તને જાતાં જોઈ હસવાની વાટે..!
સ્વ્પ્નાઓનું પણ સાલું કંઈ નક્કી નહિ. આવે તો છપ્પર ફાડીને આવે, ને નહિ આવે તો, ઠુંઠી સાવરણીનું પણ સ્વપ્ન નહિ આવે. અમુક તો એવાં નસીબના ધોયેલા કે, બોલીવુડથી માંડીને ઢોલીવુડ સુધીની હિરોઈનના સ્વપ્નાની મઝા લે. ત્યારે ૨૬ મી જાન્યુઆરીએ મને ગાંધીજી સ્વપ્નમાં આવ્યા. ગાંધીજીના દર્શન થતાં જ મારાથી ચીસ નંખાય ગઈ કે, ‘આઝાદી અમર રહો..!’ ને બાજુ વાળી જાડીએ સાંભળ્યું, ‘આ જાડી અમર રહો..!’ હજી ઝઘડો શાંત થયો નથી બોલો...!
વાસ્તવમાં ગાંધીજી મને કહેવા આવેલા કે, આ બેંક ખાડામાં જાય તો, ચારેય બાજુ ચિંતા થાય છે. પણ માણસ ખાડામાં જાય તો લોકો એને ખાડામાંથી બહાર કેમ કાઢતાં નથી ? તમારે શું માત્ર અખાડામાં જઈને બાવડાં જ ફૂલાવવાના..? કોઈ રડતાને હસાવે એમાં કયો ઉપવાસ તૂટી જવાનો હતો..? બીજું કંઈ નહિ તો એને હસાવવાની તો ટ્રાય કર..? શું તમે એમ માનો છો કે, એ દટાવા માટે ખાડામાં પડેલો છે..? ‘ બાપુને કેમ સમજાવવું કે, જેને જન્મ્યો ત્યારથી હાસ્ય સાથે બારમો રાહુ હોય, એને હસાવવો કેમનો..? જન્મ્યો ત્યારથી હસ્યો જ ના હોય, તો કઈ કેપ્સુઅલ આપીને ઠસાવીએ કે, ભાઈ, સાચું સુખ તો ‘હાસ્ય’ માં છે..! અમુક પરપોટા તો એવાં કે, આખું ગામ એને ગલગલીયાં કરે તો પણ ના હસે..! બાપુ પણ સમજી ગયાં, જેનામાં હાસ્યનો છાંટો જ ના હોય, એની પાછળ હસાવવાની મજુરી ના કરાવાય. એવાના કાનમાં ભૂંગળું નાંખીને પણ રમેશ ચાંપાનેરી ચાંપાનેરી જોક્સ સંભળાવે તો પણ વ્યર્થ..! બાપુજી અલોપ..!
લોકો હસવાના હથિયાર સદંતર બંધ કરી દે, તે પહેલાં સરકારે એકાદને હાસ્ય-મંત્રીનું ખાતું આપીને સંસદના ઓટલે બેસાડવાની વેળા આવી ગઈ છે. જે માત્ર લોકોને હસાવવાનું જ કામ કરે. ફસાવવાવાળાની ખોટ નથી, પણ હસાવવાળાની હવે ખાટલે મોટી ઓટ આવવા માંડી છે..! મારે ભારે પગે બોલવું પડે છે, (પગમાં પ્લાસ્ટર છે, અનર્થ નહિ કરતાં બોસ..!) કે જેને બારાખડીમાં પાયાથી જ હાસ્યનો હ શીખવવાને બદલે, હાથીનો હ શીખવવામાં આવ્યો હોય, એને હાસ્યની કીમત ક્યાંથી સમજાય..? એ હાથી બને પણ હાસ્યકલાકાર નહિ..! એવાં હાથી કે, અમુક તો ધરતી ઉપર હસવાને બદલે ઢોર ચરાવવા આવ્યા હોય એમ, હસવા કહીએ તો સૂંઢના સીધા સપાટા મારવાની જ ધમકી આપે. સાલા ખુદ તો નહિ હસે પણ બીજાને હસતાં પણ રોક લગાવે. વાઈબ્રેશન બગાડવા જ આવ્યા હોય..! હાસ્યને જાણે જઘન્ય કર્મ ગણતા હોય એમ, હોઠને આઘાપાછા કરે જ નહિ ને..? આંખના ડોળા જ વધારતાં હોય..! પગના તળીયે આંગળીથી ગલીપચી કરવાને બદલે, બુટ પોલીશનું બ્રશ ઘસીએ તો પણ એના હોઠ નહિ મલકે. ગધેડાને આવું કરીએ તો પગ-પ્રહાર પણ કરે, આવાં લોકો તો છોગીયો વિહાર જ કરતા હોય.. ગેંડા જેવાં તો નહિ કહેવાય, પણ આવાં શૂન્ય મનસ્ક માનવી સાથે પનારો લેવાય..? એમ થાય કે, એવણની વાઈફની શું દશા થતી હશે..? ખુદ દશા મા પણ એની દશા સુધારી ના શકે..! એક તો એનું થોબડું ચાઈનાના નકશા જેવું હોય. ક્યાંથી શરુ થાય ને ક્યાં પૂરું થાય એની ખબર જ ના પડે. ને એવું કાળું કે, થોબડા ઉપર ભગવાન તલ મુકવા ગયા હોય, ને કાળી સહીનો ખડિયો ઢોળાઈ ગયો હોય એવો તો એનો ચહેરો. એમાં નહિ હસે ત્યારે તો એવો ભૂંડો લાગે કે, જાણે શરીરમાં કોરોનાવાળો વાયરસ નહિ ફરી વળ્યો હોય..?
દુખ તો ત્યારે લાગે કે, ભગવાને બે-ચાર વેકેશન ભેગા કરીને જેનો સુંદર ચહેરો બનાવ્યો હોય, એમના ચહેરા પણ હાસ્ય વગરના મીઠાના રણ જેવાં હોય, તો ઘરવાળા એની સાથે જીવતાં કેમ હસે..? હસવાને મામલે જ સાવ આળસુ. આખો પગાર બેંકમાં ફીક્ષ ડીપોઝીટ કરતો હોય, એમ હાસ્યની એફડી જ બનાવે, ને ટેન્શનને કરંટ ખાતામાં રાખે. મરઘો મોરના પીંછા ધારણ કરીને ફૂલદાની ની જગ્યા સાચવી ઢેકાર જ ખાતો હોય, એવાં મરઘા આંગણા પણ બગાડે ને એ લોકોના મૂડ પણ બગાડે..! રખેને મારા હસવાથી સામેવાળાનું કલ્યાણ થઇ ગયું તો..? એ ડરથી હોઠ ઉપર ખંભાતી તાળા મારીને જ જીવતા હોય. સાલાં એવાં ટેન્શન લે કે, જે જાણીને આપણને ટેન્શન આવી જાય. ફાલતું ટેન્શનમાં જ વધારે હોય..! જેવાં કે, ‘આ આખી દુનિયા સાફ થઇ જશે, ત્યારે છેલ્લી વ્યક્તિને બાળવા કોણ લઇ જશે..? જેમણે પહેલ વહેલું દહીં ઝમાવ્યું હશે, એ માણસ દહીં ઝમાવવા માટેનું મોરવણ કોની પાસેથી લાવ્યો હશે..? આ પુરુષોને દાઢી-મુછ હોય તો સ્ત્રીઓને કેમ નથી હોતી..?’ તારી ભલી થાય તારી..! આવું સાંભળીને આપણને એ વાતે ટેન્શન થાય કે, ગાય-ભેંસનું દૂધ કાઢવાના મશીન શોધાયા, પણ આવાં પરપોટાઓને હસાવવાના મશીન કેમ શોધાતાં નથી..?
સુકાયેલા ઝાડવાના થડ જેવાં માણસને હસતો જોવો, પણ એક લ્હાવો છે દાદૂ..! જેના થોબડાં ઉપર જન્મ્યો ત્યારથી હાસ્યના દુકાળનો ક્રૂર-પંજો ફરી વળ્યો હોય, ને, અચાનક હાસ્યની વીરડી ફૂટી નીકળે તો, આશ્ચર્ય એ વાતે થાય કે, આ બરમુડો હસ્યો કેવી રીતે..? શંકાઓ ઉછાળા મારવા માંડે. જેણે એને હસાવ્યો હોય, એની સાથે સેલ્ફી લેવાનું મન થઇ આવે. એમ થાય કે, એ કલાકારે કયું એવું હથિયાર વાપર્યું કે, મરઘો પણ કોયલનો અવાજ કાઢી બેઠો..? ઊંડું ખેડાણ કરીએ ત્યારે રહસ્ય સમજાય કે, કોક નેતાના ભાષણથી એનામાં હાસ્યની ફૂવારી ફૂટેલી. અમારા મતે તો જેનામાંહાસ્યના આવાં વીરડા ફૂટે ત્યાં મેળો લાગવો જોઈએ. પણ આપણી ‘પરસુખ ભંજક’ મથરાવટી જ એવી મેલી કે, મેળો તો ઠીક ત્યાં હાસ્યની હાટડી પણ કોઈ ખોલવા નહિ દે..! આવાં બળેલાં ભીંડાના શાક કરતાં તો કુતરા સારા. કુતરું વફાદાર હોય, પાળેલું હોય કે, જન્મ્યો ત્યારથી કોઈનો માર ખાયને અકળાયેલું હોય તો પણ, કોઈ હસે તો સામેથી હાસ્યનું ફીડબેક તો આપે. ભલે એને હસતા ના આવડતું હોય. પણ પૂંછડી તો હલાવે. આનંદ થાય તો આડી હલાવે, ને નહિ ઝામે તો ઉભી હલાવે. પણ સંબંધ જાળવે..!
દાદૂ..! રડવું હોય તો કાંદા કાપીને પણ રડાય, બાકી હસવા માટે તો વાંદરો વાંદરીને ગલગલીયાં કરે એમ, ગલગલીયાં જ કરવા પડે. પ્રજાસત્તાક પર્વને ભલે ને ૭૧ મુ બેઠું હોય, બાકી હસવાના સેન્સેક્ષમાં હજી આપણે જોઈએ એટલા ઊંચા તો નથી આવ્યા. ચમનીયાનો બચુડો જન્મ્યા પછી ૪૦ દિવસ સુધી હસેલો નહિ. કોઈ હૈયા બળેલાએ એવી સલાહ આપી કે, ‘ તમે રમેશ ચાંપાનેરીની બાધા લો. એમની પાસે દોરો બંધાવી હાસ્યની પીંછી નંખાવો. મારી મતિને પણ શ્રદ્ધાનો શું જુવાળ ચઢ્યો તે, એનો બચુડો હસતો થઇ ગયો. આજે મારે ત્યાં પ્રોગ્રામબવાળા કરતાં હાસ્યની પીંછી નંખાવવાવાળાની લાઈન વધારે લાગે છે મામૂ..! આપણો એક જ નેક ઈરાદો કે, માણસ કોઈપણ પ્રકારે હાસ્યની વાટે ચઢવો જોઈએ..!
બાકી હસવું હસાવવું એટલે કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દૂર કરવા જેટલું અઘરું ભાઈ...! વોકર સાથે સીડી ચઢવા જેટલું દુષ્કર..! ધાબેથી છલાંગ લગાવવા જેટલું સહેલું નથી. હસવા માટે પણ છપ્પનની છાતી જોઈએ..! ક્યાં હસવું, ક્યારે હસવું, કેવું હસવું ને શા માટે હસવું એની સૂઝ અને બૂઝ જોઈએ. સ્મશાનયાત્રામાં, બીજાઓ રામ બોલો ભાઈ રામ બોલતાં હોય, ને આપણે ખીખીખીખી કરીએ, તો તોઈડીવાળો પાછળ આવીને તોઈડી-તોઈડીએ ધોઈ પણ નાંખે, કહેવાય નહિ. આ તોઈડીવાળાને પણ એટલા માટે જ રાખ્યો હોય..! બાકી આખી સ્મશાનયાત્રામાં એની કોઈ બીજી ભૂમિકા જ નથી..! કહેવાનો મતલબ શરીરનો ઢાંચો ભલે સરગવાની શીંગ જેવો હોય, છાતી શોધવી પડે એવું ભલે શરીર હોય, પણ માણસ હસતો હોવો જોઈએ. હસતો નર ભૂખે મરતો નથી. ભલે ને, ૫૬ ને બદલે ડબલ પનાની છાતી હોય, પણ મરકવા માટે સામસામી દિશામાં હોઠ ખેંચવાની ત્રેવડ ના હોય તો, એ છાતીની જગ્યાએ તો ધોબીઘાટનો પાણો સારો.
પ્રાણીઓ હસતા નથી, માત્ર ચેષ્ટા કરે. માણસ હસી શકે એવું સામાજિક પ્રાણી હોવા છતાં, વાઈફ સાથે સેલ્ફી લેતી વખતે પણ, અમુક પરપોટા તો મુદ્દલે નહિ હસે. ફોટો જોયા પછી વાઈફને એમ થાય કે, આના કરતા તો ગેરિલા વાંદરા સાથેનો ફોટો સારો આવે..! . પ્રાણીઓને ઘરબાર નથી, હોલીડે કરવા ક્યાંય જતાં નથી, કપડાના શોખીન નથી, છતાં મસ્તીમાં રહે..? ને માણસ કારણ વગરના મિજાજમાં રહે..! કુતરાઓ કેવાં મિજાજમાં હોય..? અમુક લોકોને કુતરાઓને લઈને ફરતા જોઉં છું ત્યારે તો એવું થાય કે, માણસે કુતરો પાળ્યો છે કે કુતરાએ માણસને પાળ્યો છે. એ જ નહિ સમજાય..! સ્વતંત્રતાને ૭૧ મું બેઠું છતાં, માણસ છુટ્ટાં મોઢે હસતો ક્યારે થશે..? બહુ મોટો પ્રશ્નાર્થ છે સાહેબ...!
----------------------------------------------------------------------------------------------------------------