જંતર-મંતર - 15 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 15

જંતર-મંતર

( પ્રકરણ : પંદર )

રીમાની બગડેલી હાલતના સમાચાર સાંભળી મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ આપ્યો, ‘તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.’

ફોન મૂકયા પછી મનોજે પોતાના પિતાજીને રીમાની હાલતની વાત કરી અને પોતે અત્યારે જ ચિલકા સરોવર જાય છે એમ જણાવ્યું.

ચુનીલાલ ગભરાઈ ગયા. પણ પેઢી મૂકી જઈ શકે એમ નહોતા. એટલે ઢીલું મોઢું કરીને બોલ્યા, ‘તું પહોંચે કે તરત ફોન કરીને ખબર આપજે કે રીમાની તબિયત કેમ છે ?’

‘હા, પિતાજી, તમે એની ચિંતા ન કરો.’ કહેતાં વધુ સમય બગાડયા વિના મનોજ જલદી ઘરે આવ્યો.

મનોજે ઘેર રીમાની ગંભીર તબિયતની વાત કરી ત્યારે જ એની વહુ હંસાને ધ્રાસકો પડયો કે, હોય ન હોય પણ અમરભાઈએ પેલું તાવીજ કાઢી નાખ્યું હશે. એ બોલી, ‘તમારી સાથે તમારે ફકીરબાબાને પણ લઈ જવા પડશે.’

‘અને તારે પણ સાથે ચાલવું પડશે.’ મનોજે હંસાને કહ્યું, અને પછી ઉમેર્યું, ‘...તું જલદી તૈયાર થા. હું ફકીરબાબાને લઈને આવું છું.’

મનોજ તરત જ ફકીરબાબા પાસે પહોંચી ગયો અને ફકીરબાબાને જઈને બધી વાત કરી.

મનોજની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સે થઈ ગયા....‘તમેય કેવા મૂરખ છો...આવી હાલતમાં એને બહાર મોકલાતી હશે ? જરૂર પેલું તાવીજ કોઈકે કાઢી નાખ્યું હશે. તમે લોકો જરૂર છોકરીને મારી નાખવાના અને સાથોસાથ મારી ઈજ્જત ઉપર પણ પાણી રેડી દેવાના....મેં એ શયતાનને કેટલી સહેલાઈથી કાબૂમાં લઈ લીધો હતો. પણ હવે એ એટલી સહેલાઈથી કાબૂમાં નહીં આવે.’ પછી પોતાનો અવાજ થોડોક ઢીલો અને નરમ કરતાં બોલ્યા, ‘કંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હું એની સાથે લડી લઈશ.’

ફકીરબાબાને ગુસ્સે થયેલા જોઈને મનોજ પહેલાં તો ગભરાઈ ગયો હતો. પરંતુ પછી ફકીરબાબાએ આવવાની હા પાડી ત્યારે જ મનોજનો ગભરાટ કંઈક ઓછો થયો.

રાતની ટ્રેનમાં ફકીરબાબા, હંસા અને મનોજ પહોંચી ગયાં. અમર હોટલની બહાર જ એમના આવવાની વાટ જોતો હતો.

હંસાભાભીએ આવતાં જ અમરને પૂછયું, ‘કયાં છે રીમા...?’

‘અંદર રૂમમાં પૂરી રાખી છે.’ કહેતાં અમર રૂમ તરફ આગળ વધ્યો. ‘ગઈકાલથી એ તોફાને ચડી છે અને આજે પણ આખી રાત એણે તોફાન કર્યું...’

અમર પોતાનો જવાબ પૂરો કરે એ પહેલાં જ હંસાભાભીએ ઉતાવળથી પૂછયું, ‘તમે એનું તાવીજ તો નથી ખોલ્યું ને...?’

તાવીજનું નામ પડતાં જ અમરનું મોઢું વિલાઈ ગયું....એને હવે મગજમાં ઝબકારો થયો કે, પોતે ગઈકાલે તાવીજ ઉઘાડયું ત્યારબાદ જ રીમા તોફાને ચડી હતી. એ નીચું મોઢું કરીને બોલ્યો, ‘હા, મેં જ તાવીજ ખોલ્યું હતું...’

‘શા માટે ખોલ્યું ?’ એ અવાજ ફકીરબાબાનો હતો અને ફકીરબાબાનો એ અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો.

અમરે નીચા મોઢે બારણું ખોલી નાખ્યું. અત્યારે એ પોતે વાંકમાં હતો એટલે ફકીરબાબા સામે બોલી શકે એમ હતો જ નહીં.

અમરે બારણું ખોલ્યું ત્યારે રીમા પલંગ ઉપર જોર જોરથી કૂદકા મારતી હતી. અંદરનો ઘણો બધો સામાન રીમાએ તોડીફોડી નાખ્યો હતો.

બારણું ખૂલતાં જ એની નજર ફકીરબાબા ઉપર પડી. ફકીરબાબા ઉપર નજર પડતાં જ એ તોફાન કરતી અટકી ગઈ.

ફકીરબાબાએ તો કયારનુંય પઢવાનું શરૂ કરી દીધું હતું. એમની આંખો રીમા ઉપર સ્થિર હતી. રીમા પણ ધારદાર નજરે ફકીરબાબાને જોઈ રહી પછી ગુસ્સાથી બોલી, ‘તું અહીં પાછો કેમ આવ્યો છે...? મરવાનો થયો છે કે શું...ચૂપચાપ ચાલ્યો જા...નહીંતર ખતમ કરી નાખીશ...માર ડાલુંગા... ખતમ કર ડાલુંગા....!’ એવી ત્રાડ સાથે રીમા પલંગ ઉપરથી ઉછળીને ફકીરબાબા તરફ ત્રાટકી...

કોઈ ભૂખી વાઘણ પોતાના શિકાર ઉપર ત્રાટકે એમ રીમા ફકીરબાબા તરફ ત્રાટકી....પણ એ ફકીરબાબા સુધી પહોંચે એ પહેલાં જ અમરે ખૂબ ઝડપથી બારણું ખેંચીને બંધ કરી દીધું. રીમા અંદરથી બારણું ખખડાવવા લાગી.

રીમાની આંખો અને રીમાનું ભયંકર રૂપ જોઈને એકાદ પળ માટે તો અમર, મનોજ અને હંસા ડરીને ધ્રુજી ગયાં હતાં. જો અમરે સમયસર દરવાજો બંધ ન કરી દીધો હોત તો રીમાએ ફકીરબાબાનું ગળું જ પકડી લીધું હોત.

પણ બારણું બંધ થયા પછી ત્રણેય જણાંએ જોયું તો રીમાના આ ઘાતકી હુમલાની ફકીરબાબા ઉપર કોઈ અસર થઈ નહોતી. એમના હોઠ ફફડી રહ્યા હતા. તેઓ ઝડપથી કંઈક પઢતા હતા. એમની ટૂંકી દાઢી, એમના હોઠના હલનચલનને કારણે ઝડપથી ઊંચીનીચી થતી હતી. એમની આંખોમાં ગુસ્સો હતો અને ચહેરા ઉપર લડી લેવાનો જુસ્સો પણ હતો.

થોડીકવાર પછી ફકીરબાબા બોલ્યા, ‘આપણે ફરીથી એમના બાવડા ઉપર તાવીજ બાંધવું પડશે. તમે લોકો ધૂપદાનમાં કોલસા ભરી લાવો.’ કહેતાં એમણે પોતાની ઝોળીમાંથી ધૂપદાની કાઢીને મનોજને આપી.

મનોજ કોલસા લેવા માટે હોટલના રસોડા તરફ ચાલ્યો. ફકીરબાબાએ ફરીથી પઢવાનું ચાલુ કરી દીધું.

મનોજ ધૂપદાનમાં સળગતા કોલસા લઈને આવ્યો એટલે ફકીરબાબાએ એમાં લોબાનનો ભૂકો ભભરાવ્યો અને પછી અમરને બારણું ખોલવા માટે ઈશારો કર્યો.

બારણું ખૂલતાં જ ફકીરબાબાએ પૂંઠાનો પંખો હલાવીને, લોબાનનો ધુમાડો અંદર રૂમમાં જવા દીધો. થોડી જ વારમાં આખો રૂમ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો. રીમાનું તોફાન તો કયારનુંય શમી ગયું હતું. એ ચૂપચાપ એક ખૂણામાં બેઠી હતી.

ફકીરબાબાએ ધીમેકથી અમર અને મનોજ તરફ જોઈને કહ્યું, ‘આ બધી બનાવટ છે. એ શાંત બેઠી છે, પણ તક મળે તો એ હુમલો કરીને આપણને ખતમ કરી નાખે એટલી હદે તૈયાર થઈને બેઠી છે. એની અંદરનો સિકંદર આ બધું નાટક કરી રહ્યો છે...’

ફકીરબાબાની વાત સાંભળીને રીમાએ જોરદાર અટ્ટાહાસ્ય કર્યું. કોઈ જંગલી રાક્ષસ હસી રહ્યો હોય એવો એ અવાજ હતો. ફકીરબાબાની હાંસી ઉડાવવા માટે જ રીમા જાણે હસી રહી હતી. ખૂબ ખડખડાટ હસી હસીને એ બેવડ વળી ગઈ. પછી એકાએક જમીન ઉપર હાથ પછાડીને એ ફકીરબાબા સામે જોયા વિના જ શુદ્ધ ઉર્દૂ ભાષામાં બોલી, ‘જાલીમ, તું આવી ગયો....તારું મોત મારા જ હાથે લખાયું છે.’

ફકીરબાબાએ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ડાબલીમાંથી અડદના દાણા કાઢીને એમાંથી એક દાણો જમણા હાથમાં લઈને, ફૂંક મારીને જમીન ઉપર પછડાયો.

જમીન ઉપર દાણો પડતાં રીમાએ ફકીરબાબાને એક ગંદી ગાળ આપીને જમીન ઉપર હાથ પછાડયો. એ હાથ એટલા જોરથી પછાડયો હતો કે રીમાની જગ્યાએ બીજી કોઈ છોકરી હોય તો એ હાથ આખો દિવસ પંપાળતી રહે. એ હાથના પંજાની બળતરા શાંત કરવા કલાકો સુધી હાથને કાંડા સુધી ઠંડા પાણીમાં બોળી રાખવા પડે. પણ રીમાના ચહેરા ઉપર એ પીડાની કોઈ અસર થઈ નહોતી.

ફકીરબાબાએ ત્યારપછી એક-એક કરીને બીજા ચાર-પાંચ દાણા જમીન ઉપર ફેંકી દીધા હતા. ધૂપદાનીના લાલચોળ કોલસા ઉપર વધારે લોબાનનો ભૂક્કો નાખીને પંખો હલાવવો શરૂ કરી દીધો હતો. અને એની અસરથી રીમા ધીમે-ધીમે ધુણવા લાગી હતી. ધુણતાં-ધુણતાં એ એક જ વાત પુરુષના અવાજે કહેતી હતી, ‘તું મારા રસ્તેથી ખસી જા...હું તને નહીં છોડું...હું તને ખતમ કરી નાખીશ...હું બધાંને ખતમ કરી નાખીશ.’

જવાબમાં ફકીરબાબા ચૂપ હતા. એમની આંખો બંધ હતી. તેઓ ઝડપથી કંઈક પઢી રહ્યા હતા. મનોજ, અમર અને હંસા એક તરફ આ બધું જોતાં, ચૂપચાપ ઊભાં હતાં. એમનાં હૃદય કોઈક અજાણ્યા ભયથી ફફડી રહ્યાં હતાં. હંસા પણ ખૂબ ડર અનુભવી રહી હતી. એના મનમાં એક જ શંકા જાગતી હતી કે જો ફકીરબાબાને કંઈક થઈ જશે તો પછી રીમાનો ઈલાજ કોણ કરશે ? અને રીમાની આવી વેદના ભરેલી હાલત જોઈને પણ એના દિલમાં અરેરાટી થતી હતી.

ઘણાં સમય સુધી પઢી-પઢીને ફૂંકો માર્યા પછી ફકીરબાબાએ હળવેકથી આંખો ખોલી. પછી પેલું અમરે રીમાના બાવડા ઉપરથી છોડી નાખેલું તાવીજ ઉઠાવ્યું.

ફકીરબાબાએ તાવીજ ઉઠાવ્યું કે તરત જ સિકંદર ફરીથી ખડખડાટ હસી પડયો અને બોલ્યો, ‘બેટા, તેં ગયા વખતે મને તાવીજ પહેરાવી દીધું હતું. પણ આ વખતે તું મને તાવીજ નહીં પહેરાવી શકે. તું મારી નજીક નહીં આવી શકે.’

ફકીરબાબાએ કયાંય સુધી એને જોયા કર્યું...પછી બોલ્યા, ‘ગયા વખતે તો મેં તને આ છોકરીથી દૂર હડસેલી દીધો હતો. પણ આ વખતે તો હું તને નહીં છોડું..હું તને બાંધી દઈશ, જેથી તું ફરી આવે નહીં.!’

ફકીરબાબાની વાત સાંભળીને સિકંદર અભિમાનથી બોલ્યો, ‘એ તારી તાકાત બહારની વાત છે...તું મારું કંઈ નહીં બગાડી શકે....અને વધુ ચૂંચા કરીશ તો હું તને ખતમ કરી નાખીશ.’

સિકંદરની ધમકીઓ સાંભળીને ફકીરબાબાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. ગુસ્સાથી ધ્રૂજતાં એમણે કહ્યું, ‘મેં તારા કરતાં પણ વધુ તાકાતવાન પલિત, જિન્નાત અને ભૂતને બાટલામાં ઉતારી દીધા છે. એમની આગળ તારું તો કંઈ ગજું નથી...!’

‘જોઈ લઈશ...અજમાવ તારી તાકાત...!’ કહેતાં એ શયતાન સિકંદરે એક ડરામણું અટ્ટાહાસ્ય કર્યું...

ફકીરબાબાએ ધૂપદાનીમાં થોડુંક વધુ લોબાન નાખ્યું અને પછી પેલું તાવીજ એ લોબાનના ધુમાડા ઉપર ફેરવીને તેઓ રીમાના હાથ ઉપર બાંધવા આગળ વધ્યા. પણ ફકીરબાબા રીમાની નજીક જાય એ પહેલાં જ રીમાએ એક જોરદાર ઝાપટ મારીને ફકીરબાબાને ઉથલાવી દીધા. ફકીરબાબા ઉથલીને બીજી તરફ પાછા ફર્યા ત્યાં જ સિકંદર એમની હાંસી ઉડાવતો હોય એમ ખડખડાટ હસી પડયો.

ફકીરબાબાને ઉથલી પડેલા જોઈને અમર, મનોજ અને હંસા ગભરાઈ ગયાં. અમર ફકીરબાબા પાસે દોડી ગયો. પણ ફકીરબાબાએ અમરને હડસેલો મારીને દૂર કરતાં કહ્યું, ‘તમારે આ રીતે વચ્ચે આવવાની જરૂર નથી. અમને બન્નેને લડી લેવા દો.’

પોતાની મેળે ઊભા થયા પછી ફકીરબાબાએ ચાલ બદલી. તેઓ ચૂપચાપ એક તરફ પલાંઠી મારીને બેઠા. પેલી દાબડીમાંથી અડદના દાણા કાઢીને પઢવાનું શરૂ કર્યું અને પછી એ દાણા ફૂંકી-ફૂંકીને એક તરફ ઢગલો કર્યો....

દાણા ફૂંકીને ઢગલો કર્યા પછી એમણે મનોજને ઈશારો કરતાં કહ્યું, ‘તું આ દાણા એની ચારે તરફ બિછાવી દે...!’ મનોજે ઝડપથી એ દાણા રીમાની ચારે તરફ ગોઠવી દીધા.

ફકીરબાબાએ ફરી પેલું તાવીજ હાથમાં લેતાં કહ્યું, ‘હવે આ કુંડાળાની બહાર એ કંઈ કરી નહીં શકે. એની શક્તિ બસ એ કુંડાળામાં જ છે. એ કુંડાળાની બહાર પણ નહીં નીકળી શકે.’ અને પછી ઝડપથી એમણે હાથ લાંબો કરીને પેલું તાવીજ ધૂણતી રીમાના માથા ઉપર મૂકી દીધું.

અત્યાર સુધી રીમા તોફાન-મસ્તી કરતી હતી. ઉછળતી હતી અને પોતાના શરીર ઉપર તાવીજ અડવા દેતી નહોતી. પણ માથા ઉપર તાવીજ અડતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ધીમે-ધીમે થોડીજવારમાં બિલકુલ શાંત થઈ ગઈ.

રીમા શાંત થઈ એટલે ફકીરબાબાએ પેલું તાવીજ માથા ઉપરથી ઉઠાવીને રીમાના બાવડા ઉપર મૂકી દીધું અને પછી અમર તરફ જોઈને કહ્યું, ‘લે બેટા, આ તાવીજ બાંધી દે.’

તાવીજ બાંધ્યા પછી ફકીરબાબાએ પોતાનો બધો સામાન સમેટી લીધો. હંસા જઈને પાણીનો ગ્લાસ લઈ આવી અને ફકીરબાબાને મંત્રી આપવા કહ્યું. ફકીરબાબાએ થોડીકવાર સુધી હોઠ ફફડાવી, થોડુંક પઢીને પાણીમાં ફૂંક મારી પછી કહ્યું, ‘હવે આ અડદના દાણાનું કુંડાળું રહેવા દેજો. આ કુંડાળામાં પેલો શેતાન નહીં આવી શકે. એ બંધાયેલો રહેશે.’

ફકીરબાબાની વાત સાંભળીને બધાને રાહત થઈ. પણ કંઈક યાદ આવ્યું હોય એમ અમરે પૂછયું, ‘ફકીરબાબા, આણે ગઈ કાલથી કંઈ જ ખાધું નથી.’

‘હવે ખવડાવો, કંઈ વાંધા જેવું નથી.’ ફકીરબાબાએ પોતાના ચહેરા ઉપરનો પરસેવો લૂંછતાં ઉમેર્યું, ‘....હવે ઉપરવાળાની મહેરબાનીથી કોઈ વાંધો નહીં આવે.’

હંસાએ ખુલાસો કરતાં પૂછયું, ‘પણ બાબા, આટલા નાના કુંડાળામાં એ કેવી રીતે ઊંઘી શકશે ?’

‘બેટી, એને તો પલંગ ઉપર સૂવડાવી દેજે અને પછી આ દાણા પલંગની નીચે ફરતા ગોઠવી દેજે.’

અમર જઈને રીમા માટે ખાવાનું લઈ આવ્યો. મનોજ ફકીરબાબાને ખવડાવવા હોટલમાં લઈ ગયો અને હંસાભાભીએ રીમા પાસે બેસીને એને હેતથી ખવડાવવા માંડયું.

એ સાંજે ફકીરબાબા અને રીમા સાથે અમર, મનોજ અને હંસા ગાડીમાં બેસીને પાછા કટક આવ્યાં. રસ્તામાં કોઈ ખાસ ઘટના બની નહીં, પણ આ ઘટનાની સહુથી વધુ અસર અમર ઉપર થઈ. એના મનમાં હવે ચોક્કસ ઠસી ગયું કે, રીમાને જરૂર કંઈક વળગાડ છે. જો વળગાડ નહીં હોય તો કોઈક અજબ પ્રકારની બીમારી હશે. ગમે તે હોય પણ રીમાનો ઈલાજ કરાવવો જ. કોઈ મોટા ડૉકટરની પણ સલાહ લઈ જોવી. પણ એ વખતે એ કંઈ બોલ્યો નહીં. રીમાનું ધ્યાન રાખવાની ભલામણ હંસાભાભીને કરી અને પછી રીમાને પણ આશ્વાસન આપીને એ પોતે ચાલ્યો ગયો.

અમર ગયો એ વખતે સાંજ થવા આવી હતી. અમરના ગયા પછી હંસા અને રીમાએ ઝડપથી રાંધવાનું શરૂ કર્યું. જમી-પરવારીને થાકયાપાકયા બધાં વહેલાં સૂઈ ગયાં.રીમા પણ પથારીમાં પડી એવી જ ઘસઘસાટ ઊંઘવા લાગી અને સહુથી વધુ થાક પણ રીમાને જ લાગ્યો હતો. થાકથી એના શરીરનું એકેએક અંગ તૂટી રહ્યું હતું. એની પીઠ અને કમ્મર તો જાણે હમણાં તૂટી જશે-ફાટી જશે એવી પીડા સતત થતી હતી. છતાંય પથારીમાં પડતાં જ એ ઊંઘવા લાગી. રીમાને પથારી સુધી લાવતી વખતે જ હંસાભાભીએ પેલા અડદના મંત્રેલા દાણા પલંગની ચારે તરફ પાથરી દીધા હતા અને રીમાને એ દાણાની બહાર પગ નહીં મૂકવાની સૂચના આપીને હંસા પોતાના કમરામાં ચાલી ગઈ હતી. થોડી જ વારમાં રીમાની આંખો મીંચાઈ ગઈ હતી.

જ્યારે રીમાની આંખ ખૂલી ત્યારે ઘણી રાત થઈ ગઈ હતી. લગભગ મધરાતનો સમય થઈ ગયો હતો અને દૂરથી કોઈક બિલાડીનો અવાજ સંભળાતો હતો. રીમા પથારીમાં બેઠી થઈ.

અચાનક બિલાડીનો અવાજ વધુ ને વધુ નજીક આવતો ગયો. એ અવાજ વધુ ને વધુ મોટો થતો ગયો. અચાનક રીમા ચોંકી ગઈ. બારીમાંથી એક બિલાડો અંદર કમરામાં ઘૂસી આવ્યો. એ બિલાડાની પાછળ બીજો બિલાડો...એની પાછળ ત્રીજો...ચોથો.....પાંચમો....દસમો....બારમો અને પચીસમો...રીમા જાણે ગણવાનું ભૂલી ગઈ...એક પછી એક બિલાડાઓ કમરામાં આવવા લાગ્યા.

પછી..? પછી શું થયું..? બિલાડાઓએ રીમાને શું કર્યું...? રીમાએ બિલાડાઓથી બચવા શું કર્યું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 2 વર્ષ પહેલા

Ankita Parekh

Ankita Parekh 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા

Hardik Sutariya

Hardik Sutariya 3 વર્ષ પહેલા