જંતર-મંતર - 14 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 14

જંતર-મંતર

( પ્રકરણ : ૧૪ )

રીમાના બાવડે તાવીજ બાંધેલું જોઈને અમર કંઈક ખીજ સાથે બબડયો, ‘અરે, આવી અંધશ્રદ્ધા શું રાખવી....?’ એણે રીમાને સહેજ અળગી કરીને, પેલું તાવીજ ખોલવા માંડયું.

રીમાને થયું કે પોતે આ રીતે અમરને તાવીજ ખોલતો અટકાવી દે. પરંતુ જાણે એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હોય, એમ એ કંઈ બોલી શકયો નહીં.

અમરે તાવીજ ખોલી નાખ્યું.

પણ તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમાની આંખો બદલાઈ ગઈ. એના શરીરમાં ઝનૂન ભરાઈ આવ્યું. એણે અમરને જોશથી હડસેલો મારીને પછાડયો અને પછી પોતે ઝડપથી બારણું ખોલીને બહાર દોડી ગઈ.

અમર હિંમત કરીને બેઠો થયો....માંડ માંડ ઊભો થઈને રીમાની પાછળ દોડી ગયો.

અમર હોટલની બહાર નીકળ્યો ત્યારે રીમા હોટલથી દૂર પાણી ખાબોચિયામાં બેઠી બેઠી છબછબિયાં કરતી હતી. એનાં કપડાં સાવ અવ્યવસ્થિત થઈ ગયાં હતાં.

દૃ દૃ દૃ

ચિલકા સરોવર હવા ખાવા માટેનું સ્થળ છે. અહીં ઉનાળામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. અહીંનું વાતાવરણ ખરેખર સુંદર છે. કુદરતે અહીંના વાતાવરણમાં છુટે હાથે સૌન્દર્ય વિખેરી દીધું છે. એમાંય પ્રેમીઓ માટે તો અહીં ખૂબ મસ્ત વાતાવરણ છે.

સૂરજ ઢળે પછી સરોવરના કિનારાની ઝાડીઓ પાછળ ભરાઈને પ્રેમીઓ, એકાંતમાં લપાઈને પોતાના દિલની વાતો કરે છે. પ્રેમની આપ-લે કરે છે અને સરોવરની મસ્ત વળ ખાતી લહેરોમાં ખોવાઈ જાય છે.

અમર અગાઉ પોતાના ઘણા મિત્રો સાથે અહીં ફરવા આવતો હતો. રીમા સાથે સગપણ થયા પછી પણ અમર અહીં રીમાને લઈને આવવા માટે ખૂબ ઉતાવળો બન્યો હતો. પણ અમરની માએ એને અટકાવી દેતાં કહ્યું, ‘અમર, આમ અધીરો ન થા. હજુ સગાઈ હમણાં જ થઈ છે. અને તું રીમાને લઈ જવાની વાત કરે તો વેવાઈને કદાચ ખોટું લાગી જાય. તું થોડા દિવસ ખમી જા....પછી વેવાઈને વાત કરી જોજે. માને તો ઠીક...!’

માની આ શિખામણ અમરને એ વખતે કડવી લાગેલી પણ માનું માન રાખવા એ બોલ્યો, ‘સારું બા, પછી વાત...’

પણ ત્યારપછી ઉનાળો પસાર થઈ ગયો અને ચોમાસાની શરૂઆત થઈ. અમરને લાગ્યું કે હવે માંડી વાળવું પડશે. રીમા સાથે કદાચ હવે તો આવતા વરસે જ ફરવા જવા મળશે, ગમે તેમ પણ અત્યારે શાંત થઈ ગયા વિના છૂટકો જ નહોતો....

અચાનક એણે રીમાની તબિયત ખરાબ છે અને ભૂતપ્રેતની ચુંગાલમાં ફસાયેલી છે એવી વાત સાંભળતાં જ એણે તક ઝડપી લીધી. જોકે, ભૂત-પ્રેતની વાત સાંભળીને એને પોતાના સાસરિયાં તરફ ખીજ ચડી ગયેલી. એ લોકો આવા જૂનવાણી હશે એવું એણે નહોતું ધાર્યું. એણે મનોજને પણ બજારમાં આવી વાતો કરવા બદલ ઠપકો આપેલો અને હવે હવાફેરને બહાને રીમાને ચિલકા સરોવર લઈ જઈને એ રીમાના મનમાંથી પણ ભૂત-પ્રેતની વાતો કઢાવી નાખવા માંગતો હતો. વળી એકાંતમાં રીમા સાથે એ મસ્તીભર્યા વાતાવરણમાં ખોવાઈ જવા માંગતો હતો. રીમાને પોતાની છાતી સાથે જકડીને, રીમાને પોતાની કરી લેવા માંગતો હતો.

રીમાને હવાફેર માટે લઈ જવાની પરવાનગી મેળવવા એ પોતાના સસરાની પેઢીએ પહોંચી ગયો હતો. એના સસરા ચુનીલાલે પોતાના જમાઈને પેઢીએ આવેલા જોઈ, ખૂબ જ ઉમળકાથી અમરને આવકાર આપીને, ગાદી ઉપર બેસાડયો.

અમરે થોડીવાર પછી પોતાનું આવવાનું કારણ જણાવીને ઉમેર્યું, ‘રીમા થોડા દિવસ મારી સાથે રહેશે તો એની તબિયત પણ ઠીક થઈ જશે.’

જમાઈની વાત સાંભળીને ચુનીલાલ પહેલાં તો મૂંઝાયા, પછી ઊંડા વિચારમાં પડી ગયા. એમને અમર સાથે રીમને મોકલવામાં બીજો કોઈ વાંધો નહોતો. પણ ત્યાં રીમા ધુણશે અથવા તોફાને ચઢી જશે તો અમર મૂંઝાઈ જશે. પણ પછી મનને મનાવી લેતાં હોય એમ એમણે વિચાર્યું, એ બિચારી ઘણાં દિવસથી ઘરમાં પડી પીડાય છે. અમરની સાથે જશે તો ફરી આવશે. જીવ પણ છૂટો થશે. એટલે એમણે મનને મજબૂત કરીને, અમરને રીમાને લઈ જવાની મંજૂરી આપી દીધી.

ચુનીલાલે તો મંજૂરી આપી પણ હંસાભાભીને મનમાં ખૂબ કચવાટ થયો. એ તો રીમા કયાંય બહાર જાય એમ ઈચ્છતી જ નહોતી. રીમાને માંડ-માંડ ઠીક થયું છે. ફકીરબાબાના પેલા તાવીજથી સિકંદર કાબૂમાં આવી ગયો છે અને છેલ્લી બે રાતથી એ રીમા પાસે આવતો પણ નથી. એટલે જો સતત થોડા દિવસ રીમાનું ધ્યાન રાખવામાં આવશે તો પછી વાંધો નહીં આવે.

પણ એ હવે પોતાના સસરાની ઉપરવટ જઈને રીમાને અટકાવી શકે એમ નહોતી. બીજું તો ઠીક પણ એને અમર વિશે શંકા હતી.

અમર આવી ભૂત-પ્રેતની વાતોમાં માનતો નથી. અને ભૂલે-ચૂકેય જો એ રીમાના બાવડે બાંધેલું તાવીજ ખોલી નાખશે તો મુસીબત ઊભી થશે. છતાંય તકેદારી એણે અમરને એ તાવીજ નહીં ખોલવાની સૂચના આપી દીધી.

રીમાને પણ એણે બાવડેથી તાવીજને નહીં છંછેડવાની સૂચના આપીને, વધુ સાવચેતી ખાતર એ તાવીજની ગાંઠને વધુ મજબૂત બનાવવા બીજી બે ગાંઠો લગાવી દીધી. રીમાને અમરની સાથે રવાના કરતી વખતે પોતાની નણંદને સાસરે વળાવતી હોય એમ હૈયું ભરાઈ આવ્યું. એની આંખોમાં ઝળહળિયાં ભરાઈ આવ્યાં.

ભાભીની આંખો ભરાયેલી જોઈને, રીમાની આંખો પણ ભરાઈ આવી. રીમા જાણતી હતી કે, પોતાની માંદગીમાં હંસાભાભીએ પુરતી કાળજી લીધી હતી.

પણ ચિલકા સરોવર પહોંચતાંની સાથે જ અમરે ભયંકર ભૂલ કરી નાખી. જે તાવીજ ખોલવાની ચોખ્ખી ના પાડવામાં આવી એ જ તાવીજને એણે અંધશ્રદ્ધા ગણીને કાઢી નાખ્યું.

પણ એનું પરિણામ તરત જ દેખાઈ આવ્યું.

અત્યાર સુધી શાંત અને ડાહી લાગતી રીમા એકાએક ઉછળી, એક જોરદાર ધક્કો મારીને, એ હોટેલની રૂમનું બારણું ખોલીને ભાગી નીકળી. એને ભાગતી જોઈને, પછડાયેલો અમર ઊભો થયો. એના કપાળે વાગ્યું હતું. લોહીના રેલા કપાળ ઉપરથી સરકીને એના ગાલ સુધી ખેંચાઈ આવ્યા હતા એની પરવા કર્યા વિના એ બહાર દોડી આવ્યો.

હોટલથી દૂર, સામેના ભાગમાં એક ખાબોચિયામાં રીમા પડી પડી તોફાન કરતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી અને પાણી ઉછાળતી હતી. પોતાની જાતનું કે પોતાનાં કપડાંનું એને ભાન નહોતું.

અમર રીમાની સામે આવીને ખડો થઈ ગયો. ગુસ્સા અને ગભરાટથી એણે રીમાને બૂમો મારવા માંડી...‘રીમા...રીમા...રી....મા...!’

પણ રીમા ઉપર એના અવાજની કંઈ અસર થતી નહોતી. હવે રીમાને પકડીને હોટલમાં ઘસડી ગયા વિના છૂટકો નહોતો.

અમર પોતાના કપડાંની પરવા કર્યા વિના પાણીમાં ગંદા ખાબોચિયામાં આગળ વધ્યો અને રીમાની નજીક પહોંચીને, રીમાનું બાવડું પકડી લીધું.

પણ અમરે જેવું બાવડું પકડયું કે તરત જ રીમાએ પોતાના બાવડાને એક જોરદાર આંચકો આપ્યો અને અમરના હાથમાંથી પોતાનું બાવડું છોડાવી લીધું. પણ એ આંચકો એટલો જોરદાર હતો કે અમર ગડથોલું ખાઈને નીચે કીચડમાં પડી ગયો.

અમર નીચે પડયો એટલે કાદવ અને ગંદું પાણી ઉછળીને ચહેરા અને કપડાં પર છંટાઈ ગયાં.

અમરને પછડાયા પછી રીમા જોશજોશથી મુક્ત મને હસી પડી. એનું એ હાસ્ય કોઈક ચુડેલના હાસ્ય જેવું હતું. અને ધીમે-ધીમે એ હાસ્ય કોઈ પુરુષના ભારે હાસ્યમાં પલટાવા લાગ્યું. એટલે જ નહીં પણ રીમા પોતાના બેય હાથે કાદવ અને ગંદું પાણી અમરની ઉપર ઉછાળવા લાગી.

ખિજે ભરાયેલો અને ગુસ્સાથી ધૂંઆંપૂંઆં થતો અમર ગુસ્સાથી લાલ થયેલી આંખે અને તમતમતા ચહેરે રીમા તરફ જોઈ રહ્યો.

પણ રીમાની આંખો અત્યારે બદલાઈ ગઈ હતી. એણે અમરને પછાડીને એનું ભયંકર અપમાન કર્યું હોય એવી તોફાની આંખે એ અમરને તાકતી ખડખડાટ હસી રહી હતી.

અમરે ગુસ્સાના આવેશથી ઉછળીને, ઊભા થતાં રીમાના બેય હાથ પકડી લીધા. પણ રીમાના હાથ એ વધુવાર પકડી શકયો નહીં. રીમાએ ફરી પોતાના હાથ છોડાવી લીધા.

અત્યારે રીમાના શરીરમાં ખૂબ ઝનૂન અને તાકાત ભરાયેલાં હતાં. અમરનું તો એની પાસે કંઈ ગજું નહોતું.

અમરને યાદ આવ્યું કે રીમાને કોઈક વળગાડ જેવું છે. એવું એનાં પિયરિયાં કહે છે એ કદાચ સાચું પણ હોય. જોકે, એ તો એવું કંઈ માનતો નહોતો. પણ હવે અત્યારે એ પોતાની સામે તોફાન કરતી જોઈ રહ્યો.

તેમ છતાંય અમરનું મન અંદરથી તો એને એ વાત માનવા ઈન્કાર કરી રહ્યું હતું. એને તો લાગતું હતું કે રીમાને કોઈક માનસિક બીમારી લાગે છે. એથી જ એ કોઈ પાગલની જેમ ધમપછાડા કરી રહી છે. એને તો કોઈક સારા મોટા ડૉકટરને કામ રીમાને કોઈ સારા ડૉકટરને બતાવવાનું કરશે અને જરૂર પડશે તો ઈલાજ માટે એ એને ભુવનેશ્વર કે કલકત્તા પણ લઈ જશે.

પણ બીજી જ પળે એના મનના વિચારો ખંખેરાઈ ગયા. એ ચોંકીને બેબાકળો બની ગયો અને એની આંખો ચોળવા લાગ્યો. એની આંખમાં કદાચ કાદવ પડયો હતો.

કાદવમાંના રેતીના કણો એની આંખોમાં સખત રીતે વાગ્યા હોય એમ એની આંખોમાં જબ્બર લ્હાય ઊપડી હતી. અમરને તમ્મર જેવું આવી ગયું. એની આંખો સામે અત્યારે બિલકુલ અંધારું હતું. જરા સરખો પણ પ્રયત્ન કરવા જતા એની આંખ વધુ જોશથી બળવા લાગતી.

અમરને લાગ્યું કે હમણાં એ બેભાન બનીને પડી જશે. અહીં આવવા બદલ એ પસ્તાવો કરે કે બેભાન બનીને પછડાય એ પહેલાં એ પહેલાં જ કોઈકે આવીને એને પકડી લીધો.

‘શું થયું...? શું થયું...?’ એમ કરતાં બીજા માણસો પણ દોડી આવ્યા. કોઈકે ઠંડા પાણીની છાલકો અમરની આંખો અને ચહેરા ઉપર મારીને, ચહેરા ઉપરનો કાદવ સાફ કર્યો અને હળવેથી આંખોનો કાદવ પણ સાફ કરવાનું શરૂ કર્યું. કોઈક અનુભવી માણસ કપડાંના છેડાથી ખૂબ ચોકસાઈ અને કાળજીથી એની આંખોમાંથી રેતીના કણો કાઢી રહ્યો હતો.

સતત થોડીવારની કાળજીભરી મહેનત પછી અમરની આંખો સાફ થઈ ગઈ. જોકે, હજુ આંખોમાં બળતરા અને લાલાશ તો બાકી હતી જ. તેમ છતાંય એ રીમાને બરાબર જોઈ શકતો હતો.

રીમા હજુ પણ ઉછળકૂદ અને તોફાન-મસ્તી કરતી હતી. એના ધમપછાડા હજુ એવા ને એવા જ ચાલુ હતા. ત્રણ-ચાર માણસો રીમાને પકડવા નાકામ કોશિશ કરી રહ્યા હતા. વળી અત્યારે રીમાની હાલત પણ સારી નહોતી. એનાં કપડાં પલળીને એના શરીર સાથે ચોંટી ગયાં હતાં. એની સાડી ઢીલી થઈને ગમે તેમ સરકી ગઈ હતી. રીમાની જાલિમ જુવાની અને એનું રૂપ અત્યારે એનાં કપડાંની બહાર ડોકાઈ રહ્યું હતું. રીમાના આ રૂપ અને જુવાની માણવા માટે જ કદાચ આજુબાજુ લોકો ભેગા થયા હતા અને ટીકી ટીકીને રીમાના શરીરને લાલચુ નજરે જોઈ રહ્યા હતા.

ત્યાં ઊભેલા મોટા ભાગના પુરુષો જ હતા. એ પુરુષો પણ ત્યાંના જ રહેવાસી હતા. મોટા ભાગના લગભગ તમામ પ્રવાસીઓ ઉનાળો પૂરો થયો હોઈને ચાલ્યા ગયા હતા.

અહીં છેલ્લા એકાદ મહિનાથી લગભગ દરરોજ વરસાદ વરસતો હતો. રસ્તાઓ ધૂળિયા અને કાચા હતા. રસ્તા ઉપર અને આસપાસના ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હું.

અમર સતત થોડીવાર સુધી રીમાને જોઈ રહ્યો. પછી એને ખ્યાલ આવ્યો કે હવે એ રીતે વશમાં નહીં આવે. એને વશમાં કરવા માટે શું કરવું ? એ જાણવા માટે ઘરે ફોન કરીને પૂછવું પડશે... એ લોકો એ માટેની કોઈ દવા કે કીમિયો જાણતા હશે.

પણ ફોન કરતાં પહેલાં રીમાને પકડીને હોટલના રૂમમાં પૂરી દેવી જરૂરી હતી. એણે પોતાની આંખોની કારમી બળતરા ભૂલીને પોતાની આસપાસ ઊભેલા લોકોને વિનંતી કરતાં બોલ્યો, ‘ભાઈઓ, તમે મને જરા આ છોકરીને ઊંચકવામાં મદદ કરોને...!’

અમર આગળ વધ્યો એની સાથે બીજા પણ આઠ-દસ માણસો આગળ વધ્યા અને રીમા પાસે પહોંચીને બધાએ બળજબરીથી રીમાને ઊંચકી લીધી.

લગભગ બારથી તેર માણસોએ રીમાને મજબૂત રીતે પકડી રાખી હોવા છતાંય રીમાને સંભાળવી મુશ્કેલ પડતી હતી. રીમા જોશ જોશથી ઉછળતી અને ખડખડાટ હસતી જતી હતી.

ગમે તેમ પણ ખૂબ મહેનત અને ધમપછાડા પછી ઘણીવારે અમર રીમાને હોટલના રૂમમાં ધકેલીને બારણાં બંધ કરવામાં સફળ થયો.

રીમાને હોટલની રૂમમાં પૂરી દીધી, પણ રીમા અંદર તોફાન કરતી હોય, જોશ જોશથી હસતી એ ગાતી હોય એવા અવાજો બહાર આવતા હતા. છતાંય અમરે સહેજ નિરાંતનો દમ લીધો અને પછી હોટલના કાઉન્ટર પર જઈને કટક ફોન લગાવ્યો.

હવે ફોન લાગે ત્યાં સુધી વાટ જોયા સિવાય અમરને બીજું કંઈ કરવાનું નહોતું. એ ચૂપચાપ કાઉન્ટર પાસે પડેલા સોફામાં ફસડાઈ પડયો.

ગઈકાલ આખી રાતનો ઉજાગરો હતો. મુસાફરીને કારણે થાક પણ લાગ્યો હતો. નહાવા ધોવાની વાત તો બાજુએ રહી, પણ ઊલટાનું રીમાના તોફાનથી એ વધુ પરેશાન બની, વધુ થાકી ગયો હતો.

એ પોતાનો કમરો ઉઘાડીને અંદર જઈને આરામ કરી શકે એવી હાલત તો હતી જ નહીં. એના ફોનનું નેટવર્ક મળી નહોતું રહ્યું, એટલે ત્યાં સોફામાં બેઠાં-બેઠાં જ એ ઊંઘવા લાગ્યો.

અચાનક ફોનની ઘંટડી વાગતાં એની આંખ ખૂલી ગઈ. પણ ફોન ઉપર કાઉન્ટર પરનો મેનેજર કોઈની સાથે હસી હસીને વાત કરી રહ્યો હતો. ચોક્કસ એ એનો ફોન નહોતો જ. ફરી એણે આંખો મીંચી લીધી. આંખ મીંચાતા જ એ ફરી ઊંઘવા લાગ્યો.

દોઢ-બે કલાકની એકધારી ઊંઘ લીધા પછી કંઈક રાહત જેવું થયું. એટલે એણે હાથ-મોઢું ધોઈને, નાસ્તો કર્યો અને ચારેક વાગ્યાના સુમારે ફોન લાગ્યો ત્યારે એણે ફોન ઉપર મનોજ સાથે રીમાની હાલતની વાત કરી.

મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ આપ્યો, ‘તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.’

પછી..? પછી શું થયું..? મનોજે શું કર્યું...? અમરનું શું થયું...? એણે રીમાને કેવી રીતે સાચવી...? રીમાનું શું થયું....? શું એના તોફાન-મસ્તી શાંત થયા...? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Janak  Patel

Janak Patel 1 વર્ષ પહેલા

Sheetal Pathak

Sheetal Pathak 1 વર્ષ પહેલા

Hiren Patel

Hiren Patel 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા