અંગારપથ. - ૩૯ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંગારપથ. - ૩૯

અંગારપથ.

પ્રકરણ-૩૯.

પ્રવીણ પીઠડીયા.

અભિમન્યુ સતર્કતાથી આગળ વધતો ગયો. રિસોર્ટનાં કમરાઓની આલીશાન લોબીમાં અત્યારે કોઇ નહોતું. કમરાઓ એવી રીતે બનાવાયા હતા કે તેની બાલ્કની સ્વિમિંગ પૂલ તરફ ખૂલે જ્યારે કમરાઓનું પ્રવેશદ્વાર પાછળની દિશામાં આવે. અભિમન્યુ અત્યારે આ તરફ લોબીમાં આવ્યો હતો. લોબીની બરાબર સામે ઝિણા લીલા ઘાસ આચ્છાદિત ખૂલ્લું મેદાન હતું. મેદાનમાં તરેહ તરેહનાં સુંદરતમ વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અને તેની બરાબર સંભાળ લેવાતી હોય એવું પહેલી નજરમાં જ માલુમ પડતું હતું. લાગતું હતું કે લોનમાં હમણાં જ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હશે કારણ કે ઘાસનાં મથાળાં ઉપર છવાયેલી પાણીની ગોળ બૂંદો સૂર્ય પ્રકાશમાં નાના-નાના મોતીની જેમ ચમકતી હતી. બપોરનો તડકો પૂરજોશમાં છવાયેલો હતો. ખૂલ્લા મેદાન ઉપરથી વહેતા ગરમ પવનમાં અહીની આહલાદક ભીની ખૂશ્બું ભળેલી હતી જેનાથી સમગ્ર રિસોર્ટનું વાતાવરણ બેહદ દીલકશ બન્યું હતું.

અભિમન્યુએ એક નજરમાં સમગ્ર વિસ્તાર કવર કરી લીધો. તેને ખ્યાલ હતો કે તેની આ હરકતો લોબીનાં દરેક ખૂણે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતી હશે, પરંતુ એની જાણે કોઇ પરવા જ ન હોય એમ તે બેફિકરાઇથી આગળ વધતો ગયો. હાં, અચાનક કોઇ તેનાં ઉપર હુમલો ન કરી દે એ માટે તે સતર્ક જરૂર હતો. લોબીમાં આગળ વધતો છેક છેવાડે આવીને તે ઉભો રહ્યો. અહીથી રિસોર્ટની પાછળ આવેલી પહાડીનો ઢોળાવ દેખાતો હતો. અને એ તરફ રિસોર્ટને સંલગ્ન જ હોય એમ… છતાં જાણી જોઇને અલગ પડાયું હોય એવો થોડોક ભાગ વીકસાવાયો હતો. એવું શાં માટે કરાયું હશે એ અભિને ખ્યાલ આવતો નહોતો કારણ કે થોડીક ઉંચી કહી શકાય એવી એક દિવાલ રિસોર્ટ અને એ અલાયદા વિસ્તાર વચ્ચે ચણવામાં આવી હતી જેનાથી એ તરફ શું છે એ કોઇને ખ્યાલ ન આવે.

અભિમન્યુને એ જોઇને તાજ્જૂબી ઉદભવી અને હદયનાં કોઇક ખૂણે કશોક સળવળાટ થયો. તે ભારતીય સૈન્યનો આલા દરજ્જાનો સૈનિક હતો. નજરોની સામે દેખાતાં કોઇપણ દ્રશ્યનું તેના મનમાં તરત જ પૃથ્થકરણ થતું. એ સાહજીક પ્રક્રિયા હતી. કોઇપણ અજૂગતી લાગે એવી બાબત તરત ખટકતી. અત્યારે પણ એ દિવાલ જોઇને તેનું મગજ ઠનકયું હતું. જરૂર કંઇક તો હતું એ દિવાલ પાછળ જે તેને પોતાની તરફ આકર્ષી રહ્યું હતું. તે સજાગ બન્યો અને ધીમાં પગલે એ તરફ ચાલ્યો.

પરંતુ… હજું માંડ બે ડગલાં જ તે આગળ વધ્યો હશે કે તેની પાછળ એકાએક કશોક સળવળાટ થયો. કોઇક અચાનક તેની પાછળ આવ્યું હોય એવો ભાસ થયો અને સેકન્ડની ચોથી પળે વિજળીની ઝડપે તે પાછળ ફર્યો. કશુંક અત્યંત વેગથી તેના ચહેરા નજીક ધસી આવ્યું અને તે એટલી જ ઝડપે પીઠનાં બળે પાછળ તરફ ઝૂકયો. એ સાવ અચાનક અને સાહજીક રીતે જ બન્યું હતું. એ ચીજ સૂસવાટાભેર તેનાં માથા ઉપરથી પસાર થઇ ગઇ અને એટલી જ ભયાનક ઝડપે તે સીધો થયો. આંખનાં પોપચાનો ઝબકારો થાય એટલી ગતીથી એ ઘટના બની ગઇ હતી. તે સીધો થયો ત્યારે તેણે એક માણસને પોતાની સામે ઉભેલો જોયો. તેના હાથમાં લોખંડનો ભારેખમ રોડ હતો. તેને સમજતાં વાર ન લાગી કે જેનાથી તે બાલ-બાલ બચ્યો હતો એ રોડ આ માણસે જ તેના ઉપર વિંઝયો હતો. કોઇક તેને અટકાવશે એવો ખ્યાલ તો હતો જ, પરંતુ આમ સીધો જ હુમલો થશે એનો અંદાજ નહોતો. પેલો માણસ ફરીથી હુમલો કરવા સજ્જ બન્યો. અભિમન્યુનાં મનમાં ખૂન્નસ છવાયું. તેના તાકાતવર હાથોની નસો તંગ બની. તેણે સામે ઉભેલા વ્યક્તિની આંખોમાં ઝાંકયું અને આપોઆપ તેની મુઠ્ઠીઓ ભીંસાઈ.

એ વ્યક્તિ પણ ગાંજ્યો જાય એવો નહોતો. સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ(અભિમન્યુ) વગર પરમીશને અંદર ઘૂસી આવ્યો હતો એ તેને કઠયું હતું. વળી તે બોસને મળવા માંગતો હતો એટલે મામલો ઓર ગંભીર બની જતો હતો. તરત તે એકશનમાં આવ્યો હતો અને અભિમન્યુની પાછળ આવી પહોંચ્યો હતો. પહેલા તો તેણે તેને ઉભો રાખીને પૂછપરછ કરવાનું મન બનાવ્યું હતું પરંતુ અભિને લોબીનાં કોરીડોરમાં ચૂપકિદીથી આગળ વધતો ભાળીને તે સતર્ક બન્યો હતો. ઘડીનાં છઠ્ઠા ભાગમાં તેણે પોતાના ફેંસલો બદલ્યો હતો અને એકદમ જ ધસી જઇને તેણે અભિમન્યુ ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ અભિમન્યુ તેનાથી પણ ફાસ્ટ નીકળ્યો. તેણે હુમલો ચૂકવ્યો હતો અને હવે તે બન્ને આમને સામને આવીને ઉભા હતા. અને… આ દ્રશ્ય સીસીટીવી રૂમમાં હાજર બીજા સિક્યુરીટી ગાર્ડે પણ નીહાળ્યું હતું. તેણે પણ ખૂણામાં પડેલો એક રોડ ઉઠાવ્યો અને બહાર નીકળી પડયો.

@@@

બે ખૂંખાર શિકારી પ્રાણીઓ એકબીજાની સામસામે ઘૂરકી રહ્યા હતા. ગાર્ડનાં હાથમાં ભારેખમ લોખંડનો રોડ હતો જ્યારે અભિમન્યુ નિહથ્થો હતો. કોરીડોરનાં છેવાડેનાં ખૂણે એકદમ તંગ અને ખતરનાક પરિસ્થિતિ ઉદભવી હતી. પેલો ગાર્ડ પણ કદાવર શરીરનો માલીક હતો. તેના ઘેરા કાળા ચહેરામાં ચમકતી આંખોના ડોળામાં અમાનુષી શક્તિ ઉભરી આવી હતી. પહેલો ઘા પરમેશ્વરનો, એ હિસાબે તેણે અભિમન્યુ ઉપર વણચિંતવ્યો હુમલો તો કરી નાંખ્યો હતો પરંતુ તેમા તેને શિકસ્ત મળી હતી એટલે તે ભૂરાયો થયો હતો. તેણે ફરીથી રોડ ઉઠાવ્યો અને ઝનૂનપૂર્વક અભિમન્યુનું માથું ફોડી નાંખવા માંગતો હોય એમ ઉભો ઘા કર્યો. અભિએ એ જોયું. હાથ આડો કરીને એ ઘા ચૂકવી શકવાની સ્થિતિ નહોતી. એવું કરવા જતાં હાથનાં હાડકાનો કચ્ચરઘાણ નીકળી જાવાની ભિતી હતી એટલે તે પોતાની જગ્યાએથી રીતસરનો કૂદયો અને ડાબી બાજું સરકયો. પણ તેમાં એ થોડો મોડો પડયો. સૂસવાટાભેર લહેરાયેલો રોડ તેના માથાનાં ભાગે ટકરાવાનાં બદલે તેના જમણાં સોલ્ડર સાથે ટકરાયો. ધફ્ફ… અવાજ થયો. અભિમન્યુને લાગ્યું કે તેનો જમણો ખભો તેના જોઈન્ટમાંથી ઉખડી ગયો છે અને હાથ છૂટો પડી ગયો છે. અભિમન્યુની જગ્યાએ જો અન્ય કોઇ વ્યક્તિ હોત તો તેના મોં માંથી રાડ ફાટી પડી હોત અને અસહ્ય દર્દથી તે ત્યાંને ત્યાં જ બેભાન બની ગયો હોત. પરંતુ નહિં, આ અભિમન્યુ હતો. આવાં તો કેટલાંય ઘા તેણે પોતાના શરીર ઉપર ઝિલ્યાં હતા. આવાં એકાદ-બે પ્રહારમાં તે હાર માની લે એવો નહોતો. ખભામાં ઉઠતાં દર્દને અવગણીને તે તુરંત ટટ્ટાર થયો અને સામેથી બીજો પ્રહાર થાય એ પહેલા થોડા સ્વસ્થ થવાની કોશીશ કરી. સાથોસાથ તે સહેજ પાછળ પણ હટયો હતો અને હાથ ઝટકાવ્યો હતો. ડાબા હાથેથી તેણે જમણો ખભો દાબ્યો અને તપાસી લીધું કે ક્યાંક હાડકું તેના જોઈન્ટમાંથી ઉતરી તો નથી ગયું ને! પણ તેનું નસીબ સારું હતું. લોખંડનો વજનદાર રોડ ખભાનાં જોઈન્ટમાં વાગ્યો જરૂર હતો પરંતુ વાર સહેજ ત્રાસો થયો હતો એટલે તે બચી ગયો હતો. અભિએ દાંત ભિસ્યાં અને દર્દનો ઘૂંટડો ગળા હેઠે ઉતાર્યો. ફરીથી તે ગાર્ડનો સામનો કરવા સજ્જ થયો પરંતુ આ વખતે તેણે પેંતરો બદલ્યો હતો. એકાએક તે ખામોશ થયો. એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને સામેવાળાની હરકત… તેની એકેએક મૂવમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ગાર્ડે ફરીથી રોડ ઉઠાવ્યો અને આ વખતે આડો વિંઝયો. અભિમન્યુએ રોડને પોતાની તરફ આવતો જોયો. રોડ તેના શરીરની એકદમ નજીક આવ્યો ત્યારે તે એકાએક નીચે ઝૂકી ગયો. અને… સાથોસાથ નજીક આવી પહોંચેલા ગાર્ડની છાતીમાં કચકચાવીને એક ઘૂસો ફટકારી દીધો. એક સાથે બે ઘટનાઓ બની હતી. ગાર્ડે કરેલો ઘા અભિનાં માથા ઉપરથી પસાર થઇ ગયો હતો અને પેલા ગાર્ડની છાતીમાં… પેટ અને પાંસળીઓની બરાબર વચ્ચે અભિમન્યુનો લોખંડી ઘૂસો વાગ્યો હતો. ફરીથી ધફફફ્… જેવો અવાજ આવ્યો અને આ વખતે ઉછળવાનો વારો ગાર્ડનો હતો. ઘડીક તો તેને એવું જ લાગ્યું કે જાણે કોઈએ તેની છાતી ઉપર વજનદાર પથ્થરનો છૂટ્ટો ઘા કરીને માર્યો છે. તે બેવડ વળી ગયો. આપોઆપ તેના પગ પાછળ ધકેલાયા અને હાથમાં પકડેલા રોડ ઉપરથી તેની પકડ ઢિલી પડી. અભિમન્યુ આ મોકો ચૂકે તેમ નહોતો. તે સીધો ઉભો થયો અને વાંકાં વળીને કરાહતાં ગાર્ડનાં માથા ઉપર પોતાનો હાથ કોણીયે થી વાળીને જબરદસ્ત પ્રહાર કર્યો. “ઓહ માય ગુડનસ…” પ્રહાર એટલો જબરદસ્ત હતો કે પેલાને એમ જ લાગ્યું કે તેની ખોપરીનાં ટૂકડા થઇ ગયાં છે. તેની આંખો આગળ અંધારું છવાયું. રોડ હાથમાંથી છટકીને નીચે પડી ગયો અને પોતાના બન્ને હાથોથી માથું દબાવતો તે ફર્શ ઉપર ઉભડક બેસી પડયો. અભિમન્યુનાં એક જ અટેકથી તેના હૌંસલાં પસ્ત થઇ ગયા હતા અને તેણે હાર સ્વીકારી લીધી હતી.

બરાબર એ ક્ષણે જ બીજો ગાર્ડ ત્યાં આવી ચડયો. સૌ પ્રથમ તેની નજરો પોતાના સાથીદાર ઉપર પડી. તેનો સાથીદાર ફર્શ ઉપર કરાહતો બેઠો હતો. પળવારમાં તે સમગ્ર મામલો પામી ગયો અને… તે દોડયો. સામે અભિ પણ તૈયાર જ હતો. તે હજું પણ શાંત ઉભો હતો. તેનો ખભો ભયંકર રીતે લવકારા મારતો હતો છતાં તે ચલિત નહોતો થયો. સામેથી દોડતો આવતો ગાર્ડ જ તેનું લક્ષ્ય હતો. જેવો એ ગાર્ડ નજદિક આવ્યો અને તેણે રોડ ઉઠાવ્યો કે અભિનાં પગે હરકત કરી. સૂસવાટાભેર ભયંકર ઝડપે અભિની લાત પેલા ગાર્ડનાં બે વચ્ચે અથડાઈ. ધફફફ્… બીજો એક બોદો અવાજ થયો અને તે ગાર્ડની હાલત પણ તેના સાથીદાર જેવી જ થઇ. અભિને મારવા ઉઠાવેલો રોડ હવામાં જ અટકી ગયો અને તેની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. ઘડીક તો તે સમજી ન શક્યો કે ક્યાંથી દર્દ ઉદભવ્યું છે! અને જ્યારે સમજાયું ત્યારે પોતાના બન્ને હાથને પગ વચાળે દાબીને નીચે ફર્શ ઉપર આળોટવા લાગ્યો. ત્યારબાદ અભિ અટકયો નહી. એ બન્નેને ત્યાં જ પડયા રહેવા દઇને તે આગળ વધી ગયો. તેની મંઝિલ સામે દેખાતી દિવાલ અને તેની પાછળની દુનિયા હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.

રેટ કરો અને રિવ્યુ આપો

Jayesh Vora

Jayesh Vora 3 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

maya shelat

maya shelat 9 માસ પહેલા

Jatin Gandhi

Jatin Gandhi 12 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા