જંતર-મંતર - 4 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 4

જંતર-મંતર

( પ્રકરણ : ચાર )

રીમા વાસંતી તરફ જ આગળ વધી રહી હતી. વાસંતી ન તો ચિલ્લાઈ શકતી હતી કે ન તો મદદ માટેની કોઈ બૂમ મારી શકતી હતી. એનામાં અત્યારે કોઈ તાકાત જ રહી નહોતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું. એની આંખો પણ ફાટવા લાગી હતી. એનું હૃદય તો ઉછળીને હમણાં બહાર નીકળી જશે અથવા ફાટી જશે એ રીતે જોરશોરથી ધ્રૂજી રહ્યું હતું. વાતાવરણમાં પણ સન્નાટો હતો અને પળે-પળે ભયંકર બનતા ચહેરાવાળી રીમા એની તરફ વધુ ને વધુ આગળ વધતી જતી હતી.

વાસંતી રીમાને આગળ વધતી રોકવા માટે પોતાનો હાથ લાંબો કરીને, ઈશારો કરી રહી હતી. હળવો પગલાં ભરતી રીમા હવે એની સાવ નજીક આવી ગઈ હતી. અને ઢીંચણ વાળીને બેસી ગઈ હતી. અત્યારે એનો ચહેરો વધારે ભયંકર બની ગયો હતો.

રીમાના ભયંકર ચહેરા ઉપર દાઢી-મૂછ ફૂટી નીકળી હતી. એના ઉપરના બે દાંત લાંબા થઈને બહાર નીકળ્યા હતા. એ લાંબા દાંત તિકમ જેવા ધારદાર હતા.

રીમાએ પોતાનો હાથ અદ્ધર કર્યો. રીમાના હાથની આંગળી પરના નખ લાંબા અને ધારદાર થયા અને હળવે હળવે રીમાએ પોતાનો હાથ વાસંતી તરફ લાંબો કર્યો.

ડરથી એક ચીસ પાડીને વાસંતીએ આંખો મીંચી દીધી. પણ રીમાએ પોતાના એ ધારદાર-લાંબા નખવાળા પંજા ઠંડે કલેજે વાસંતીના ગળામાં ઘોંચી દીધા. એમાંથી તાજા તાજા, લાલ લાલ અને ગરમાગરમ લોહીની ધારાઓ છૂટી. રીમાએ હળવેકથી પોતાનો ચહેરો નમાવીને પોતાના પ્યાસા હોઠ વાસંતીની ગરદન ઉપર મૂકી દીધા.

દૃ દૃ દૃ

રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ બેઠી હતી. વાસંતીના અણધાર્યા અને ક્રૂર મોતથી એ અવાચક બની ગઈ હતી. એ મોત કેવી રીતે થયું ? કયારે થયું ? એ કંઈ જ એની સમજમાં આવતું નહોતું.

સવારે આખીય હોસ્ટેલમાં આ મોતની ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. આખાય વિસ્તારમાં વાસંતીના મોતની ખબરથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. હોસ્ટેલના સંચાલકો અને વ્યવસ્થાપકો પણ દોડી આવ્યાં હતાં. પોલીસ પણ આવી હતી. પોલીસે વાસંતીની લાશને હૉસ્પિટલમાં મોકલી આપી હતી.

હોસ્ટેલના સંચાલકોએ અને પોલીસે પોતપોતાની રીતે રીમાને પૂછપરછ કરી હતી. પોલીસે તો રીમાની ઊલટતપાસ પણ કરી હતી. પણ રીમા કંઈ જ જાણતી નહોતી. એ આ ઘટનાથી બિલકુલ બેખબર જ હતી.

વાસંતી જેવી, સગી બહેન કરતાં પણ વધુ વહાલી બહેનપણીના અચાનક મોતથી એને ખૂબ આઘાત લાગ્યો હતો. અને એ આઘાતને કારણે એ અવાચક બની ગઈ હતી. એનું મન અને મગજ બન્ને ગુમસુમ બની ગયાં હતાં. ખરેખર શું બની ગયું છે ? એ એને સમજાતું નહોતું. વાસંતીના અચાનક મોતની વાત પણ એ માની શકે એમ નહોતી. વળી. આ એક સામાન્ય મોત નહોતું. એ એક ખૂનનો કિસ્સો હતો. કોઈકે એનું ગળું દબાવીને, એમાંથી માંસના લોચા કાઢી નાખ્યા હતા. એના ફાટેલા ડોળામાંથી ભય ડોકાતો હતો. વાસંતીને મરેલી જોયા પછી રીમા ધ્રુસકે-ધ્રુસકે ચોધાર આંસુએ રડી હતી. રડી-રડીને એની આંખો લાલચોળ થઈ ગઈ હતી. હવે એ ગુમસુમ બનીને ઉદાસ-ઉદાસ એક તરફ બેઠી હતી.

વહેલી સવારે જ સંચાલકોએ વાસંતીના મા-બાપને તાર કરીને ખબર આપી દીધી હતી. ખબર પડતાં જ વાસંતીના મા-બાપ અને એમની સાથે રીમાનો ભાઈ મનોજ પણ આવી પહોંચ્યો હતો.

જોકે, વાસંતીનું મોત થયું છે એ વાતની એના મા-બાપને અહીં આવ્યા પછી જ ખબર પડી હતી. પોતાની દીકરીનું આવું ક્રૂર રીતે મોત થયેલું જોઈને વાસંતીના મા-બાપ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયાં. ગમે તેટલું રડવા છતાંય વાસંતી હવે તેમને મળે એમ નહોતી.

વાસંતી હવે સદાને માટે બધાને છોડીને ચાલી ગઈ હતી.

છેક મોડી સાંજે હૉસ્પિટલમાંથી વાસંતીની લાશ મળી, પોલીસે કાગળિયાં કર્યાં અને એ જ રાતે વાસંતીની લાશ સાથે એમ્બ્યુલન્સમાં વાસંતીનાં મા-બાપ પોતાને ગામ કટક જવા રવાના થયા.

વાસંતીના મોતથી મનોજ ડઘાઈ ગયો હતો. રીમાની હાલત પણ સારી નહોતી. એ હવે પોતાની બહેનને અહીં એકલી છોડવા માંગતો નહોતો. એટલે એ જ રાતે રીમાને લઈને કટક જવા માટે ટ્રેનમાં બેસી ગયો.

ટ્રેનમાં ખાસ કંઈ ભીડભાડ હતી નહીં એટલે નિરાંતે બેસવાની જગ્યા મળી ગઈ. ટ્રેનમાં બેઠાં પછી મનોજે નિરાંતનો દમ લીધો. આજે વહેલી સવારે જ તાર મળતા એ વાસંતીના મા-બાપ સાથે નીકળ્યો હતો. અને આખા દિવસની દોડભાગથી એ થાકીને લોથ થઈ ગયો હતો. હવે ટ્રેન ઉપડે એટલે એકાદ ઊંઘ લઈ લેવાશે એવું એને લાગતું હતું. મનોજની જેમ રીમા પણ થાકેલી હતી. પરંતુ એની આંખોમાં ઊંઘ નહોતી. એને વારેઘડીએ વાસંતી યાદ આવી જતી હતી. વાસંતીનો ભલો અને ભોળો ચહેરો યાદ આવી જતો હતો. એ ચૂપચાપ બારી પાસે બેસીને બારીની બહાર જોઈ રહી હતી.

બરાબર સાડા અગિયાર વાગે ટ્રેન ઉપડી. ટ્રેને સ્ટેશન છોડયું અને માંડ થોડીકવાર થઈ હશે ત્યાં મનોજે બેઠાં-બેઠાં જ આંખો મીંચી દીધી. રીમા ચુપચાપ બારીની બહાર અંધારામાં દોડતી ગાડીના પડછાયાને એકીટસે જોઈ રહી.

થોડી થોડી વારે રીમાનું ધ્યાન ડબ્બાની અંદર પણ ખેંચાઈ આવતું. મોટા ભાગના મુસાફરો નિરાંતે ઊંઘી રહ્યા હતા. પાછળના ભાગમાં કોઈ બે મુસાફરો ધીમા, દબાયેલા અને ન સમજાય એવા અવાજે વાતે વળગ્યા હતા. રીમાની બરાબર સામેની સીટ ઉપર એક કદાવર પુરુષ બેઠો હતો. એણે માથે હેટ જેવી ટોપી પહેરી હતી. અને ચૂપચાપ છાપું વાંચવામાં તલ્લીન હતો. એ સિવાય બધું જ શાંત હતું અને ટ્રેન એક પછી એક સ્ટેશન વટાવતી પૂરપાટ દોડી રહી હતી.

એક ઝાટકા સાથે અચાનક ગાડી ઊભી રહી ગઈ. રીમાએ હળવેકથી માથું બહાર કાઢીને એન્જિન તરફ નજર નાખી. નજીકમાં કોઈ સ્ટેશન હોય એમ એને લાગ્યું નહીં. ગાડી અધવચ્ચે જ કયાંક રોકાઈ ગઈ હતી. બહાર ઘેરા અંધકાર સિવાય કંઈ જ નહોતું. પવનના સૂસવાટા પણ વધુ પડતા ધારદાર અને વધુ પડતા ઠંડા હતા. રીમાએ પોતાની સુરાહીદાર ગરદન અંદર ખેંચીને, શરીર સંકોચી લીધું. ઠંડીને કારણે બારી બંધ કરવાની ઈચ્છા હોવા છતાંય એણે બારી બંધ કરી નહીં. એક હળવું બગાસું ખાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ ઉપર નજર નાખી. બરાબર બાર વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી. એને યાદ આવ્યું કે, બરાબર આ જ સમયે એની હોસ્ટેલ પાસેથી દરરોજ એક ટ્રેન પસાર થતી હતી.

કાંડા ઘડિયાળ ઉપરથી સરકીને એની નજર સામેની સીટ ઉપર બેઠેલા પુરુષના હાથમાંના છાપા ઉપર પડી.

પહેલા પાને ફોટા સાથે મોટા-મોટા ટાઈપોમાં તોફાનના સમાચારો છપાયા હતા. એ સમાચાર વાંચવાનું શરૂ કરે ત્યાં જ છાપું એક તરફ સરકી ગયું. અને એ પુરુષની આંખો એની આંખો સાથે ટકરાઈ.

રીમાએ સહેજ સંકોચાઈને પોતાની આંખો ઝૂકાવી લીધી. પણ પેલા પુરુષની આંખો એના ચહેરા ઉપર ચોંટી રહી. રીમા એ પુરુષ તરફ જોતી નહોતી છતાંય એને લાગતું હતું કે એ પુરુષ એની આંખોથી પોતાના ચહેરાને પંપાળી રહ્યો છે.

રીમાને મનોમન એ પુરુષ તરફ નફરત જાગી. ઊભી થઈને એક જોરદાર તમાચો એ પુરુષને મારવાની ઈચ્છા થઈ આવી. પણ પછી એણે પોતાનું મન મક્કમ કરી લીધું. કલાક-બે કલાકનો જ સવાલ છે, કયાં એ કાયમ માટે બેસી રહેવાનો છે ? એમ વિચારીને રીમાએ બારીની બહાર નજર કરી.

બહાર પવનના સૂસવાટા વધુ ધારદાર બન્યા હતા. પવનની ઠંડીથી એના ગાલ અને ચહેરો દાઝી ગયા હોય એમ એણે પોતાની ડોક પાછી ખેંચી. એ સાથે જ એની નજર પેલા પુરુષ ઉપર પડી. એ પુરુષ હજુ પણ એને એકીટસે તાકતો જોઈને રીમા ગુસ્સાથી ધૂંઆ-પૂંઆ થઈ ગઈ. રીમા એ પુરુષને કંઈ કહે, મનોજને જગાડે અથવા તો પોતાની નજર ફેરવી લે એ પહેલાં એ પુરુષે પોતાના ખિસ્સામાં હાથ નાખીને એક ફૂલ બહાર કાઢયું.

એ ફૂલ જોતાં જ રીમા ચોંકી ગઈ. આ એ જ પેલું પીળું ફૂલ હતું. આવું જ ફૂલ રીમાએ કાંટાની વાડમાંથી તોડયું હતું. અને ત્યારથી જ કોઈક અજાણી શક્તિએ એના ઉપર કબજો જમાવ્યો હતો. વાસંતી એને કહેતી હતી કે, કોઈ ભૂત-પ્રેતના પંજામાં રીમા ફસાઈ છે. અને એને પોતાને પણ એમ જ લાગતું હતું. એ ભૂત-પ્રેતે જ કદાચ વાસંતીને ખતમ કરી હશે. વાસંતી હંમેશાં પોતાને સલાહ અને શિખામણ આપ્યા કરતી હતી. એ ભૂત-પ્રેતથી રીમાને દૂર રાખવા માટે પ્રયત્નો કરતી હતી. અરે, રીમાને ભૂત-પ્રેત પરેશાન ન કરે એટલા માટે તો વાસંતીએ એને પોતાની રૂમમાં સાથે રાખી હતી. પણ એ વાસંતી ખતમ થઈ ગઈ.

અચાનક રીમાને એ અજાણી શક્તિના શબ્દો યાદ આવી ગયા, એ હંમેશાં રાતે કહેતો, ‘આપણને હવે કોઈ અલગ કરી શકશે નહિ. આપણને અલગ કરવાનો પ્રયત્ન કરશે એને હું ખતમ કરી નાખીશ.’

અચાનક ટ્રેન એક જોરદાર આંચકા સાથે ઊપડી અને રીમાનું ધ્યાન પેલા પુરુષ તરફ ખેંચાઈ ગયું, એ પુરુષના હાથમાંના પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ કયારનીય રીમાના નસકોરાંમાં ઘૂસી ગઈ હતી. એ ફૂલ હજુ હમણાં જ ખિલ્યું હોય એમ લાગતું હતું.

વાસંતીનું મોત, પેલી અજાણી શક્તિની યાદ અને પીળા ફૂલવાળા પુરુષને જોઈને રીમા ધ્રુજવા લાગી હતી. એના શરીરમાંથી વીજળીના લીસોટા પસાર થઈ રહ્યા હતા. રીમાને લાગ્યું કે, એ હમણાં ઉછળીને બારીમાંથી કૂદી પડશે. અથવા તો બેભાન થઈને ઢળી પડશે. પણ એવું બને એ પહેલાં જ એ બાજુમાં નિરાંતે નસકોરાં બોલાવતા પોતાના ભાઈ મનોજને જગાડવા માંગતી હતી. પણ રીમા મનોજને જગાડે એ પહેલાં જ એ ફૂલવાળો પુરુષ ઊભો થયો.

રીમાએ ઝડપથી નજર ફેરવી લીધી. બારીની બહાર જોતાં જ એને લાગ્યું કે ટ્રેન ખૂબ ઝડપે, પૂરપાટ દોડી રહી હતી. અત્યાર સુધી ટ્રેન જે રીતે દોડતી હતી એના કરતા બમણી ઝડપે ટ્રેન દોડી રહી હતી. રીમાનો ગભરાટ ઓછો થવાને બદલે વધી ગયો. આટલી બધી ઝડપે દોડતી ટ્રેનમાંથી પોતે કૂદી પડે તો...! ? એક ભયાનક વિચારથી જ તે થરથરી ઊઠી. એની નજર ફરી પાછી વળી. પેલો ઊભો હતો. એની ધારદાર નજર રીમા ઉપર જ હતી. એની આંખો સાથે રીમાની આંખો ટકરાતાં જ ફરી એકવાર રીમા કંપી ઊઠી.

હવે રીમા માટે આ વાતાવરણ ભયાનક બની ગયું હતું. એણે એ વાતાવરણમાં છૂટકારો મેળવવા આંખો મીંચી લીધી. પણ એ એટલી બધી ગભરાયેલી અને ડરી ગયેલી હતી કે વધુ વાર આંખો બંધ રાખી શકી નહીં. એણે જ્યારે આંખો ઉઘાડી ત્યારે પેલો પુરુષ ત્યાંથી ચાલ્યો ગયો હતો. રીમાએ છુટકારાનો દમ ખેંચ્યો. છતાંય થોડીકવારમાં એ પુરુષ પાછો આવીને, સામેની સીટ ઉપર બેસી જશે એવી બીક તો હજુ હતી જ.

રીમા થોડીકવાર પોતાની છાતી ઉપર હાથ દબાવીને ચૂપચાપ બેસી રહી. એનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. એને હાંફ ચડી હોય એમ એની છાતી જોશથી ઉછળી રહી હતી. એના ચહેરા ઉપરથી પરસેવો રેલા બનીને એના ગળા તરફ ઊતરી રહ્યો હતો. ડર અને ગભરાટ સાથે એ અકળામણ પણ અનુભવી રહી હતી. છતાંય થોડીકવાર છાતી દબાવીને બેઠા પછી એને કંઈક રાહત જેવું લાગ્યું. રૂમાલથી એણે ચહેરા અને ગળા પરનો પરસેવો લૂછી નાખ્યો. પેલા ફૂલની મોગરા અને ચંપા જેવી સુગંધ પણ હવે ઓછી થઈ ગઈ હતી. રીમાએ મન મજબૂત કર્યું. વોટરબેગમાંથી પાણી કાઢીને પીધું અને પછી એ પગ સરખા કરીને નિરાંતે બેઠી.

ઘણીવાર થઈ ગઈ છતાંય પેલો પુરુષ પાછો ન આવ્યો. રીમાને લાગ્યું કે કદાચ એ નહીં આવે. એ ઊતરી ગયો હશે. પણ પછી તરત જ એને યાદ આવ્યું કે, રસ્તામાં કોઈ સ્ટેશન આવ્યું જ નથી. એ ઊતરે કેવી રીતે ? એ કેમ પાછો નહીં આવ્યો હોય ? એ દરવાજા પાસે ઊભો રહી ગયો હશે ? એ બાથરૂમમાં ગયો હશે ? એ કોણ હશે ? એવા એવા વિચારો કર્યા પછી એને સહુથી મહત્ત્વનો વિચાર છેક છેલ્લે આવ્યો. પેલું ફૂલ એ કયાંથી લાવ્યો હશે ? બરાબર એવું જ પીળું ખિલેલું ફૂલ એણે કાંટાની વાડમાંથી તોડયું હતું. એની સુગંધ પણ એવી જ હતી.

એકાએક રીમાના મગજે એક જબરો આંચકો ખાધો, એને યાદ આવ્યું. રાતના પેલો અદૃશ્ય પુરુષ હંમેશાં એને કહેતો હતો, ‘રીમા, હવે આપણે કદી અલગ થઈશું નહીં. તું જ્યાં જઈશ ત્યાં હું આવીશ.’

રીમા ફરી ભયથી ધ્રુજી ઊઠી. એનું હૃદય ફફડી ઊઠયું. એને વિચાર આવ્યો, ‘તો શું આ પુરુષ એ જ પેલો રાતવાળો અદૃશ્ય પુરુષ હશે ? શું એ ખરેખર ભૂત કે પ્રેત હશે ?

બીજી જ પળે એના મને જવાબ આપ્યો : ‘ના, ના, આવો ભૂત-પ્રેત ન હોય. આ તો એક સામાન્ય રૂપકડો પુરુષ હતો. બીજા પુરુષ જેવો પુરુષ... ભૂત-પ્રેત આવા ન હોય !’

‘તો કેવા હોય ?’ આ બીજો સવાલ એના મનમાં ઘુંટાયો હતો.

ના, ભૂત-પ્રેત-ચુડેલ કે ડાકણ એણે કદી જોયાં નહોતાં. પણ એ વિશે તેણે પોતાની બહેનપણીઓ પાસેથી અને પુસ્તકોમાં ઘણું વાંચ્યું હતું.

ભૂતના પગના પંજા ઊંધા હોય છે. પ્રેતને પડછાયો હોતો નથી. ખવીસ માથા વિનાનો હોય છે. અને ચુડેલનો વાંસો જોનાર ફાટી પડે છે....આવી આવી અનેક વાતો એણે સાંભળી હતી. માત્ર સાંભળી જ હતી. એમાંનું કશું જ એણે જોયું નહોતું. છતાંય આ પુરુષ એક સામાન્ય પુરુષ જેવો જ હતો.

જોકે, એ પુરુષના પગના પંજા એણે ધ્યાનથી જોયા નહોતા. એનો પડછાયો એણે બરાબર ધ્યાનથી જોયો નહોતો. જોકે, આ વાતનો એને વહેલો ખ્યાલ આવી જાત તો એણે એના પગ અને પડછાયો બરાબર ધ્યાનથી જોયા હોત...

પછી....? પછી શું થયું....? એ અજાણ્યો પુરુષ કયાં ગાયબ થઈ ગયો હતો ? એ પુરુષ ખરેખર પેલો રાતવાળો પુરુષ હતો...? રીમાએ એનાથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Arvind Dawra

Arvind Dawra 4 માસ પહેલા

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Leena

Leena 1 વર્ષ પહેલા

CHANDU SONI

CHANDU SONI 1 વર્ષ પહેલા

Nilesh Mistry

Nilesh Mistry 1 વર્ષ પહેલા