Angarpath - 41 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૪૧

અંગારપથ.

પ્રકરણ-૪૧.

પ્રવીણ પીઠડીયા.

એ ચાર વ્યક્તિઓ હતાં. ઝુબેર, સલમાન, પઠાણ અને દિલો. તેમનો સરદાર ઝુબેર હતો. અફઘાનીસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પાકીસ્તાન ઉતર્યો હતો અને ત્યાંથી લોકલ મછુઆરાઓ મારફતે ઝુબેરને મળ્યો હતો. ઝુબેર આવા કામમાં માસ્ટર હતો. આ પહેલા આવી કેટલીય ખેપો તેણે મારી હતી અને તેમાં તે હંમેશા સફળ નિવડયો હતો એટલે સ્વાભાવિક હતું કે તેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હોય. આ ખેપ લેતી વખતે પણ તેને ખાત્રી હતી કે તે કામ બરાબર પાર પાડશે. તેની સફળતાનાં બે કારણો હતા… એક, ખેપ મારવા તે હંમેશા નાના કદની બોટ વાપરતો અને બે, બને તેટલા ઓછા માણસોને સાથે રાખતો. આ બન્ને નીયમોને લીધે તેને ઘણી સફળતાઓ મળી હતી. અને વળી તે કોઇ સામાન્ય માછીમારની જેમ ભારતીય હોવાનો દેખાવ કરી કોસ્ટગાર્ડની આંખમાં ધૂળ ઝોંકવામાં માહેર બની ગયો હતો. આ વખતે પણ તેણે એવી જ વ્યુહરચના અપનાવી હતી અને પાકીસ્તાનથી ડ્રગ્સ લઇને તે ભારત આવવા નીકળી પડયો હતો. પરંતુ આ વખતે તે થાપ ખાઇ ગયો હતો. તેને એક વાતનો ખ્યાલ નહોતો કે તેનો પ્લાન આ વખતની ખેપમાં ધૂળધાણી થવાનો છે. ભારતીય નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો ખૂંખાર અફસર ડેરેન લોબો અત્યારે તેના સ્વાગત માટે જાળ બિછાવીને તેને ગિરફ્તમાં લેવાની સંપૂર્ણ તૈયારી સાથે ઉભો છે.

સાંકડી તૂતક અને એવા જ સાંકડા કેબીનમાં બોટનું સૂકાન સંભાળતાં તેની ઘાટી મેશ આંઝેલી આંખો સમૃદ્રનાં લહેરાતા પાણી ઉપર મંડરાયેલી હતી. ગોવાનો કિનારો નજીક આવી રહ્યો હતો તેમ તેમ તેની ઉત્તેજના વધતી જતી હતી. આ વખતે મોટો માલ મળવાનો હતો જેથી તે વધું ઉત્તાહિત હતો. લગભગ અડધા કલાક પછી તેની આંખો ચમકી. દૂર ગોવાનાં કીનારા ઉપર ચોપરા ફોર્ટની લાંબી દિવાલ નજરે ચડતી હતી. તેણે થોડા વધું નજદિક પહોંચીને સિગ્નલ આપવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં સામેથી સિગ્નલ મળ્યું એટલે તેણે સાથીદારોને સાવધ કર્યા. માલ વધારે હતો એટલે તેની ગણતરી હતી કે ફટાફટ માલ ઉતારીને પાછા ફરી જવું જેથી કોઇને સહેજે અણસાર આવે નહી.

વાગાતોર બીચનાં ઉત્તર કિનારે પહોંચીને એક ખડકની ધારે બોટ રોકીને તેણે સ્થિર કરી. બોટનું એન્જીન ચાલું જ રહેવા દઇને તે તૂતક ઉપર આવ્યો અને ફરીથી સિગ્નલ આપ્યું. સામેથી વળતું સિગ્નલ મળતાં જ તેણે પેટીઓને તૂતક ઉપર લેવડાવી અને રાહ જોવા લાગ્યો. પાંચ જ મિનિટમાં પથ્થરોની આડાશેથી પાંચેક માણસો બહાર નીકળ્યા અને બોટ સુધી આવીને ઉભા રહ્યાં. એ માણસોનો મુખિયા શરીરે હટ્ટોકટ્ટો હબસી ટાઈપનો કાળો માણસ હતો. તેનું પેટ તેના શરીર કરતાં વધુ પડતું બહાર આવેલું હતું. ટૂંકા પગ અને બાંય વગરની ગંજીમાં તે વિચિત્ર દેખાતો હતો. તેનું નામ મેથ્થુસ હતું. તે ટિપિકલ ગોવાઈન નસલની પેદાઈશ હતો. નાનપણથી જ તે આવાં ગોરખધંધામાં પડી ગયો હતો. તે એટલો હોંશીયાર અને કાબો હતો કે ડ્રગ્સની હેરાફેરીમાં તેનો જોટો જડવો મુશ્કેલ હતો. ગોવાની ધરતી ઉપર ઉતરતા ડ્રગ્સનાં કંન્સાઈનમેન્ટમાં પચાસ ટકા જેટલું કંન્સાઈનમેન્ટ તે એકલો જ ઉઠાવતો. એમ કહી શકાય કે ડ્રગ્સનાં હેન્ડલર તરીકે મેથ્થુસે જબરજસ્ત નામ કાઢયું હતું. તેનું નામ પડતું અને લોકો ભરોસો કરી લેતા કે તેમનું કન્સાઈનમેન્ટ સહી-સલામત તેમના ગોડાઉન સુધી પહોંચી જશે. એટલો પાવર તેણે ઉભો કર્યો હતો. પરંતુ કહે છે ને કે સિક્કાની હંમેશા બે બાજુઓ હોય છે. ઘણી વખત બહું મોટું નામ વધું મોટી ઉપાધી ખડી કરતું હોય છે. આજે પણ એમ જ થયું હતું. પાછલાં થોડા સમયની તેની હિલચાલનાં કારણે જ તે અનવરની નજરે ચઢી ગયો હતો. તેના જેવા નામચિન શખ્સની હરકતો અને હીલચાલ ઘણી વખત પોતાનાં જ પતનનું કારણ બનતી હોય છે. અનવર મેથ્થુસની પાછળ લાગી ગયો હતો અને તેણે ખોળી કાઢયું હતું કે એ કઈ ફીરાકમાં છે. તેણે એ માહિતી ડેરેન લોબો સુધી પહોંચાડી હતી.

મેથ્થુસે ઝુબેરને કોડવર્ડ જણાવ્યો. ઝુબેરે તેના માણસોને પેટીઓ ઉતારવા કહ્યું. મેથ્થુસ સાથે આવેલા માણસોએ એ લોકો પાસેથી પેટીઓ પોતાના ખભે ચડાવી અને ખડક ઉતરીને ઝડપથી કિનારા તરફ ચાલવા માંડયું. ધોળા દિવસે આ કામ થઇ રહ્યું હતું. વાગાતોર બીચનો આ તરફનો વિસ્તાર મોટેભાગે સૂમસાન જ રહેતો હતો જેના કારણે ઝુબેર અને મેથ્થુસ જેવા અસામાજીક તત્વોને ઘણી વખત મોકળું મેદાન મળી રહેતું. ફટાફટ પેટીઓ ઉતરતી ગઇ. એ દરમ્યાન ઝુબેર સાવચેતીથી ચારેકોર ચાંપતી નજર રાખતો ઉભો હતો. બધું જ કામ એકદમ ખામોશી અને સતર્કતાથી થતું હતું. માલ ઉતરી ગયો અને કિનારાનાં રેતાળ પટને વટાવીને ઉભેલા એક નાના ટેમ્પોમાં ચઢી ગયો હતો. હવે ઝુબેરે પેમેન્ટ લેવાનું હતું. તેણે મેથ્થુસ તરફ હાથ લંબાવ્યો. મેથ્થુસે દૂરથી જ ટેમ્પાની દિશામાં જોઇને ઈશારો કર્યો એટલે પેટીઓ ઉતારતો એક શખ્સ ઝડપથી સરકીને ટેમ્પાની કેબિનમાંથી એક સૂટકેસ ઉઠાવીને મેથ્થુસની દિશામાં આગળ વધ્યો.

તે હજું માંડ થોડા ડગલાં જ આગળ ચાલ્યો હશે કે… સાવ અચાનક જ અટકીને ઉભો રહી ગયો. દારૂ પી પી ને પીળી પડી ચૂકેલી તેની આંખોમાં દુનિયાભરનું આશ્વર્ય ઉભરાયું. સૂર્યનાં તીખા પ્રકાશમાં નહાઇ ઉઠેલા તેના દેહમાં જાણે પરસેવાની સરવાણીઓ ફૂટી નીકળી હોય એમ તે ભીંજાઇ ગયો. તેનું ગળું એકાએક સૂકાઇ ગયું અને તેણે પકડેલી સૂટકેસ આપોઆપ ધરતી ઉપર પડી અને હાથ હવામાં અધ્ધર ઉંચકાયા. તેને જબરજસ્ત ધક્કો લાગ્યો હતો અને ભયાનક આશ્વર્ય ઉપજયું હતું. સામે તકાયેલી ગન… અને જે હાથમાં એ ગન હતી એ શરીર ઉપર દેખાતી ખાખી વર્દી તેના હૌંસલા પસ્ત કરવા કાફી હતી. તે આબાદ રીતે પોલીસનાં હાથમાં ઝડપાયો હતો. આવું કેમ કરતાં થયું એ વિચારવાનો સમય સુધ્ધા તેને મળ્યો નહોતો.

એ ઘટના ભયંકર તેજીથી ઘટી હતી. કોઇને સહેજે ખ્યાલ આવે કે સંભાળવાનો મોકો મળે એ પહેલાં જીત કામરા અને તેના સાથી જવાનો ત્રાટકયાં હતા. ક્ષણનાં ચાથા ભાગમાં… એમ સમજોને કે આંખનો પલકારો થાય એટલી ઝડપે કામરાએ પોતાની પોઝીશન સંભાળી હતી અને લગભગ બધાને ગન પોઈન્ટ ઉપર લઈ લીધા હતા. બન્યું એવું હતું કે....

@ @ @

કામરા થોડીવાર પહેલાં જ જીપ લઇને સાવધાની વર્તતો અહીં આવી પહોંચ્યો હતો. તેણે બોટમાંથી માલ ઉતરતાં અને પછી મીની ટેમ્પામાં લદાતો જોયો. માલ સંપૂર્ણપણે ઉતરી ન જાય ત્યાં સુધી તેણે ખામોશી રાખી હતી અને એ દરમ્યાન લોબો સાહેબનો સંપર્ક કર્યો હતો. લોબો સાહેબ સમુદ્રનાં રસ્તે વાગાતોર બીચે પહોંચવા આવ્યા હતા. તેમણે અટેક કરવા માટે લીલી ઝંડી દેખાડી કે તુરંત જ તે હરકતમાં આવી ગયો હતો અને તેની સાથે આવેલા ફોર્સનાં જવાનોએ મીની ટેમ્પાને ધેરી લીધો હતો. ટેમ્પા નજદિક ઉભેલા માણસો માટે આ હુમલો સાવ અચાનક જ હતો એટલે તેઓ ધરબાઈ ગયા હતા અને તેમણે એ સમયે જ શરણાગતી સ્વીકારી લીધી હતી. તેમાનો એક વ્યક્તિ મેથ્થુસને રૂપિયા ભરેલી સૂટકેસ પહોંચાડવા આગળ નીકળી ગયો હતો. કામરાએ તેનો પીછો પકડયો અને એ વ્યક્તિ સાવધ થાય એ પહેલા તેને દબોચી લીધો હતો. કામરા અત્યારે તેની તરફ બંદૂક તાકીને ઉભો હતો. ચોમાસામાં થતા વીજળીનાં ભયાનક ઝબકારા કરતાં પણ વધું ઝડપથી આ બન્યું હતું. કોઇ કંઇ વિચારે કે રિએકશન આપે એ પહેલાં ડ્રગ્સનો જથ્થો પોલીસનાં હાથમાં આવી ગયો હતો.

આ દ્રશ્ય સૌથી પહેલાં ઝુબેરે જોયું. તેની નજરો મેથ્થુસની પીઠ પાછળ થતી ગતીવિધીઓ ઉપર પડી અને તે ચોંકયો હતો. ભયંકર આઘાતથી તેનું હદય છાતીમાં ઉછળ્યું અને એકાએક તે હરકતમાં આવ્યો. સમજતાં વાર ન લાગી કે તેઓ બહું ખરાબ રીતે ફસાઈ ચૂકયાં છે.

“સલમાન… બોટ ભગાવ.” તે ચિલ્લાયો અને તેણે પહેરેલા પાયજામા હેઠળથી ગન ખેંચીને કિનારાની દિશામાં ગોળીબાર ચાલું કરી દીધો. એકાએક શું થયું એ મેથ્યુસને સમજાયું નહી. તેના જીગરમાં આશ્વર્ય ઉદભવે એ પહેલા એક ગોળી આવીને સીધી તેની પીઠમાં ખૂંપી ગઇ. તે ઝુબેરની બરાબર સામે ઉભો હતો. કામરાએ ઝુબેરની દિશામાંથી થતા ગોળીબારને ખાળવા સામો હુમલો કર્યો હતો. તેમાની એક ગોળી સીધી જ મેથ્યુસની પીઠમાં ઘૂસી ગઇ હતી. તેના શરીરને ભયાનક ધક્કો લાગ્યો અને તે જે ખડક ઉપર ઉભો હતો ત્યાંથી આગળની તરફ ઉથલી પડયો. ગોળી તેની કરોડરજ્જૂનો ભૂક્કો બોલાવતી છાતીનાં પોલાણમાં આવીને અટકી ગઇ. તે કંઇ સમજે કે અચાનક આ શેની ધમાલ મચી છે એ પહેલા તો તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. શ્વાસ લેવાનો પણ મોકો મળ્યો નહી અને મેથ્યુસને મોત આંબી ગયું. જે મેથ્યુસનાં નામની આણ સમગ્ર ગોવામાં પ્રવર્તતી હતી એ મેથ્યુસ ઘડીનાં છઠ્ઠા ભાગમાં આ દુનિયાને અલવિદા કહીને નરકમાં પહોંચી ગયો હતો. સાવ અન-અપેક્ષિત રીતે એ બન્યું હતું. ઝુબેરે અણીયાળા ખડકોમાં ઉંધે-કાંધ પડેલા મેથ્યુસને જોયો. તેના મોતિયા મરી ગયા. તે પાછળ ફરીને ભાગ્યો અને બોટનાં તૂતક ઉપર ચઢ્યો. એ દરમ્યાન સલમાન નામનો તેનો માણસ હજુંપણ બાઘાની જેમ તેને જ જોતો ઉભો હતો. એ પણ ધરબાઇ ગયો હતો અને ઝુબેરે હમણા શું કહ્યું એ સમજી શકયો નહોતો. ઝુબેરને તેની ઉપર કાળઝાળ ક્રોધ ચઢયો.

“હરામખોર બોટ ભગાવ. બહેરો છે કે શુ?” તે ફરીવાર ચિખ્યો અને પછી જાતે જ બોટની કેબિન તરફ દોડયો. સલમાન જાણે એકાએક હોશમાં આવ્યો હોય એમ જાગ્યો અને એ પણ કેબિન તરફ લપકયો. એ દરમ્યાન ઝુબેરનાં બીજા બે સાથીદારોએ વળતો હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સામેની દિશામાં ફાયર ઓપન કર્યું અને અંધાધૂંધ ગોળીઓ વરસાવી. એ તરફથી આગળ વધતો કામરા એકાએક અટકયો હતો અને ગોળીઓથી બચવા એક મોટા ખડકની આડાશે ભરાયો હતો. ટેમ્પો પાસે ઉભેલા જવાનોએ મેથ્યુસનાં માણસોને કબ્જે કર્યા હતા અને તેમને ટેમ્પોની પાછળ એક લાઇનમાં ઘુંટણભેર બેસાડયા હતા. તેમાથી બે જવાનો એ લોકો ઉપર નજર રાખતાં ત્યાં જ ઊભા રહ્યા અને બાકીનાં કામરાની પાછળ તેની મદદે દોડી આવ્યો હતા. બોટમાંથી થતું ફાયરિંગ દિશા હિન હતું. તેઓ એટલા ગભરાઇ ગયા હતા કે તેમને પણ ખ્યાલ નહોતો રહ્યો કે કોની ઉપર ગોળીબાર કરવાનો છે. તેઓ તો બસ… આંખો મિંચીને આડેધડ ગોળીઓ ચલાવી રહ્યા હતા. વાગાતોરનો સૂમસાન બીચ એકાએક ચારેકોરથી થતાં ઘમાકાઓથી જાગી ઉઠયો હતો અને ત્યાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

એ દરમ્યાન ઝુબેરે બોટનું સૂકાન સંભાળ્યું હતું. બોટનું એન્જીન તેણે બંધ કર્યું જ નહોતું. હંમેશા આ બાબતની તે તકેદારી રાખતો. જ્યાં પણ કોઇ કંન્સાઈનમેન્ટ ડિલિવર કરવા તે જતો ત્યાં અમુક બાબતની સાવચેતી રાખતો જ. આજે પણ તેણે એવું જ કર્યું હતું અને કિનારે પહોંચ્યો ત્યારે બોટને શરૂ જ રહેવા દીધી હતી. એ અત્યારે તેને બહું કામ આવ્યું. જબરજસ્ત તાકતથી તેણે બોટનું હેન્ડલ ગોળ ફેરવ્યું અને એન્જીનને રમરમાવ્યું. તીરછી ઉભેલી બોટમાં એકાએક જાણે જીવ આવ્યો હોય એમ સીધી થઇ અને સમુદ્રની છાતી ચીરતી દક્ષિણ દિશા તરફ ભયાનક વેગે ભાગી. પરંતુ… તેના હદયમાં હાશકારો ઉદભવે એ પહેલા એક બોટને તેણે પોતાની તરફ આવતી જોઇ. “યા અલ્લાહ…” અજાણતાં જ તેના મોઢામાંથી શબ્દો સરી પડયા અને ફાટી આંખોએ તે સામેની દિશામાં જોઇ રહ્યો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED