સાહસ - 1, 2 Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહસ - 1, 2

સાહસ (અંક 1)

સેજલ કોલેજનાના કમ્પાઉંડના ચોકીદારની નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી વહેલી જઈ રહી હતી. હવે તે કૉલેજ તરફ, એટલે કે જમણી તરફ વળી. ચાલવાના કારણે લયબદ્ધ રીતે ડામરના રૉડ પર પડતાં તેના પગલાંનો અવાજ તેને જ સંભળાતો નહોતો કેમ કે તેનાં કાનમાં ઈઅરફોન હતાં. ઈઅરફોનનો સફેદ વાયર સેજલના લાલ ટોપથી જરા છેટો રહીને લસરતો જતો જીન્સ પેન્ટના એક ખીસામાં મૂકેલા મોબાઈલની ટોચ પરના ગોળ સોકેટમાં ઘૂસતો હતો, જે મોબાઈલના અવાજને છાનોમાનો સેજલના કાન સુધી લઈ જતો હતો અને કાનમાં એ સંગીતને વહેતું મૂકી દેતો હતો. ઘરથી કૉલેજ સુધીની મુસાફરી દરમિયાન ખખડી ગયેલી લાલ બસના ઘોંઘાટથી મગજની નસો ફાટી ન જાય એ બીકે સેજલ અને બીજા ઘણાં વિદ્યાર્થીઓ કાનમાં સંગીત વહેતું કરીને મગજને શાંત રાખતાં. સંગીતથી ભીનાં થયેલાં સેજલનાં મગજમાં અત્યારે શુભ વિચારો ચાલી રહ્યા હતા. આજુબાજુ અડીખમ ઊભેલાં લીલાંછમ વૃક્ષોના ભરચક પાંદડાની વચ્ચેથી ધીમી ગતિએ સરી જતાં પવનની ઠંડક સેજલને અનુભવાતી હતી, ખુલ્લા રાખેલાં તેનાં વાળ એ પવનના લયમાં જરા ફરફરતાં અને સેજલને ખભે ભરાવેલી ભારેખમ બેગનો ભાર જરા ઓછો થતો લાગતો.

કૉલેજના ગેટ આગળ પહોંચી ત્યારે તેણે ઈઅરફોન કાઢી લીધાં. લગભગ એક કલાક પછી તેનાં કાનમાં બહારની હવા પ્રવેશી. કાનમાં નવી હવાનો સળવળાટ અનુભવાયો. ઈઅરફોનનું ગૂંચળું વળાયું અને ખીસામાં ખોસાયું. મોબાઈલ પર આંગળીથી ટેપ કરીને, ગીતો બંધ કરવાનો હુકમ અપાયો. સેજલ કૉલેજમાં પ્રવેશી. આજે તે ઘણી વહેલી, નવને પચાસે આવી ગઈ હતી. ગેટમાં પ્રવેશતાં સામે દેખાતી સીડીઓ તરફ તે ચાલતી રહી. બંને તરફના નોટીસ-બૉર્ડ પર ઊડતી નજર નાંખી લીધી. હજી ઓફીસો બંધ હતી એ અને પ્યૂન કચરો વાળી રહ્યા હતાં એ તેણે જોયું. સીડીઓ ચડીને નવ નંબરના ક્લાસ તરફ ગઈ. બધાં સ્ટાફરૂમ બંધ હતાં.

ક્લાસ-9નો મોટો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશી.... કોઈ દુર્ગંધ તેના નાકમાં પ્રવેશી... અને... સેજલની નજર ગઈ પાટલીઓની વચ્ચેની ચાલવાની જગ્યામાં... આ વિશાળ થીએટરમાં ત્યાં લોહીના લાલ ખાબોચિયાની વચ્ચે એક મરેલું શરીર પડ્યું હતું... જાણે મગજ બંધ પડી ગયું... આંખે અંધારા આવ્યા... તે લથડી... બેભાન થઈને ઢળી પડી.... (વધુ આવતા અંકે)



સાહસ (અંક 2)

સેજલ ભાનમાં આવી. આંખો હજી બંધ હતી. કાનમાં ઘણાં લોકોનો અવાજ પ્રવેશી રહ્યો હતો. તેનાં મોં પર કોઈક પાણી છાંટી રહ્યું હતું. કોઈ તેનું નામ બોલ્યું. તેણે આંખો ખોલી. બેઠી થઈ. નજર તરત જ લાશ પડી ત્યાં દોડી ગઈ. લાશની બાજુમાં ઉભડક બેઠેલાં એક ડૉક્ટર કંઈક ચેક કરી રહ્યાં હતાં. આજુબાજુમાં પોલીસો ઊભાં હતા. અમુક પ્રોફેસરો પ્રિન્સિપાલની આજુબાજુ ઊભા હતા. થીએટરની બહાર વિદ્યાર્થીઓની ભીડ જામી હતી. એક કોંસ્ટેબલે તેમને બહાર રોકી રાખ્યા હતા. હવે સેજલની નજર તેના મોં પર પાણી છાંટીને તેને જગાડનાર વ્યક્તિ તરફ ગઈ. ધવલ. ધવલે સેજલને એની બોટલ પાછી આપતાં પૂછ્યું-

“સેજલ, તું ઠીક તો છે ને?”

સેજલ કંઈ જવાબ આપી ન શકી. હજીય તેને મરેલા ચોકીદારનો ચહેરો દેખાતો હતો. તેનું કપાયેલું ગળું અને ગળામાંથી વહેલું લોહી સેજલના મનમાંથી ખસતાં નહોતાં. પોલીસ ઈંસ્પેક્ટર સેજલ અને ધવલની નજીક આવ્યા. બોલ્યા-

“જણાવો મને બધું. શું જોયું તમે બંનેએ?”

સેજલના હોઠ ધ્રૂજતાં હતાં. આખા શરીરમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. ઈંસ્પેક્ટરે તેને બેન્ચ પર બેસવાનું કહ્યું. એ અને ધવલ એક બેન્ચ પર બેઠાં. સામે બીજી બેન્ચ પર એ યુવાન ઈંસ્પેક્ટર બેઠા. સેજલે બોટલમાંથી ધ્રૂજતાં હાથે પાણી પીધું. ધવલે વાત માંડી-

“હું લગભગ સાડા દશે આવ્યો હતો. ત્યારે સેજલ અહીં બેભાન પડી હતી અને... ત્યાં પેલો ચોકીદાર મરેલો પડ્યો હતો. હું સીધો ઓફિસમાં દોડી ગયો હતો. પછી તો બધાં ભેગાં થઈ ગયા અને તમને બોલાવી લીધાં.”

“તું આવી ત્યારે લાશ અહીં જ પડી હતી?” ઈંસ્પેક્ટરે સેજલને પૂછ્યું.

સેજલ કંઈ બોલી ન શકી. ફક્ત માથું હલાવીને હા પાડી.

“આ રૂમ બહારથી બંધ હતો?” બીજો પ્રશ્ન.

સેજલે ફરી માથું હલાવીને હા પાડી.

“સમય શું થયો હતો?”

“દ... દસ.”

ધવલે જોયું કે ઈંસ્પેકટર તેમને જે કંઈ પૂછી રહ્યાં હતાં એ એક પ્રોફેસર થોડે દૂર ઊભા રહીને બહુ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ધવલ એ પ્રોફેસરને ઓળખતો નહોતો. લગભગ કેમેસ્ટ્રીના પ્રોફેસર હતાં એ. તેઓ ગભરાઈ રહ્યા હતાં કે ધવલને એવું લાગતું હતું એ ભ્રમ હતો એનો ? ધવલે એ પ્રોફેસરને બરાબર યાદ રાખી લીધા. ઈંસ્પેક્ટર બીજા બે-ત્રણ પ્રશ્નો પૂછીને ઊભાં થયાં. પેલાં પ્રોફેસર વર્ગની બહાર નીકળી ગયા. તેઓ હાંફળાફાંફળા વિદ્યાર્થીઓના ટોળાં વચ્ચેથી બહાર નીકળ્યા. એક છોકરા પર તેમનું ધ્યાન ગયું. તેમણે એ છોકરાને ઓળખ્યો- રાકેશ. રાકેશની પાસે જઈને તેમણે રાકેશનો મોબાઈલ માંગ્યો રાકેશને અને તેની બાજુમાં ઊભેલાં સચિનને નવાઈ લાગી. પ્રોફેસરને ના ન પાડી શકેલા રાકેશે ફોન કાઢ્યો. પ્રોફેસરે ઝાટકા સાથે ફોન ખેંચી લીધો. સચિને ખીસામાંથી પાંચેક દિલ્લગીનો થપ્પો કાઢ્યો એ પણ ઝૂંટવી લીધો અને ચાલતાં થયાં.

“ઓ સર...” કહેતો રાકેશ તેમની પાછળ ગયો

“અલ્યા, મારી પોંચ દિલ્લગી ચોં લઈ જાઓ સો સાએબ?” કહેતો સચિન પણ પાછળ ગયો.

(વધુ આવતા અંકે)