Jantar-Mantar - 5 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 5

જંતર-મંતર

( પ્રકરણ : પાંચ )

ગમે તેમ પણ હવે એ પુરુષ એની આંખો સામેથી ખસતો નહોતો. જબરો, પડછંદ, મજબૂત પુરુષ... બરાબર એવા જ અદૃશ્ય પુરુષ સાથે દરરોજ રાતના એનું મિલન થતું હતું. એ એને જોઈ શકતી નહોતી. માત્ર અનુભવી શકતી હતી. છતાંય એ ચોક્કસપણે કહી શકે એમ હતી કે પેલો અદૃશ્ય પુરુષ જો સામે હાજર થાય તો આ પુરુષ જેવો જ લાગે.

એ અદૃશ્ય પુરુષની યાદ આવ્યા પછી જ એનું મન મસ્તીથી છલકાઈ ઊઠયું હતું. એના મનમાંથી ડર અને ગભરાટ તો કયાંય દૂર ઊડી ગયાં હતાં. એ પુરુષની યાદ પણ એને ગમતી હતી. એ જાણતી હતી કે, એ અદૃશ્ય પુરુષ કોઈ ભૂત-પ્રેત છે. એના પંજામાંથી છટકી જવું જોઈએ-નીકળી જવું જોઈએ તેમ છતાંય એ મનોમન એમ જ ઈચ્છતી હતી કે એ અદૃશ્ય પુરુષ હંમેશ પોતાની સાથે રહે. હંમેશ પોતાની પાસે રહે અને હંમેશ પોતાના શરીર સાથે જકડાયેલો રહે. એ અદૃશ્ય પુરુષ એની ખીલતી કળી જેવા કોમળ શરીરને કચડી નાખે. રગદોળી નાખે. એનાથી જ એને એક અજબ રોમાંચ અને એક અજબ આનંદનો અનુભવ થતો હતો.

હવે તો ઘણીવાર થઈ ચૂકી હતી. પેલો પુરુષ હજુ પાછો ફર્યો નહોતો. રીમાએ એનો સામાન જોવા માટે નજર ફેરવી. ઉપર કે નીચે કયાંય એનો કોઈ સામાન નહોતો. ‘જરૂર એ ચાલ્યો ગયો હશે.’ રીમા બબડી, ‘એ બીજો કોઈ નહીં પણ દરરોજ રાતે આવનાર પેલો અદૃશ્ય પુરુષ જ હતો.’

કટક સ્ટેશન આવે એની થોડી જ વાર અગાઉ મનોજની આંખ ખૂલી ગઈ. આમ તો છુટક-છુટક બે-ત્રણ વાર એની આંખ ઊઘડી હતી, પણ ઊંઘ ઊડી નહોતી. પણ ત્રણ-ચાર કલાકની ઊંઘ પછી એની ઊંઘ ઊડી ગઈ હતી.

મનોજે આંખો ચોળી, આળસ મરડી, સામાન ઉપર નજર ફેંકીને સામાન તપાસી લીધો. બધો સામાન બરાબર છે એવી ખાતરી થયા પછી એ ઊભો થયો અને બાથરૂમમાં જઈને હાથ-મોઢું ધોઈને તાજો-માજો થઈને પાછો ફર્યો.

થોડી જ વારમાં કટક સ્ટેશન આવ્યું અને બન્ને ભાઈ-બહેન સામાન લઈને ઊતરી ગયાં. પ્લેટફોર્મની બહાર નીકળીને રિક્ષા કરીને બન્ને ઘરે પહોંચ્યાં.

બંગલાના ઝાંપા બહાર રિક્ષા ઊભી રાખીને મનોજે સામાન ઉતાર્યો. એણે ખિસ્સામાંથી પાકીટ કાઢીને ભાડું આપવા માટે પૈસા કાઢયાં ત્યાં જ અચાનક રીમા થથરી ઊઠી. એના શરીરમાં વીજળી ફરી વળી. પેલો ટ્રેનવાળો અજાણ્યો પુરુષ હાથમાં પીળું ફૂલ ફરકાવતો ત્યાંથી પસાર થયો. એ ધારદાર નજરે એકીટસે રીમાને જોઈ રહ્યો હતો. રીમાના નાકમાં પેલા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ઘૂસી ગઈ.

ગભરાટ અને ડર હોવા છતાંય રીમાએ એને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો. એ પુરુષના પગના અને હાથના પંજા બરાબર ઠીક હતા. લાઈટના અજવાશમાં એનો પડછાયો જમીન ઉપર બરાબર પડતો હતો.

પગ અને પડછાયો જોયા પછી રીમાના મનનો ફફડાટ આપોઆપ ઓછો થઈ ગયો. એને મનોમન એવી ખાતરી થઈ ગઈ કે, આ પુરુષ કોઈ ભૂત કે પ્રેત નથી જ.

એ પુરુષ ત્યાંથી પસાર થઈ ગયો. ત્યારબાદ હિંમત કરીને રીમાએ એની પીઠ જોવા માટે આંખો ઊંચી કરી...પણ એની પીઠ ઉપર નજર પડતાં જ... રીમાનું માથું ફરી ગયું...એને ચક્કર આવ્યા હોય કે ગમે તે થયું હોય પણ એ સહેજ ઝૂમીને ગડથોલિયું ખાઈને જમીન ઉપર ઢળી પડી. પણ પછી તરત જ સ્વસ્થ થઈને એ ઊભી થઈ ગઈ હતી.

રીમાને નીચે પડી ગયેલી જોઈને ગભરાટથી મનોજ એને ઊભી કરવા માટે ઝૂકયો. પણ રીમાને એની મદદની જરૂર પડી નહીં. મનોજે એને પૂછયું પણ ખરું, ‘શું થયું રીમા ?’ મનોજના અવાજમાં પણ ગભરાટની ઝલક હતી.

રીમાએ કપડાં ખંખેરતાં જવાબ વાળ્યો, ‘કંઈ નથી, સહેજ ચક્કર આવી ગયાં.’ રીમાના અવાજમાં પણ ગભરાટ ચોખ્ખો વર્તાતો હતો. પણ એ ગભરાટ મનોજ સમજી શકયો નહીં. રીમાના ચહેરા ઉપરનો પરસેવો પણ મનોજ અંધારામાં જોઈ શકયો નહીં. એ રીમાને ધરપત આપતાં બોલ્યો, ‘આખા દિવસનો થાક છે એટલે એવું થયું હશે.’

રિક્ષાવાળો ચાલ્યો ગયો. મનોજે ઝાંપો ઉઘાડયો અને બન્ને ભાઈ-બહેન સામાન ઊંચકીને બંગલામાં પહોંચી ગયાં. રીમા તો ખૂબ થાકેલી હતી એટલે પથારીમાં પડતાંવેંત જ ઊંઘી ગઈ.

સવારે રીમા જાગી ત્યારે કંઈક ઠીક હતી. થાક ઊતરી ગયો હોય એમ શરીરમાં તાજગી જેવું લાગતું હતું. એ ઝડપથી નાહી-ધોઈને પરવારી ગઈ. અને પછી પોતાના ભાઈની વહુ હંસાભાભી પાસે રસોડામાં પહોંચી ગઈ.

મનોજનો સ્વભાવ તો સારો જ હતો. પણ મનોજ કરતાંય હંસાભાભીનો સ્વભાવ વધારે મીઠો હતો. હંસાભાભી સાથે રીમાને ખૂબ બનતું. બન્ને નંદણ-ભોજાઈ કરતાંય બે બહેનપણીઓ હોય એમ વાતચીત કરતી.

રીમાને એમ હતું કે, ભાભી વાસંતી વિશે પૂછપરછ કરશે. એટલે એણે સામેથી જ હંસાભાભીને કહેવા માંડયું, ‘ભાભી, વાસંતીને એકાએક શું થઈ ગયું એ જ મને સમજાતું નથી.’

હંસાભાભીએ રીમાને માથે હાથ ફેરવી ખૂબ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘રીમા, તું એ બધી જ વાત ભૂલી જા. જો એ બધું યાદ રાખીશ અને મન ઉપર લઈશ તો તું જ માંદી પડી જઈશ.’ પછી હળવેકથી નિસાસો નાખતાં તેમણે ઉમેર્યું, ‘વાસંતી સરસ છોકરી હતી. પરંતુ મોત અને જિંદગી માણસના હાથની વાત નથી. ભગવાનને જે ગમ્યું તે ખરું. તું આમ જીવ બાળ્યા કરીશ તો વાસંતી પાછી જીવતી થવાની નથી. ઊલટાની તું માંદી પડી જઈશ.’ કહેતાં ભાભીએ વાતને બીજે પાટે ચડાવી અને સંસારની, વહેવારની, મનોજની અને પોતાના ત્રણ વરસના દીકરા હેમંતની વાતો કરવી ચાલુ કરી, રીમા પણ ભાભી સાથેની વાતોમાં વાસંતીને ભૂલી ગઈ.

બપોરે જમી-પરવારીને રીમાએ પોતાના કમરામાં સામાન ગોઠવવા માંડયો. બંગલામાં ઘણા બધા કમરાઓ હતા. એમાંનો એક અલગ કમરો વરસોથી રીમા વાપરતી હતી. એ કમરામાં રીમાએ પોતાનો બધો સામાન ગોઠવ્યો. સામાન ગોઠવવામાં મદદ કરતાં હંસાભાભીએ હસતાં-હસતાં મીઠી ટકોર પણ કરી, ‘રીમા, તું ભલેને મહેનત કરીને સામાન ગોઠવે, પણ થોડા જ દિવસ પછી બધો સામાન સંકેલી લેવો પડશે.’

ભાભીની ટકોર રીમાને સમજાઈ નહીં એટલે એણે અચરજભરી નજરે ભાભી સામે જોયું, ત્યારે ભાભીએ ખુલાસો કર્યો, ‘રીમા, ગમે તેમ તોય દીકરી પારકું ધન છે. બાપુજી હવે તારા હાથ જલદી પીળા થઈ જાય તેની ચિંતામાં છે.’

ભાભીની વાત સાંભળીને રીમા લજાઈને નીચું જોઈ ગઈ.

એ જ રાતે જમ્યા પછી રીમા ભાભી પાસે બેઠી હેમંતને રમાડતી રહી. વાતો કરી કરીને થાકી ત્યારે રીમા પોતાના કમરામાં જવા ઊભી થતાં બોલી, ‘ભાભી, આપણી વાતો તો ખૂટવાની નથી. પણ ત્યાં મનોજભાઈ તમારી વાટ જોતા હશે.’

જવાબમાં હંસાભાભી મીઠું મલકી, રીમા પોતાના કમરામાં ગઈ. કબાટમાંથી એક પુસ્તક કાઢીને, પલંગમાં પડી અને પુસ્તકનાં પાનાં ઉથલાવવા લાગી. પુસ્તકનાં પાનાં ઉથલાવતાં ઉથલાવતાં જ રીમાની આંખ કયારે મીંચાઈ ગઈ તેની એને ખબર ન રહી.

અચાનક રીમાની આંખ ઊઘડી ત્યારે જ બરાબર ઘડિયાળમાં એક ડંકો પડયો. કેટલા વાગ્યા છે, એ જોવા માટે રીમાએ ડોક ઊંચી કરીને, ઘડિયાળ તરફ જોયું. બરાબર સાડા બાર વાગ્યા હતા. ઘડિયાળ ઉપરથી નજર પાછી ખેંચતાં જ એ ડરી ગઈ. સામેની બારી ઉપર બે મોટી આંખો તગતગાવતો એક મોટો બિલાડો બેઠો હતો. રીમા એને જોઈ ધ્રુજી ગઈ. એને ભગાડવા માટે એણે બાજુની ટીપોઈ ઉપર પડેલો પાવડરનો ડબ્બો ઉઠાવીને એ બિલાડા તરફ ફેંકયો.

એ ડબ્બો બિલાડાને વાગે એ પહેલાં જ બિલાડો એક તીખી ધારદાર નજર રીમા ઉપર ફેંકીને મિયાઉં-મિયાઉં કરતો બારીમાંથી બહારની તરફ કૂદી ગયો. પાવડરનો ડબ્બો જમીન ઉપર પછડાયો અને શેરડીનો સાંઠો વચ્ચેથી બટકી જાય એમ બટકી ગયો. બારીમાંથી આવતી હવાની લહેરખી સાથે ઊડેલો પાવડર ધુમાડાની જેમ કમરામાં ફેલાવા લાગ્યો.

રીમાએ એ તરફ કંઈ ધ્યાન આપ્યા વિના આંખો મીંચી લીધી. આંખો મીંચતાં જ રીમાને લાગ્યું કે કમરામાં પેલા અજબ પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ફેલાઈ ગઈ છે. વાતાવરણ મદમસ્ત બની ગયું છે. બીજી જ પળે રીમાને લાગ્યું કે પેલો અદૃશ્ય પુરુષ એની પાસે આવી પહોંચ્યો છે અને હળવે-હળવે એના શરીરને પોતાના મજબૂત શરીર સાથે જકડવા લાગ્યો છે. રીમાએ હળવેકથી એના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને પૂછયું, ‘તમે અહીં પણ આવી ગયા ?’

‘હા, મેં તને અગાઉ પણ કહેલું છે કે, તું ત્યાં જઈશ ત્યાં હું આવીશ. અને આજે ફરી તને કહી દઉં કે તું જ્યાં જઈશ ત્યાં હું પણ તારી સાથે જ રહીશ.’

રીમાના મનમાં આ સાંભળીને એક પ્રકારનો રોમાંચ થયો. એણે ફરી પેલાને પૂછયું, ‘ગઈકાલ રાતે ટ્રેનમાં મારી સાથે પીળું ફૂલ લઈને તમે જ બેઠા હતા ?’

પેલા અદૃશ્ય પુરુષે રીમાની વાતનો કોઈ જવાબ ન આપ્યો. રીમાના કાને માત્ર એના હસવાનો અવાજ સંભળાયો. સાથોસાથ એણે પોતાના શરીર ઉપર વધુ પડતી ભીંસ અનુભવી. એણે પોતાના શરીરને છૂટું મૂકીને, એ મજબૂત પુરુષને હવાલે કરી દેતાં કહ્યું, ‘તમે મારી સામે કેમ આવતાં નથી ? આ રીતે ટ્રેનમાં સામે આવી શકો છો અને અહીં....!’ રીમા આગળ કંઈ બોલી શકી નહીં. પેલાએ રીમાના મોસંબીની ચીરી જેવા રસભર્યા હોઠ ઉપર પોતાના જાડા, ગરમા ગરમ હોઠ મૂકી દીધા હતા.

ત્યારબાદ રીમા કંઈ બોલી શકી નહીં. કંઈ પૂછી શકી નહીં. એ મજબૂત પુરુષમાં ખોવાઈ ગઈ. એક અજબ આનંદ અને એક અજબ રોમાંચ એના શરીર ઉપર છવાઈ ગયો.

સવારે રીમા જાગી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હંસાભાભી એને બે-ત્રણ વાર જગાડવા આવી ચૂકી હતી. રીમા નાહી-પરવારીને રસોડામાં પહોંચી ત્યારે બટેટાં ઉપરથી છાલ ઉતારતાં હંસાભાભીએ એને પૂછયું, ‘કેમ નણંદબા, કંઈ બહુ ઊંઘ આવવા માંડી છે ને શું ?’

રીમાએ બે હાથ ઊંચા કરીને, એક માદક અંગડાઈ લેતાં કહ્યું, ‘ભાભી, ઊંઘની તો વાત ન કરો. આજકાલની રાતો તો ખૂબ મસ્તીથી વીતે છે.’

‘કેમ, પ્રિયતમનાં સપનાંઓ આવે છે ?’

ભાભીનો સવાલ સાંભળીને રીમા સહેજ શરમાઈ પછી બોલી, ‘ભાભી, પ્રિયતમનાં સપનાં નહીં પણ પ્રિયતમ જાતે જ આવે છે. સાચું ભાભી, આવો આનંદ, આવી મોજ અને આવો રોમાંચ મેં કદી અનુભવ્યો નથી.’

ભાભીને રીમાની વાતમાં કંઈ સમજ ન પડી. છતાંય એ બોલી, ‘રીમા, એ તો અત્યારે તારી ઉંમર એવી છે એટલે એવું જ લાગે.’ અને પછી હળવું હસીને ઉમેર્યું, ‘નણંદબા, બસ થોડાક દિવસ ખમી જાવ. તમારું ચોકઠું હવે બેપાંચ દિવસમાં જ ગોઠવાઈ જવાનું છે. સગાઈ પતી જાય એટલે બે-ત્રણ મહિનામાં જ લગ્ન પણ પતાવી દેવાના છે, એમ બાપુજી તમારા ભાઈને કાલે કહેતા હતા.’

‘તમેય ભાભી...!’ કહેતાં રીમાએ ભાભીની ગોરી કમ્મર ઉપર ચૂંટી ભરી લીધી અને પછી બેય નણંદ-ભોજાઈ એકીસાથે ખડખડાટ હસી પડી અને ત્યારબાદ ઝડપથી રસોઈના કામમાં ડૂબી ગઈ.

બરાબર એ જ રાતે બાર ને પાંત્રીસ મિનિટે રીમાની આંખ અચાનક ઊઘડી ત્યારે એના કમરામાં જોરદાર બફારો લાગતો હતો. કંઈક ગભરામણ પણ એ અનુભવતી હતી. એકાએક એને ખ્યાલ આવ્યો કે, ગઈકાલે રાતે બિલાડો બારી ઉપર આવીને બેસી ગયો હતો. એટલે એણે આજે બારી બંધ કરી દીધી હતી. પવન આવે અને ગભરામણ અને બફારો દૂર થાય એટલા માટે એણે બારી ઉઘાડવાનો વિચાર કર્યો. હળવે પગલે ચાલતી એ બારી પાસે પહોંચી. બારીની આંકડી ચોંટી ગઈ હતી. રીમાએ જોર કરીને બારી ખેંચવા માંડી. ખૂબ જોર કર્યા પછી એક ઝાટકા સાથે બારી ઊઘડી ગઈ અને જેવી બારી ઊઘડી કે તરત જ એના કમરામાં પેલા અજબ પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ભરાઈ ગઈ. બારી બહારથી જાણે એ સુગંધનું એક મોજું આવીને રીમાના ચહેરા ને શરીર સાથે અથડાયું હતું અને બીજી જ પળે રીમા પેલા મજબૂત અને અદૃશ્ય પુરુષના શરીર સાથે જકડાઈ ગઈ હતી.

એ પુરુષે રીમાને હળવેકથી એક નાજુક ફૂલની જેમ ઉઠાવી લીધી. અને પછી રીમાને પલંગ ઉપર લઈ જઈને મૂકી દેતાં પૂછયું, ‘શું તારી સગાઈની તૈયારીઓ ચાલે છે ?’

અચરજ સાથે રીમાએ પૂછયું, ‘તમને કેવી રીતે ખબર પડી ?’

પેલો અદૃશ્ય પુરુષ મોટેથી હસી પડયો. પછી બોલ્યો, ‘તારા વિશે મને બધી ખબર પડતી જ રહે છે. મારાથી કંઈ છુપું રહી શકતું નથી.’ અને પછી અવાજને કડક કરીને, હુકમ આપતો હોય એમ બોલ્યો, ‘તારે સગાઈ કરવાની નથી અને ઘરમાં પણ તારે ચોખ્ખી ના પાડી દેવાની છે.’

રીમાએ એની વાતથી ચોંકીને પૂછયું, ‘પણ એવું શા માટે ?’

‘હું તને પ્રેમ કરું છું એટલે.’ પછી રીમાને સમજાવતો હોય એમ બોલ્યો, ‘હું તને શું નથી આપી શકતો ? તને વગર લગ્ને પણ શરીરસુખ આપું છું, તું મારી છો. તારે પરણવાની કંઈ જરૂર નથી.’ છેલ્લે હળવે રહીને એણે ઉમેર્યું, ‘હું કોઈ પણ પુરુષને તારી કાયા ઉપર હાથ નહીં મૂકવા દઉં.’

એ અદૃશ્ય પુરુષની વાતો સાંભળીને રીમા ડરી ગઈ. ભયથી ફફડી ઊઠી. એને હવે મનોમન પાકી ખાતરી થઈ ગઈ કે, એ અદૃશ્ય અને મજબૂત પુરુષ ખરેખર કોઈ ભૂત-પ્રેત જ છે. રીમા મનોમન ફફડી ઊઠી. ડરને કારણે એના શરીરમાંથી ભયની ધ્રુજારીઓ પસાર થવા લાગી. પરંતુ એ મજબૂત પુરુષ પાસે એ કંઈ કરી શકે એમ નહોતી. ચુપચાપ એને પોતાનું શરીર સોંપી દેવા સિવાય છૂટકો નહોતો. રીમાએ પોતાનું ફૂલ જેવું કોમળ શરીર ઢીલું મૂકી દીધું. અને આંખો મીંચી દીધી. અને એ અદૃશ્ય પુરુષ એના શરીર ઉપર તૂટી પડયો.

પછી....? પછી શું થયું....? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED