જંતર-મંતર - 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 9

જંતર-મંતર

( પ્રકરણ : નવ )

ઘણીવાર તો રીમા ચુપચાપ પોતાના કમરામાં બેસીને છાની છાની રડી પણ લેતી. તેમ છતાંય એના મન ઉપરનો ભાર ઓછો ન થયો.

એક વાર બપોરના સમયે રીમા હંસાના કમરામાં આવીને પોતાની ભાભી પાસે બેઠી. હંસા એકીટસે રીમાના ચહેરાને તાકી રહી. પછી હિંમત ભેગી કરીને એણે રીમાને પૂછયું, ‘રીમા, તને મામાના દીકરાના લગ્નની રાતની યાદ છે...?’

‘હા, ભાભી...બહુ મઝા આવેલી....આપણને સૂવા માટે મકાનના ધાબા ઉપર ગાદલાં નાખી આપેલાં, કેવી ઠંડી હવા આવતી હતી, નહીં ?’ વાત કરતાં કરતાં જ રીમાના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો.

હંસાએ એના આનંદની પરવા કર્યા વિના પૂછયું, ‘રીમા, એ રાતે તું ધાબા ઉપરથી નીચે ઉતરીને કયાં ગયેલી...?’

ભાભીને પોતાની ઉપર સીધો જ આરોપ નાખીને વાત કરતી જોઈને રીમા ચિડાઈ ગઈ. છતાંય માંદી ભાભીનું દિલ ન દુઃખાય એટલું ધ્યાનમાં રાખીને એણે નરમાશથી જ જવાબ વાળ્યો, ‘ભાભી, હું કયાંય ગઈ નહોતી..!’

રીમાનો જવાબ સાંભળીને હંસાએ અવાજને ધારદાર બનાવ્યો, ‘રીમા, તું પગથિયાં ઉતરીને નીચે ગઈ હતી. તને નીચે ઉતરતાં મેં જોઈ છે.’

‘બસ ભાભી બસ...જૂઠું બોલશો નહિ. હું કયાંય ગઈ નથી. તમને એવો વહેમ છે...!’ રીમાના અવાજમાં ગુસ્સાની ઝલક સાફ વરતાતી હતી. પણ હંસા ઉપર એ ગુસ્સાની બિલકુલ અસર થઈ ન હોય એમ અવાજને વધારે કડક કરીને, લગભગ ચિલ્લાતી હોય એવા અવાજે એ બોલી, ‘રીમા, જૂઠું હું નથી બોલતી, જૂઠું તો તું બોલી રહી છો, તને પગથિયાં ઊતરીને, પાછળ વાડા તફ જતાં મેં મારી સગી આંખે જોઈ છે...!’

‘એટલે....! તમે કહેવા શું માંગો છો ભાભી...?’

‘હું કંઈ કહેવા નથી માગતી...મેં જે જોયું છે એ તને કહું છું.’

રીમા ભાભીની વાત સાંભળીને ચોંકી ઊઠી. ‘તમે શું જોયું છે ભાભી...!’ અવાજમાં હવે ભય ડોકાવા લાગ્યો હતો.

રીમા હવે મનોમન ફફડી ઊઠી હતી. એને પેલો રાતવાળો અદૃશ્ય પુરુષ યાદ આવી ગયો. કદાચ એ અજાણ્યા અને અદૃશ્ય ભૂત-પ્રેતે જ કંઈ કર્યું હશે. એણે જ જેની સાથે પોતાના લગ્ન થવાનાં હતાં એ અમરને એક જોરદાર લપડાક લગાવી હતી. અને માવજીનું જે રીતે ખૂન થયું બરાબર એ જ રીતે પોતાની બહેનપણી વાસંતીનું ખૂન પણ થયું હતું. શું માવજીનું ખૂન એણે જ કર્યું હશે...અને વાસંતીનું ખૂન પણ એણે જ કર્યું હશે...અને એ નીચ અદૃશ્ય પુરુષ પોતે તો કશું જ કરે એમ નહોતો. એ તો બધું રીમા પાસે કરાવે એમ હતો. એનો મતલબ એમ થયો કે વાસંતીનું ખૂન અને માવજીનું ખૂન પણ રીમાએ પોતે જ કર્યું છે...આવો વિચાર આવતાં જ રીમા મનોમન ધ્રુજી ઊઠી. રડતાં અવાજે હંસા તરફ જોઈને બોલી, ‘ભાભી, મને કાંઈ જ ખબર નથી...કાંઈ જ ખબર નથી....’ એણે પોતાની ભાભીની છાતી ઉપર માથું મૂકી દીધું અને એ એક નાનકડા બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી ઊઠી.

હંસાએ રીમાને રડવા દીધી. જ્યાં સુધી રીમા રડતી રહી ત્યાં સુધી હંસા એની પીઠ અને માથા ઉપર હેતથી હાથ ફેરવતી રહી.

જ્યારે રીમા ચૂપ થઈ પડી રહી ત્યારે હંસાએ એને પાણી પીવડાવીને એને ધરપત આપી. થોડીકવાર ડૂસકાં ભર્યા પછી રીમા કંઈક શાંત અને સ્વસ્થ થઈ ત્યારે હંસાએ એને કહ્યું, ‘રીમા, એ માવજીનું ગળું તેં જ દબાવ્યું હતું. મેં મારી સગી આંખે જોયું હતું.’

‘ભાભી, મને કશી જ ખબર નથી. તમારા સોગંદ ભાભી...!’

હંસાએ રીમાના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું, ‘રીમા, મને લાગે છે કે સાચે જ તેં માવજીનું ખૂન નથી કર્યું, પરંતુ તારા ઉપર જરૂર કોઈ ભૂત-પ્રેતની છાયા છે. એ ભૂત-પ્રેત જ કદાચ તારી પાસે ન કરવાનાં કામો કરાવે છે.’

ભાભીની વાત સાંભળીને રીમા ફરી થથરી ગઈ. એ ભાભીની છાતી ઉપર માથું મૂકીને ફરી ડુસકે-ડુસકે રડવા લાગી. હંસાએ એને ધરપત અને હિંમત આપીને છાની રાખવા પ્રયત્ન કર્યો, ‘રીમા, રડ નહીં, બધાં જ સારાવાના થઈ જશે. આમ રડવાથી કોઈ લાભ નથી.’

રીમા જ્યારે છાની રહી ત્યારે બોલી, ‘ભાભી, તમારી શંકા સાચી છે. દરરોજ રાતે એ ભૂત-પ્રેત મારી પાસે આવે છે અને મારી સાથે હું એની પત્ની હોઉં એમ વર્તે છે. દરરોજ મારું શરીર ચૂંથી નાખે છે.’

હંસાને પહેલાં તો માત્ર ભૂત-પ્રેતની શંકા જ હતી, પણ હવે રીમાને આ રીતે સાચી વાત જાહેર કરતી જોઈને એનું હૃદય અને શરીર એકીસાથે કંપી ઊઠયું. આવી ભયની કંપારી અગાઉ હંસાએ કદી અનુભવી નહોતી.

મનમાં ગભરાટ હોવા છતાંય હંસાએ રીમાને સાત્વન આપ્યું, ‘રીમા, મૂંઝાઈશ નહીં. દુનિયામાં દરેક રોગની દવા છે. તેમ ભૂત-પ્રેતને કાઢવા માટે ઈલમ પણ છે. થોડા વખતમાં બધું ઠીક થઈ થઈ રહેશે.’

રીમા અને હંસા હજી વાતો કરતાં બેઠાં હતાં ત્યાં અમર આવી પહોંચ્યો. અમરને જોતાં જ રીમા ઘડીકવાર માટે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ અને ભાભી પાસેથી ઊઠીને, અમર સાથે પોતાના કમરામાં આવી.

એ સાંજે જમી લીધા પછી હંસાએ રસોડામાં પોતાની સાસુને રીમા ઉપર ભૂત-પ્રેતને પડછાયો છે એવી વાત છાનીમાની કરી અને રસોડું પતાવ્યા પછી, વાસણો ઉટકીને ઠેકાણે મૂકયાં. પછી હંસા પોતાના કમરામાં ગઈ ત્યારે પોતાના પતિ મનોજને પણ એ વાત કરી.

હંસાની આ વાત સાંભળીને એની સાસુ અને એનો પતિ ચોંકી ઊઠયાં હતાં. હંસાની સાસુએ તો પોતાના પતિને પણ ચૂપચાપ આ વાત કાને નાખી દીધી હતી. આ વાત ફેલાયા પછી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બધાને રીમા ઉપર દયા આવવા લાગી હતી. અને રીમાની ચિંતા થવા લાગી હતી. હવે આ ભૂત-પ્રેત કેવી રીતે દૂર થશે ? એ સવાલ સૌને સતાવવા લાગ્યો હતો.

બરાબર એ જ રાતના સાડાબાર વાગ્યા પછી અચાનક કંઈ અવાજ થયો અને રીમા જાગી ઊઠી. બહાર પવન જોશથી સૂસવાટા મારતો હતો. સામેની બારીનું એક બારણું જોશથી ‘ફટાક’ અવાજ સાથે અથડાઈને પાછું ખૂલી જતું હતું. રીમા બારી બંધ કરવાના ઈરાદે પથારીમાં બેઠી થઈ. પણ પલંગની નીચે જમીન ઉપર વેરાયેલા કાચના ચમકતા ટુકડાઓ જોઈને એને ખ્યાલ આવી ગયો કે, બારીના એક બારણાનો કાચ તૂટી ગયો છે. અને બીજી બારી જોશજોશથી અથડાઈ રહી હતી. કદાચ પગમાં કાચ વાગી જશે એવી ગણતરીએ એ પથારીમાંથી ઊઠી નહીં. એ ફરી આડી પડવા જતી હતી ત્યાં જ જોશથી પેલી બારી અથડાઈ અને બારીનો કાચ જોરદાર અવાજ સાથે તૂટી પડયો. એ જ પળે કમરામાં પેલા પીળા ફૂલની અજબ પ્રકારની ચંપા અને મોગરાની ભેગી સુગંધ ભરાવા લાગી. વાતાવરણ માદક બનવા લાગ્યું. રીમાને તરત જ ખ્યાલ આવી ગયો કે, દરરોજ જેમ પેલો અદૃશ્ય પુરુષ-એ ભૂત કે પ્રેત જે હોય તે આવી પહોંચ્યો છે. શરૂઆતમાં એ અદૃશ્ય પુરુષની હાજરીથી રીમાને મનમાં આનંદ થતો હતો. એનું શરીર એક અજબ રોમાંચ અનુભવતું હતું. પરંતુ જ્યારથી રીમાને શંકા જાગી હતી કે એ અદૃશ્ય પુરુષ કોઈ ભૂત કે પ્રેત છે, ત્યારથી એ મનમાં ડરી ગઈ હતી. એની હાજરીથી એ રોમાંચ અનુભવવાને બદલે ડર અનુવભતી હતી અને એની સાથે કોઈપણ પ્રકારની વાત કર્યા વિના ચૂપચાપ એને પોતાનું શરીર સોંપી દેતી હતી. આજે પણ રીમા પથારીમાં પથરાઈને પડી હતી.

પેલો અદૃશ્ય પુરુષ દરરોજ આવતાંવેંત એના શરીર ઉપરનાં એક એક કપડાંને અલગ કરીને, એના ઉઘાડા, ગોરા ગુલાબી અને કોમળ શરીર ઉપર તૂટી પડતો હતો. અને કલાકો સુધી એના શરીરને કચડયા કરતો. રીમા થાકીને લગભગ બેભાન જેવી બની જતી. આજે પણ એ અદૃશ્ય પુરુષ એ જ રીતે પોતાની ઉપર તૂટી પડશે એવી એને ખાતરી હતી જ, પણ આજે એવું બન્યું નહિ.

કમરામાં થોડીકવાર સુધી સન્નાટો જ છવાયેલો રહ્યો. પછી એક ઘોઘરો અવાજ એના કાને અથડાયો, ‘આજે તું તારી ભાભી પાસે શું બકવાસ કરતી હતી ?’

રીમા એ ભારે અવાજ સાંભળીને થથરી ગઈ. એણે એનો કોઈ જવાબ આપ્યો નહિ. એ જવાબ આપવા માંગે તોય એનામાં એવી કોઈ હિંમત હતી નહિ.

રીમાએ કોઈ જવાબ આપ્યો નહિ, છતાં એ અદૃશ્ય પુરુષ બોલ્યો, ‘તેં તારી ભાભી પાસે મારી બધી વાત કરી દીધી છે. પણ યાદ રાખ, એ તને અને તારા ઘરનાને ભારે પડશે.’

‘...પણ મેં કયાં કોઈ ખોટી વાત કરી છે ?’ અચાનક જ હિંમત કરીને રીમા બોલી ગઈ.

‘પણ તારે સાચી વાત કરવાની પણ શું જરૂર હતી ? તું જો ચૂપચાપ મારી બનીને રહી હોત તો મેં દુનિયાનાં બધાં જ સુખો તારા કદમોમાં લાવીને મૂકી દીધાં હોત. પણ તું મને પ્રેમ કરવાને બદલે નફરત કરે છે. તેં આપણી ખાનગી વાત જાહેર કરી દીધી છે. હવે હું તને અને તારા ઘરનાને સુખી નહીં થવા દઉં....’

‘પણ શા માટે ?’

‘શા માટે ?’ પેલાએ ધારદાર અને ભારે અવાજે કહ્યું, ‘હવે એ લોકો મને આ ઘરમાંથી કાઢવા પ્રયત્ન કરશે. મારી પાછળ પડી જશે...હવે મારે અહીં તારી પાસે રહેવા માટે સતત ઝઝુમવું પડશે. હું નહીં જાઉં, હું અહીં જ રહીશ અને એ બધાંને પરેશાન કરીશ...!’

‘એમણે તમારું શું બગાડયું છે ?’ રીમા ગુસ્સાથી ચિલ્લાઈ.

‘કૂત્તી....એમણે તો મારું કંઈ બગાડયું નથી. પણ તેં જ મારું બગાડવાનો પ્રયત્ન કર્યો છે...!’ કહેતાં એ અદૃશ્ય મજબૂત પુરુષે પોતાના હાથનો એક જોરદાર પંજો રીમાના ચહેરા ઉપર ફટકાર્યો. એ જોરદાર ઝાપટ રીમાના ચહેરા ઉપર પડતાં જ રીમા એક લાંબી ચીસ પાડતી પથારીમાંથી ઉછળીને નીચે બારીના તૂટેલા કાચના ટુકડાઓ ઉપર ફેંકાઈ... પડતાની સાથે જ એ બેહોશ બની ગઈ.

રીમાની ચીસ આખાય બંગલામાં ફેલાઈ ગઈ હતી. રીમાની ચીસ સાંભળીને ઘરનાં બધાં હાંફળાં-ફાંફળાં થતાં દોડી આવ્યાં. રીમાને એના કમરામાં, જમીન ઉપર બેભાન પડેલી જોઈને બધાં ગભરાઈ ઊઠયાં.

બધાંએ ભેગાં થઈને રીમાને ઉઠાવીને પલંગ ઉપર સુવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ રીમાના શરીરનું વજન એકાએક કોઈક હાથણી જેટલું વધી ગયું હોય એમ રીમાને જરાક જેટલી પણ ઊંચી કરી શકયા નહીં.

રીમાની હાલત જોઈને બધાનાં મનનો ગભરાટ બેવડાઈ ગયો. હંસાએ તરત જ પોતાના સસરા સામે જોયું. હંસાનો ચહેરો રોવા જેવો થઈ ગયો. એની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. એણે ગરદન ઝૂકાવી લીધી. પણ ત્યાં તો હંસાની સાસુએ મનોજને કહ્યું, ‘મનોજ, દીકરા તું જઈને જલદીથી ડૉકટરને બોલાવી લાવ.’

મનોજ દોડીને ટેલિફોન તરફ ગયો. એ વખતે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. વરસાદની સાથે તોફાની પવન હતો. વરસાદ પણ એ પવનની સાથે જાણે તોફાને ચડયો હતો. રહી રહીને જોશથી વાદળોનો જોરદાર ગડગડાટ સંભળાતો હતો. પવનના સૂસવાટા અને વીજળીના ચમકારાથી વાતાવરણ ભયાનક બની ગયું હતું. મનોજે ટેલિફોન પાસે જઈને રિસીવર ઉઠાવ્યું ત્યારે એને ખબર પડી કે ફોન બંધ હતો. એ ઝડપથી છત્રી લઈને બહાર નીકળ્યો. અને લગભગ એકાદ કલાક પછી એ રિક્ષામાં પોતાના સંબંધી ડૉકટરને લઈને પાછો ફર્યો.

ડૉકટર આવ્યા ત્યારે રીમાની આંખ ખૂલી ગઈ હતી. પણ અવાચક્‌ થઈ ગઈ હોય એમ સ્થિર કીકીએ ઉપરની છત તરફ એકીટસે જોઈ રહી હતી. રીમાએ આંખો ખોલી એટલે બધાના ઊંચા જીવ કંઈક ઠેકાણે આવ્યા. હંસાએ રીમાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, ‘રીમા...રીમા હવે કેમ છે ?’ પણ રીમાએ કોઈ સળવળાટ કર્યો નહીં, એ કંઈ બોલી નહીં. એની આંખો જેમની તેમ સ્થિર હતી.

ડૉકટરે રીમા સામે જોઈને કહ્યું, ‘એને ઉપર પલંગ પર લઈ લો.’ ફરી એક વખત રીમાને પલંગ પર સૂવડાવવા માટે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. બધાયે ભેગા થઈને મહેનત કરી છતાંય રીમાને ઊંચકી શકાય નહીં.

ડૉકટરને નવાઈ લાગી. છતાંય એ રીમાની નજીક બેસી ગયો. મનોજ ડૉકટરને બોલાવવા ગયો ત્યારે હંસાએ જમીન ઉપર વેરાયેલા કાચ સાફ કરી નાખ્યા એટલે જમીન ઉપર બેસવામાં હવે કોઈ વાંધો નહોતો.

ડૉકટરે રીમાની નાડી જોવા માટે રીમાનો હાથ પોતાના હાથમાં લીધો. પણ એ બરફ જેવો ઠંડો હતો. હવે તો જાણે ડૉકટરને પણ ગભરાટ થવા લાગ્યો. એમણે નાડી જોવા માટે ઝડપથી રીમાનું કાંડું પોતાની તરફ ખેંચ્યું. પણ બધાના અચરજ વચ્ચે એ કાંડું ખેંચાતું જ ગયું. લગભગ ત્રણેક ફૂટ સુધી હાથ લાંબો થઈ ગયો. ડૉકટરે ડરીને હાથ છોડી દીધો. એ તરત જ ઊભો થયો અને પેટી ઉઠાવતાં બોલ્યો, ‘તમે કોઈ મોટા ડૉકટરને બોલાવો. આમાં મારું કામ નથી.’ અને પછી એક પળ પણ વધુ રોકાયા વિના એ ડૉકટર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો.

મનોજ એ ડૉકટરની પાછળ ડૉકટરને મનાવવા-સમજાવવા દોડયો. પણ ડૉકટર ઊભો જ ન રહ્યો. છેવટે મનોજ દોડીને બીજા કોઈ ડૉકટરને લઈ આવ્યો. રસ્તામાં જ મનોજે ડૉકટરને બધી વાત કરી દીધી હતી. એટલે ડૉકટર આવતાંવેંત જ રીમા પાસે બેસી ગયો. એણે રીમાના શરીરને હાથ લગાડયો. ત્યારે બિલકુલ બરફ જેવું ઠંડું શરીર જોઈને એણે મનમાં એક આંચકો અનુભવ્યો. એણે ઝડપથી ઈન્જેકશન તૈયાર કર્યું અને ઈન્જેકશનની સોય એણે રીમાના શરીરમાં ઘોંચી, પણ રીમાના શરીરની ચામડી જાણે લોખંડની બની ગઈ હોય એમ સોય શરીરમાં ખૂંપવાને બદલે બટકી ગઈ. ડૉકટરને નવાઈ લાગી. પણ ઘરનાં બધાંનો ગભરાટ ઓર વધી ગયો. જો છોકરીની આવી જ હાલત રહેશે તો એનો ઈલાજ કેવી રીતે થશે ? એ સારી કેમ થશે ? બધાના મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. ડૉકટરને પણ કંઈક ગંધ આવી ગઈ હોય, એમ એણે પોતાની પેટી બંધ કરી દેતાં રીમા તરફ જોઈને કહ્યું, ‘જરા જીભ બતાવ જોઉં....!’ અને ડૉકટર હજુ પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો રીમાએ ત્રણ વેંત જેટલી લાંબી જીભ બહાર કાઢી. ડૉકટર ગભરાટથી બોલ્યો, ‘બસ, બસ, બસ...’ અને પછી એણે એક કાગળમાં થોડીક આડીઅવળી દવાઓ લખી આપીને, ઊભા થતાં કહ્યું, ‘મેં આ દવાઓ લખી આપી છે. પણ તમે હજુ કોઈ મોટા ડૉકટરને બતાવો તો સારું.’

ડૉકટર ચાલ્યો ગયો. પછી હંસાએ હળવેકથી કહ્યું, ‘મને લાગે છે કે, આમાં હવે કોઈ ડૉકટરનું કામ નથી. કોઈ ભૂવા, સાધુ કે ફકીર જ રીમાનું આ દુઃખ દૂર કરી શકશે...!’

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના ઈલાજ માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીરની મદદ લેવામાં આવી...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Ankita Parekh

Ankita Parekh 9 માસ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Urmila Patel

Urmila Patel 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા