જંતર-મંતર - 26 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 26

જંતર-મંતર

( પ્રકરણ : છવ્વીસ )

મનોજનો ચહેરો ધીમે-ધીમે બદલાવા લાગ્યો. એના ચહેરા ઉપર વાળ ફૂટી નીકળ્યા, એની આંખોના ડોળા મોટા લાલ થવા લાગ્યા. એના આગલા બે દાંત લાંબા થયા.

મનોજના એ બદલાતા અને ભયંકર બનતા જતા, બિહામણા ચહેરાને હંસા વધુ વાર જોઈ શકી નહીં અને એ જોશથી એક ભયભરી ચીસ નાખીને તમ્મર ખાઈને ઢળી પડી.

એને સહેજ કળ વળી ત્યારે એની પાસે ઊભેલો મનોજ એની પીઠ ઉપર હળવે-હળવે હાથ ફેરવતો હતો.

હંસાને ભાનમાં આવેલી જોઈને એણે પૂછયું, ‘હંસા, શું થયું ? કેમ છે હવે ?’

હંસાએ પોતાના પતિ મનોજ સામે ભયભીત નજરે જોયું. પછી ઝડપથી આખાય કમરામાં નજર ફેરવતાં કહ્યું, ‘પેલા બીજા ત્રણ કયાં ગયા ?’

‘કોણ ત્રણ જણા...?’ મનોજે આસપાસ નજર નાંખતા અચરજથી પૂછયું.

મનોજ કોઈ જવાબ આપે એ પહેલાં જ હંસાના પલંગ નીચેથી એક કાળો, મોટો બિલાડો નીકળીને, બારણામાં થઈને બહાર સરકી ગયો.

હંસા બેઠી થઈને મનોજને વળગી પડી.

મનોજે હંસાને માથે અને પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવતાં પૂછવાનું ચાલુ રાખ્યું, ‘હંસા...હંસા...તને થયું છે શું ? તું કંઈક વાત તો કર...!’

થોડીકવાર સુધી હંસા મનોજના ખભા ઉપર માથું મૂકીને એને વળગી રહી. પછી એકાએક હીબકાં ભરતી એ રડી પડી. રડતાં રડતાં જ એ બોલી, ‘તમે મને અહીંથી કયાંક દૂર લઈ જાવ...આ બધું મારાથી સહન થતું નથી. અહીં આ ઘરમાં હવે ભૂત-પ્રેત રહેવા આવી ગયાં છે. હવે તો અહીં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. રોજ-રોજ નવા-નવા ચમત્કારો, નવા-નવા પરચા દેખાય છે. હું આમ ને આમ જ ડરીને મરી જઈશ...તમે મને નહીં અહીંથી કયાંક લઈ જાવ, દૂર-દૂર લઈ જાવ, મારાથી હવે અહીં નહીં રહેવાય.’

‘પણ થયું છે શું ? એ વાત તો કર...!’

વાત કરવાને બદલે હંસા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી અને કયાંય સુધી રડતી રહી. એની આંખો સામે રહી રહીને પેલા એકીસાથે ચારેય મનોજના ચહેરા તરવરવા લાગ્યા. એમાંય એક મનોજનો તો વિકરાળ અને ભયાનક ચહેરો યાદ આવતાં તો હજુ પણ એ થથરી જતી હતી.

હંસા મનોજને કંઈક કહે એ પહેલાં અચાનક બહારથી રીમાની ચીસ સંભળાઈ.

બન્ને પતિ-પત્ની રીમાની ચીસ સાંભળીને બહાર દોડી આવ્યાં.

બહાર રીમા જમીન ઉપર બેઠી હતી અને એક કાળો, વિકરાળ, અંગારા ઓકતી આંખોવાળો મોટો બિલાડો રીમા ઉપર ત્રાટકવાની તૈયારી કરતો હતો.

રીમા જોશથી બૂમાબૂમ કરી રહી હતી. એને ભગાડવા માટે હાથ ઉછાળતી હતી, પણ પેલો બિલાડો એમ ને એમ પોતાની જગ્યાએ અડગ હતો. એના ગળામાંથી એક અજબ પ્રકારની ઘરઘરાટી સંભળાતી હતી.

મનોજ અને હંસા રીમા પાસે પહોંચ્યાં એટલે એ બિલાડાએ પોતાની ગરદન ફેરવી, મોટી-મોટી સફેદ ચમકતી આંખો મનોજ અને હંસા તરફ માંડી.

હંસા ફરી એકવાર બિલાડાની અંગારા ઓકતી આંખો જોઈને ધ્રુજી ગઈ.

બિલાડાની આ હરકત જોઈને મનોજ ગુસ્સે ભરાયો. એણે ખિજવાઈને એ બિલાડાને મારવા માટે બાજુમાં પડેલી ટિપોય ઉઠાવી એટલે હંસાએ કહ્યું, ‘અરે, આ શું કરો છો ?’

ખિજવાયેલો મનોજ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતો બરાડયો, ‘તું મને છોડી દે...આજ હું એને ખતમ કરી નાખીશ. એણે તો આપણને પરેશાન કરી નાખ્યા છે.’

હંસા ‘અરે, અરે...!’ કરતી જ રહી ગઈ. અને મનોજના હાથમાંથી ટિપોય છૂટી. હંસા ભયથી આંખો મીંચી ગઈ.

મનોજે એ બિલાડાને મારવા માટે ટિપોય ફેંકી ત્યારે હંસાએ જોશથી આંખો મીંચી દીધી. એના હોઠ પણ ભીડાઈ ગયા હતા. એણે પોતાના બેય કોમળ હોઠને મોઢાની અંદરની તરફ વાળીને જોશથી એકબીજા સાથે ભીડી દીધા હતા. જ્યારે ટીપોય પછડાવાનો અને તૂટવાનો અવાજ સંભળાયો ત્યારે એણે હિંમત કરીને, ધડકતા દિલે આંખો ખોલી નાખી. પણ આંખ ખોલતાં જ એની આંખ ફાટી રહી. પેલા બિલાડાની જગ્યાએ ત્યાં પીળું ફૂલ પડયું હતું. તાજું અને ખિલેલું એ ફૂલ હમણાં જ કોઈકે ડાળી ઉપરથી તોડીને ત્યાં મૂકયું હોય એવું સુંદર એ ફૂલ હતું.

એ પીળા ફૂલને જોયા પછી રીમા, મનોજ અને હંસા કોઈક ઝેરી નાગને જોયો હોય એમ ગભરાઈ ગયાં. મનોજ ગુસ્સાથી પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. હંસા રીમાને ઊભી કરીને પોતાના કમરામાં લઈ ગઈ.

બહાર નીકળીને મનોજ રિક્ષા કરીને સીધો મનોરમામાસીને ત્યાં ગયો.

મનોજને અત્યારે કસમયે આવેલો જોઈને મનોરમામાસીના મનમાં શેરડો પડયો. નક્કી કાંઈક બન્યું છે એમ ધારીને એમણે મનોજ સામે જોતાં પૂછયું, ‘કેમ, મનોજ કેમ આવવું પડયું ?’

મનોજ માસીની નજીક બેસતાં બોલ્યો, ‘માસી, અમે તો કંટાળી ગયાં છીએ. અમારું તો જીવવું હરામ થઈ ગયું છે. રાતે નીંદર નથી અને દિવસે ચેન નથી. શું કરવું એ જ કાંઈ સમજાતું નથી.’

‘બેટા, ધીરજ રાખ ! આમ હિંમત હારે કામ ન આવે. ધીમે-ધીમે બધું જ સારું થઈ જશે.’

મનોજ ખિજવાઈને-ધૂંધવાઈને બોલી ઊઠયો, ‘શું ધૂળ સારું થઈ જશે...અમે બધા તો કંટાળી ગયાં છીએ. આખો દિવસ પેલા કાળા બિલાડાનો ત્રાસ અને અજબ-ગજબ પરચાઓ દેખાય. હંસાને એકીસાથે ચાર-ચાર પતિ દેખાય. મને તો કંઈ જ સમજ પડતી નથી.’

‘ચાલ આપણે સુલતાનબાબાને મળી આવીએ. એમને હજુ સુધી આપણે બિલાડા કે પરચા વિશે કંઈ જ જણાવ્યું નથી. આપણે જઈને એમને બધું જ કહીને, કંઈક રસ્તો જાણી લાવીએ !’

‘ના, માસી...હવે ત્યાં જવાનો કોઈ મતલબ નથી.’

‘અરે ગાંડા...આમ મુશ્કેલીમાં નાસીપાસ ન થઈ જઈએ...ચાલ મારી સાથે.’ કહેતાં મનોરમામાસી ઊભાં થયાં. અને મનોજ સાથે સુલતાનબાબા પાસે જવા તૈયાર થયાં.

રિક્ષા કરીને મનોજ અને મનોરમામાસી સુલતાનબાબાને મળવા પહોંચ્યા ત્યારે સુલતાનબાબાની જગ્યાએ કોઈક બીજો ડોસો બેઠેલો દેખાયો. ‘સુલતાનબાબા નથી કે શું ?’ એવું કંઈક મનોજ કે મનોરમામાસી પૂછે એ પહેલાં જ એ ડોસાએ એમને આવકાર આપતાં ખૂબ વિનયભર્યા અવાજે કહ્યું, ‘બેસો, બાબા અંદરના ભાગમાં નમાઝ પઢે છે, હમણાં થોડીવારમાં આવશે.’

એ ડોસાની વાત સાંભળીને બન્ને જણાંના મનને કંઈક રાહત થઈ. મનોરમામાસી એક જગ્યાએ છાંયડો જોઈને બેસી ગયાં. મનોજ પણ એમની પાછળ દોરવાઈ ગયો.

થોડીકવાર પછી સુલતાનબાબા બહાર આવ્યા. મનોરમામાસી અને મનોજ એમને જોઈને ઊભાં થયાં અને એમની તરફ આગળ વધવા જતાં હતાં ત્યાં જ સુલતાનબાબાએ હાથનો ઈશારો કરીને, એમને આગળ વધતાં અટકાવ્યાં અને પોતે જ પગે ચાલીને એમની પાસે આવતાં પૂછવા લાગ્યા, ‘કેમ, આમ અચાનક આવવું પડયું ?’

‘બાબા, અમે તો પરેશાન થઈ ગયાં છીએ...!’ મનોજે એ જ પોતાનું પરેશાનીનું ગાણું ચાલુ કર્યું ત્યાં મનોરમામાસીએ એને આગળ બોલતો અટકાવવા પોતાનો હાથ બતાવ્યો અને પછી પોતે જ બોલવાનું શરૂ કર્યું....‘બાબા, ઘરમાં એક કાળો બિલાડો આંટો મારતો દેખાય છે અને આજે તો અમારી હંસાવહુને, એકીસાથે ચાર-ચાર પતિ દેખાતા હતા. આ મનોજ હંસાનો પતિ છે.’

સુલતાનબાબાએ મનોરમામાસીની વાત સાંભળીને ખૂબ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘જુઓ, આમ તો એ બંધાયેલો છે. પણ તેમ છતાં એ ખૂબ શક્તિશાળી અને તાકાતવાળો છે. એટલે એવી હાલતમાં પડયો પડયો પણ એ પોતાની શક્તિનો પરચો બતાવતો રહે છે. એ હવે તમને લોકોને હાથ લગાડી શકતો નથી એટલે તમને બધાને ડરાવતો રહે છે. આવા શયતાનો ડરાવી ડરાવીને માણસને ખતમ કરી નાખતા હોય છે. એમાંય એનું ધ્યાન રીમા તરફ વધારે હશે. જો રીમા ખતમ થઈ જાય તો એ છટકી જાય. એનાં બંધનો છૂટી જાય અને એ બચી જાય. પણ વાંધો નહીં આવે. જેમ-જેમ ગુરુવાર પસાર થતા જશે, એમ એમ એનાં બંધનો વધુ મજબૂત બનશે, અને એના ધમપછાડા પણ વધતા જશે. તમે હવે આટલું સહન કર્યું છે...તો ત્રણ મહિના વધુ સહન કરી લો.’ અને પછી સહેજ અટકીને એમને ઉમેર્યું, ‘....હું તમને પાણી મંતરીને આપું છું. એ પાણી તમે તમારા મકાનની બહારની દીવાલ ઉપર છાંટી દેજો...એટલે થોડાક સમય માટે એની તકલીફ ઓછી થઈ જશે.’ કહેતાં સુલતાનબાબા પાછા ફર્યા અને દરગાહમાંથી પાણી ભરેલો એક બાટલો લઈ આવ્યા. મનોજને એ બાટલો આપીને, આંખો મીંચી, ખૂબ અદબથી અને ધીમેથી બોલ્યા, ‘ઉપરવાળો કરશે તો બધું સારું થઈ જશે...હું હવે ગુરુવારે સાંજે આવીશ.’

પાણીનો બાટલો લઈ, સુલતાનબાબાની રજા લઈને મનોરમામાસી અને મનોજ પાછાં વળ્યાં. મનોરમામાસી પોતાને ઘેર જવાને બદલે મનોજને ઘેર ગયાં.

બન્ને જણાં ઘરમાં પહોંચ્યાં ત્યારે ઘરમાં ત્રણ-ચાર મહેમાનો હાજર હતાં. રીમાની સાસુ, સસરા અને નણંદ સોફા ઉપર બેઠાં હતાં. ચૂપકીદી પથરાયેલી હતી. વાતાવરણ ગંભીર લાગતું હતું. મનોરમામાસીએ પોતાના હાથમાંનો બાટલો મનોજના હાથમાં આપી દીધો. મનોજ એ બાટલો લઈને રસોડા તરફ આગળ વધ્યો અને મનોરમામાસી મહેમાનો પાસે જઈને બેઠાં.

બધાં ચૂપ બેઠાં હતાં એટલે મનોરમામાસી પણ ચૂપચાપ રહ્યાં. પછી પોતાની બહેન રંજનાનો ચહેરો ઉદાસ જોઈને એના મનમાં ફાળ પડી. એમણે ધીમેકથી વેવાણ તરફ જોઈને પૂછયું, ‘કેમ વેવાણ બધું કુશળ તો છે ને ?’

‘અમારે ત્યાં તો બધું કુશળ છે. પણ તમારાં કયાં ઠેકાણાં છે....?’ વેવાણે કડવાશ નીતરતા અવાજે જવાબ આપ્યો.

‘કેમ, વેવાણ, આમ આડું આડું બોલો છો ?’ મનોરમામાસીએ વાતની ઊંડાણમાં ઊતરતાં પૂછયું.

વેવાણને બદલે રીમાની નણંદે જવાબ આપતાં કહ્યું, ‘માસી, રીમાભાભીની તબિયત તો હવે સારી નથી અને બાપુજી હવે અમરભાઈના લગ્ન કરી નાખવા ઉતાવળ કરે છે. અમે અત્યાર સુધી તો વાટ જોઈ, પણ રીમાભાભી એમ કંઈ સાજાં થાય તેમ લાગતું નથી.’

‘ઓહ...તો એમ વાત છે...!’ મનોરમામાસીએ વાતનો તાગ પામી જતાં કહ્યું. એમને ખ્યાલ આવી ગયો કે, એ લોકો હવે રીમાની માંદગી જોઈને, રીમાની સગાઈ તોડી નાખવા માગે છે. એમણે વિચાર કરતાં પૂછયું, ‘તમે અમરભાઈને આ વાત કરી છે ?’

અમરનું નામ વચ્ચે આવતાં જ રીમાનો સસરો ઊકળી ઊઠયો, ‘એમાં એને શું પૂછવાનું ? એ તો હજી બાળક છે, એને સારા-ખોટાની શી ભાન પડે ?’

‘તોય તમે એમને પૂછી તો લો...!’

‘માસી, એ તો રીમાભાભી સાથે જ લગ્ન કરવાની જિદ્દ લઈને બેઠા છે...!’ કહેતાં રીમાની નણંદે ઉમેર્યું, ‘એટલે તો અમે અહીં આવ્યાં છીએ...જો તમે જ સમજી-વિચારીને ના પાડી દો તો...!’

એની વાત અધવચ્ચે કાપીને હંસા બોલી, ‘પણ અમે ના કેવી રીતે પાડીએ...!’

હંસા આગળ બોલે એ પહેલાં તો મનોરમામાસી ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતાં બોલ્યાં, ‘એટલ તમે દાઝયા ઉપર ડામ આપવા આવ્યાં છો, એમ કહો ને...એક તો અમારી દીકરી પરેશાન થાય છે અને તમે સગપણ તોડવા આવ્યાં છો...?’

‘પણ અમારે કયાં સુધી વાટ જોવી ?’ રીમાના સસરા પણ ગુસ્સાથી તાડૂકયા, ‘તમારી દીકરી કયારે સાજી થશે, એ કંઈ અમને ખબર પડે ?’

‘તમે ચારેક મહિના થોભી જાવ. પછી જો રીમા સાજી ન થાય તો તમને ઠીક લાગે તેમ કરજો.’

‘સારું...સારું...અમે જોઈ લઈશું, આટલા વખતમાં જે સાજી ના થઈ, એ હવે શું સાજી થવાની ?’ કહીને રીમાના સસરા ઊભા થઈ ગયા. એમની સાથોસાથ રીમાની સાસુ અને નણંદ પણ ઊભાં થયાં.

રંજનાબહેન, હંસા કે મનોરમામાસી એમને રોકે એ પહેલાં એ ત્રણેય સડસડાટ બહાર નીકળી ગયાં અને બધાં ચૂપચાપ એમને જતાં જોઈ રહ્યા.

ત્રણેય પાછાં વળ્યાં ત્યારે ત્રણેયની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં હતાં. ત્રણેય વચલા ખંડમાં આવ્યાં ત્યારે રીમા દીવાલને ટેકે ઊભી ઊભી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.

મનોરમામાસીએ નજીક પહોંચીને એને બાથમાં લેતાં કહ્યું, ‘દીકરી, રડ નહીં. ભગવાન બધું જ સારું કરી દેશે.’

રંજનાબહેન પણ રડતાં રડતાં બોલ્યાં, ‘બહેન, શું સારું થશે ? ભગવાન જ આપણી ઉપર રૂઠયો છે ત્યાં આપણું સારું શું થવાનું ?’

મનોરમાએ રંજનાબહેનને પણ ધરપત આપતાં કહ્યું, ‘બહેન, આમ હિંમત હારે કામ નહીં આવે. તું જોજે ને, ત્રણ-ચાર મહિનામાં બધું ઠીક થઈ જશે.’ અને પછી તેઓ હંસા તરફ જોતાં મીઠો ઠપકો આપતાં બોલ્યાં, ‘વહુ તું કેમ આમ ઢીલી થઈને ઊભી છો ? જરા મન મજબૂત કર...રસોઈપાણીનું કંઈ કર્યું કે નહિ ?’

‘ના માસી, હજુ કંઈ ઠેકાણાં નથી.’

‘ચાલ, આપણે બધાં હાથોહાથ રસોઈ કરી નાખીએ.’ કહેતાં મનોરમામાસી રસોડા તરફ આગળ વધ્યાં. રસોડામાં પગ મૂકતાં જ એમની નજર પેલા પાણીના બાટલા ઉપર પડી. એમણે તરત જ નમીને એ બાટલો ઉઠાવી લીધો અને બાટલો ઉઠાવીને જેવાં સીધાં થયાં કે, તરત જ ધ્રૂજી ગયાં. પેલો મંત્રેલા પાણીનો બાટલો એમના હાથમાંથી પડતાં પડતાં રહી ગયો. એમની સામેની બારી ઉપર જ પેલો મોટો બિલાડો બેઠો હતો. એની આંખો મનોરમામાસી ઉપર મંડાયેલી હતી અને એ મનોરમામાસી ઉપર ત્રાટકવાની તક શોધતો હતો.

પછી..? પછી શું થયું..? મનોરમામાસીનું શું થયું...? રીમાનું શું થયું....? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરના લગ્ન રીમા સાથે થયા...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***