-મામીએ પણ બન્નેને રોકાવા માટે દબાણ કર્યું નહોતું.
ઘરે પહોંચ્યા પછી હંસાની મૂંઝવણ બેવડાઈ ગઈ. ઘરે બધાને વાત કરવી કે ન કરવી ? કેવી રીતે વાત કરવી ? એ બધા જ સવાલો એના મગજમાં સાપ બનીને આળોટવા લાગ્યા. એક-બે વાર તો એણે પોતાના પતિ મનોજને આ વાત કરી દેવાનું નક્કી કર્યું. પણ કેમેય કરતાં એ આવી વાત કરવાનું સાહસ કરી શકી નહીં. દિવસે દિવસે એની મૂંઝવણ અને બેચેની વધતી ચાલી.
ઘરવાળાઓએ ડૉકટરને બોલાવીને, એની દવા પણ લેવડાવી. પણ સારી થવાને બદલે હંસા વધુ માંદી પડી ગઈ. ખાવાનું પણ ભાવતું નહોતું. વારેઘડીએ એની આંખો સામે પેલું રાતવાળું ભયાનક દૃશ્ય તરવરી ઊઠતું.
પછી..? પછી શું થયું..? હંસાનું શું થયું ? શું એણે પરિવારના સભ્યોને રીમાની સચ્ચાઈ બતાવી દીધી ? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
***