Jantar-Mantar - 16 books and stories free download online pdf in Gujarati

જંતર-મંતર - 16

જંતર-મંતર

( પ્રકરણ : સોળ )

રીમાને લાગ્યું કે જો આ જ રીતે બિલાડાઓ અંદર આવતા જ જશે તો થોડીવારમાં આખો કમરો ભરાઈ જશે. પણ બિલાડાઓ અંદર આવતાં જ રહ્યા. મિયાઉં....મિયાઉં...ની બૂમો મારતા જ રહ્યા. અચાનક એ જ બિલાડાઓ રીમાના અચરજ વચ્ચે નીચે જમીન ઉપર ચાલતાં-ચાલતાં દીવાલ પર દોડવા લાગ્યા અને દીવાલ ઉપરથી છત ઉપર દોડવા લાગ્યાં.

રાતનું અંધારું...કાળા કાળા બિલાડા....અને એમની ચમકતી આંખો અને શાંત વાતાવરણમાં એમનો ‘મિયાઉં...મિયાઉં...!’ અવાજ આખાય કમરામાં એક શોર બનીને ફેલાઈ ગયો. એ અવાજ ખૂબ જ ત્રાસદાયક લાગતો હતો. રીમાએ એ અવાજથી બચવા માટે પોતાના કાન ઉપર બેય હાથ મૂકી દીધા પણ એના મનમાંથી ડર સહેજ પણ ઓછો થયો નહીં. એની આંખો ડરથી પહોળી થઈ ગઈ. એનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો. અચાનક એની આંખ એક મોટા બિલાડા ઉપર પડી. એ બિલાડાની આંખો ઘેરા પીળા રંગની હતી. એમાંથી અંગારાઓ વરસી રહ્યા હોય એમ એની પીળી અને પહોળી, ગોળ-ગોળ, ભયાનક આંખો રીમા ઉપર મંડાયેલી હતી. હમણાં એ બિલાડો કૂદીને, પોતાની ગરદન પકડી લેશે એવી બીક રીમાને લાગી. એણે હળવેકથી નમીને પોતાના પલંગ નીચે મૂકેલી માટલી ઉપરનો ગ્લાસ ઉઠાવી લીધો.

પણ ત્યાં સુધીમાં એ બિલાડો રીમાની ઉપર કૂદવાની પૂરી તૈયારી કરી ચૂકયો હતો. પણ રીમા ઉપર એ છલાંગ મારે એ પહેલાં જ રીમાએ આંખો મીંચીને, પોતાના હાથમાંનો ગ્લાસ પૂરા જોશથી એ બિલાડા તરફ ફેંકતા ચીસ નાખી...

જ્યારે રીમાએ આંખ ઉઘાડી ત્યારે પેલા સ્ટીલના ગ્લાસના બે સરખા ટુકડા એની સામે પડયા હતા. કમરામાં એક પણ બિલાડો નહોતો. બિલાડાઓનો અવાજ પણ સંભળાતો નહોતો. પણ એની ચીસનો અવાજ સાંભળીને હંસાભાભી અને મનોજ દોડી આવ્યાં હતાં. કદાચ એનો અવાજ એના બા-બાપુજીના કમરા સુધી પહોંચ્યો જ નહોતો.

હંસા અને મનોજે છેક પાસે આવીને રીમાને ગભરાટથી પૂછયું, ‘રીમા, શું થયું ? શું થયું ?’

રીમાએ પોતાના કમરામાં ચારે તરફ આંખો ફેરવતાં કહ્યું, ‘મને એક ખરાબ સપનું આવ્યું છે.’

હંસાભાભીએ રીમાને ધરપત આપતાં કહ્યું, ‘રીમા, હવે ભગવાનનું નામ લઈને ચૂપચાપ સૂઈ જા....સપનાં તો આવ્યાં કરે...એની અસર મન ઉપર લેવાની ન હોય.’

રીમા કંઈ બોલી નહીં. એ પોતે જાણતી હતી કે પોતે ખરેખર કોઈ સપનું જોયું નથી. પણ એ પોતે જે કંઈ જોયું છે એ જો પોતાના ભાઈ-ભાભીને કહે તો એ લોકો માને નહીં. એ ફરી ચૂપચાપ પોતાની પથારીમાં પડી. બારી બહારથી આવતી પવનની લહેરોએ એની આંખોમાં ઊંઘનું ઘેન ભરી દીધું.

રીમાને ફરી નિરાંતે ઘેનમાં પડતી જોઈને મનોજ અને હંસા ત્યાંથી ચાલ્યાં ગયાં. રીમા પણ થોડીકવારમાં ઊંઘવા લાગી.

હજુ રીમા માંડ અડધો કલાક ઊંઘી હશે ત્યાં અચાનક એ જાગીને પથારીમાં બેઠી થઈ ગઈ. દૂર દૂરથી કોઈ એને બોલાવી રહ્યું હતું. એ અવાજ સિકંદરનો હતો. સિકંદર એને બોલાવી રહ્યો હતો.

રીમા પથારીમાંથી ઊભી થઈને, પલંગની નીચે ઊતરી. પેલા અડદના દાણાએ જાણે એને રોકી રાખી હોય એમ એ પૂતળી બનીને ત્યાં જ ઊભી રહી ગઈ. સિકંદરનો અવાજ હવે ખૂબ જોશથી આવતો હતો. સિકંદર એને બોલાવી રહ્યો હતો. ધીમે-ધીમે સિકંદરનો અવાજ મોટો થવા લાગ્યો અને ધીમે-ધીમે વધુ ને વધુ મોટો થતો ગયો....અચાનક સિકંદરની એક જોરદાર ત્રાડ સાથે જ રીમા એ અડદના દાણાની એ લાઈન કૂદીને બહાર નીકળી ગઈ.

હવે એના માટે રસ્તો સાફ હતો. ચાવી દીધેલા એક પૂતળાની જેમ એ ધીમે-ધીમે આગળ વધી. પોતાના કમરાની બહાર નીકળીને એ મુખ્ય દરવાજા પાસે આવી. મુખ્ય દરવાજો એ વખતે ઉઘાડો જ હતો. રીમા માટે જ કોઈકે જાણે ખુલ્લો મૂકયો હતો. રીમા એ મુખ્ય દરવાજામાંથી પસાર થઈને બહાર આવી.

બહાર સડક ઉપર સન્નાટો હતો. રાતના બે-અઢીનો સમય હતો. આખું ગામ જંપી ગયું હતું. રસ્તા ઉપરના કૂતરાઓ પણ ખૂણા-ખાંચરામાં જઈને લપાઈ ગયા હતા. એ શાંત અને સન્નાટાભર્યા વાતાવરણમાં રીમા સડક ઉપર ચાલવા લાગી.

એ સડક ગામ બહારના મંદિર પાસે જઈને પૂરી થતી હતી. ત્યાંથી એક કાચી પગદંડી શરૂ થતી હતી અને ત્યાંથી થોડેક દૂર જંગલ શરૂ થતું હતું.

રીમા સતત અડધો કલાક સુધી ચાલતી સડક પાર કરીને પેલા મંદિર સુધી પહોંચી ગઈ. મંદિર પાસે અટકયા વિના એ સીધી પેલી કાચી પગદંડી ઉપર પહોંચી ગઈ. અત્યારે રીમા ખૂબ ઝડપે ચાલી રહી હતી. એ ચાલતી હોય ત્યારે એ હવામાં સરકતી હોય એમ સરકતી હતી. જે મંદિરે એક સામાન્ય માણસ ઝડપથી અને એકધારો ચાલે તો ઓછામાં ઓછા પાંચ કલાકે પહોંચે એ મંદિરે રીમા માત્ર અડધા કલાકમાં પહોંચી ગઈ હતી અને હવે પેલી જંગલ તરફ જતી પગદંડી ઉપર સરકી રહી હતી.

રીમા જંગલમાં સરકતી સરકતી એક ખંડેર પાસે પહોંચી. ખંડેર પાસે જઈને એ અટકે ત્યાં તો એક ઝાડ પાછળથી એક છાયા ધસી આવી.

એ છાયાને જોતાં જ રીમા ઊભી રહી ગઈ. એ છાયા સિકંદરની હતી. એણે અત્યારે પણ માથા ઉપર હેટ પહેરી રાખી હતી. આંખો ઉપર ચશ્માં હતાં અને એક હાથમાં પેલું અજબ પ્રકારનું પીળા રંગનું ફૂલ હતું.

સિકંદરે રીમાને કહ્યું, ‘પેલા બદમાશ ફકીરે આપણને અલગ કરી નાખ્યાં છે, તારા બાવડા ઉપર એણે તાવીજ બાંધ્યું છે. એ તાવીજને કારણે જ હું તારી પાસે આવી શકતો નથી. હવે તું એ તાવીજ કાઢી નાખ, નહીંતર હું તને અને તારા આખા કુટુંબને ખતમ કરી નાખીશ.’

રીમા ચૂપચાપ સિકંદરની ધમકી સાંભળતી હતી. એ અત્યારે બેભાન હોય એમ પૂતળીની જેમ ઊભી હતી.

થોડીકવાર પછી સિકંદર બોલ્યો, ‘તને તાવીજ ખોલવામાં હું મદદ કરીશ. આપણે એ તાવીજ ખોલવું જ પડશે. જો એ તાવીજ નહીં ખૂલે તો હું પરેશાન થઈ જઈશ. હવે આ હાલતમાં હું તને નથી મેળવી શકતો કે નથી તને છોડી શકતો કે બીજે જઈ શકતો પણ નથી.’

સિકંદર બોલતો જ રહ્યો અને રીમા સાંભળતી રહી. પછી થોડીકવાર સુધી સિકંદર પોતાની અંગારા વરસાવતી આંખે રીમા તરફ જોઈ રહ્યો.

થોડીકવાર સુધી એકીટસે રીમાને જોઈ રહ્યા પછી સિકંદર બોલ્યો, ‘હું ઘણાં દિવસોનો ભૂખ્યો છું. ઘણા સમયથી મેં કોઈનું લોહી પણ પીધું નથી. અને આ હાલતમાં હું કંઈ કરી શકતો નથી. તને મારાં બંધનો નહીં દેખાય. પણ ખરેખર તો અત્યારે હું બંધાયેલો છું. પણ વાંધો નહીં. હું એ ફકીરના બચ્ચાને જોઈ લઈશ. પણ પહેલાં મારાં બંધનો ખોલવાં પડશે !’

રીમા એકીટસે લાચાર કેદીની જેમ સિકંદરને જોઈ રહી. સિકંદર થોડીકવાર પછી બોલ્યો, ‘આવતીકાલે તારે ત્યાં તારી ફોઈ આવશે. એ ફોઈ તારા બાવડા ઉપરનું તાવીજ ખોલી નાખશે. તાવીજ ખૂલી ગયા પછી હું તને મળીશ. પછી જો ફકીરનો બચ્ચો આવશે તો હું એને ખતમ કરી નાખીશ....એકવાર તાવીજ ખૂલી જવા દે...!’ અને પછી એણે એકાએક રીમાને હુકમ આપ્યો, ‘બસ, હવે તું ચાલી જા....’

સિકંદરનો હુકમ થતાં જ રીમા પાછી ફરીને હવામાં સરકવા લાગી.

સિકંદરનો હુકમ થતાં જ રીમા ચાવી દીધેલા પૂતળાની જેમ પાછી વળી ગઈ. અને ઘરે આવીને સૂઈ ગઈ.

બીજા દિવસની સાંજે સિકંદરના કહેવા મુજબ એની ફોઈ આવી. ફોઈને આમેય રીમા ઉપર ખૂબ હેત હતું. એને પોતાને તો કોઈ બાળક હતું જ નહિ. એટલે એ પોતાના ભાઈના બાળકોને પોતાના ગણીને ખૂબ રમાડતી અને ખૂબ લાડ કરતી.

થોડાક દિવસ પહેલાં જ પોતાના ભાઈના કાગળમાં એણે રીમાની બીમારી અને એની ઉપર પડેલી ભૂત-પ્રેતની છાયા વિશે જાણ્યું ત્યારે એ રીમાની ચિંતા કરતી એને જોવા દોડી આવી.

ફોઈ આવ્યાં પછી સાધારણ રીતે તબિયતની પૂછપરછ કરીને, નાહી-ધોઈ, જમી પરવારીને નવરાં પડયાં ત્યારે હંસાએ એમને અલગ કમરામાં લઈ જઈને રીમા વિશે બધી વિગતવાર વાત કરી અને છેલ્લે ફકીરબાબાના ઈલાજની વાત કરતાં એણે ઉમેર્યું, ‘ફોઈબા, આ તાવીજ નહીં છોડવાનું ખાસ કહ્યું છે. એટલે હવે તમે રીમા પાસે બેસો એટલે એ તાવીજને હાથ લગાડશો નહિ. કદાચ રીમા એ તાવીજ છોડવાનો પ્રયત્ન કરે તો પણ એને અટકાવી દેશો.’ કહેતાં હંસા ઊભી થઈ ગઈ.

હંસાની સાથે ફોઈબા પણ ઊભાં થઈ ગયાં. રીમા તરફની એમના મનમાંની લાગણી ઠાલવતાં બોલ્યાં, ‘બિચારી...ફૂલ જેવી છોકરીનું આ શું થવા બેઠું છે.’

હંસા પાસેથી નીકળીને ફોઈબા રીમાના કમરામાં ગયાં.

રીમા બેઠાં બેઠાં કોઈક પુસ્તક વાંચી રહી હતી. ફોઈબાને જોતાં જ એ ખુરશી ઉપરથી ઊભી થતાં હરખભેર બોલી, ‘આવો, આવો ફોઈબા....!’

ફોઈબાને આવકાર આપતી વખતે રીમાના અવાજમાં એક છૂપો આનંદ આળોટતો હતો. એની આંખો આઝાદ થવાની અણીએ પહોંચેલા, પાંજરામાંના વાઘની આંખો ચમકે, એમ ચમકી રહી હતી. એણે પગથી માથા સુધી ફોઈબા ઉપર નજર નાખી. પછી ફોઈબાની નજીક જઈને એ આવેશથી ફોઈની છાતીએ વળગી ગઈ. ફોઈએ એને માથે હેતથી હાથ ફેરવવા માંડયો.

લાગણીના આવેશ અને રીમા તરફની હમદર્દીને કારણે ફોઈબાની આંખોમાં આંસુ આવી ગયાં. એમનો હાથ રીમાની ગરદન અને પીઠને પંપાળવા લાગ્યો. અચાનક એમનો હાથ ફરતો-ફરતો રીમાના બાવડા સુધી પહોંચી ગયો અને બાવડા ઉપરથી તાવીજ ઉપર પહોંચ્યો.

તાવીજ ઉપર હાથ પહોંચતાં જ જાણે ઈલેકટ્રિકનો કરન્ટ લાગ્યો હોય એમ એમનો હાથ ધ્રૂજી ઊઠયો. એમણે ઝડપથી એ હાથ ખસેડી લેવા પ્રયત્ન કર્યો, પણ એ હાથ સખત રીતે એ તાવીજ સાથે ચોંટી ગયો હોય એમ હાથ ખસ્યો નહીં. અધૂરામાં પૂરું રીમાએ પણ તાવીજ ઉપર ફોઈનો હાથ મુકાયા પછી ભારે આનંદના આવેશમાં ફોઈને ખૂબ જોશથી જકડી લીધાં હતાં. અચાનક બનેલી આ ઘટનાથી ફોઈ તો ગભરાટથી પરસેવે રેબઝેબ થઈ ગયાં. એમનું હૃદય જોશ જોશથી ધડકવા લાગ્યું.

ગભરાટ અને ફફડાટથી ફોઈએ રીમાને એક જોરદાર હડસેલો માર્યો. રીમાના બાવડાના તાવીજ ઉપરથી પણ ખૂબ કળ કરીને પોતાનો હાથ પાછો ખેંચી લીધો.

પણ ત્યારપછી તરત જ રીમા શાંત અને ડાહી થઈ ગઈ. એ ખુરશી ઉપર બેસતાં બોલી, ‘ફોઈ તમે પણ બેસોને...!’

રીમાએ બેઠાં-બેઠાં જ પોતાની ખુરશી ખેંચીને, પોતાની સામે મૂકી.

અત્યારે રીમા પાસે વધુ વાર બેસવાનો વિચાર નહીં હોવા છતાંય ફોઈબા રીમાનું મન રાખવા માટે ચૂપચાપ ખુરશી ઉપર બેસી ગયાં.

રીમાએ અહીં-તહીંની અને ફોઈના ઘરની વાતો શરૂ કરી. નાનપણની વાતો સંભારવા માંડી. ફોઈ પણ ધીમે-ધીમે રીમાની વાતોમાં ખેંચાવા લાગ્યાં અને રીમા સાથે વાતો ખેંચાવા લાગ્યાં અને રીમા સાથે વાતોએ વળગી ગયાં. એ રાતે ફોઈ-ભત્રીજી મોડી રાત સુધી વાતો કરતાં રહ્યાં. પહેલાં જ પરચામાં રીમાથી ગભરાઈ ગયેલાં ફોઈને રીમાની વાતો ગમવા માંડી હતી. રીમાનો સંગાથ પણ એમને મીઠો લાગવા માંડયો હતો. મોડી રાતે આંખોમાં ખૂબ ઊંઘ ભરાયા પછી જ ફોઈબા પોતાની ખુરશીમાંથી ઊભાં થયાં અને બોલ્યાં, ‘રીમા...હવે તો ખરી ઊંઘ ચડી છે. આંખો પરાણે મીંચાઈ જાય છે. હવે આપણે સવારે બીજી વાતો કરીશું.’

ફોઈબાની સાથોસાથ રીમા પણ ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. ફોઈએ રીમાને માથે હળવેકથી હાથ ફેરવ્યો અને પછી જરાક ઝૂકીને, રીમાના કપાળ ઉપર ચૂમી કરીને, હેત કર્યું. અને ત્યાંથી ચાલ્યા ગયાં.

રીમા કયાંય સુધી ચૂપચાપ ઊભી રહી. પછી એ ચોપડી ઠેકાણે મૂકીને, બત્તી બુઝાવી, બારણું બંધ કરી પોતાની પથારીમાં પડી.

પથારીમાં પડતાં જ બહારના ખંડની દીવાલ ઉપરની ઘડિયાળમાં એક ડંકો વાગતો સાંભળ્યો. ‘કેટલા વાગ્યા હશે ?’ એના મનમાં એક સવાલ સળવળ્યો. જવાબ શોધતાં રીમાએ કલ્પના કરવી પડી....‘કદાચ સાડા અગિયાર થયા હશે...!’ એણે પથારીમાં પડખું ફેરવ્યું. બારી બહારના આકાશ ઉપર એની નજર ઠરી. કાળ ભમ્મર આકાશને જોયા પછી એને લાગ્યું, ‘રાત ઘણી વીતી ગઈ છે. કદાચ સાડા બાર...એક...કદાચ એથી પણ વધારે...દોઢ પણ વાગ્યો હોય....!’

રીમાએ આંખો મીંચી લીધી. કદાચ એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ...આંખો મીંચાતાં જ એણે એક ભયંકર અટ્ટહાસ્ય સાંભળ્યું. એ અટ્ટહાસ્ય સિકંદરનું હતું. રીમાએ ગભરાઈને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો....પણ નાકામ. રીમા આંખો ખોલી શકી નહીં....એના કાનમાં અથડાતો સિકંદરનો અવાજ વધુ ને વધુ ઘેરો થવા લાગ્યો. ધીમે-ધીમે એ અવાજે રીમાને વશમાં કરી લીધી અને ચાવી દીધેલા પૂતળાની જેમ એ ઊભી થઈ. એની આંખો બિલકુલ બંધ હતી, છતાંય એ આખા કમરામાં પડેલી એક-એક ચીજને બરાબર જોઈ રહી હતી. એ ચાલતી-ચાલતી બારી પાસે આવી.

રીમા જેવી બારી પાસે પહોંચી કે તરત જ એક મોટો કાળો બિલાડો ઉછળીને અંદર ધસી આવ્યો. બીજો કોઈ સમય હોત તો રીમા એ બિલાડાને જોઈને ગભરાઈ ગઈ હોત. પણ અત્યારે એ બિલાડો એને ખૂબ ગમી ગયો. એણે બેય હાથ ઊંચા કરીને એ બિલાડાને પકડવા પ્રયત્ન કર્યો. પણ એ બિલાડાને પકડે-હાથ લગાડે એ પહેલાં તો બિલાડો ત્યાંથી સરકીને કમરામાં ચાલ્યો ગયો હતો.

રીમા એ બિલાડાને પકડવા, એની રેશમી, ભરાવદાર રૂંવાટીને પંપાળવા આતુર બની ગઈ. એ ઝડપથી બિલાડા તરફ સરકી....પણ બિલાડો જાણે એમ એના હાથમાં આવે તેમ નહોતો. એ પલંગ તરફથી ટેબલ તરફ અને ટેબલ તરફથી ખુરશી તરફ...ખુરશી તરફથી બારણાં તરફ દોડી રહ્યો હતો....રીમા એની પાછળ-પાછળ દોડી રહી હતી.

છેવટે એ બિલાડો જઈને પલંગ ઉપર બેઠો. રીમા ઉતાવળે એને ઝડપી લેવા દોડી...પણ દોડવા જતાં અચાનક એના પગે ઠોકર વાગી. એ ગડથોલું ખાઈને પડી અને પલંગની ધાર સાથે એનું કપાળ અથડાઈ ગયું.

કપાળ અથડાતાં જ જોરદાર તમ્મર ચડી આવ્યા અને એની સાથોસાથ રીમાની આંખ પણ ખૂલી ગઈ. રીમાની આંખ ખૂલતાં જ એણે જોયું કે, માથું પલંગની ધાર સાથે નહીં પણ ખુરશીના હાથા સાથે અથડાયું છે. અત્યાર સુધી પોતાની આંખો બંધ હતી ત્યારે એ જે કંઈ જોતી હતી તે બધું જ ખોટું જોતી હતી, ખુરશી હતી ત્યાં એને પલંગ દેખાતો હતો અને ટેબલ હતું ત્યાં એને બારણું દેખાતું હતું. એણે ગરદન ફેરવીને પલંગ ઉપર અને આખા કમરામાં નજર ફેરવી. પણ એને કયાંય કોઈ બિલાડો દેખાયો નહીં. એકાએક બારી તરફથી બિલાડાનો મિયાઉં...મિયાઉં.... મિયાઉં....!’ એવો અવાજ આવ્યો અને રીમાએ એ તરફ જોવા માટે ગરદન ફેરવી...પણ એ કંઈ જુએ, એ પહેલાં એની આંખે તમ્મર આવી ગયાં અને એ બેભાન થઈને ત્યાં જ ઢળી પડી...

પછી..? પછી શું થયું..? બેભાન રીમાનું શું થયું ? રીમાએ બિલાડાઓથી બચવા શું કર્યું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED