જંતર-મંતર
( પ્રકરણ : સાત )
રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એક લગ્ન ગીત પૂરું થયું. ગામ તો હવે કયાંય દૂર રહી ગયું હતું. એક લાંબી અને પહોળી સડક પર બસ પૂરપરાટ દોડી રહી હતી.
ગીત પૂરું થયા પછી હસતાં-હસતાં રીમા પોતાની ભાભી તરફ જુએ એ પહેલાં જ એની નજર અધવચ્ચે જ રોકાઈ ગઈ. એક આધેડ વયનો પુરુષ એને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો. રીમાએ એને ઓળખવા પ્રયત્ન કર્યો. પણ ઓળખી શકી નહિ. અગાઉ એ પુરુષને કયાંય જોયો નહોતો. એ પુરુષને પોતાની તરફ આ રીતે ટીકી ટીકીને જોઈ રહેલો જોઈને રીમાને એની ઉપર ચીડ ચઢી. એ ઘૃણાથી મોઢું ફેરવી લેવા જતી હતી, પરંતુ ત્યાં એકાએક પેલા પુરુષે પોતાની એક આંખ ઉલાળીને, એક ગંદો ઈરાશો કર્યો. રીમાને હવે એ પુરુષ ઉપર ગુસ્સો આવ્યો. એણે ગુસ્સાથી હોઠ ફફડાવીને એ પુરુષને મનમાં બેચાર ગંદી ગાળો ચોપડાવી દીધી અને પછી આંખોના ડોળા કાઢીને નજર ફેરવી લીધી.
પરંતુ રીમા નજર ફેરવે એ પહેલાં એ પુરુષ અવાજ ન થાય એ રીતે ગંદું-ગંદું હસી પડયો.
ત્યારપછી રીમા બીજી સ્ત્રીઓ સાથે ભળીને, આનંદ ન લૂંટી શકી. પોતાની ભાભી સાથે પણ એ વાતચીત ન કરી શકી. વારેઘડીએ એની નજર પેલા પુરુષ તરફ ખેંચાઈ જતી. એ પુરુષની આંખોમાં હવે એ વાસનાનાં સાપોલિયાં નાચતાં જોઈ શકતી હતી. એને હવે એ પુરુષનો ડર લાગવા માંડયો. એક અજાણ્યો પુરુષ કોઈ છોકરીના ચહેરા સામે સતત ટીકી-ટીકીને જુએ-અને એ પણ ગંદી નજરે જુએ તો ગમે તેવી હિંમતવાળી છોકરી પણ ગભરાઈને મનમાં ફફડી ઊઠે. રીમા પણ મનોમન ફફડી ઊઠી.
પણ રીમાનો આ ફફડાટ માત્ર બે-ત્રણ કલાક પૂરતો જ હતો. માંડવે પહોંચ્યા પછી, બસમાંથી ઊતર્યા પછી એ પુરુષ પોતાની આંખો સામેથી દૂર થઈ જશે અને પોતે પણ બીજી સ્ત્રીઓ સાથે ભળી જશે એમ વિચારીને રીમા મનોમન ચૂપ રહી.
પણ એ ત્રણ-ચાર કલાકનો ગાળો રીમા માટે બહુ જ ખરાબ નીવડયો. એક એક પળ એના માટે કંટાળાજનક બની રહી. રીમાએ થોડીકવાર માટે ઊંઘી જવાનો પ્રયત્ન કર્યો. પણ જાનડીઓની બૂમશોરમાં એ ઊંઘી શકી નહીં. થોડીકવાર માટે એ આંખો મીંચીને પડી રહી. પણ થોડીવારે એની આંખ ખૂલી જતી અને નજર સીધી પેલા ઉપર પડતી.
એ ચારેક કલાકનો કંટાળાજનક સમય પસાર થઈ ગયો. બસમાંથી ઊતરતી વખતે પણ પેલા પુરુષે હરામખોરી કરી. એ જાણી જોઈને બીજા પુરુષો સાથે ઊતર્યો નહીં અને ચંપલ ગોતવાનું બહાનું કરીને એ સીટની નીચે ઝૂકી ગયો અને જેવી રીમા એની પાસેથી પસાર થઈ કે તરત જ એ રીમાની પાછળ થઈ ગયો. અને ધક્કામુક્કી કરીને, રીમાના શરીરને પોતાના શરીર સાથે દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ એમાં એને બહુ ફાવટ આવી નહીં. રીમા ઝડપથી બસમાંથી ઊતરી ગઈ અને બીજી સ્ત્રીઓના ટોળામાં ઘૂસી ગઈ. પણ એ વખતે એ પુરુષને કોઈકે બૂમ મારીને બોલાવ્યો એટલે રીમાને ખબર પડી કે એ પુરુષનું નામ ‘માવજી’ હતું.
એ નાલાયક, નીચ અને હરામખોર માવજી તરફ રીમાને સખત નફરત થઈ ગઈ હતી. એને એ માવજીની હલકટ હરકત વિષે પોતાની ભાભીને વાત કરવાનું મન થયું. પણ પછી એણે એ વિચારને મનમાં જ દાબી દીધો. હવે એ નીચ માવજી પોતાની સાથે કોઈ અડપલું નહીં કરી શકે, એવું અનુમાન પણ એણે મનોમન લગાવી દીધું. જતી વખતે બસમાં પણ પોતે હવે એની તરફ પીઠ કરીને, એનાથી દૂર બેસશે, એવું પણ એણે પોતાના મનમાં નક્કી કરી નાખ્યું.
અને ત્યારપછીની થોડી જ વારમાં એ ખરેખર માવજીને ભૂલી ગઈ. સ્ત્રીઓ માટે અલગ ઊતારો હતો. પુરુષો માટે એક અલગ રૂમ હતો. ઊંઘવા માટે પણ ધાબા પર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી સ્ત્રીઓ પવનમાં પોતાનાં બાળકો સાથે નિરાંતે ઊંઘી શકે. રીમા અને બીજી બધી જ સ્ત્રીઓને એ વ્યવસ્થા ગમી.
જાન બરોબર બપોરના સમયે પહોંચી હતી. જમી-પરવારીને બધાં નવરાં પડે એટલે સાંજે પાંચ વાગે લગ્નની વિધિ થવાની હતી. ત્યારબાદ રાતના જમવાનું હતું. આ કાર્યક્રમમાંથી સમય મળે તો ગામમાં એકાદ આંટો મારી આવવાનું પણ રીમાએ પોતાની ભાભી સાથે નક્કી કર્યું હતું.
ઉતારે પહોંચ્યા પછી બધી સ્ત્રીઓ તૈયાર થવામાં પરોવાઈ, રીમા અને હંસાભાભી પણ તૈયાર થવા લાગી. થોડી જ વારમાં તૈયાર થઈને બધી સ્ત્રીઓ સાથે રીમા પણ જમવા પહોંચી.
ભૂખ ખૂબ કકડીને લાગી હોવા છતાંય રીમાની ભૂખ પંગતમાં બેસતાં જ મરી ગઈ. સામેના એક થાંભલાને ટેકે પેલો હલકટ માવજી સિગારેટ પીતો ઊભો હતો. એની આંખો રીમાના શરીરના એકેએક અંગને પંપાળી રહી. પહેલાં તો રીમા ચૂપચાપ બેસી રહી. પણ એ માવજીએ પોતાની નજર ફેરવી જ નહીં ત્યારે એ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ઊઠી.
પણ ગુસ્સે થઈનેય એ કશું કરી શકે એમ નહોતી. લડી ઝઘડીને એ આ પ્રસંગમાં પોતાનું અને પોતાના કુટુંબનું નામ ખરાબ કરવા માંગતી નહોતી. વળી એ પુરુષ-એ માવજીએ એવી કોઈ હરકત પણ કરી નહોતી કે એની સાથે લડી-ઝઘડી શકાય. કોઈને એની ફરિયાદ કરવામાં પણ વાત વધી જાય એમ હતું. રીમાને મનોમન નફરત થઈ આવી, ‘સ્સાલો, મારા બાપ જેવડો છે તોય મારી સામે ખરાબ નજરે તાકે છે.’
અને સાચ્ચે જ એ માવજીની ઉંમર રીમાના બાપ જેેટલી જ હતી. રીમા જેવડી જ જુવાન છોકરીનો એ બાપ હતો અને રીમાના મામાનો લંગોટિયો દોસ્ત હતો. ગરીબીના વખતે બન્ને જણા હાથલારી ચલાવતા હતા. એક બગીચા પાસે ઊભી રહેતી હાથલારીઓ સાથે એ બન્ને જણાં પોતપોતાની હાથલારી ઊભી રાખતા ત્યારથી એમની દોસ્તી હતી. બન્ને એકબીજાને ઘણીવાર પૈસા-ટકાની મદદ પણ કરતા. પછી સમય પલટાયો અને કિસ્મત પણ પલટાયા. બન્ને જણા મોટા વેપારી બની ગયા. ખાધે-પીધે અને પૈસે-ટકે સુખી થઈ ગયા. પણ એમની દોસ્તી ચાલુ રહી અને વધુ ગાઢ બની ગઈ.
રીમાના મામાએ દોસ્તીને કારણે માવજીને પોતાની સાથે લીધો હતો. પણ માવજી બસમાં ગોઠવાયો એ પછી તરત જ એનું ધ્યાન રીમા તરફ ખેંચાયું હતું અને પછી એની નજર રીમા ઉપર ચોંટી ગઈ હતી.
રીમાના મામા તો ખૂબ મહેનત કરીને સુખી થયા હતા, પરંતુ આ માવજી તો પહેલેથી જ જુગારી હતો. જુગારમાં બે-ચાર લાંબા હાથ જીત્યા પછી એની પાસે સારો એવો માલ ભેગો થઈ ગયો હતો. એમાંથી ભાડાની કાયમી આવકો ઊભી કરી લીધી હતી. જરૂર કરતાં વધારે પૈસાએ એને દારૂડિયો બનાવી દીધો હતો. અને એ આડા રવાડે ચઢી ગયો હતો. અને એટલા માટે જ રીમાને જોઈને એની દાનત બગડી હતી.
ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલી રીમા ભાણા ઉપરથી ભૂખ્યા પેટે જ ઊભી થઈ ગઈ. હંસાભાભીએ એને ટકોર કરીને પૂછયું પણ ખરું, ‘કેમ, રીમા તેં બરાબર ખાધું નહિ ?’
માવજી તરફ એક નજર નાખીને રીમાએ જવાબ વાળ્યો, ‘ભાભી, મારું માથું ફરે છે. તબિયત કંઈ ઠીક નથી.’
હંસાભાભીએ એને ધરપત આપતાં કહ્યું, ‘રીમા, બસમાં બેઠાં એટલે એવું તો લાગે જ. મારુંય માથું સહેજ ભારે છે.’ અને પછી વાતને વાળી લેતાં એમણે કહ્યું, ‘અત્યારે તો એવું ચાલશે. પણ તારા લગ્નમાં આમ માથું દુઃખશે તો નહીં ચાલે.’ કહેતાં એણે હળવેકથી રીમાના બાવડા ઉપર કોણી મારી અને પછી બન્ને જણી ગલોફામાં પાન દબાવીને ઉતારા તરફ આગળ વધી ગઈ.
ઉતારે પહોંચ્યા પછી બધી સ્ત્રીઓ આરામ કરવા આડી પડી. રીમા અને હંસાભાભીએ પણ પથારીમાં લંબાવ્યું. હેમંત તો બસમાંય થોડીકવાર માટે ઊંઘી ગયો હતો અને અહીં પણ પથારીમાં પડતાં જ ઊંઘી ગયો.
લગભગ અડધા કલાક પછી માંડવેથી ચા બનીને આવી. માંડવાના બે-ત્રણ પુરુષ સાથે પેલો માવજી પણ ડહાપણ કરવા આવી પહોંચ્યો હતો. પોતાના હાથે એ સ્ત્રીઓને ચા આપતો હતો. રીમાને થયું કે, એના હાથમાંથી ચા લેવી જ નહીં. પણ પછી એ મનોમન પોતાનો ગુસ્સો ગળી ગઈ. અને સમસમીને બેસી રહી. અને માવજીએ પોતાના હાથે રીમાને ચાનો કપ આપ્યો. માવજીની આંગળી પોતાની આંગળીને ન અડે એની ખૂબ કાળજી રીમાએ રાખી હોવા છતાંય એ નીચ માવજીએ રીમાની આંગળીઓ સાથે પોતાની આંગળીઓ અડાડી અને અંગુઠાથી સહેજ દબાવી પણ ખરી. રીમાને એ હલકટ, હરામખોર માવજીના મોઢા ઉપર ચા ભરેલો કપ મારવાની ઈચ્છા થઈ આવી, પણ એણે પોતાના ગુસ્સાને મહાપરાણે દબાવી રાખ્યો. માવજી નફફટ-નફફટ, લુચ્ચું-લુચ્ચું હસતો ત્યાંથી સરકી ગયો. રીમા મનોમન ધુંધવાતી બેસી રહી.
ત્યારપછી લગ્નની વિધિ શરૂ થવાનો સમય થયો. રીમા એની ભાભી અને બીજી સ્ત્રીઓ સાથે માંડે જવા નીકળી ત્યારે રસ્તામાં જ એણે માવજીને પોતાની તરફ તાકતો જોયો. રીમાએ ચુપચાપ મોઢું ફેરવી લીધું. લગ્નવિધિ વખતે માવજી રીમાથી થોડેક દૂર રીમાના રૂપને-જોબનને આંખો પી શકાય એવી રીતે ઊભો રહ્યો. અને લગ્ન પછીની ધમાલમાં એ અહીંથી-તહીં થતો, કામમાં હોવાનો ડોળ કરીને, રીમા પાસેથી બે-ચાર વાર પસાર થઈ ગયો. એકવાર તો એ રીમાના શરીર સાથે અથડાયો પણ ખરો. પણ પછી રીમાએ એને અથડાવાની તક આપી નહીં. જેવો માવજી એની પાસેથી પસાર થવા જતો કે આગળ સરકી જતી.
પણ માવજી એમ એનો પીછો છોડે એમ નહોતો.
ત્યારપછી રીમાએ માવજીને કોઈ તક આપી નહીં. માવજીની નજર બચાવી એ હંસાભાભી સાથે ગામમાં ફરવા ચાલી ગઈ. છેક જમવાના સમયે એ પાછી ફરી. જમવા માટે પણ રીમા પહેલેથી ચેતીને એવી રીતે બેઠી કે, માવજી એની સામે આવીને ઊભો ન રહી શકે. એ વખતે એ સારી રીતે પેટ ભરીને જમી શકી. પણ રીમા જેવી જમીને ઊભી થઈ અને આગળ નીકળી ગયેલી પોતાની ભાભી તરફ જવા માટે આગળ વધી એવી ત્યાં તો માવજી એની તરફ ધસી આવ્યો અને એની આગળ એવી રીતે ઊભો રહી ગયો કે, રીમાને ફરજિયાત ઊભા રહેવું જ પડે. રીમા પાસે પહોંચતાં જ માવજી ખૂબ ધીમા છતાંય રીમા સાંભળે એવા અવાજે બોલ્યો, ‘રાતના સાડા બાર વાગે હું વાડામાં તારી વાટ જોઈશ.’
રીમા કંઈ સમજે, કંઈ બોલે, કંઈક કરે એ પહેલાં તો માવજી ખૂબ જ ઝડપથી ત્યાંથી સરકીને દૂર દૂર નીકળી ગયો. રીમા પણ ભયથી ફફડતી પોતાની ભાભી તરફ આગળ વધી ગઈ.
માવજીને મનમાં પાક્કી ખાતરી હતી કે રીમા રાતના જરૂર પાછળના વાડામાં આવશે. આવી રીતે તો એણે અનેક છોકરીઓને પોતાની ધારેલી જગ્યાએ બોલાવી હતી. વળી આવી રીમા જેવી ગંભીર અને ગુસ્સાથી ધુંઆપુંઆ થતી છોકરીઓ તો ખૂબ હિંમતથી સામી છાતીએ દોડી આવતી હતી. માવજી એમ માનતો હતો કે કોઈ પણ છોકરી પોતાનું શરીર સોંપીને, પૈસા મેળવવાની ઈચ્છા રાખતી હોય છે. પૈસાની લાલચે ગમે તેવી છોકરી પણ દોડી આવતી હોય છે. અને આજ સુધીમાં માવજી કદી નિરાશ પણ થયો નહોતો. એણે જે છોકરીને મેળવવાનો ઈરાદો કર્યો હતો એ છોકરી એને મળી જ હતી. એ જ રીતે એણે રીમાને મેળવવાનો ઈરાદો કર્યો હતો અને હંમેશની જેમ એને મનમાં પાકી ખાતરી હતી કે રીમા આવશે અને એને મળશે.
રાતના નવ-સાડા નવે બધી જ જાનડીઓ ઉપર ધાબા ઉપર ચાલી ગઈ. રીમા અને હંસા પણ બધી જ સ્ત્રીઓ સાથે ઉપર ગઈ. ઉપર સરસ ગાદલાં બિછાવેલાં હતાં. ઠંડા પાણીની સગવડ પણ કરવામાં આવી હતી. અને ઉનાળાના ગરમ લૂ વરસતા દિવસનો બદલો વાળી આપતો હોય એમ ઠંડો પવન પણ વાતો હતો.
બધી સ્ત્રીઓ હાશ અને નિરાંત અનુભવતી પોતપોતાની જગ્યા પસંદ કરીને ગાદલાંઓ ઉપર ગોઠવાઈ ગઈ. એક તરફ સારી જગ્યા જોઈને, હંસા અને રીમાએ પણ બે ગાદલાં પસંદ કરી લીધાં. હવે રીમાએ છુટકારો દમ લીધો. માવજી અહીં આવી શકે એમ નહોતો. અને આવે તોય ફાવી શકે એમ નહોતો. એ મનોમન બબડી પણ ખરી, ‘હરામખોર પાછળ વાડામાં બોલાવે છે...!’ પણ ત્યારબાદ તો એ નણંદ-ભાભી બન્ને વાતોએ વળગી ગઈ. બીજી સ્ત્રીઓ પણ અંદરોઅંદર વાતો કરતી હતી.
ધીમે-ધીમે થાક અને ઠંડો પવન પોતપોતાની અસર બતાવવા લાગ્યા. ટપોટપ સ્ત્રીઓ ઊંઘવા લાગી. જાગવાની ઈચ્છા હોવા છતાંય ઘણી સ્ત્રીઓની આંખ આપમેળે જ મીંચાઈ ગઈ. રીમા અને હંસા પણ વાતો કરતાં કરતાં જ ઊંઘના પંજામાં લપેટાઈ ગઈ.
રાતના અચાનક હંસાની આંખ ઊઘડી ગઈ. નજીકના કોઈ ઝાડ ઉપર ઘુવડ બોલી રહ્યું હતું. રાતના એકાદ વાગ્યાનો સમય થયો હશે. ચારે તરફ સન્નાટો અને ચુપકીદી પથરાયેલી હતી. અચાનક હંસાની નજર રીમા તરફ ખેંચાઈ.
રીમા ચુપચાપ પોતાની પથારીમાંથી ઊભી થઈ ગઈ હતી. હંસાએ પથારીમાં પડયા પડયા જ એને પૂછયું, ‘રીમા કયાં જાય છે...?’
રીમાએ હંસાની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. એટલે હંસાએ ગભરાઈને બેઠાં થઈ જતા ફરી બૂમ મારી, ‘રીમા...રીમા...!’
પણ રીમા તો પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી.
ગભરાટથી ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી.
પછી..? પછી શું થયું..? રીમા આમ મોડી રાતના એક વાગ્યે કયાં જઈ રહી હતી....? રીમાને પરેશાન કરનાર માવજીનું શું થયું...? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? શું અમર અને રીમાના લગ્ન થયા...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
***