સાહસ - 7 Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહસ - 7


વૃંદા ગઈ. ચારેય જણાં એક મિનિટ સુધી તો મૌન બેસી રહ્યાં. જાણે વૃંદા હજીય તેમની સામે બેઠી છે એવું તેમને લાગતું રહ્યું. વૃંદાનો અવાજ જાણે હજી એમના કાનમાં ગુંજતો હતો. વૃંદાનું મનોહર મુખ હજી એમની નજર સમક્ષ તરવરતુ હતું. વૃંદાને પાછી બોલાવવા માંગતા હોય એમ પંખીઓએ ટહુકારા શરૂ કરી દીધાં તો પણ એ ઝાડની નીચે બેઠેલા ત્રણેય છોકરાં ભાનમાં નહોતા આવ્યા.

“શું કરીશું?” સેજલે પ્રશ્ન કર્યો.

પેલાં ત્રણેય ઝબકયાં.

“રોકાઈશું આજની રાત.” કૌશલે કહ્યું.

“કઈ રીતે?” કૃશાલે પૂછ્યું- “એકેય યોજના સે તારી પાંહે?”

“બનાવી દઈએ.” ધવલે કહ્યું- "તૈયાર થોડી પડી હોય? બનાવવી પડે!"

“સૌથી પહેલો પ્રશ્ન તો એ છે...” સેજલે મૂંઝવણ વ્યક્ત કરી- “કોલેજમાં રોકાઈશું કેવી રીતે?”

“લગભગ સાડા પાંચે આ લોકો કોલેજ બંધ કરે છે.” ધવલે કહ્યું.

“એ વખતે બધાં કલાસરૂમ પણ ચેક કરે છે.” સેજલે કહ્યું.

“મૂતરડી તો ચેક નહિ કરતાં હોય!” કૌશલે કહ્યું.

“અલા એય ભાઈબંધ, તું આઈખી રાત મૂતેડીમાં પઈડા રે’વાનું વિચારે સે?” કૃશાલે પૂછ્યું.

“અડધા કલાકનો જ પ્રશ્ન છે, લ્યા!” કૌશલે કહ્યું.

“હા બરાબર.” ધવલે સમજાવ્યું- “કૌશલની વાત સાચી છે. પાંચ વાગ્યા પહેલાં તો કોલેજમાં ગમે એમ ફરો કોઈ કશું ન બોલે. પાંચ કે સવા પાંચે મૂતરડીમાં ઘૂસી જવાનું અને પોણા છ વાગ્યે બહાર નીકળવાનું. કોલેજ બહારથી બંધ થઈ ગઈ હશે. આપણાં સિવાય કોઈ નહિ હોય. રાત્રે જે થવાનું હશે એ થશે.”

“પણ બધાં એક મૂતરડીમાં નહિ સંતાઈએ.” સેજલે કહ્યું- “બધાં અલગ-અલગ મૂતરડીમાં સંતાઈશું. કદાચ એકાદી મૂતરડીમાંથી કોઈ પકડાઈ ગયું તો આખી ટીમે બહાર ન નીકળવું પડે અને આપણું મિશન અટકી ન પડે.”

"ઈ વાત તમારી હાચી પણ....” કૃશાલે કહ્યું- “મને ઇમ લાગે સે કે આખી ટીમે અંદર નો રે’વાય. બૅકઅપ માટે અડધી ટીમે બા’ર રે’વું જોઈએ.”

“હં!” કૌશલે કહ્યું – “ને બહાર શું થાય છે એની અંદરના લોકોને માહિતી આપવા માટે બહાર કોઈકે નજર રાખવી પડે.”

“હું તો બહાર જ રહીશ.” સેજલે કહ્યું- "મારે મુતરડીમાં નથી રહેવું!"

“જોયું? સટકી જઈ! હારુ. તું અને ધવલ બહાર રે’જો.” કૃશાલે કહ્યું.- “હું અને કૌશલ અંદર અહીશું.”

“આપણે બધાં એ વખતે કોન્ફરન્સ કોલ કરીને એકબીજા સાથે કનેક્ટેડ રહીશું.” ધવલે કહ્યું.

“તો બોલો, આપણો ફાઈનલ પ્લાન શું?” સેજલ કહ્યું- “એક વખત બધાં બરાબર કન્ફર્મ કરી લઈએ.”

કૌશલે કહ્યું- “હું અને કૃશાલ સવા પાંચે અલગ અલગ મૂતરડીઓમાં-”

“ઊભો રહે.” ધવલે વચ્ચેથી કૌશલને અટકાવ્યો અને બોલ્યો- “હજી તો પાંચ વાગવામાં ચાર કલાકની વાર છે. ત્યાં સુધીમાં આપણે બધાં ઘરે જઈએ. મોબાઈલ બરાબર ચાર્જ કરી કરી લઈએ, પેટ ભરીને ખાઈ લઈએ અને પાછા આવીએ લગભગ સાડા ચારે.”

“હા, બરાબર.” સેજલે કહ્યું- “ને ઘરેથી છરી જેવું કંઈક લેતાં આવજો બધાં. વૃંદાએ છેલ્લે શું કહ્યું હતું યાદ છે ને?”

“ઓકે.” કૃશાલે આગળ કહ્યું- “હમણાં બધાં ઘરે જઈએ. મોબાઈલ ચાર્જ કરી લઈએ અને હેયને ભરપેટ ભોજન કરી લઈએ. હાડાચારે પાસા મલીએ. ઈ વખતે હું ને કૌશલ અંદર જઈશું. સેજલ અને ધવલ બાઈર રખડશે. કોલેજ બંધ કરીને પબ્લિક ઘરભેગું થવા નીકળશે એટલે ધવલ કે સેજલ અમને બંનેને ફોન કરશે. અમે મૂતરડીમાંથી બહાર નીકળીશું. ચોખી હવાના બે શ્વાસ લેશું. પછી તો શું થવાનું સે ઈ કંઈ નક્કી નથી. કોલેજની બાઈર જે થાય એ તમારે બંનેએ ધ્યાન રાખવું અને અમને કે’વાનું, અંદરનું અમે તમને કે’શું. જો અંદર તમારી જરૂર પડશે તો અમે તમને બોલાવી લઈશું. બાઈર ગરબડ થાય તો અમને બોલાવી લેજો. જે થાય એ ચારેય ભેગા મળીને સહીશું, બધા સામનો કરીશું.”

આવી યોજના બનાવીને ચારેય છૂટાં પડ્યા.

(વધુ આવતા અંકે)