જંતર-મંતર
( પ્રકરણ : અઠયાવીસ )
સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, ‘એ અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના આખાય શરીર ઉપર એક પણ કપડું નહોતું. હજારો વરસથી તે નહાયો ન હોય તેમ તેની ચામડી ઉપર મેલના થર જામેલા હતા. માથાના વાળ તો કોઈ પંખીના માળાની જેમ અસ્તવ્યસ્ત અને લુખ્ખા હતા. એના વાળથી જ એનું અડધું મોઢું ઢંકાઈ ગયું હતું. છતાંય બીજાઓ કરતાં આ અઘોરી મને કંઈક ઠીક અને ભલો લાગતો હતો.
લગભગ આખો દિવસ તે ત્યાં બેઠો-બેઠો પોતાની જાંઘ છોલતો રહ્યો, રાતના એણે પોતાની જાંઘ ઉપર એક લાંબો ચીરો મૂકયો અને પછી માંસ પહોળું કરીને એણે લોહીથી તરબતર થયેલી એક અંગૂઠા જેવડી બાળકી કાઢી. એ બાળકી જોઈને મને પેલી કટારી ઉપરની ખોપરીનું રહસ્ય સમજાઈ ગયું. બાળકીને પોતાની હથેળીમાં મૂકીને એણે ધરતી ધ્રૂજી જાય એવું અટ્ટહાસ્ય કર્યું...હસતી વખતે એનો ચહેરો ઊંચો થઈ ગયો. મને પાસે ઊભેલો જોઈને એણે આંખોના ડોળા મોટા કર્યા. એને ગુસ્સો આવે એ પહેલાં જ મેં હાથ જોડતાં એને પૂછયું, ‘મને ગોરખનાથનું ઠેકાણું બતાવશો ?’
મારી ઉપર દયા આવી હોય કે પછી બીજું કોઈ કામ હોય એણે પોતાની આંખો ફરી સંકોચી લીધી. એ પછી એ બોલ્યો, ‘જા, વસ્તીમાં જઈને કોઈ તાજી જ રાંડેલી જુવાન વિધવાને પકડી લાવ પછી તને ઠેકાણું બતાવું.’
મારાથી એ કામ માટે ના પડાય એમ હતું જ નહિ. ‘સારું, હું લઈને આવું છું.’ કહેતાં હું ઊપડયો.
પણ વસ્તીમાં આવ્યા પછી મને ખબર પડી કે આ કામ બહુ સહેલું નહોતું. વસ્તીમાં આમ તો ઘણી વિધવાઓ હતી. પણ આજકાલમાં વિધવા થઈ હોય એવી બે-ત્રણ કે પાંચ સ્ત્રીઓમાં એક પણ જુવાન નહોતી.
હવે જુવાન વિધવાને ઉઠાવી જવા માટે એક જ રસ્તો બાકી હતો. કોઈક પરણેલા જુવાનને ખતમ કરીને એની ઓરતને ઉઠાવી જઈ શકાય. પણ હું એમ કરી શકતો નહોતો. કોઈને ખતમ કરવાની મારામાં શક્તિ નહોતી. મારે વધુ શોધખોળ અને વાટ જોવા સિવાય છૂટકો નહોતો.
બરાબર છ મહિને મને એવી સ્ત્રી મળી. મધરાતે હું એને ઉઠાવીને પેલા અઘોરી પાસે લઈ ગયો ત્યારે એ અઘોરી હજી પેલી અંગૂઠા જેવડી છોકરીને હથેળીમાં લઈને એમ ને એમ બેઠો હતો.
અઘોરીએ મને આવેલો જોઈ, મારી સામે સ્મિત કર્યું....પછી એ બોલ્યો, ‘હવે આનાં કપડાં કાઢી નાખ...!’
મારે મૂંગે મોઢે કામ કર્યા સિવાય છૂટકો નહોતો. હું ચૂપચાપ એ સ્ત્રીનાં કપડાં ખેંચી ખેંચીને ફેંકવા માંડયો. એ સ્ત્રીને મેં બેભાન બનાવી દીધી હતી. એટલે મને બીજી કોઈ તકલીફ પડે એમ નહોતી. એ સ્ત્રી બિલકુલ નગ્ન થઈ ગઈ. એટલે એ અઘોરી ખુશ થઈ ગયો હોય એમ બોલ્યો, ‘જો, સામેના ઝાડ ઉપર ચઢી જા, ત્યાંથી તને પૂર્વ દિશામાં એક કાળો વાવટો દેખાશે. એ કાળા વાવટાની નીચે ગુફા છે. એ ગુફામાં ગોરખનાથ રહે છે.’
હું જલદીથી ઝાડ ઉપર ચઢી ગયો. સાચે જ અઘોરીના કહેવા મુજબ પૂર્વ તરફની એક ઊંચી ટેકરી ઉપર કાળી ધજા ફરકતી હતી. હું ઝડપથી ઝાડ ઉપરથી ઊતરી ગયો. એ અઘોરીએ પેલી નગ્ન સ્ત્રીને ખેંચીને પોતાના ખોળામાં લઈ લીધી હતી.
અઘોરી એ સ્ત્રીનું શું કરે છે ? એ જાણવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં હું ત્યાં રોકાયો નહીં. મારે ગોરખનાથને મળીને વિદ્યા શીખવી હતી. લોહી પીવું હતું. તાજાંમાજાં થવું હતું અને બદલો લેવો હતો.
ગોરખનાથની ટેકરી બહુ દૂર હતી. હું લથડાતો-અથડાતો એકાદ મહિને લગભગ એ ટેકરી ઉપર પહોંચ્યો. મારા નસીબ કંઈ સારાં હતાં. મને ગુફામાં જવાનો રસ્તો પણ મળી ગયો.
મને પહેલાં એવી બીક હતી કે કદાચ ગુફામાં જવા નહીં મળે. બહાર કોઈ ચોકી પહેરો હશે. પણ એવું કંઈ હતું નહીં. હું ચુપચાપ એ ગુફામાં ઘૂસી ગયો.
ગુફાના મુખ પાસે અંધારું હતું. પણ અંદર ગયા પછી મને ચાંદની રાત જેવું અજવાળું અને બેસતા શિયાળાની રાત જેવી ઠંડક લાગી.
ગુફા અંદરથી ખાસ્સી પહોળી હતી. વચ્ચે મેદાન જેવું હતું અને મેદાનમાં એક ઓટલા ઉપર સફેદ દાઢી અને સફેદ વાળવાળો યુવાન બેઠો હતો. એનો ચહેરો તેજસ્વી અને આંખો પ્રભાવશાળી હતી.
મને જોતાં જ એણે કહ્યું, ‘તેં નકામી અહીં સુધી આવવાની તકલીફ લીધી. મને કોઈના સાથની જરૂર નથી. મારી સાથે હવે કોઈ રહી શકે એમ નથી.’
હું સમજી ગયો કે આ જ ગોરખનાથ છે. અને આગળ-પાછળનું બધું જ જાણે છે. મેં એના પગ પકડી લીધા. કરગરતાં મેં એને કહ્યું, ‘મને તમે ચેલો બનાવો...મને વિદ્યા આપો...!’
આટલું કહેતાં સિકંદર હાંફી ગયો ગયો. અને ત્યારબાદ એ કંઈ બોલ્યો નહિ. સુલતાનબાને પણ લાગ્યું કે હવે એને પરેશાન કરવામાં સાર નથી. એટલે એ આંખો મીંચીને પઢવામાં તલ્લીન થઈ ગયા. વહેલી સવાર સુધી પઢીને એમણે પેલા લીંબુ ઉપર ફૂંકો મારીને, લીંબુ ઉપર દોરાઓ વીંટાળીને, લીંબુ મનોજને સાચવીને મૂકવા આપી દીધું.
આ સમય દરમિયાન તાસકમાંનો ભડકો બુઝાઈ ગયો હતો. રીમા હાંફી-હાંફીને જંપી ગઈ હતી. સુલતાનબાબાએ બધું સંકેલીને ઝોળી મૂકી દેતાં રીમાના માથા ઉપર હાથ મૂકીને, ફૂંક મારી અને પછી ઊભા થતાં મનોજ તરફ જોઈને બોલ્યા, ‘બેટા, હવે હું જાઉં છું. હવે ફરી આવતા ગુરુવારે આવીશ. તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં. છતાં વચ્ચે મારી જરૂર પડે ત્યારે તમતમારે મને બોલાવી લેજો.’ આટલું કહીને એ કમરાની બહાર નીકળ્યા અને પછી પાછા ફરીને મનોજ તરફ જોઈને બોલ્યા, ‘હવે આપણે વધારે સાવધ રહેવાની જરૂર છે. હવે એ ડરાવવાની વધુ પડતી કોશિશ કરશે. પણ હિંમત રાખજો, ઉપરવાળો બધું સારું કરશે.’ કહેતાં સુલતાનબાબા ચાલ્યા ગયા.
એ દિવસે કોઈ ઘટના બની નહીં. પેલું મંત્રેલું પાણી અસર કરી ગયું હોય કે ગમે તેમ પણ એ પાણી દીવાલ ઉપર છાંટયા પછી બીજા દિવસે અને ત્રીજા દિવસે પણ પેલો બિલાડો દેખાયો નહિ.
રીમા હવે ડાહી-ડાહી લાગતી હતી અને ઘરમાંથી જાણે બલા ચાલી ગઈ હોય. કોઈક ભય આપોઆપ દૂર થઈ ગયો હોય એવી રાહત વરતાવા લાગી. ઘરનાં સૌના ચહેરા ઉપરથી ઊડી ગયેલો આનંદ હવે ફરી પાછો ડોકાવા લાગ્યો હતો.
પરંતુ આ તરફ સિકંદરની હાલત બહુ બૂરી હતી. સુલતાનબાબાએ એને બાંધી રાખ્યો હતો. એ કંઈ કરી શકતો નહોતો. ઘણા સમયથી એણે લોહી પણ પીધું નહોતું. દિવસે-દિવસે એ વધુ ને વધુ અશકત બનતો જતો હતો. એનું શરીર કાળું પડતું જતું હતું. લોહી પીવાની એની તરસ વધુ ને વધુ તેજ બનતી જતી હતી. એ ખંડેરમાં પડયો-પડયો વ્યાકુળ બનીને તડપી રહ્યો હતો.
બરાબર એ જ રીતે રીમા પણ પીળી, ફીક્કી અને અશક્ત લાગતી હતી. એના શરીરમાં જાણે બિલકુલ લોહી ન હોય એમ એ બિલકુલ તેજ વિનાની લાગતી હતી.
રવિવારની સાંજે મોડે સુધી ઘરનાં બધાં વાતો કરતાં બેઠાં હતાં. બધાંના ચહેરા ઉપર દુઃખ અને ઉદાસી છવાયેલી હતી. ખાસ કરીને રીમાના સાસરિયાઓ એની સગાઈ તોડી નાખવા તૈયાર થયાં હતાં એનું જ દુઃખ બધાંને વધારે હતું.
એક તરફ શયતાન સિકંદરનો પંજો અને બીજી તરફ રીમાના સાસરિયાઓનો હુમલો. આ બેય કારણોસર લગભગ બધાંની હિંમત તૂટી ગઈ હતી. મનોજ પણ પેઢી અને ઘર વચ્ચે એકલે હાથે ઝઝૂમીને પરેશાન થઈ ગયો હતો. બધાંના મન ઉપર ભાર અને એક બોજો હતો.
બીજા દિવસે ગુરુવાર હતો. ત્રણેક ગુરુવાર તો જેમ તેમ કરીને પસાર થઈ ગયા હતા. સુલતાનબાબા હવે આવતી કાલે ચોથા ગુરુવારે સિકંદરની બરાબરની હાજરી લેવાના હતા.
ગુરુવારે સવારથી જ ઘરમાં મનોરમામાસી, હંસા અને રીમાએ મળીને બધું કામ પતાવી નાખ્યું. આખી રાત જાગવાનું હતું એટલે બપોર પછી બધાંએ ત્રણ-ચાર કલાક સૂઈ જવાનું હતું. જેથી રાતના જાગી શકાય.
સાંજે છ વાગતાં સુધીમાં તો બધાં રાંધી જમી-પરવારીને તૈયાર થઈ ગયા અને બરાબર સાત વાગે સુલતાનબાબા આવી પહોંચ્યા.
આવતાંવેંત સુલતાનબાબાએ હંમેશ મુજબ પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને બિછાવી દીધું. ઝોળી એક તરફ મૂકીને નમાજ પઢી.
ત્યાં સુધીમાં ઘરનાં બધાં આવી ગયાં હતાં. હંસાએ તાસક, પાણી અને બીજી બધી જ જરૂરી વસ્તુઓ ત્યાં મૂકી હતી.
નમાઝ પઢયા પછી સુલતાનબાબાએ મોટેથી પઢવાનું શરૂ કર્યું....રણકતા ચાંદીના રૂપિયા જેવો એમનો અવાજ આખાય ખંડમાં ગૂંજી ઊઠયો.
પઢતાં-પઢતાં જ એમણે તાસકમાં પાણી ભર્યું અને પછી પોતાની ઝોળીમાંથી એમણે એક ડાબલી કાઢીને એમાંથી કાળા મરી જેવા બે દાણા પોતાના હાથમાં લઈ, એની ઉપર જોશથી ફૂંક મારીને તાસકમાં નાખ્યા. તાસકમાં એક મોટો ભડકો થયો અને સામે બેઠેલી રીમા ધીમે-ધીમે ધૂણવા લાગી.
ત્યારબાદ સુલતાનબાબાએ ફરીથી આંખો મીંચી લીધી અને હળવે હળવે પઢવાનું ચાલુ રાખ્યું. પઢતાં પઢતાં જ એમણે પોતાના ગળામાંથી કાળા મણકાવાળી માળા ઊતારી અને પછી એકાએક જ એમણે ઝડપથી પોતાની માળા પેલા તાસકના ભડકા ઉપર ફટકારીને, ચાબુકની જેમ પાછી ખેંચી લીધી.
એ ફટકો પડતાંની સાથે જ સિકંદરની એક પીડાભરી ચીસ કમરામાં ફેલાઈ ગઈ. પીડાભર્યા દર્દનાક અવાજે એ બોલ્યો, ‘મને છોડી દો...મને છોડી દો...હું મરી રહ્યો છું-હું મરી રહ્યો છું !’
સિકંદરનો અવાજ સાંભળીને સુલતાનબાબાએ પૂછયું, ‘બોલ, એ તારા ગુરુ પાસેથી તને શું શીખવા મળ્યું ?’
સિકંદરે ફરી કોઈ જવાબ ન આપ્યો.
સુલતાનબાએ છેલ્લી વાર જોશથી ફૂંક મારતાં પૂછયું, ‘બોલ, તારા ગુરુ પાસેથી શું શું શીખ્યો...ત્યાં જઈને તેં શું કર્યું...?’
સુલતાનબાબાના અવાજની અસર થઈ હોય એમ સિકંદરે પોતાના માંદલા, થાકેલા અને ઘોઘરા અવાજે કહેવા માંડયું, ‘તમે મને ભૂખે-તરસે રિબાવી-રિબાવીને અધમૂઓ કરી નાખ્યો છે. હવે તમે મને છોડી દો...હવે હું કદી કોઈને પરેશાન નહીં કરું...હું માફી માંગું છું...તમારા પગે પડું છું...!’
સિકંદરને આજીજીઓ કરતો જોઈને સુલતાનબાબાએ ત્રાડ નાખીને એની વાત કાપી નાખી, ‘હું તારી પાસેથી બધી વિગત સાંભળ્યા વિના તને છોડવાનો નથી...તારે મને બધું જ કહેવું પડશે...!’
સિકંદરને પોતાની હાર કબૂલ હોય એમ એણે ખૂબ ધીમા અવાજે કહેવા માંડયું, ‘હું અથડાતો-લથડાતો ગોરખનાથની ગુફામાં પહોંચ્યો. હું ગયો ત્યારે એ આખી ગુફામાં કોઈ નહોતું. ગુફામાં અંધારાને બદલે પૂનમની ચાંદની જેવો અજવાશ પથરાયેલો હતો. શરીરમાં તાજગી ભરી દે એવી ઠંડક પણ પથરાયેલી હતી. ગુફામાં પગ મૂકયા પછી મારા શરીરમાંથી શક્તિઓનો ધોધ છૂટવા લાગ્યો હતો. તાજગી અને તરવરાટ વર્તાતો હતો. મને લાગ્યું કે મારી ઉંમર ઘટી ગઈ છે. હું બિલકુલ જુવાન બની ગયો છું.
ગોરખનાથે પહેલાં તો મને જોતાં જ પોતાની સાથે રાખવાની ના પાડી દીધી. પણ પછી મેં એમના પગ પકડી લીધા. આજીજીઓ કરી. રડયો પણ ખરો. છેવટે ગોરખનાથ પીગળ્યા. એમણે મને ઊભો કરીને પોતાની પાસે બેસાડતાં શરત મૂકી, ‘તું એક પ્રતિજ્ઞા લે તો જ હું તને મારો સાથીદાર બનાવું.’
પ્રતિજ્ઞાનું નામ સાંભળીને મને મનમાં કરંટ લાગ્યો, કોણ જાણે આ ગોરખનાથ કેવીય પ્રતિજ્ઞા લેવડાવશે. કદાચ કોઈને પરેશાન ન કરવાની અને કોઈનેય નહિ મારવાની પ્રતિજ્ઞા લેવડાવે તો ?
તો તો મારા માટે શીખેલી બધી જ વિદ્યા નકામી નીવડે, મારે તો મારી પ્રેમિકાને અને એના જેવી બીજી હજારો સ્ત્રીઓને ખતમ કરવી હતી. હું પ્રતિજ્ઞા પાળવાની ના કહેવા જતો હતો ત્યાં જ મારા મનમાં પાપ જાગ્યું-અત્યારે પ્રતિજ્ઞા લઈને વિદ્યા શીખી લેવામાં શું જાય છે ? વિદ્યા શીખ્યા પછી જોઈ લેવાશે. એમ વિચારીને મેં કહ્યું, ‘ભલે, આપ જો મને વિદ્યા શીખવતા હોવ તો હું ગમે તેવી પ્રતિજ્ઞા લેવા તૈયાર છું.’
ગોરખનાથ મારી વાત સાંભળીને ગુસ્સાથી તાડૂકયો, ‘સુવ્વર, પહેલાં તારા મનમાંનું પાપ ઓકી નાખ. હું તને કોઈ ખોટી કે વિચિત્ર પ્રતિજ્ઞા નહીં લેવડાવું.’
ગોરખનાથનો ગુસ્સો અને જ્ઞાન જોઈને મારા હાથ-પગ ઢીલા થઈ ગયા. મને ખ્યાલ આવી ગયો કે, ગોરખનાથ ખરેખર પહોંચેલી માયા છે. સામેવાળાના મનની વાત જાણવાની વિદ્યા એમણે હાંસલ કરી લીધી છે. એટલે એમની પાસે મનમાં કપટ કે મેલ રાખીને રહી શકાશે નહીં, હવે ગોરખનાથ જે પ્રતિજ્ઞા લેવડાવે એ લેવાનું મનમાં નક્કી કરીને બોલ્યો, ‘ગુરુજી, મને મંજૂર છે. આપ કહેશો તેવી આકરી પ્રતિજ્ઞા હું લઈશ.’
એમણે પોતાના હાથે મારી હથેળી સ્થિર રાખી અને પછી પોતાનો હાથ અદ્ધર કરીને પાંચેેય આંગળીઓ મારી તરફ રાખીને આંખો મીંચી.
મારા અચરજ વચ્ચે ધીમો નળ ચાલુ કર્યો હોય એમ ધીમે-ધીમે પાણીની ધાર એમની આંગળીઓમાંથી મારી હથેળી ઉપર પડવા લાગી. એ પાણીમાંથી ગુલાબ કરતાંય વધારે સારી અને વધારે મીઠી સુગંધ આવતી હતી. હું એ સુગંધથી જાણે મસ્ત બની ગયો.
હું અચરજમાંથી બહાર આવું એ પહેલાં ગોરખનાથનો અવાજ મારા કાને પડયો. હું જાણે ભાનમાં આવ્યો હોઉં, એમ મેં મારી હથેળી વધારે ઊંડી કરી અને એમના ચહેરા સામે જોયું. એ કહેતા હતા, ‘આકાશગંગાનું પવિત્ર જળ છે. તું આ જળને તારી હથેળીમાં ભરીને પ્રતિજ્ઞા લે કે, કદી કોઈ મૂંગા જીવને પરેશાન નહીં કરે. કદી તારા જ્ઞાનનો ઉપયોગ એમની સામે નહીં કરે.’
મારા માટે આ પ્રતિજ્ઞા પાળવી સરળ હતી. મેં તરત જ પ્રતિજ્ઞા લઈ લીધી અને ગોરખનાથનો ચેલો બની ગયો. ગોરખનાથે મને પહેલું જ કામ બહાર બેસવાનું સોંપ્યું.
બસ, મારે કંઈ કરવાનું નહીં, કંઈ પૂછવાનું નહીં. માત્ર બેસી જ રહેવાનું. કોઈ પૂછે તો જ મારે એનો જવાબ આપવાનો અને ગુફામાં ભૂલેચૂકેય પગ નહીં મૂકવાનું કામ સોંપ્યું.
પછી..? પછી શું થયું..? ગોરખનાથના ચેલા બનેલા સિકંદરનું શું થયું...? ગુફા બહાર બેસવાનું રહસ્ય શું હતું....? સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાની શું થયું ? રીમાનો ઈલાજ કરવા આવેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? હંસાનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
***