#
જેવા છો એવા રહેશો તો જ આ વર્ષ તમને સાથ આપશે. આ હું નથી કહેતી બહુ જ પ્રખર જયોતિષ એને અંકશાસ્ત્રના જાણકાર લોકો કહે છે. 2020 ઓરિજનલ લોકોનું છે અને આમ પણ 2020 જ શું કામ જેટલાં "be real as clear" રહેશો કોઈ પણ જગ્યા એ અને વર્ષ કોઈ પણ હોય તમારું સ્થાન બનાવવું સહેલું થઇ જશે. પરંતુ સોશ્યલ મીડિયાના આ સમયમાં મૂળ તમે જેવાં છો તેવી જ દેખાડવું અઘરું બનતું જતું હોય છે.
ઘણાં અંશે સોશ્યલ મીડિયાની દુનિયા ફેક બનતી જાય છે. તકલીફ છે , દુઃખ એ છે કે એક બીજા પ્રત્યે અણગમો છે તે દેખાડવામાં લોકો ડરે છે. જ્યારે ફેસબુક શરૂ કરવામાં આવ્યું ત્યારે તેનો ઉદ્દેશ તેનાં નામ ઉપર જ ખ્યાલ આવી જતો હતો. "ફેસબુક" એટલે તમારા વ્યક્તિત્વ નો આયનો જેમાં ક્યાંય બનાવટી વસ્તુને સ્થાન જ નથી. પણ અહીં હેપ્પી હોવા કરતાં હેપ્પી દેખાવાને મહત્વ વધી ગયું. કુલ હોવા કરતાં કુલ દેખાવાને મહત્વ વધી ગયું. સેલ્ફી માં પણ બનાવટ આવી ગઈ. સબંધોમાં જે સહજતા હતી તે દૂર થવા લાગી છે. મજા લેવાની જગ્યા એ મજા આવી એવું કહેવામાં વધુ મજા આવે છે. ફોટો મેમરી માટે નહીં બીજાને ઈર્ષા કરાવવા શેર થવા લાગ્યો. માણવાની જગ્યા એ જણાવવામાં રસ આવી ગયો. ફેસબુક ફેકબુક બનતું જાય છે. વાહ વાહ કરવા અને અલગ અલગ ઇમોજી શેર થાય છે પણ સાચી લાગણીઓને સંતાડાય છે. સબંધોની પરિભાષા બદલાવવા લાગી છે. ભીડમાં પણ માણસ એકલો બની રહી ગયો છે કારણ જે છે એ સ્વીકાર્ય નથી અને નથી એ દર્શાવાય છે. ડિપ્રેશન માં ગરકાવ થઈ જાય છે લોકો કારણ સતત આભાસી દુનિયામાં જીવી રહ્યા છે.
ગઈ કાલે જય વસાવડા મામાનો લેખ પણ આ જ વિષય ઉપર હતો. જેવા છો એવા જ રહો બધાની સલાહ લેવાની કે માનવાની જરૂર નથી. તેમજ તમને જે યોગ્ય ન લાગતું હોય તે બોલી દેવું કોણ કેવું વિચારશેના ડર થી એ વાત અંદર ન રાખવી એમની જ અનાવૃતનો આ ફકરો અહીં કોપી પેસ્ટ કરૂ તો "બહુ બધું સાગરપેટા બનીને ગળી ન જવું અંદર. એમ જ તબિયત ખરાબ થઇ જાય. ગુસ્સો બીજાનો ખુદ પર કાઢવામાં સુગરબીપી હાઈ થઇ જાય. ફિઝીક્લ નુકસાન કે પાછલા બારણાની ખટપટ ગોસિપમાં રસ લઈને સ્વાસ્થ્ય બગડવાને બદલે ભડાસ ઇન્સ્ટન્ટ કાઢી લેવી. વિવેક જ્યાં રાખવાનો હોય ત્યાં અચૂક જાળવવો જ. પણ નમ્ર થવાની લાહ્યમાં નબળાં ન બનવું."
અત્યારે મૌન રહેવાની ફેશન ચાલી છે જેને લીધે બહાર નીકળતી ભડાશ અંદર દબાયેલી જ રહે છે અને પછી એ દાવાનળ બની જાય છે અને સબંધને જ ભસ્મીભૂત કરી નાખે છે. સંબંધને બચાવવામાં સ્વમાનનો અગ્નિસંસ્કાર ન કરવો જોઈએ. તમે છો તે જો તમે જ નહીં સ્વીકારો તો તે નાટક જે તમે લોકો સમક્ષ કરી રહ્યા છો તે તમને જ વિલન પુરવાર કરશે. બનાવટી બનવું અઘરું છે કારણ કે તો તમારે એક ઓરા ઉભી કરવી પડે છે જ્યારે રિયલ રહેશો તો બનવા ની જરૂર જ નહીં પડે.
અત્યારે સમય એવો છે કે કોઈ એકના કરવામાં આવેલ વખાણ બીજાને એમ લાગશે કે ખરાબ કહ્યું. અત્યારે કોઈના જીવનમાં આવેલ સુખ આપણા જીવનનું દુઃખ હોય એવું અનુભવાય છે. બીજાની થાળીનો લાડુ હંમેશા મોટો જ દેખાય છે જેને લીધે પોતાની થાળીના લાડુને ન્યાય આપી શકાતો નથી. આ બધી જ વસ્તુથી દુર રહેવા કોઈ એવો શોખ વિકસાવો જેમાં તલ્લીન થઈ ને દુનિયા ને ભૂલી જવાય(#MMO)
ટુંકમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ તમારી અનુકૂળતા એ અને તમને ગમે તેમ વાપરો. તમે છો તે જ રહો લોકો ને ગમે એવું કંઈ છે જ નહીં કારણ લોકો ને શું ન ગમે એવું ઘણું જ રહેવાનું {#માતંગી}