દરવાજે આવી ઊભેલી એ કાળી આકૃતિ સામે કૌશલ અને કૃશાલ તાકી રહ્યા હતા ... એમના જીવ તાળવે ચોંટી ગયા હતા.... જીવન-મરણનો પ્રશ્ન આવી ગયો હતો અને...... એ ભૂતે બૂમ પાડી-
“કુણ સે લ્યા?”
“હેં?” કૌશલ અને કૃશાલથી એકસાથે બોલાઈ ગયું.
એ કાળી આકૃતિએ સ્વીચબૉર્ડ તરફ હાથ લંબાવ્યો. ઘડીક આડેધડ સ્વીચો દબાવ્યા પછી લાઇટની સ્વીચ ઓન થઈ. ટ્યુબલાઈટ ચાલુ થઈ. પ્રકાશ પથારયો... ઘડીક આંખો અંજાઈ ગઈ. આંખો પટપટાવીને આ બંનેએ એ ભૂતને – એટલે કે એ માણસને ઓળખ્યો અને તેમનાથી બોલાઈ ગયું-
“સચિન???”
સચિને પણ આ બંનેને ઓળખ્યાં અને હસ્યો. દરવાજાની બહાર ડોકિયું કરીને મોટેથી બોલ્યો-
“અલ્યા એય રાકલા, આ તો કૌશલિયો અને આ આપણો બીજો ભઈબંધ જ છે.”
“રાકેશ?” વળી કૌશલ-કૃશાલ બોલ્યા- "એ ય અહીં છે?"
“ઓલ્યો બીયાતો’તો.” કહેતો સચિન આ બંનેની પાસે આવ્યો- “રાકેશિયો આંયથી દોડતો નીકર્યો અન તમન બે જણાન જોઈ બીયાઈ જ્યો. મારી જોડે આઇન મન કે કંઈક સ ઓલા આઠ નંબરમાં. પણ જોવો તમે મારી હિંમત. મું ના બીયાણો. બિયાણો?સીધો જ આંઇ આયો. લાઈત ચાલુ કરી જોઉં સું તંઈ તમે બે!”
રાકેશ પણ આવ્યો. આવતાવેંત કૌશલ પર તાડૂક્યો- “શું કરો છો અહીં તમે બંને? હેં?”
“તમે બંને આટલી રાતે કોલેજમાં શું કરો છો?” કૌશલે વળતો સવાલ કર્યો.
"ખૂન તમે જ તો કઈરું નથી ને?" કૃશાલ પૂછ્યું.
"ના લ્યા!" રાકેશે એને ધમકાવ્યો- "બોલવાનું ભોન પડ સ ક નઈ તન કઈં?"
“ફોન લેવા આવ્યા હતા.” કહીને રાકેશે ખીસામાંથી એનો ફોન કાઢ્યો.
“ને દિલ્લગી લેવા.” કહીને સચિને ત્રણ દિલ્લગી દેખાડી. બોલ્યો – “પાંચ હતી, ચાર તો ખઈ જ્યો. કંટાળો આવ-"
“પણ તમે આંય આઈવા કીયાંથી?” કૃશાલે પૂછ્યું.
“મૂત્તેડીમાં હંતાયા 'તા.” સચિને કહ્યું- "હારા સફાઈ તો રાખતા જ નહીં કોઈ. એવી વાસ માર સ ન!"
“તમનેય વૃંદા મળી હતી?” કૌશલે પૂછ્યું- "એણે તમને કંઈ સમજાવ્યું હતું?"
“કોણ વૃંદા?” રાકેશે પૂછ્યું- “અને તમે અહીં શું કરો છો? અમને તો બધું પૂછી લીધું. તમે તો બોલો! કે પછી રોજ અહીં જ રાત રોકાઓ છો?”
“અમને વૃંદા નામની એક છોકરી મળી હતી.” કૌશલે આખી વાત માંડી- “તારો ફોન લઈ લેનારો પ્રોફેસર... ....” તેણે આખીય વાત વિસ્તારથી કહી સંભળાવી. કૌશલના અને કૃશાલના ફોન પર કોન્ફરન્સ-ફોન આવ્યો. બંને એ ફોન ઉપાડ્યો...
સેજલે અને ધવલે એક કાર આવતી જોઈ હતી અને તેઓ સાબદાં બન્યાં હતાં. કાર કોલેજના દરવાજે આવીને ઊભી રહી હતી. એમણે તરત જ ફોન લગાડ્યો હતો.
ધવલે ધીમા અવાજે માહિતી આપવાનું શરૂ કર્યું. કારની હેડલાઈટ બંધ થઈ. કારમાંથી બે માણસો ઊતર્યાં. અંધકારમાં તેમનાં ચહેરા દેખાતાં નહોતાં. એક માણસ કોલેજના દરવાજે ગયો. બીજો કાર પાસે જ ઊભો રહ્યો. પેલા માણસે કોલેજનો દરવાજો ખોલ્યો. દરવાજાની ચાવી આ માણસ પાસે ક્યાંથી આવી? જે કારણ હોય તે, અત્યારે તો તે કોલેજમાં ઘૂસ્યો અને પોતાની પાસેની ટૉર્ચ ઓન કરી. અંદર ચાલ્યો ગયો. અહીંયા ઊભેલો માણસ આ તરફ આવ્યો. ધવલે ધીમા અવાજે ફોનમાં કહી દીધું કે હવે ફોન કાપવો પડશે અને એમણે ફોન કાપી નાંખ્યો. બંને ટુકડીઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો! પેલો માણસ છેક નજીક આવી ગયો. તે રાષ્ટ્રધ્વજના થાંભલાના ઓટલા પર જ ઊભો રહ્યો. સેજલ અને ધવલ જરા પણ હલ્યા વિના એ ઓટલાની નીચે જ લપાઈ રહ્યા. પેલાએ સિગારેટ સળગાવી અને કશ લેવા માંડ્યો. આમતેમ નજર રાખવા માંડ્યો. આ તરફ ચારેય મિત્રો લપાતાં-છૂપાતાં થિએટર-8ની બહાર નીકળ્યા...
(વધુ આવતા અંકે)