જંતર-મંતર - 34 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 34

( પ્રકરણ : ચોંત્રીસ )

રીમા તો બેભાન અને બેખબર હોય એમ આંખો મીંચીને સતત દોડી રહી હતી અને સામેથી ટ્રક ધસી આવતી હતી અનેઅચાનક ટ્રક ચલાવતા ડ્રાઈવરની નજર રસ્તા ઉપર દોડી આવતી રીમા ઉપર પડી. એણે પોતાના ભગવાનને યાદ કરી આંખો મીંચીને બ્રેક ઉપર જોશથી પગ દબાવી દીધો. લગભગ બારથી પંદર ફૂટ દૂર જઈને ચુંઉંઉંઉંના જોરદાર અવાજ સાથે ટ્રક અટકી ગઈ.

પાછળ કોઈક જુવાન છોકરાએ એ છોકરીને પોતાની છાતી સરસી ચાંપી લીધી હતી.

એ છોકરો બીજો કોઈ નહીં, પણ અમર હતો.

અમર છેલ્લા ઘણા દિવસથી પોતાની પત્ની રીમાને મળવા આવી શકયો નહોતો. જોકે, હજુ રીમા સાથે એના લગ્ન થયા નહોતા છતાં એ રીમાને મનોમન પત્ની માની બેઠો હતો. છેલ્લા બે મહિનાથી એના મા-બાપે એને રીમાને મળવા જવાની સખત ના પાડી દીધી હતી અને એમણે અમરના લગ્ન માટે બીજી જગ્યાએ છોકરીઓ પણ જોવા માંડી હતી. આજે અમર ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વિના રીમાને મળવા જઈ રહ્યો હતો.

અચાનક રીમાને સામેથી દોડી આવતાં તેણે જોઈ અને એની નજર ટ્રક ઉપર પણ પડી. પણ ટ્રક રીમા ઉપરથી ફરી વળે એ પહેલાં જ અમરે રીમાને પકડીને ખેંચી લીધી. ટ્રક આગળ નીકળી ગઈ અને રીમા બચી ગઈ.

રીમાને છાતીએ લગાવીને અમર કયાં સુધી ઊભો રહ્યો. પેલો ટ્રકવાળો પણ કોઈ ગરબડ કર્યા વિના થોડી જ વારમાં ત્યાંથી ઊપડી ગયો.

અમરે હળવેથી રીમાને પોતાની છાતીથી અલગ કરી, પણ રીમા તો બેભાન હતી. એ હવે ચાલીને પોતાને ઘેર જઈ શકે એમ નહોતો. અહીંથી રિક્ષા મળે ત્યાં સુધી રીમાને ઉઠાવીને જ આગળ વધવાનું નક્કી કરીને રીમાને ખભે ઊંચકી લીધી.

પણ રિક્ષા મળે એ પહેલાં જ હંસા અને મનોરમામાસી દોડતાં આવી પહોંચ્યા. ત્રણે જણ મળીને રીમાને ઘેર લઈ આવ્યાં.

ઘરે લાવીને રીમાને પલંગ ઉપર નાખીને અમરે એને ભાનમાં લાવવા માટે ઉપચારો કરવા માંડયા. લગભગ અડધા કલાકની આતુરતા પછી રીમા ભાનમાં આવી.

ભાનમાં આવ્યા પછી રીમા તોફાન ન કરે એટલા માટે મનોરમામાસીએ એના પગ પલંગ સાથે બાંધી દીધા હતા. એમની સાવચેતી બરાબર સમયસરની હતી. રીમા જેવી ભાનમાં આવી એવી જ હાથ પછાડવા માંડી અને બૂમબરાડા પાડવા લાગી.

અમર થોડીકવાર સુધી રીમાને જોતો રહ્યો. એને રીમા ઉપર દયા આવી ગઈ. એ રીમાની નજીક બેસવા જતો હતો. પણ હંસાભાભીએ ઈશારો કરીને એને અટકાવી દીધી અને એને બહાર બોલાવ્યો.

બહાર નીકળતાં જ અમરે પૂછયું, ‘ભાભી, રીમા આવું કયારથી કરે છે ?’

‘હમણાં હમણાં તો એ એવું જ કર્યા કરે છે ભાઈ...પણ આજે હવે એનો છેલ્લો દિવસ છે એટલે એ વધારે તોફાને ચડી છે.’

‘છેલ્લો દિવસ એટલે ? મને કંઈ સમજ ન પડી.’

‘ભાઈ, સમજ તો અમનેય કંઈ પડતી નથી.’ એમ કહીને હંસા થોડીકવાર માટે અટકી ગઈ. પછી હળવેથી એણે ઉમેર્યું, ‘...પણ સુલતાનબાબાએ અમને તેર ગુરુવારનો વાયદો કર્યો છે. આજે તેરમો ગુરુવાર છે. આજ સુધી તો સુલતાનબાબાના કહેવા પ્રમાણે બધું જ સાચું પડયું છે. એમની ગણતરી મુજબ આજે રીમા બિલકુલ સાજી થઈ જશે.’

હંસાભાભીની વાત સાંભળીને અમર હસ્યો. ‘ભાભી તમેય કેવી વાત કરો છો ? અત્યારે જ એ કેટલું બધું તોફાન કરે છે. એક જ રાતમાં એ કેવી રીતે સાજી થઈ જશે.’

‘ભાઈ, ધીરજ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કે એ જલદી સાજી થઈ જાય. હવે તો  અમારાથી પણ એનું દુઃખ જોઈ શકાતું નથી.’

હંસાભાભીએ એ સિવાય પણ ઘણી વાતો કરી પણ અમરના મગજમાં કોઈ વાત બેઠી નહીં. છતાં એ બોલ્યો, ‘સારું ભાભી, હું હવે કાલે રીમાને મળવા આવીશ.’ અને ચૂપચાપ ચાલ્યો ગયો. જતાં જતાં એ હંસાને કહેતો ગયો, ‘ભાભી, ઘરે કોઈને કહ્યા વિના જ અહીં આવ્યો છું. એટલે મારા ઘર સુધી કોઈ વાત ન પહોંચવી જોઈએ.’

‘સારું ભાઈ, હું  ધ્યાન રાખીશ....!’ હંસાએ જવાબ વાળ્યો, પણ એ પહેલાં તો અમર ચાલ્યો ગયો હતો.

અમર ગયો એટલે હંસા રસોડામાં ચાલી ગઈ. આજે ગુરુવાર હતો અને દર ગુરુવારે એ ઝડપથી રસોઈ કરીને બધાંને પીરસી દેતી. ગુરુવારે તો સુલતાનબાબા આવે એ પહેલાં જ એ બધાને જમાડીને, વાસણ-પાણી કરીને નવરી થઈ જતી.

આજે પણ ગુરુવાર હતો-છેલ્લો અને તેરમો ગુરુવાર હતો. આજે સુલતાનબાબા આવે એ પહેલાં જ એ બધું કામકાજ આટોપી લેવા માંગતી હતી. એણે ઝડપથી રસોઈ કરવા માંડી.

મનોરમામાસી તો રીમા પાસે જ બેસી રહ્યાં હતાં. રંજનાબહેન પણ જાગીને રીમા પાસે જ જઈને બેઠાં હતાં. રીમાનું તોફાન આજે વધારે પડતું હતું. અને આજની રાત જ એને સાચવવાની હતી. જોકે, સુલતાનબાબા આવી જાય ત્યાં સુધીમાં રીમા સચવાઈ જાય તો બસ. એમ વિચારીને બન્ને બહેનો ત્યાં જ બેઠી હતી.

ચુનીલાલ અને મનોજ આવે તે પહેલાં તો હંસાએ રસોઈ તૈયાર કરી નાખી અને ખૂબ જ ઝડપથી અને ચપળતાથી હંસાએ વારાફરતી સૌને જમાડી દીધા.

બધાં જમી પરવારીને માંડ નવરા થયા ત્યાં સુલતાનબાબા આવી પહોંચ્યા. આજે સુલતાનબાબા દર વખત કરતાં વધુ ગંભીર હતા. ઘરમાં આવતાં પહેલાં જ ઉંબરામાં ઊભા રહીને એમણે આંખો મીંચીને પઢવાનું ચાલુ કર્યું. પઢી લીધા પછી તેમણે પોતાનો જમણો પગ જોશથી ત્રણ વાર ઉંબરા ઉપર પછાડયો અને પછી પોતે આગળ વધ્યા.

દર વખત સુલતાનબાબા પોતાની સાથે ઝોળી લાવતા હતા. આ વખતે પણ એમણે પોતાના એક ખભે ઝોળી તો લટકાવી જ હતી. પણ એ ઝોળી ઉપરાંત એમના હાથમાં એક નાનકડી માટલી પણ હતી.

સુલતાનબાબા આવ્યા એટલે હંસાએ તરત જ દોડાદોડી શરૂ કરી. રીમાના કમરામાં જ્યાં સુલતાનબાબા કાયમ બેસતા હતા ત્યાં એક ચટાઈ પાથરી દીધી. તાસક અને પાણી મૂકયાં. સળગતા કોલસા ભરીને ધૂપદાન મૂકયું અને પછી પોતે એક તરફ બેસી ગઈ.

સુલતાનબાબાએ પોતાના હંમેશના નિયમ મુજબ કોઈની સાથે વાતચીત કર્યા વિના ચૂપચાપ માટલી એક તરફ મૂકી. ઝોળી પણ એક તરફ મૂકી અને ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને નમાઝ પઢી લીધી.

નમાઝ પઢી લીધા પછી એ સફેદ સંકેલીને એ હંસાએ પાથરેલી શેતરંજી ઉપર બેસી ગયા. બેઠા પછી સુલતાનબાબાએ ધૂપદાની અને માટલી પોતાની પાસે ખંચી. ધૂપદાનીના કોલસા ઉપર લોબાનનો ભૂકો ભભરાવીને એમણે પંખો હલાવવા માંડયો. થોડીકવારમાં તો ધુમાડાથી આખો કમરો ભરાઈ ગયો. સુલતાનબાબાએ પઢવાનું પણ ચાલુ કરી દીધું હતું. પઢતાં-પઢતાં એમણે ધીમે-ધીમે પોતાનો અવાજ મોટો કર્યો અને પછી રીમાને છોડી મૂકવા માટે હાથનો ઈશારો કર્યો.

રીમા છૂટી થતાં જ ઉછળી-ઉછળીને દોડી. અને દોડતાં દોડતાં સામેની દીવાલ ઉપર ખૂબ જોશથી હાથ પછાડયો. ‘છોડી દે...મને શયતાન...છોડી દે...’ એવી રાડ નાખી. ત્યાં એ ઝડપથી પાછી ફરી અને બીજી દીવાલે પહોંચી અને દીવાલ ઉપર જોશથી હાથ મારીને ફરી બૂમ મારી, ‘હું ચાલ્યો જઈશ, કદી તારી પાસે નહીં આવું, હું કાન પકડું છું....નાક પકડું છું. હું હવે કદી આ તરફ નહીં આવું...નહીં આવું....નહીં આવું....!’

ત્યાં રીમા ફરી પાછી ફરી. એક દીવાલથી બીજી દીવાલે અને બીજી દીવાલથી પહેલી દીવાલે એ ઝડપથી દોડતી રહી. એના વાળ ખૂલીને વિખરાઈ ગયા હતા. એની આંખો બંધ હતી. કયારેક-કયારેક અધવચ્ચે જ અટકી જતી અને પછી જોશથી ધૂણવા લાગતી. એ જ્યારે પોતાની કમર હલાવ્યા વિના જોશથી ગરદન હલાવીને ધૂણતી ત્યારે એના ઘટાદાર વાળ એના ચહેરા ઉપર છવાઈ જતાં, એ હાથ ઊંચા કરી કરીને જોશથી બૂમો મારતી હતી. હવે સિકંદર સતત કરગરી રહ્યો હતો. અને સુલતાનબાબા જોશ જોશથી હોઠ હલાવીને પઢી રહ્યા હતા. વારેઘડીએ તેઓ આંખો ખોલીને ધૂપદાનમાં લોબાન નાખતા અને પછી પંખો પણ હલાવતા હતા. એટલે આખાય કમરામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ચુનીલાલ અને રંજનાબહેન તો બહાર દીવાનખંડમાં જ બેઠાં હતાં. એમનાથી તો રીમાની આ પીડા અને આવી હાલત જોવાતી નહોતી.

સુલતાનબાબાએ અચાનક પાસે પડેલું લીંબુ ઉઠાવ્યું અને પછી બીજા હાથે સોય ઉઠાવીને, સોય ઉપર ફૂંક મારીને એ સોયને લીંબુમાં પરોવવા માંડી. અગાઉ છ જેટલી સોયો તો એ લીંબુમાં પરોવેલી જ હતી. હળવે-હળવે સુલતાનબાબાએ એ સોય લીંબુમાં ઘોંચવા  માંડી.

એ સોયની સહેજ જેટલી અણી લીંબુમાં માંડ ઘોંચાઈ હશે ત્યાં તો અચાનક ચોંકાવી દે, ડરાવી દે એવો ખળભળાટ થયો. પણ સુલતાનબાબા જરાય ચોંકયા નહીં. એમણે લીંબુ બરાબર પકડી રાખ્યું અને સોય ઘોંચવાનું પણ ચાલુ જ રાખ્યું.

અચાનક થયેલા આ ખળભળાટથી ઘરના બધાં ચોંકી ગયા હતાં. ડરથી બધાની છાતી ધડક-ધડક થવા માંડી હતી. એકમાત્ર સુલતાનબાબા જ મક્કમ હતા.

હજી અગાઉનો ખળભળાટ માંડ થંભ્યો ત્યાં તો રીમાએ પગ પછાડવાના શરૂ કરી દીધા...‘છોડી દો....છોડી દો...છોડી...!’ એવી બૂમરાળ કરી મૂકી.

થોડીકવાર માટે સુલતાનબાબા અટકી ગયા. પઢતાં પઢતાં જ એમણે રીમા ઉપર નજર નાખી. રીમા સતત ધૂણી રહી હતી...‘હું જતો રહીશ..હું તમારા પગે પડું છું. મને માફી આપો....માફી આપો...છોડી દો....મને છોડી દો....!’ એવી એકની એક વાત સિકંદર કરતો હતો.

સુલતાનબાબાએ રીમા ઉપરથી પોતાની નજર ખસેડીને લીંબુ ઉપર ઠેરવી. લીંબુ ફાટી ન જાય, તૂટી ન જાય એ માટે એમણે ખૂબ કાળજીથી લીંબુમાં સોય ઘોંચવાનું શરૂ કર્યું.

સુલતાનબાબાએ એ આખી સોય ધીમે-ધીમે એમાં પરોવી દીધી. પછી બીજી સોય લીધી. પણ બીજી સોય એ લીંબુમાં ઘોંચે એ પહેલાં જ આખો બંગલો ખળભળી ઊઠયો.

સુલતાનબાબા અને બીજા બધા હમણાં જ આડા કે ત્રાંસા થઈને ગબડી પડશે એવું લાગવા માંડયું. મનોરમામાસીએ હંસાનો હાથ જોશથી પકડી લીધો અને હંસાએ મનોજનો ખભો જોશથી દબાવી રાખ્યો. આજે જરૂર કંઈક અણધાર્યું બની જવાનું છે એવી ગંધ બધાને આવવા લાગી.

સુલતાનબાબાએ બીજી સોય પણ પરોવી દીધી. પછી સુલતાનબાબાએ ધૂપદાનીમાંથી એક કોલસો ઉઠાવીને માટલીમાં નાખ્યો. એમાં થોડુંક લોબાન નાખ્યું અને પછી ફરીથી ફૂંક મારીને બીજા ત્રણ-ચાર સળગતા કોલસા પણ માટલીમાં નાખ્યા. પછી જમીન ઉપર પડેલી એક સોય ઉઠાવી, એની ઉપર ત્રણવાર ફૂંક મારીને એમણે જોશથી એ માટલીમાં સોય નાખી.

માટલીમાં સોય નાખતા જ એક મોટો ભડકો થયો. એ ભડકો તો તરત જ શમી ગયો. પણ એમાંથી ઘણીવાર સુધી કાળા કાળા ધુમાડા નીકળવા લાગ્યા. જ્યારે બીજી તરફ સિકંદરની રાડારાડ ખૂબ વધી ગઈ. એ હવે બસ એક જ વાત કરતો હતો, ‘હવે છોડી દો...છોડી દો...માફ કરો..હવે કદી કોઈને પરેશાન નહીં કરું....મને જીવતા બાળવાની જિદ્દ મૂકી દો.’

પણ દર વખતે સિકંદર સામે જોશથી જવાબો આપતાં સુલતાનબાબા આજે બિલકુલ ગંભીર અને ખામોશ હતા. હવે તેમના પઢવાનો અવાજ ખૂબ મોટો થઈ ગયો હતો. રીમા પણ જોશ જોશથી ધૂણતી જતી હતી.

સુલતાનબાબાની નજર હવે સતત પેલા લીંબુ ઉપર ચોંટેલી હતી. એ જ કમરામાં બેઠેલા હંસા, મનોજ અને મનોરમામાસી કોઈ સપનું જોઈ રહ્યાં હોય એમ જરાય હલન-ચલન કર્યા વગર એકીટસે રીમાને અને સુલતાનબાબાને જોઈ રહ્યાં હતાં.

સુલતાનબાબાએ ધૂપદાનીમાંથી બધા જ કોલસા ઉપાડીને માટલીમાં નાખી દીધા અને ઉપરથી ઘણું બધું લોબાન ભભરાવી દીધું. એમનો ચહેરો ધુમાડાથી ઢંકાઈ ગયો. એમણે પેલી સોય ઉઠાવીને, ત્રણવાર ફૂંક મારીને જોશથી માટલીમાં નાખી....ફરી એકવાર મોટો ભડકો થયો અને એ ભડકો શમી ગયા પછી એમાંથી કાળો અને ઘટ્ટ ધુમાડો નીકળવા લાગ્યો.

હવે સિકંદર કંઈક નરમ પડયો હતો. જોકે, રીમા તો સતત ધૂણતી હતી અને એક જ વાકય બોલતી હતી, ‘મને છોડી દો....છોડી દો.....મને છોડી દો...હું બળી રહ્યો છું. હું બળી રહ્યો છું....મને છોડી દો....’

પણ હવે સુલતાનબાબા એને છોડે એમ જ નહોતા. એમનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. એમના કરચલીવાળા ચહેરા ઉપરથી પરસેવાના રેલાઓ ઊતરી રહ્યા હતા.

સુલતાનબાબાએ હાથમાંના લીંબુ ઉપર નજર જમાવી. ઘણીવાર સુધી તેઓ પઢી પઢીને લીંબુ ઉપર ફૂંક મારતા રહ્યા. પછી એમણે નીચે નજર નાખી. બસ હવે એક છેલ્લી સોય પડી હતી. એમણે મનમાં કંઈક ગણતરી કરી. અને મનમાં નક્કી કરી લીધું કે બસ હવે બીજી સોયની જરૂર નહીં પડે. આ છેલ્લી સોયથી કામ પતી જશે. એમણે એ સોયને હાથમાં લીધી અને  ત્રણવાર ફૂંક મારીને લીંબુ ઉપર નજર ઠેરવી.

ઘણીવાર સુધી લીંબુ ફેરવીને એમણે લીંબુને જોયા કર્યું અને પછી એક જગ્યા પસંદ કરીને એમણે એ જગ્યાએ સોય ઘોંચી.

સોય ઘોચતાં જ ચમત્કાર થયો હોય એમ લીંબુમાં પરોવેલી સોયના બન્ને છેડા તરફથી ધુમાડો નીકળવા લાગ્યો. લીંબુનો રંગ બદલાઈને લાલ થઈ ગયો. પણ સુલતાનબાબા આ છેલ્લી તક છોડવા ન માંગતા હોય એમ એમણે એ લીંબુમાં થોડીક સોય ઘોંચી દીધી અને પછી ખૂબ ઝડપથી છતાંય ખૂબ સાવચેતીથી લીંબુ જમીન ઉપર મૂકી દીધું. એમનો અંગૂઠો દાઝી ગયો હોય એમ એમણે બાજુમાં પડેલા પાણીમાં પોતાનો અંગૂઠો ઝબોળી દીધો.

હવે રીમા ખૂબ અને સતત ધૂણતી હતી. સુલતાનબાબાએ નીચે જમીન ઉપર મૂકેલા લીંબુમાં પોતાનો હાથ બળવાની પરવા કર્યા વિના અધૂરી ઘોંચેલી સોય પૂરી ઘોંચી દીધી અને પછી જરાય સમય બગાડયા વિના લાલચોળ થઈ ગયેલું એ લીંબુ એક કપડાંથી અદ્ધર કરીને જોશથી પહેલી માટલીમાં નાખ્યું.

એ માટલીમાં લીંબુ પછડાતાં જ સિકંદરે એક કારમી મરણતોલ ચીસ નાખી, રીમા એક ધબાકા સાથે જમીન ઉપર પટકાઈ ગઈ અને પેલી માટલીમાંથી એક વિકરાળ આકાર ધુમાડો બનીને નીકળી ગયો. પેલું પીળું ફૂલ ચિંથરાની જેમ અંદરથી ઉછળીને બહાર ફેંકાઈ ગયું.

પછી....પછી શું થયું....? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું....? એ બધું જાણવા માટે ‘જંતર-મંતર’નો રહસ્યભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.