સાહસ - 6 Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહસ - 6


પૂછપરછ પૂરી થઈ ગઈ હતી અને વૃંદા તેનો ફોન પાછો લઈ આવી હતી. હવે તે આ ચારેયને લઈને કોલેજની બહાર એક નિર્જન જગ્યા પર આવી હતી. એક લીમડા નીચે બેસી શકાય તેવા અલગ અલગ પથ્થરો પર પાંચેય જણાં ગોઠવાયા. જાણે પંખીઓ પણ તેમની વાત સાંભળવા માટે ચીં-ચીં બંધ કરીને શાંતિથી ડાળીઓની વચ્ચે લપાઈ ગયાં હતાં. સેજલે વૃંદાને પૂછ્યું-

“તું આ કોલેજમાં ભણે છે?”

“નથી ભણતી.”

“એટલે...” કૌશલે ચોખવટ કરવા પૂછ્યું- “ભણતી જ નથી?”

“ભણું છું.” વૃંદાએ કહ્યું- “મારી રીતે.”

“કોઈ કોલેજ કે સ્કૂલમાં વધુ વ્યવસ્થિત રીતે ભણી શકાય.” કૌશલે કહ્યું.

“એમ?” વૃંદાએ પૂછ્યું- “મોબાઈલ ઓફિસમાં મૂકીને વાતો રૅકોર્ડ કરી લેવાનો વિચાર તમને કેમ ન આવ્યો આટલું ફિઝિક્સ ભણો છો તો પણ?
પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે અંધાધૂંધ ગોખણપટ્ટી કરવી એને તમે ભણવું કહો છો? ને આવી નિરર્થક મજૂરી કરાવવા સરકારી પગારદારોનું એક ઝૂંડ જે મકાનમાં ભેગું થયું હોય અને વર્ષો સુધી કેટલાય યુવાનોની યુવાની એવી જ ગધ્ધામજૂરીમાં વેડફાઈ જતી હોય જ્યાં એને તમે કોલેજ કહો છો?”

કોઈની પાસે કોઈ જવાબ નહોતો. સહેજ હસીને વૃંદાએ કહ્યું- “છોડો, હવે મૂળ વાત પર આવીએ.” ને એણે એનો મોબાઈલ બધાંની વચ્ચે મૂકીને રૅકોર્ડિંગ પ્લે કર્યું. બધી વાતો તેમણે સાંભળી. સેજલે અગત્યની લાગતી વાતો ચોપડામાં નોંધી લીધી. વૃંદાએ ફોન પાછો લીધો. બોલી-

“બોલો, કોઈના મનમાં કંઈ અનુમાન બંધાય છે?”

“કન્ફ્યુઝનના જાળા બંધાય છે.” કૃશાલે કહ્યું.

“મારે તમને ત્રણ વાતો કહેવી છે.” વૃંદાએ વાત શરૂ કરી- “સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે હું આ માથાપચ્ચીમાં કેવી રીતે દાખલ થઈ ગઈ. હું અને વેદ અને એક પ્રયોગ કરી રહ્યાં છીએ. એ માટે હું રસાયણોના એક સ્ટોરમાં ગઈ હતી. એક પ્રોફેસર ત્યાં ઊભાં હતાં. તેમણે યુરિયા-નાઈટ્રેટ અને એમોનિયમ-નાઈટ્રેટનો ઘણો જથ્થો ખરીદ્યો. તેમણે બીલ બનાવડાવ્યું તમારી કોલેજના નામે. હા, એ પ્રોફેસર હતાં આ પ્રતાપ ડામોર. મને પ્રશ્ન થયો કે આમ અડધા સેમેસ્ટરમાં કોઈ કોલેજ રસાયણો ન ખરીદે. વળી, તેમણે જે રસાયણો ખરીદ્યા હતાં એ કોલેજની પ્રયોગશાળામાં એટલાં વધારે પ્રમાણમાં નથી વપરાતાં કે અડધા સેમેસ્ટર સુધીમાં ખૂટી પડે. પછી મને યાદ આવ્યું કે આ રસાયણો ‘એક્સપ્લોઝિવ’ પદાર્થો બનાવવા માટે વપરાય છે. તમારા એ પ્રોફેસર કોઈ ‘બોમ્બ-વિસ્ફોટ’ કરવાની તૈયારીઓ કરી રહ્યા હોય તેવી પૂરી સંભાવનાઓ મને લાગી. એમનો પીછો કરતી કરતી હું અહીં સુધી આવી પહોંચી. અહીં આવી ત્યારે ખબર પડી કે વાત ઘણી વણસી ગયેલી છે. ચોકીદારનું ખૂન થઈ ગયું છે. હવે બીજી વાત કરું. આપણે આ પૂછપરછ સાંભળી એના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ચોકીદારનું ખૂન રાત્રે થયું હતું. એનો અર્થ એ થયો કે રાત્રે કોલેજમાં કોઈક હાજર હોય છે. ચોકીદાર પહેલેથી એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અને પછી કોઈક જાતની ખટપટ થઈ જતાં ચોકીદારને રસ્તામાંથી દૂર કરવા માટે તેને મારી નાખ્યો હોય તેવું મારું અનુમાન છે. ત્રીજી વાત છે એ તમને લાગુ પડે છે. જો તમારે કોઈ મોટી આફત ટાળવી હોય, તમારી કોલેજને અને કદાચ આખા અમદાવાદને બચાવવું હોય તો એક જોખમી મિશન પર ઊતરવું પડશે. ગમે તેમ કરીને છાનામાના આજની રાત કોલેજમાં રોકાઈ જાઓ. જુઓ કે રાત્રે શું થાય છે કોલેજમાં. આવી રહેલી સમસ્યાને રોકવા માટે કોઈ જોખમી પગલાં ભરવા પડે તો કરજો સાહસ.”

વૃંદાનો ફોન રણક્યો. ફોન ઉપાડીને તે બોલી- “હા વેદ, બસ હવે નીકળું જ છું. વીસ-પચીસ મિનિટમાં પહોંચું.”
ફોન મૂકીને તે ઊભી થઈ. બોલી- “હું નીકળું છું, આ મિશનની જવાબદારી તમને ચારેયને સોંપીને.” વૃંદા ચાલતી થઈ. અટકી. અવળી ફરી. બોલી- “સાચવજો, પેલાં ચોકીદારની જેમ તમારું પણ ખૂન થઈ શકે છે. ઓલ ધ બેસ્ટ!”

(વધુ આવતા અંકે)