જંતર-મંતર - 29 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 29

જંતર-મંતર

(પ્રકરણ : ઓગણત્રીસ)

સિકંદરે પોતાની વાત આગળ ધપાવી, ‘...મને એ કામ નવીન અને અજબ લાગ્યું. એ કામ પાછું ચોકીદારીનુંય નહોતું. આમેય આ ગુફાને ચોકીદારની જરૂર નહોતી. વળી મારે કોઈ ચોકીદારની જેમ કોઈને રોકટોક પણ નહોતી કરવાની.

બીજે દિવસે હું ગુફાની બહાર એક પથ્થર ઉપર બેસી ગયો. મને પીવા માટે લોહી તો ગોરખનાથ તરફથી મળવાનું હતું એટલે એની મારે કોઈ ચિંતા નહોતી.

હજુ હું બેઠો હોઈશ ત્યાં મેં એક જુવાન રૂપરૂપના અંબાર જેવી અપ્સરાને ગુફા તરફ આવતી જોઈ. હું એને જોઈને ઊભો થયો. પણ એ અપ્સરા જેવી સ્ત્રી તો ચૂપચાપ ગુફામાં આગળ વધી ગઈ. એને રોકીને, એ કયાં જાય છે અને શા માટે જાય છે ? એવું પૂછવા માટે મને ઈચ્છા થઈ આવી. પણ મારા ગુરુ ગોરખનાથના હુકમ મુજબ હું એને કંઈ પૂછી શકયો નહીં. હું ચૂપચાપ પાછો મારી જગ્યાએ બેસી ગયો.

થોડીવાર પછી એવી જ સુંદર અને નમણી છોકરી આવીને ગુફામાં ઘૂસી ગઈ. અને ત્યારબાદ તો થોડી-થોડી વારે છોકરીઓ આવતી રહી અને ગુફામાં જતી રહી. લગભગ પચીસથી ત્રીસ છોકરીઓ આવીને એ ગુફામાં ગઈ.

એ છોકરીઓ ગુફામાં જઈને શું કરે છે ? એ જાણવાની મનમાં ખૂબ ઉત્સુકતા થઈ હોવા છતાંય હું મારા ગુરુના હુકમ વિના અંદર જઈ શકું તેમ નહોતો. ગુરુ ગોરખનાથનો હુકમ ઉથલાવીને હું અંદર જવા માંગતો નહોતો. એવું કરીને મારે મારા ગુરુની નારાજી વ્હોરી લેવી નહોતી. એટલે હું ચૂપચાપ જે થાય તે જોયા કરતો.

મારી ગણતરી એવી હતી કે એ છોકરીઓ સાંજ સુધીમાં પાછી વળશે. પણ એવી કોઈ છોકરીઓ સાંજે કે મોડી રાતે પાછી વળી નહીં. મને એની ખૂબ નવાઈ લાગી. પણ બીજે દિવસે મારી નવાઈ બેવડાઈ ગઈ. પેલી આગલા દિવસની કોઈ છોકરીઓ તો બહાર નીકળી નહીં, પણ ફરી બીજી છોકરીઓ એક પછી એક અંદર જવા લાગી. આ છોકરીઓ કોણ હતી ? કયાંથી આવતી હતી ? અંદર શા માટે જતી હતી અને પછી એમનું શું થતું હતું એ તો હું કંઈ આજ દિવસ સુધી જાણી શકયો નથી.

પણ આ રીતે દરરોજ વીસ, પચીસ કે એથી પણ વધુ છોકરીઓ ગુફામાં જતી હતી. વરસો સુધી હું નકામો-કોઈપણ કામ કર્યા વિના ત્યાં પડયો રહ્યો. સવાર-સાંજ મારે માટે લોહી આવી જતું હતું. એ લોહી પણ કોઈ આપવા આવતું નહોતું. હું જે જગ્યાએ બેસતો હતો, એ જગ્યાએ એક ઝાડ હતું. સમય થતાં જ એ ઝાડ ઉપરથી આઠ-દસ પાંદડાંઓ મારે માથે ખરી પડતાં. હું સાવધ થઈ જતો અને મોઢું ઊંચું કરતો. ત્યારે ઝાડની ડાળીમાંથી ગરમાગરમ લોહીના રેલાઓ નીકળતા. હું એ તાજા-ગરમ લોહીને મોઢામાં ઝીલી લેતો.

પણ આ રીતે હું ઘણાં વરસો સુધી બેસી રહ્યો. પછી એક દિવસે મને ગુરુ ગોરખનાથે અંદર બોલાવ્યો. તેમણે મારી પીઠ થાબડીને કહ્યું કે, ‘તેં ખરેખર બહુ જ સારું કામ કર્યું છે. હું તારા પર ખૂબ ખુશ છું.’

‘પણ મેં કોઈ કામ કર્યું જ નથી.’

‘હા, પણ તું જે ધીરજથી બેસી રહ્યો. એ પણ કંઈ નાની-સૂની વાત નથી. હવે મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. તું જરૂર મારી પાસે ખરેખર ગંભીરતાથી કંઈક શીખવા માંગે છે.’

મારી ઉપર ગોરખનાથને ખુશ થયેલા જોઈ મનોમન હું રાજી થઈ ઊઠયો. ગોરખનાથે મને કહ્યું, ‘હવે તારે આ ગુફામાં જ રહેવાનું છે. હું તને કાલથી જ એક વિદ્યા શીખવીશ.’

ગોરખનાથ મને આવતીકાલે કંઈક શીખવશે એવી વાત સાંભળીને જ હું આનંદથી રોમાંચિત થઈ ઊઠયો. એ શું શીખવશે ? એ જાણવા હું આતૂર થઈ ગયો. હું ખૂબ આતૂરતાપૂર્વક આવતી કાલની વાટ જોવા લાગ્યો. બીજા દિવસે અમાસ હતી...!’

કહેતાં-કહેતાં સિકંદરનો અવાજ ઢીલો થઈ ગયો. એ થાકી ગયો હોય એમ ચૂપ થઈ ગયો. થોડીકવાર રહીને એણે ફરી આજીજી કરવા માંડી, ‘બાબા, હવે મને છોડી દો...હું થાકી ગયો છું...મને આરામ કરવા દો...!’

સુલતાનબાબાએ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. આંખો મીંચીને એમણે જોશથી પઢવા માંડયું. સતત થોડીકવાર સુધી સુલતાનબાબા પઢતા જ રહ્યા. પછી એકાએક એમણે પેલી તાસકમાં ફૂંક મારીને, સાથે બૂમ પણ મારી, ‘પછી શું થયું...?’

એક પીડાભર્યા અવાજે સિકંદર ચિલ્લાયો, ‘જાલિમ, હું અહીં મરવા પડયો છું-હું અહીં રિબાઉં છું, અને તું ત્યાં મને પરેશાન કરી રહ્યો છે ? તું આજનો દિવસ મને છોડી દે...!’

‘ના, આજે તને છોડી દઉં તો પછી વાત આઠ દિવસ પછી આવતા ગુરુવાર ઉપર જાય...હું તને નહીં છોડું....!’

‘જિદ્દી...જાલિમ...તું આ રીતે જિદ્દ કરે છે, પણ એનું પરિણામ બહુ સારું નહીં આવે.’

‘જે પરિણામ આવશે તે જોઈ લેવાશે. પણ અત્યારે તો તારે બધી જ વાત કહેવી પડશે.’

સિકંદરે લાચારી અને મજબૂરીભર્યા થાકેલા અને માંદલા અવાજે કહેવા શરૂ કર્યું...

‘બીજા દિવસે સવારે મને પેલી ગુફામાં આવતી છોકરીઓ યાદ આવી ગઈ. હું આતૂરતાપૂર્વક એમની વાટ જોવા લાગ્યો. પણ કોઈ દેખાયું નહીં.

એનો અર્થ તો એવો થયો કે એ છોકરીઓ ગુફામાં ઘૂસ્યા પછી જ કયાંક ગુમ થઈ જતી હશે એટલે જ મને ગુફાના મુખ પાસેથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. ગમે તેમ પણ મને એ છોકરીઓ કરતાંય વધારે રસ તો પેલી વિદ્યા શીખવામાં હતો.

એ આખો દિવસ હું ગુફામાં બેસી રહ્યો. પણ પેલા ગોરખનાથના કયાંય દર્શન થયા નહીં. ગુફામાંથી બહાર જવાનો પણ કોઈ રસ્તો દેખાતો નહોતો.

થોડીકવાર સુધી હું ચૂપચાપ બેઠો રહ્યો, પછી એકાએક મારા કાને છોકરીઓના હસવાનો અવાજ આવ્યો. કોઈ ગલગલિયાં કરીને એ છોકરીઓને હસાવતું હોય એમ એ છોકરીઓ હસી રહી હતી.

એ અવાજ મારી આસપાસ-માંથી જ ખૂબ નજીકથી જ આવી રહ્યો હતો. હું આંખો ખેંચી ખેંચીને ચારે તરફ જોઈ રહ્યો. પણ મને કોઈ દેખાયું નહીં.

ધીમે-ધીમે એ છોકરીઓનો હસવાનો અવાજ વધુ ને વધુ આવવા લાગ્યો. ધીમે-ધીમે એ હાસ્ય પીડાભર્યું બનતું ગયું. ધીમે-ધીમે વધુ ને વધુ પીડા અને વધુ ને વધુ દુઃખ અને વધુ ને વધુ દરદ એ હાસ્યમાંથી છલકાતું જતું હતું. છેવટે એ છોકરીઓ ચિલ્લાવા અને રડવા લાગી હતી. પોતાની જાતને કોઈકના પંજામાંથી છોડાવવા માટે ધમપછાડા કરવા લાગી હતી.

મારી આતુરતા-મારું અચરજ અત્યારે ખૂબ વધી ગયાં હતાં. મારા શરીરમાંથી રોમાંચની લહેરો દોડી રહી હતી. એ ચીસ પાડતી છોકરીઓને જોવા માટે મારા મનમાં ખૂબ ઈચ્છા જાગી ચૂકી હતી.

અચાનક અંધારા ખંડમાં બત્તી સળગે એમ જાણે અજવાળું થયું-આમેય અજવાળું તો હતું જ. પણ અત્યાર સુધી મને કંઈ દેખાતું નહોતું એ દેખાવા લાગ્યું હતું.

મારી નજીક, લગભગ પાંચથી સાત ફૂટ દૂર પેલી અપ્સરા જેવી છોકરીઓ લેટી રહી હતી. અને એ મારા ગુરુ ગોરખનાથ એમની કમ્મરમાં, સાથળો ઉપર અને પીઠ ઉપર આંગળીઓ ફેરવી એ છોકરીઓને ગલગલિયાં કરતા હતા અને એ છોકરીઓ દર્દથી ચીસો પાડતી હતી.

અચાનક ગોરખનાથે એક છોકરીની ગળચી પકડીને જોશથી દબાવી દીધી. એના મોઢામાંથી લોહીનો ફુવારો છૂટે એ પહેલાં એમણે પોતાનું મોઢું એના મોઢા ઉપર મૂકી દીધું.

અડધા કલાકમાં તો એમણે એકએક કરીને વીસેક જેટલી છોકરીઓને ખતમ કરી નાખી.

એ રાત અમાસની રાત હતી. બહારની દુનિયા ઉપર અંધકાર પથરાયેલો હતો. પણ અહીં ગુફામાં તો દરરોજ જેવી જ ચાંદની પથરાયેલી હતી.

ગોરખનાથે મને એમની સામે બેસાડયો. મને એમણે એક મંત્ર શિખવાડયો. એ મંત્રના શબ્દો ઘણા અટપટા હતા. છતાંય લગભગ અડધા કલાકની મહેનત પછી હું મંત્ર શીખી ગયો. એટલે ગોરખનાથે મને ચહેરા સામે હથેળી ખુલ્લી રાખી, આંખો બંધ કરીને સળંગ ત્રણવાર એકીસાથે આ મંત્રો બોલી જવા હુકમ કર્યો.

હું એમના કહેવા મુજબ ચહેરા સામે હથેળી ખુલ્લી રાખી ત્રણ વાર મંત્ર બોલી ગયો. અને જેવી આંખ ખોલી કે મારા અચરજ વચ્ચે મારી હથેળીઓ ઉપર સફેદ, તાજું ખિલેલું મોગરાનું ફૂલ દેખાયું. હું ખુશીથી પાગલ થઈ ગયો.

પણ મારી વિદ્યા આટલેથી અટકી નહીં, ગોરખનાથે એ ખુલ્લી હથેળીની બાજુમાં મારા બીજા હાથની હથેળી ખુલ્લી મૂકાવી અને એ જ મંત્રમાં થોડોક ફેરફાર સમજાવીને, આંખો મીંચીને અગાઉની જેમ સતત ત્રણ વાર બોલી જવા માટે સમજાવ્યો. હું ભારે હોંશથી ખૂબ ધ્યાનથી પહેલાની જેમ મંત્ર બોલી ગયો. અને આંખો ખોલતાં જ મારા બીજા હાથમાં એક સુંદર ચંપાનું તાજું ખિલેલું ફૂલ દેખાયું. હું એ જોઈને હરખથી નાચવા જતો હતો ત્યાં જ ગોરખનાથે મને કહ્યું, ‘હજુ તારે આગળ શીખવાનું બાકી છે.’ એમ કહીને એમણે મારી બેય ફૂલોવાળી હથેળી દબાવીને જોશથી ફૂલો મસળી નાખવા હુકમ કર્યો અને ફૂલો મસળતાં-મસળતાં જ એક નાનકડો માત્ર એક લીટીનો મંત્ર શીખવાડયો.

એ તાજાં ખિલેલાં, સુગંધી ફૂલો મસળી નાખતા મારો જીવ ચાલ્યો નહીં છતાં મેં મન મજબૂત કરીને આંખો મીંચીને એ ફૂલો મસળી નાખ્યાં અને પછી મંત્ર બોલીને મારા બેય હાથ અદ્ધર કરીને, આંખો ઉઘાડી.

આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો.

પછી..? પછી શું થયું..? સિકંદર શું જોઈને ચોંકી ગયો હતો...સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદરને ખતમ કર્યો ? હંસાનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Alpesh Barot

Alpesh Barot માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Raviraj sodha

Raviraj sodha 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા