Angarpath - 37 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૩૭

અંગારપથ.

પ્રકરણ-૩૭.

પ્રવીણ પીઠડીયા.

આવનારાં તુફાનની આગાહી પૂરતો હોય એવો ગહેરો સન્નાટો કમરામાં પ્રસરી ચૂકયો હતો. ત્રણ બંદૂકો સામ-સામી તણાઈ હતી. એક હરકત અને રંગા ભાઉનો કમરો લોહીમાં નાહી ઉઠવાનો હતો. કમરામાં હાજર એ ત્રણેયનાં હદય જોર-જોરથી ધડકતાં હતા. તેમની આંગળીઓ બંદૂકનાં ટ્રીગર ઉપર હરકત કરવા તૈયાર હતી. બે બંદૂકો એક જ દિશામાં.. રંગા ભાઉ તરફ તણાયેલી હતી. જ્યારે રંગા ભાઉની રિવોલ્વર પેટ્રીક તરફ મંડાઇ હતી. એજ પોઝીશનમાં સેકન્ડો વીતતી ગઇ. સેકન્ડોની એ ખામોશીમાં જાણે કેટલાય યુગ વીતી ગયા હોય એવી સ્તબ્ધતાં છવાયેલી હતી.

“સર, પેટ્રીક સર. કંઇક લોચો છે. ચોક્કસ તમને સમજણ ફેર થયો છે. રંગા ભાઉ તો આપણી મદદ કરી રહ્યા હતા.” આખરે ચારુંએ એ ખામોશી તોડી હતી. વાત વધું બગડે એ પહેલાં થોડી ચોખવટ જરૂરી હતી. તેણે પોતાની ગન ભલે રંગા ભાઉનાં કપાળે તાણી હોય પરંતુ એટલી વાત તેને સમજાઇ ગઇ હતી કે આ મામલામાં પેટ્રીક સર ઉતાવળ કરી રહ્યાં છે અને તેમને કશીક ગલત ફહેમી થઇ છે.

“અચ્છા! હવે તું મને શિખવીશ કે સત્ય શું છે અને ખોટું શું છે?” પેટ્રીકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તે તૃચ્છકારભર્યા સ્વરમાં બોલ્યો. “મારે કાંબલે સાહેબ જોઈએ. અને એ આ રંગા ભાઉ મને આપશે. જીવતાં અને સહી-સલામત. નહિતર આજે તેની લાશ મારાં પગમાં પડી હશે.”

“ઓકે. તો એમ રાખ. ચલાવ ગોળી ઈન્સ્પેકટર એન્ડ શૂટ મી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. તારો એ કાંબલે ક્યારેય અહી આવ્યો જ નથી અને મને ખરેખર ખબર નથી કે તે ક્યાં હોઇ શકે. જરૂર એ કોઇ બીજા મામલામાં કૂટાઈ મર્યો હશે.” એકાએક રંગા ભાઉએ તેની રિવોલ્વર નીચી કરી દીધી અને એક ઉંડો શ્વાસ ભરીને બોલી ઉઠયો હતો. તેણે નમતું જોખ્યું હતું.

“મને પણ એવું જ લાગે છે કે ભાઉ સાચું કહે છે. કાંબલે સરનાં ગાયબ થવા પાછળ જરૂર બીજું કોઇ કારણ હશે કારણકે જ્યારથી મેં ડ્યૂટી જોઇન કરી છે ત્યારથી સતત મારી નજરો રંગા ભાઉ ઉપર જ છે. વળી કાંબલે સરને ક્યારેય આ મામલે મેં સિરિયસ થતાં જોયા નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી આ કેસ મેં હાથમાં લીધો એ પછી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી હાંસી ઉડી રહી છે. અરે ખુદ કાંબલે સર… અને તમે પણ એમાં શામેલ હતા. હું રંગા ભાઉની પેરવી નથી કરી રહી પરંતુ ચોક્કસ આપણે ગલત દિશામાં જઇ રહ્યાં છીએ એવું મને લાગે છે.” ચારું એક શ્વાસે બોલી ગઇ. તેને બીક હતી કે પેટ્રીક સર ઉતાવળમાં કોઇ ભૂલ ન કરી નાંખે.

ચારુંની વાત સાંભળીને પેટ્રીક અટક્યો. તે વિચારમાં પડયો હોય એવું લાગ્યું. વળી રંગા ભાઉએ તેની રિવોલ્વર નીચી કરી હતી એ પણ તેણે ’નોટ’ કર્યું હતું. તેના કપાળે સળ ઉપસ્યાં. તેણે ખરેખર તો એક અનુમાન જ બાંધ્યું હતું કે કાંબલે સાહેબનાં ગાયબ થવા પાછળ રંગા ભાઉનો હાથ હોવો જોઈએ. એ બાબતની કોઇ ઠોસ માહિતી તેની પાસે પણ નહોતી. તે અસમંજસમાં પડયો હતો કે હવે શું કરવું? ગન નીચી કરવી કે પછી હજું થોડી કોશીશ કરવી જોઇએ એની સમજ પડે એ પહેલાં તો દાદરમાં કશીક ધડબડાટી મચી. જાણે ઘણાબધાં માણસો એક સાથે ભારે ઉતાવળમાં દાદરો ચઢીને ઉપર આવતાં હોય એવો એ અવાજ હતો. પેટ્રીક અને ચારું એ અવાજો સાંભળીને ચમકી ઉઠયાં અને તેમણે દાદર તરફ જોયું. એ ક્ષણે જ રંગા ભાઉનાં ચહેરા ઉપર મુસ્કાન ઉભરી આવી હતી. તેમણે નિરાંતનો શ્વાસ લીધો અને રિલેક્ષ થઇ હિંચકે પીઠ અઢેલી.

@@@

“સર, આપણે તેમને સમુદ્રમાં જ ઘેરવા છે કે માલ ઉતરી જાય પછી અરેસ્ટ કરવાં છે.” લોબોનાં આસીસ્ટન્ટે સવાલ ઉછાળ્યો.

“તું પહેલી વખત આ કામ કરી રહ્યો છે? તને ખબર હોવી જોઇએ કે શું કરવાનું છે.” લોબો ગીન્નાયો.

“સોરી સર, તમે દર વખતે અલગ સ્ટ્રેટેજી અપનાવો છો એટલે પૂછયું.” તે ખાસીયાણો પડી ગયો. તે બરાબર જાણતો હતો કે ડ્રગ્સ પેડલરોને સમુદ્રમાં ઘેરવાનો કોઇ અર્થ નહોતો. એવું કરવામાં તેમનાં છટકી જવાનાં ચાન્સ વધારે હોય છે. ઉપરાંત જે લોકો ડ્રગ્સની ડિલિવરી લેવાનાં હોય એ લોકો પણ સતર્ક બની જાય અને સરવાળે બન્ને તરફથી નાકામિયાબી હાથ લાગે. ખોટા સમયે તેણે ખોટો સવાલ પૂછી લીધો હતો.

“આપણી પાસે બોટ કેટલી છે?” લોબોએ પૂછયું. (આ સવાલ ઘણો અગત્યનો નીવડવાનો હતો જેની લોબોને પણ ખબર નહોતી.)

“એ બાબતે કોસ્ટગાર્ડમાં હમણાં જ ફોન કર્યો છે. તેમનો જવાબ આવતો જ હશે.” આસીસ્ટન્ટે જવાબ આપ્યો.

“ઓકે. ફટાફટ બધું આટોપો અને નીકળવાની તૈયારી કરો.” લોબોએ હુકમ ફરમાવ્યો.

“જી સર.”

’વાગાતોર’ બીચનાં ઉત્તર કિનારે ઉતરનાર ડ્રગ્સનાં જંગી જથ્થાને નાથવાની એ કવાયત પાછલાં એક કલાકથી નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટમાં ચાલતી હતી જેને ડેરેન લોબો લીડ કરી રહ્યો હતો.

@@@

દાદાર ચઢીને એક સાથે દસ બાર વ્યક્તિઓ ભાઉનાં કમરાની અંદર પ્રવેશ્યા. એ તમામ લોકો બસ્તીનાં રહેવાસીઓ હતા અને તેમનાં હાથમાં હથીયારો તગતગતાં હતા. તેમનો દેખાવ ગલીના મવાલીઓ જેવો ભયંકર હતો. પેટ્રીક અને ચારું સ્તબ્ધ બની ગયા. તેમની ગન્સ આપોઆપ એ તરફ તકાઇ.

“ભાઉ, એક હુકમ કરો. આ બન્નેને મારીને અહી જ દફનાવી દઉં.” ઉંચા, હટ્ટાકટ્ટા એક આદમીએ આગળ આવતાં કહ્યું. તેના હાથમાં મટન કાપવાનો ધારદાર છરો હતો. એ છરાની ધારેથી લોહી ટપકી રહ્યું હતું. લાગતું હતું કે પોતાની દુકાનેથી મટન કાપતો કાપતો તે સીધો જ અહી દોડી આવ્યો છે.

“અરે એવું કંઈ નથી. આ અફસરો તો એમ જ આવ્યાં છે. તમે જાઓ. હું હેન્ડલ કરી લઇશ.” ભાઉએ તેમને બહાર જવાનો હુકમ કર્યો. પેલો માણસ ફાડી ખાતી નજરોથી પેટ્રીકને જોઇ રહ્યો.

“ચલો બે…” તે તુરંત પાછળ ફર્યો અને સાથે આવેલાં પોતાના સાથીદારોને લઇને પાછો દાદરા ઉતરી ગયો. આ બધું એટલી ઝડપે બની રહ્યું હતું કે કોઇને વિચારવાનો કે રિએક્ટ કરવાનો સહેજે સમય સુધ્ધા મળ્યો નહોતો.

“આ અમને ડરાવવા માટે હતું?” પેટ્રીકે ઉપહાસભર્યા અવાજમાં ભાઉને પૂછયું. ભાઉ હસ્યા.

“અરે નહી. આ બસ્તીમાં કોઇ પોલીસવાળો પ્રવેશે એ અહીનાં લોકોથી સહન થતું નથી. અને રંગા ભાઉ તો એમના માટે ભગવાન સમાન છે એટલે તમે જ્યારે અંદર પ્રવેશ્યા ત્યારે જ ઘેરાઇ ગયા હતા. પણ, એની ચિંતા કરવા જેવી નથી. હું છું ત્યાં સુધી કોઇ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે. રહી વાત કાંબલની… તો સાંભળ.” ભાઉએ ગળું ખંખેર્યું. “હું એ વિશે કંઈ જ જાણતો નથી. પરંતુ હાં, તેને એક રસ્તો ચિંધી શકું છું. તું વાનમ શેખને મળ. ગોવાનાં તમામ કાળા કામોની તેને જાણકારી હોય છે. મારું માનવું છે કે કાંબલેનો પત્તો ચોક્કસ તેની પાસેથી મળશે.”

“કોણ વામન શેખ! પેલો ઠીંગણો?” પેટ્રીકની આંખોમાં એકાએક તેજ ઉભર્યું. તે વામન શેખને બહું સારી રીતે ઓળખતો હતો. સાડા ચાર ફૂટનો વામન શેખ બહુ પહોંચેલી માયા હતો. ગોવામાં તેના નામ માત્રથી ઘણા કામો ફટાફટ પતી જતાં એટલી તેની લાગવગ હતી. તે પણ ડ્રગ્સનાં ધંધાનો અઠંગ ખેલાડી હતો.

“હાં, પણ ધ્યાન રાખજે. એ બહું ખતરનાક માણસ છે. અહીથી તું જીવતો બહાર જઇ શકીશ પરંતુ તેના ઘેરામાં ફસાયા પછી બહાર નીકળવું લગભગ મુશ્કેલ છે.” ભાઉએ તેની રિવોલ્વર પાછી તકિયા હેઠે ખોસી દીધી. “અને હજું એક વાત..” તે અટકયો અને કોઇ ઉંડા વિચારમાં ખોવાયો. તેના ચહેરા ઉપર ગમગીનીનાં ભાવો છવાયા.

“લગભગ પાછલાં ત્રણ વર્ષોથી ગુનાહગારીનો ધંધો મેં છોડી દીધો છે. એનું કારણ અહીથી ગુમ થતાં બાળકો છે. બસ્તીમાંથી ઘણાં બોળકો ગુમ થયા છે. આ સીલસીલો ઘણાં લાંબા સમયથી ચાલે છે. ઘણી કોશીશો કરી છતાં બાળકો ક્યાં ગુમ થાય છે અને તેને કોણ ઉઠાવી જાય છે એ જાણી શકાયું નથી. પોલીસ ખાતામાં આ બાબતની ઢગલો ફાઈલો પડી છે પણ કોઇ ધ્યાન આપતું નથી. આ મેડમ પહેલીવાર તપાસ કરવા બસ્તીમાં આવ્યાં ત્યારે મને લાગ્યું કે કશીક હલચલ જરૂર થશે એટલે મેં તેમને સહકાર આપ્યો હતો. તેમાં મારો સ્વાર્થ બસ એટલો જ હતો કે એ બહાને ક્યાંકથી તો શરૂઆત થાય.” ભાઉનો અવાજ સહેજ તરડાયો હોય એવું પેટ્રીકને લાગ્યું. ”આપણાં જીવનમાં કોઈકનાં ગાયબ થવાથી કેવો શૂન્યાવકાશ સર્જાય છે એ તો તને હવે સમજાયું જ હશે. ફક્ત એક જ વ્યક્તિ, કાંબલે ગાયબ થયો એમાં તું આટલો રઘવાયો બની ગયો હો તો વિચાર કરી જો કે મારી હાલત કેવી હશે. અરે જે માં-બાપનાં ફૂલ જેવા કોમળ નાના બાળકો ગુમ થયાં છે એમની સ્થિતિ કેવી હશે! જો બની શકે તો કાંબલેની સાથે તું બસ્તીનાં બાળકોની પણ તલાશ કરજે. કદાચ એ જશ તારા હાથની રેખાઓમાં લખાયેલો હોય.” ભાઉ ખરેખર ગળગળો થઇ ગયો. તેના જેવો ખૂંખાર માણસ આજે ઢિલો પડયો હતો એ જોઇને પેટ્રીકને અચરજ ઉમટયું. ચારું પણ આદ્ર નજરે ભાઉનાં ચહેરા સામું જોઇ રહી હતી.

પેટ્રીકને સમજાયું હતું કે હવે અહી રોકાવાનો કોઇ મતલબ નથી એટલે તે ઉભો થયો. એ જોઇને ચારુંને હાશ થઇ.

“બધા જ પોલીસવાળા એક-સરખા નથી હોતા.” તે બોલ્યો અને કમરાની બહાર નીકળી ગયો. ભાઉનો ચહેરો એ શબ્દો સાંભળીને ખીલી ઉઠયો. ચારુંએ તેની તરફ જોયું અને આંખોથી જ આભાર માનતી તે પણ બહાર નીકળી ગઇ.

તેમની આગળની મંઝિલ વામન શેખનો અડ્ડો હતી. ત્યાં એ બન્નેનાં ભૂક્કા બોલી જવાના હતા.

આ સમય્ સુરજ બરાબર મધ્યાહને તપતો હતો. અને આ સમયે જ અભિમન્યુ રિસોર્ટે પહોંચ્યો હતો.

ઘણી બધી ઘટનાઓ એકસાથે આકાર પામી રહી હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED