Angarpath - 40 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૪૦

અંગારપથ.

પ્રકરણ-૪૦.

પ્રવીણ પીઠડીયા.

બોટની વ્યવસ્થા થવાથી લોબોએ રાહતનો દમ ભર્યો હતો. એક જ બોટ તેમના માટે કાફી હતી કારણ કે ડ્રગ્સનાં સ્મગલરો પણ એક જ બોટમાં આવી રહ્યાં હતા એટલે તેમને ઘેરવા એક બોટ હોય તો પણ કામ સફળતાથી પાર પડશે એવો તેને વિશ્વાસ હતો. તેનો મિત્ર અણીનાં સમયે ખરો કામ આવ્યો હતો. હવે એ બોટ હાથવગી કરવાની હતી અને તેના માટે જેટ્ટી સુધી જવું પડે એમ હતું.

“કામરા, તું જીપમાં આ લોકોને લઈને નીકળ. હું જેટ્ટી પરથી બોટ કલેક્ટ કરીને સીધો જ ’વાગાતોર’ બીચ પહોંચીશ. પણ એક વાતનું ધ્યાન રાખજે. ડ્રગ્સ પેડલરોને જરાં પણ ભનક લાગવી જોઇએ નહી કે પોલીસ તેમની પાછળ છે. જો સહેજે શરતચૂક થઇ તો આપણો પ્લાન ચોપટ થઇ જશે કારણ કે ચારેકોર એ લોકોનાં માણસો નજર રાખતાં હશે.” લોબોએ તેના આસિસ્ટન્ટ જીત કામરાને સૂચના આપી. કામરાએ હકારમાં મૂંડી હલાવી. તેને આ બધી બાબતોનો ખ્યાલ હતો જ, છતાં મોટા સાહેબ જે કહે એ ચૂપચાપ માનવાનું એવી તેની ફિતરત હતી. થોડીવારમાં જ કામરા અને બીજા છ અફસરો જીપમાં બેસીને વાગાતોર બીચ તરફ જવા રવાનાં થયા. લોબો દૂર જતી જીપને ઘડીભર માટે તાકી રહ્યો અને પછી બાકી વધેલા અફસરો તરફ ફર્યો. “કમઓન બોય્ઝ. હરામખોરોની જમાત માંથી આજે થોડા માણસોની બાદબાકી કરવાની છે.” તેણે હાકલ મારી અને અફસરોનો જૂસ્સો વધાર્યો. પછી તેઓ પ્રાઈવેટ બોટો જ્યાં લંગારાતી હતી એ જેટ્ટી તરફ ચાલી નીકળ્યાં. ત્યારે બપોરનાં હજું બે જ વાગ્યાં હતા. લોબોએ એકદમ સિમ્પલ પ્લાન ઘડયો હતો. ડ્રગ્સ ભરેલી બોટમાંથી ડ્રગ્સની ડિલિવરી મેળવાય જાય ત્યાં સુધી રાહ જોવાની અને એક વખત ડ્રગ્સ તેના ઠેકાણે પહોંચી જાય એટલે અચાનક બે તરફથી હુમલો કરીને બધાને જબ્બે કરી લેવાનાં. એક હુમલો જમીન ઉપરથી આવે અને એક હુમલો સમૃદ્રમાંથી થાય એટલે એ લોકોને ભાગવાનો મોકો ન રહે. તેને વિશ્વાસ હતો કે તે જે વિચારે છે એટલી જ સરળતાથી તેનું કામ પાર પડશે. એક વખત ચારેકોરથી ઘેરાઇ ગયા બાદ ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ હેંડલર બન્ને તરફનાં લોકો ધરબાઇ જશે અને સરેન્ડર કરવા સીવાય તેમની પાસે બીજો કોઇ વિકલ્પ નહી રહે. ઘણી વખત અટપટા પ્લાન કરતાં એકદમ સીધો-સાદો સરળ પ્લાન વર્ક કરી જતો હોય છે એનો અનુભવ લોબોને હતો. અત્યારે પણ તે એવું જ કંઇક વિચારીને આગળ વધવા માંગતો હતો.

પરંતુ… દરેક વખતે એક જેવી સિચ્યૂએશન ક્યારેય રહેતી નથી અને દરેક વખતે એક સરખો પ્લાન કામયાબ પણ નિવડતો નથી એ બાબત તે ભૂલી ગયો હતો. અથવા તો કદાચ તેણે અનવરની ’ટિપ્સ’ને હળવાશમાં લેવાની ગુસ્તાખી કરી નાંખી હતી. જે તેને આવનારા સમયમાં ઘણી ભારે પડવાની હતી. એ નહોતો જાણતો કે ’વાગાતોર’ બીચ ઉપર જબરજસ્ત રમખાણ સર્જાવાનું છે અને જીવ સટોસટની જંગ ખેલાવાની છે. જેમાં ખુદ તેનાં અને તેના સાથીદારોનાં પરખચ્ચા ઉડી જવાનાં છે. એ લોકો સામે ચાલીને એક ભયંકર આંધીને આમંત્રણ આપવા નિકળી પડયાં હતા.

@@@

સમૃદ્રની ઘણે અંદર સુધી લાકડાનું લાંબું પ્લેટફોર્મ બનાવીને જેટ્ટી તૈયાર કરવાં આવી હતી. જેટ્ટીની બન્ને તરફ અત્યારે માત્ર ત્રણ બોટો જ લાંગરેલી નજરે ચઢતી હતી. લોબોએ જેટ્ટીનાં પ્લેટફોર્મ ઉપર ચાલતાં તેના મિત્રને ફોન કર્યો હતો. તેના મિત્રએ કહ્યું કે તેણે ઓલરેડી બોટનાં ખલાસીને ફોન કરી દીધો છે અને તેનો નંબર ફોરવર્ડ કર્યો. લોબોએ એ નંબર ઉપર ફોન લગાવ્યો એટલે થોડીવારમાં જ જેટ્ટીની જમણી તરફ લંગારેલી બોટમાંથી બર્મુડા પહેરેલો… કસરતી બદન ધરાવતો યુવક બહાર નીકળ્યો અને લોબોની નજીક આવીને ઉભો રહ્યો.

“વેલકમ મિ. લોબો. માય નેમ ઈસ વીલી. નામ તો વિમલ છે પરંતુ બધા વીલી કહે છે.” તેણે પહોળું હાસ્ય વેરીને હાથ લંબાવી લોબો સાથે હસ્ત-ધનૂન કર્યું. “પ્લિઝ કમ વીથ મી” અને તે લોબોને બોટ સુધી લઇ આવ્યો. લોબો સાથે આવેલા ફોર્સનાં માણસો પણ તેમની પાછળ આવ્યા હતા.

તે એક નાનકડી પરંતુ પાવરફૂલ યાટ પ્રકારની બોટ હતી. લગભગ વીસ બાવીસ ફૂટ લાંબી અને બારેક ફૂટ પહોળી યાટનું તૂતક સ્ટીલની મજબુત ગ્રિલથી મઢેલું હતું. યાટની વચ્ચે તેનું નેવીગેશન કેબિન હતું અને તેમાથી જ તેના ભંડાકિયામાં ઉતરવાની સીડી હતી. કેબિનમાં નાનકડો બાર અને બેસવા માટે સોફાઓ પાથરેલા હતા. લોબોનો મિત્ર આ બોટને અહી આવતાં સહેલાણિઓને ભાડે આપતો અને એમાથી કમાણી કરતો. આજે આ બોટ લોબોને કામમાં આવવાની હતી. લોબોએ ઉપર ચડીને આખી બોટમાં એક ચક્કર લગાવ્યું. બોટનાં એક-એક ખૂણે ફરીને બધું જોઇ લીધું. આ તેની આદત હતી. જે કામ માટે જતાં હોઈએ તેને લગતી તમામ બાબતોનો ઉંડો અભ્યાસ કરવો અને જો એવો સમય ન હોય તો કમસેકમ તેની બેઝિક જાણકારી તો મેળવી જ લેવી જેથી અણીનાં સમય કોઇ સંકટ આવે તો તેમાથી ઉગરી શકાય. બોટ જોઇને તેને સંતોષ થયો હોય એમ તેના ચહેરા ઉપર સ્મિત આવ્યું અને તે બહાર તૂતક ઉપર આવ્યો. તેણે જેટ્ટી ઉપર લંગારાયેલી બીજી બે બોટોને નીરખી. એક સામાન્ય પ્રકારની નાનકડી બોટ હતી જ્યારે બીજી યાટ એકદમ લકઝરી, કિંમતી અને વૈભવશાળી જણાતી હતી.

“આ કોની યાટ છે?” તેણે વીલીને પૂછયું.

“ઓહ એ…! કોઈ મિ. દેસાઈ છે. એમની યાટ છે. પરંતુ તેઓ ભાગ્યે જ ક્યારેક અહી આવતાં હોય છે એટલે જાજો પરીચય મને નથી.” વીલીએ તેનું જ્ઞાન પાથર્યું. “તેઓ સરકારી અફસર છે એટલો ખ્યાલ છે.”

“સરકારી અફસર?” લોબોને આશ્વર્ય ઉપજ્યું. એમાં પણ દેસાઈ સરનેમ સાંભળીને તેના કાન ચમક્યાં હતા. વીલી ક્યાંક તેના બોસ સુશિલ દેસાઈની તો વાત નથી કરી રહ્યો ને? પણ એમની પાસે આવી લકઝરી યાટ હોવાનો ખ્યાલ તેને નહોતો. “દેસાઈ? યુ મીન સુશિલ દેસાઈ?”

“આઈ રીયલી ડોન્ટ નો હીમ બીકોઝ હું પણ નવો છું.” વીલીએ ખભા ઉછાળ્યાં. એ દરમ્યાન લોબો આંખો ઝીણી કરીને ધ્યાન પૂર્વક એ યાટને નિરખવામાં પરોવાયો હતો. તેણે યાટની નીચેની સરફેસ ઉપર લખેલું નામ વાંચ્યું અને પછી કેબિન તરફ નજર ઘૂમાવી. તેના મનમાં કશેક આછેરો સળવળાટ થતો હતો. કંઈક એવું હતું જે તેને અચાનક યાદ આવતાં આવતાં અટકી ગયું હતું. તે મુંઝાયો. એક તો દેસાઈ સરનેમ તેને અકળાવી રહી હતી, એ ઉપરાંત યાટ નું નામ તેના મગજમાં ઘૂમરાવા લાગ્યું હતું. તેણે ફરીથી નજર ફેરવીને એ નામ વાંચ્યું અને મગજ ઉપર જોર કરીને યાદ કરવાની કોશિશ કરી કે આ નામ આ પહેલાં ક્યાં વાંચ્યું હતું, કે સાભળ્યું હતું? પણ કશું યાદ આવ્યું નહી. ઘણો લાંબો સમય સ્થિર નજરોથી તે યાટ ને તાકતો ઉભો રહ્યો છતાં પરીણામ શૂન્ય આવ્યું. તેના મનમાં ખળભળ જરૂર મચી હતી પરંતુ તેનું કારણ તે સમજી શકતો ન હતો.

“સરસ છે નહી? આવી બોટ મારી પાસે હોય તો હું કાયમ સમૃદ્રની સહેલગાહે નીકળી જાઊં.” વીલી હજુંપણ લોબોની પડખે જ ઉભો હતો અને એ લકઝરી યાટને આશક્તિભરી નજરોથી નીહાળી રહ્યો હતો.

“હમમ્…” લોબોએ ફક્ત હું-કાર ભણ્યો. “એનીવેય્ઝ વીલી. આપણી બોટ તૈયાર છે ને?”

“જી સર, આપ હુકમ કરો એટલે નીકળીએ.” વીલીને એમ જ હતું કે આ લોકોએ ફરવાં માટે બોટ લીધી છે.

“હમણાં થોડો આરામ કરીશું. બોટમાં બધી વ્યવસ્થા તો છે ને?” લોબોએ પૂછયું અને તૂતક પરથી હટીને કેબિન તરફ આગળ વધ્યો. વીલી તેની પાછળ ચાલ્યો.

“જી સર, બધી જ વ્યવસ્થા છે. બોસે મને ખાસ કહ્યું છે કે તમને કોઇ તકલીફ ન પડવી જોઇએ.”

“અચ્છા, અને બીજું શું કહ્યું તારા બોસે?” લોબો એકાએક વીલી સન્મુખ ફર્યો અને તેની આંખોમાં ઝાંક્યું.

“બીજું તો કંઇ નહી. તમે કહો એમ મારે કરવાનું છે.” વીલી મુંઝાયો.

“એ તો તું કરીશ જ, પરંતુ ધાર કે અચાનક તારી બોટ ઉપર ગોળીઓનો વરસાદ થાય તો તું શું કરે?” લોબોએ એકદમ જ વાત બદલી નાંખી હતી.

“મતલબ?” વીલી ધરબાઈ ગયો. તેને આવાં સવાલની અપેક્ષા પણ ક્યાથી હોય! તેના રતુંબડા ચહેરા ઉપર ગભરાહટનાં ભાવો ઉપસી આવ્યાં અને ધડકતાં હદયે તે લોબોનાં રુક્ષ ચહેરા સામું જોઇ રહ્યો.

“બહું જલ્દી તું સમજી જઇશ બચ્ચા.” લોબોએ તેનો ખભો થપથપાવ્યો અને સહેજ હસ્યો. એ હાસ્ય ભયાનક તો નહોતું પરંતુ ખબર નહી કેમ, વીલી છેક અંદર સુધી કાંપી ઉઠયો હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED