જંતર-મંતર
( પ્રકરણ : સત્યાવીસ )
સામેની બારી ઉપર જ પેલો મોટો બિલાડો બેઠો હતો. એની આંખો મનોરમામાસી ઉપર મંડાયેલી હતી અને એ મનોરમામાસી ઉપર ત્રાટકવાની તક શોધતો હતો.
પણ મનોરમામાસી બહુ ગભરાયાં નહિ. એકવાર ધ્રૂજ્યા અને ચમકયા પછી તેમણે તરત જ પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. પેલો બિલાડો ત્રાટકીને, એમના હાથમાંનો બાટલો જમીન ઉપર પછાડે અને એ પાણી ઢોળાઈ જાય એ પહેલાં જ એમણે એ બાટલાનું બૂચ ખોલી નાખ્યું અને ઝડપથી નજીકમાં પડેલો એક ખાલી કપ ઉઠાવી એમાં પેલું મંત્રેલું પાણી કાઢવા માંડયું.
થોડુંક પાણી કાઢી એમને ઝડપથી પેલા બિલાડા તરફ ઉછાળ્યું. પણ પાણી પડે એ પહેલાં જ એ બિલાડો એક મોટી છલાંગ મારીને ત્યાંથી ભાગી ગયો હતો.
મનોરમામાસીએ રસોડાની બહાર આવતાં એ બાટલો મનોજને આપતાં કહ્યું, ‘લે મનોજ, બહારની દીવાલ ઉપર આ બાટલાનું પાણી છાંટી આવ.’
મનોજ એ બાટલો લઈને બહાર નીકળી ગયો અને પછી એ ચારેય સ્ત્રીઓ રસોઈમાં પરોવાઈ ગઈ.
એ પછી સળંગ ત્રણ-ચાર દિવસ સુધી કંઈ અજુગતું બન્યું નહીં. મનોરમામાસી પણ બીજે દિવસે ચાલ્યાં ગયાં. હવે ઘરનાં બધાંને રીમાના સગપણની ચિંતા હતી. અમર છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈ ગયો હતો. અને હજુ એક અઠવાડિયું ત્યાં રોકાવાનો હતો. અમર આવે તો કંઈક વાત કરી શકાય. પણ અત્યારે તો બધાં મનમાં મૂંઝાતાં હતાં અને ચિંતા કરતાં હતાં.
એમ ને એમ બાકીના દિવસો પસાર થઈ ગયા. અને ગુરુવારનો દિવસ આવી ગયો. ગુરુવાર બપોરથી જ મનોરમામાસી પણ આવી ગયાં. આજે સાંજે સુલતાનબાબા આવવાના હતા. અને આજે પોતાની વિધિ આગળ ચલાવવાના હતા.
સાંજના બધાંએ જમવાનું વહેલું પતાવી નાખ્યું, ગયા ગુરુવારની જેમ બરાબર સાત વાગે સુલતાનબાબા આવી ગયા.
આવીને ચૂપચાપ રીમાના કમરામાં ગયા. ત્યાં એમણે પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને નમાઝ પઢી. પછી તાસક અને પાણી મંગાવવાનો વિચાર કરે ત્યાં તો હંસાએ તાસક અને પાણીની ડોલ મૂકી દીધી. સુલતાનબાબા હંસાની ચપળતા અને સાવધાનીથી મનોમન ખુશ થઈ ગયા. તેમણે મનોમન એને દુઆ આપીને પછી મનમાં જ પઢવાનું ચાલુ કર્યું. ઝડપથી હોઠ ફફડાવતાં ફફડાવતાં તેમણે તાસકમાં જરૂર મુજબનું પાણી રેડયું. ત્યાં સુધીમાં રીમા પણ તેમની પાસે આવીને બેસી ગઈ.
સુલતાનબાબાએ ધીમે-ધીમે પોતાનો અવાજ મોટો કર્યો. હવે કમરામાં એમનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. એમણે પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢી અને એમાંથી મરી જેવા બે કાળા દાણા કાઢીને, ડાબલી બંધ કરીને પાછી મૂકી દીધી અને પેલા કાળા દાણા ઉપર જોશથી ફૂંક મારીને એમણે એ દાણા જોશથી પેલી પાણી ભરેલી તાસકમાં નાખ્યા. એ દાણા પાણીમાં પડતાં જ, પેટ્રોલમાં સળગતી દીવાસળી પડતાં ભડકો થાય એમ જોરદાર ભડકો થયો.
સુલતાનબાબાએ મનોજની સામે નજર કરતાં, પઢતાં-પઢતાં જ પેલું લીંબુ લાવવાનો ઈશારો કર્યો. ઈશારો સમજીને મનોજ અને હંસા બન્ને બહાર લીંબુ લેવા દોડી ગયાં. અને થોડી જ વારમાં બન્ને જણાં પાછાં આવ્યાં. મનોજે પોતાના હાથમાંનું લીંબુ સુલતાનબાબાને આપી દીધું.
સુલતાનબાબાએ લીંબુને ચારે તરફ ફેરવીને જોઈ લીધું અને પછી પોતાની પાસે મૂકી દીધું, હંસાએ બીજી સોયો લાવીને મનોજને આપી દીધી અને મનોજે એ સોયો પણ સુલતાનબાબાને આપી દીધી.
હવે સુલતાનબાબાએ આંખો મીંચીને પઢવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે એમનો અવાજ મોટો અને મોટો થતો ગયો. કમરામાં ગંભીરતા પથરાઈ ગઈ. યુદ્ધ પહેલાં જે પ્રકારની શાંતિ પથરાયેલી હોય, એવી શાંતિ પણ એ વખતે આખા કમરામાં ફેલાયેલી હતી.
ધીમે-ધીમે વાતાવરણ બિહામણું બનવા લાગ્યું. સુલતાનબાબાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. એમનો અવાજ ધ્રૂજતો હતો. સહેજ ડરામણો પણ બની ગયો હતો. કમરાના એક ખૂણામાં બેઠેલાં મનોજ, હંસા અને મનોરમામાસીનાં દિલ જોશ જોશથી ધડકી રહ્યાં હતાં. રીમા ધીમે-ધીમે ખોવાતી જતી હોય એમ એ બેઠી-બેઠી ડોકાં હલાવતી જતી હતી, કયારેક એ મોઢેથી હોંકારા કે પડકારા પણ કરી લેતી.
ત્યાં અચાનક સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા દાણાવાળી માળા જોશથી તાસક ઉપર ફટકારી અને એની સાથે જ એક જોરદાર ચીસ સાથે રીમા અદ્ધર થઈને જમીન ઉપર પછડાઈને ચિલ્લાવા લાગી, ‘મને છોડી દો...છોડી દો...હું મરી જઈશ...હું મરી જઈશ...!’
‘હું તને એમ તો છોડવાનો નથી. જો તારે પીડામાંથી બચી જવું હોય, માર ના ખાવી હોય તો તારા ગુરુનું નામ અને ઠેકાણું આપ. તું ત્યાં કેવી રીતે પહોંચ્યો, તું એમની પાસે કઈ કઈ વિદ્યાઓ શીખી લાવ્યો એ બધું માંડીને કહે.’
જવાબમાં સિકંદર ચૂપ રહ્યો, પણ સુલતાનબાબા એને એવી રીતે છોડી દે તેવા નહોતા. એમણે તરત જ પોતાના હાથની માળા ફરીવાર તાસકમાં વીંઝીને ઝડપથી પાછી ખેંચી લીધી.
‘બસ...બસ....મને ન મારો....હવે મારાથી સહન નહીં થાય....નહીં થાય...હું ભૂખ્યો છું.... તરસ્યો છું...મને છોડી દો...!’
‘તું મને બધી માંડીને વાત કર...પછી હું કંઈક વિચારીશ.’
‘નહીં....તમે મને છોડી દેવાનું વચન આપો પછી જ હું તમને વાત કરું.’
‘ના, એવું કોઈ વચન હું તને આપતો નથી. પહેલાં તું વાત કર. પછી મને જે ઠીક લાગશે તે કરીશ. કદાચ તારો વાંક ન દેખાય તો તને છોડી પણ મૂકું.’
સુલતાનબાબાની વાત સાંભળીને સિકંદર છૂટી જવાની લાલચમાં આવી ગયો કે પછી માર ખાવાની પીડામાંથી છૂટવા માંગતો હોય કે કોઈ બીજું કારણ હોય પણ એ પોતાની દાસ્તાન કહેવા તૈયાર થયો. એણે કહ્યું, ‘તમને હાથ જોડું છું. તમે મને મારશો નહીં. હું આમેય અધમૂઓ થઈ ગયો છું. તમે પહેલાં મારી વાત સાંભળી લો....!’
સિકંદર વાત કહેવા લાગ્યો અને સુલતાનબાબા તેમજ ઘરનાં બધાં વાત સાંભળવા લાગ્યાં. સિકંદરે ધીમે અવાજે કહેવા માંડયું...
‘મારી પ્રેમિકા બેવફા નીકળી. મારા સિવાય પણ એનો એક બીજો પ્રેમી હતો. મેં જ્યારે એ વાત જાણી ત્યારે હું ગુસ્સે થઈ ગયો અને એની ઉપર મારો હક્ક જમાવવા લાગ્યો. પણ એ નીચ બેવફા ઓરતે એના પ્રેમી સાથે મળીને મને ખતમ કરી નાખ્યો.
‘હું મરી ગયો. પણ મારું મોત થયું નહીં. મારો છૂટકારો થયો નહીં. મને મુક્તિ મળી નહીં અને મારો આત્મા જીવતો રહ્યો. હું પ્રેત બની ગયો.
હવે હું મારી એ બેવફા પ્રેમિકા અને એના પ્રેમીને ખતમ કરવા માંગતો હતો. પણ મારી પાસે કોઈ તાકાત નહોતી. કોઈ શક્તિ નહોતી...હું એમને ખતમ કરવા વલખાં મારતો રહ્યો, તરફડતો રહ્યો અને મારી આંખો સામે બન્નેને પ્રેમલીલા ખેલતાં-એકબીજાના શરીર સાથે જકડાયેલાં જોતો રહ્યો.
મારી એ પ્રેમિકાને પતિનો પ્રેત, પોતાનું રૂપ અને પોતાની જુવાની લૂંટાવતી જોઈને હું મનોમન બળી જતો.
પણ બે કે ત્રણ દિવસે જ મારામાં અશક્તિ આવી ગઈ. મને લોહીની જરૂર હતી. પરંતુ મને લોહી મળતું નહોતું. લોહી ચૂસવાની કે પીવાની પણ મારામાં કોઈ શક્તિ નહોતી. હું કોઈ વિદ્યા પણ જાણતો નહોતો.
શક્તિ વગરનો હું ચૂપચાપ એક ખંડેર જેવી જગ્યામાં જઈને બેસી ગયો. કોણ જાણે કેટલાય દિવસ હું લગભગ બુશુદ્ધ જેવી હાલતમાં પડયો હોઈશ. ત્યાં અચાનક એક રાતે મને એકીસાથે સો-સો ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ સંભળાયો....હું ચોંકી ગયો. જોયું તો એ જ ખંડેરમાં એક ચુડેલ ખડખડાટ હસતી હતી. એની સાથે એક બીજો પ્રેત પણ હતો. એ ચુડેલને વળગેલો હતો. અને બન્ને જણાં એકબીજાની સાથે મસ્તીમાં-પ્રેમમાં લીન હતાં.
હું ચૂપચાપ બન્નેને જોતો રહ્યો. એ લોકોને હસતાં અને પ્રેમ કરતાં જોઈને મને ખૂબ ઈર્ષા થતી હતી. પણ મારામાં હલન-ચલન કરવાનીયે શક્તિ નહોતી.
એ ચુડેલ અને પ્રેત બન્ને જણાં દિવસો સુધી એકબીજામાં ખોવાયેલાં રહ્યાં....બન્ને એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં. ત્યાં અચાનક પેલી ચુડેલની મારા તરફ નજર પડી.
એણે મને આવી રીતે પડેલો જોઈને દયામણા અવાજે પૂછયું, ‘અરે, આમ આ ખંડેરમાં શું પડયો છે...તું બહાર નીકળ...ગરમા ગરમ લાલ-લાલ લોહી પી અને તાજોમાજો થા.’
મેં ધીમા અને ઠંડા અવાજે મારી વાત કરી ત્યારે એણે કહ્યું, ‘તું આમ પડયો રહીશ...તો કદી કોઈ બદલો નહીં લઈ શકે...તારે જો બદલો લેવો છે તો તું વિદ્યા શીખ...કોઈ ગુરુ પાસે જા.’
‘પણ હું તો કોઈનેય ઓળખતો નથી, કયાં જાઉં ?’
મારી વાત સાંભળીને એ ચુડેલ હસી, પછી બોલી, ‘ચિંતા મત કર યાર...તું આસામ પહોંચી જા...ત્યાં મારા ગુરુ ગોરખનાથ છે, એમની પાસેથી તને બધું શીખવા મળશે.’
કહેતાં કહેતાં જ સિકંદર એકાએક ચૂપ થઈ ગયો. એ હાંફી ગયો હોય એમ જોશજોશથી શ્વાસ લેતો હતો. એના શ્વાસ અને હાંફનો અવાજ ચોખ્ખો સંભળાતો હતો.
અચાનક એક ધડાકો થયો અને ધડાકા સાથે જ સિકંદરનું અટ્ટહાસ્ય સંભળાયું અને સુલતાનબાબાથી એક જોરદાર ભયભરી બૂમ નંખાઈ ગઈ. એની સાથોસાથ જ કમરાની બત્તી બુઝાઈ ગઈ...પેલી તાસકમાંની આગનો ભડકો વધુ મોટો થયો. એનો આકાર સિકંદર જેવો થઈ ગયો. જાણે સિકંદર નાચતો હોય એવું લાગવા માંડયું. અને એમના હાથમાંથી માળા ખેંચાતી હોય તેમ લાગ્યું. સિકંદરનો આ ઓચિંતો હુમલો હતો.
સુલતાનબાબા સિકંદરના અચાનક હુમલાથી બેબાકળા થઈ ગયા. એમણે બેય હાથે માળા પકડી રાખી અને પછી પઢવાનું ચાલુ કર્યું. પઢતાં પઢતાં એમનો અવાજ વધુ ને વધુ ઊંચો થઈ ગયો અને છેવટે એમણે રાડ પાડતાં હોય એવા અવાજે પઢવાનું પૂરું કરીને જોશથી એક ફૂંક મારી, એની સાથે જ પેલી માળા છૂટી ગઈ...તેઓ પાછળ પડતાં રહી ગયા.
પણ સુલતાનબાબા તરત જ એક જુવાન પુરુષની જેમ સ્વસ્થ થઈ ગયા અને એમણે પોતાની માળાનો એક જોરદાર ચાબખો તાસકમાં વીંઝયો...અને એની સાથે જ રીમા ટળવળી ઊઠી. સિકંદરનો કણસવાનો, પીડાભર્યો અવાજ સંભળાયો, ‘....મને છોડી દો...છોડી દો..!’ એવી આજીજી પણ સંભળાઈ. એ આજીજી સાંભળ્યા પછી પછી એવું લાગતું હતુું કે સિકંદર રડી રહ્યો છે...પીડાઈ રહ્યો છે...પણ સુલતાનબાબાએ એની તરફ જરા પણ દયા બતાવી નહીં. એમણે ફરી માળાનો એક ચાબખો વીંઝતા ત્રાડ નાખી...‘પછી આગળ શું થયું ? તારો ગુરુ કોણ હતો ? એણે તને શું શું શિખવાડયું...?’
પણ બીજો ફટકો પડતાં જ સિકંદર જાણે ભારે પીડાથી ભાંગી પડયો હોય એમ પીડાથી કણસવા લાગ્યો...જમીન ઉપર ચત્તી લેટેલી રીમાએ ઊંધી ફરી જઈને બેય હાથ બાબા સામે જોડી દીધા.
સુલતાનબાબા શાંત થઈને, પલાંઠી મારતા બેસી ગયા. માળા ફરી ન પકડાઈ જાય એટલા માટે એમણે ગળામાં પહેરી લીધી અને પછી તેમણે પઢવાનું શરૂ કર્યું....કયાંય સુધી તેઓ આંખો મીંચીને પઢતા રહ્યા અને તાસકમાં ફૂંકો મારતા રહ્યા....
જ્યારે જ્યારે સુલતાનબાબા તાસકમાં ફૂંક મારતા ત્યારે જાણે સિકંદરને ધગધગતા લોખંડના સળિયાના ડાક દેવાતા હોય એમ સિકંદરની એક પીડાભરી ચીસ વાતાવરણમાં ગુંજી ઊઠતી.
ઉપરા-ઉપરી પાંચથી છ ચીસો પડાવ્યા પછી સુલતાનબાબાએ પૂછયું, ‘બોલ તારા ગુરુ વિશે તું શું શું જાણે છે...?’
સુલતાનબાબાના સવાલના જવાબમાં સિકંદરે ખૂબ ઢીલા અવાજે કહ્યું, ‘મને છોડી દો...છોડી દો.... છોડી દો...’
સુલતાનબાબાએ ગળામાંથી પેલી માળા કાઢતાં દમ માર્યો, ‘તું સીધી રીતે નહીં માને....તને તો ચાબખા મારીને જ બોલતો કરવો પડશે.’
‘ના, ના, એવું ન કરશો..!’ સિકંદર ચાબખાનું નામ પડતાં જ થથરી ગયો હોય એમ બોલ્યો, ‘હવે મારાથી વધારે સહન થતું નથી. હું તમને બધું જ કહું છું...!’ કહેતાં સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, ‘ખંડેરમાં મને પેલી ચુડેલે રસ્તો બતાવ્યો પછી હું ભૂખ્યો અને તરસ્યો, રખડતો અને ભટકતો આસામ પહોંચ્યો.
આસામની હદમાં પ્રવેશતાં જ મને નવાઈ લાગી. આ પ્રદેશમાં માનવ વસતી તો હતી જ, છતાંય જાણે અહીં અઘોરીઓ અને જાદુગરોની વસ્તી જ વધારે હતી. તાંત્રિકો, બાવાઓ અચ્છાઅચ્છા ત્રિકાળ જ્ઞાનીઓ અહીં હતાં.
આ બધામાંથી ગોરખનાથને મારે શોધી કાઢવાનો હતો. જોકે, આવા મુલકમાં એ બહુ મોટી વાત નહોતી. કોઈ અઘોરી કે જાદુગરને પૂછી લેવાથી મને એ ગોરખનાથનું સરનામું મળી જાય એમ હતું. પણ એમ પૂછવા જતાં કોઈ શેતાન અઘોરી કે જાદુગર મારી ઉપર વિદ્યા અજમાવીને મને ગુલામ બનાવી લે તો મારું આવી જ બને...મારે હજારો વરસ સુધી એમની ગુલામી કરીને એમને રીઝવવા પડે. ત્યારપછી જ મારો છુટકારો થાય. એટલે હું એ બાબતમાં બહુ સાવધ હતો.
કોઈ સારા અને ભલા અઘોરીને શોધતો-શોધતો હું એકાદ વરસ આસામમાં રખડયો. છેવટે આસામના એક પહાડ ઉપર મને એક અઘોરી મળી ગયો. ચહેરા ઉપરથી એ ભલો લાગતો હતો, હું હળવેકથી એની પાસે જઈને ઊભો રહ્યો. એ અઘોરીની આસપાસ હાડકાંઓનો અને ખોપરીઓનો ખડકલો હતો.
એ અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના હાથમાં હાડકાંમાંથી બનાવેલી એક નાનકડી કટાર હતી. એ કટારની મૂઠ ઉપર નાનકડી ખોપરી હતી. એ ખોપરી કોઈક અંગૂઠા જેવડા બાળકના માથાની, અંગૂઠના નખ જેવડી ખોપરી હતી. અઘોરી એ કટારથી પોતાની જાંઘ ઉપરની ચામડી છોલી રહ્યો હતો.
પછી..? પછી શું થયું..? એ અઘોરીએ સિકંદર સાથે કેવો વ્યવહાર કર્યો...? સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
***