Angarpath - 36 books and stories free download online pdf in Gujarati

અંગારપથ - ૩૬

અંગારપથ.

પ્રકરણ-૩૬.

પ્રવીણ પીઠડીયા.

પેટ્રીક ફૂલ સ્પિડમાં જીપ ચલાવી રહ્યો હતો. બાજુમાં બેસેલી ચારું ગભરાતી હતી કે ભીડભાડ વાળા રસ્તે પેટ્રીક ક્યાંક કોઇની સાથે જીપ ઠોકી ન દે. તે અને પેટ્રીક સર, માત્ર બે જણાં જ રંગા ભાઉને મળવા નીકળ્યાં હતા એ થોડું વિચિત્ર હતું છતાં તે કંઇ બોલી નહોતી. આમપણ અત્યારે તેના જીવનમાં ઘણુંબધું વિચિત્ર બની રહ્યું હતું. ચારેકોરથી મુસીબતો જાણે તેને જ શોધતી આવતી હોય એમ અચાનક તેનાં માથે ટપકી પડતી હતી એટલે તે ધરબાઇ ગઇ હતી. એવા સમયે તેણે જે થાય એ જોયે રાખવાનું મન બનાવી લીધું હતું. બાગા બીચનાં પાર્કિગ લોટની પાછળ આવેલી બસ્તીમાં પેટ્રીકે જીપ વાળી ત્યારે પણ તે સાવ સ્થિત-પ્રજ્ઞ્ન અવસ્થામાં જીપનાં હુડમાં ખલાયેલો હેન્ડલ બારને પકડીને ખામોશ બેસી રહી હતી.

“રંગા ભાઉનું ઘર કઇ તરફ છે?” પેટ્રીકે બસ્તીનાં સાંકડા ગલીયારા જેવા રસ્તામાં પ્રવેશતાં ચારુંને પૂછયું. ચારું એકાએક સજાગ થઇ. તેની દિલની ધડકનો વધી ગઇ હતી.

“આગળ ચાર રસ્તાથી ડાબી તરફ જીપ વાળી લેજો. ત્યાંથી થોડે દુર એક આસમાની રંગનું બે મંઝિલવાળું મકાન દેખાશે. રંગા ભાઉ તેમા જ રહે છે.” ચારુંએ યંત્રવત જવાબ આપ્યો. તેને હજું સમજાયું નહોતું કે પેટ્રીક સર આખરે રંગા ભાઉને મળવા શું કામ માંગતા હતા! અને એ બાબતને લઇને તે પોતે આટલી નર્વસ કેમ થઇ રહી છે? રંગા ભાઉ આખરે હતો તો ક્રિમિનલ વ્યક્તિ જ ને! તો પછી તેને મળવા જતી વખતે નર્વસનેસ કેમ અનુભવાઇ રહી છે? કશુંક ખોટું થવાના ભણકારા કેમ સંભળાઇ રહ્યાં છે? ક્યાંક તે કોઇ નવી મુસીબતમાં તો સપડાવાની નથી જઇ રહી ને! તેની હથેળીઓમાં પરસેવો ઉભરાયો. કપાળે પાણીની બુંદો ઝગવા માંડી. અત્યારે આ હાલતમાં તેને અભિમન્યુની સખત રીતે યાદ આવતી હતી. એ સાથે હોત તો ગમે એવી ભયાનક પરિસ્થિતિથી પણ તે ગભરાઇ ન હોત. માત્ર બે દિવસના સહવાસમાં જ તે સંપૂર્ણપણે અભિમન્યુ ઉપર આશ્રિત બની ગઇ હતી એની નવાઇ પણ ઉદભવતી હતી.

એક ઝટકા સાથે જીપ ઉભી રહી અને વિચારોનાં વમળમાંથી તે બહાર આવી. પેટ્રીકે સાંકડી ગલીમાં જીપ ઉભી રાખી હતી. તેની નજરો સામે દેખાતા આસમાની રંગનાં મકાન તરફ મંડાયેલી હતી. રંગા ભાઉનું મકાન કંઇ ખાસ નહોતું. હાં, બસ્તીનાં બીજા ખખડધજ મકાનો કરતાં થોડી સારી હાલતમાં જરૂર હતું. ચારું જીપમાંથી નીચે ઉતરી. બરાબર એ સમયે જ બીજી તરફથી પેટ્રીક પણ ઉતર્યો. નીચે ઉતરીને તેણે કમરથી નીચે સરકી ગયેલી પોતાની પેન્ટને બન્ને હાથે પકડીને ઉપર ચડાવી અને ધારદાર નજરોથી રંગા ભાઉનાં મકાનને તાકતો ઉભો રહ્યો.

“ચાલ.” તેણે ચારુંને હુકમ કર્યો અને આગળ વધ્યો. ગલીમાં ચારેકોર ગંદવાડ ફેલાયેલો હતો. ગલીનાં પતરાવાળા મકાનનાં ઓટલે બેઠેલા થોડા જૂવાનિયાઓ આ બન્નેને જોઇને એકાએક સતર્ક બન્યા હતા. બસ્તીમાં ભાગ્યે જ ક્યારેક પોલીસ આવતી. તેમને ખબર હતી કે પોલીસ ખાતામાં નિયમિત હપ્તા પહોંચી જતા હોય ત્યારે આવી દખલગીરી કોઇ કારણ વગર અપવાદરૂપ કિસ્સામાં જ થતી. તેમાનાં બે -ત્રણ છોકરાઓ ઉભા થઇ ગયા હતા અને જરૂર કંઇક ગરબડ છે એ આશંકાએ શંકાભરી નજરે જીપ તરફ જોઇ રહ્યાં. તેમને એટલું તો સમજાઇ ગયું હતું કે આ બન્ને અફસરો રંગા ભાઉને ત્યાં જ આવ્યાં છે એટલે તેઓ એ મતલબનાં સંદેશાઓ ચારેકોર ’પાસ’ કરવાની વેતરણમાં પરોવાઇ ગયા હતા. એ દરમ્યાન પેટ્રીક અને ચારું રંગા ભાઉનાં મકાનનાં ઓટલા સુધી પહોંચી ગયા.

“રંગા ભાઉ ક્યાં મળશે?” મકાનની નીચેની રુમમાંથી બહાર ડોકાતી એક ખખડધજ મહિલાને પેટ્રીકે પૂછયું. આધેડ ઉંમરની એ મહિલા કંઇ બોલી નહી પરંતુ ફક્ત આંખોથી જ ઉપર તરફ જતાં દાદરને તાકીને ઈશારો કર્યો એટલે પેટ્રીક દાદર તરફ લપકયો. ચારુંને ખ્યાલ હતો કે રંગા ભાઉ ઉપર જ મળશે કારણ કે ગઇ વખતે તે અહી આવી હતી ત્યારે તે ઉપર જ ગઇ હતી. તેઓ સાંકડો દાદરો ચડીને ઉપર પહોંચ્યાં અને પહેલા માળની ગેલેરીમાં થઇને રૂમમાં પ્રવેશ્યાં.

“આવો ઈન્સ્પેકટર.” રંગા ભાઉએ ઘોઘરા અવાજે તેમનું સ્વાગત કર્યું. રૂમ વચ્ચે નંખાયેલા હિંડોળામાં રંગા ભાઉ હિંચકી રહ્યાં હતા. પેટ્રીકને તાજ્જૂબી થઇ કે તેના આગમનની જાણકારી અગાઉથી જ ભાઉને મળી ગઇ છે. તે મલકાઇ ઉઠયો અને ભાઉની સામે જઇને ઉભો રહ્યો.

“મારી પહેલાં મારાં સમાચાર પહોંચી ગયા લાગે છે! નેટવર્ક જોરદાર પાથરી રાખ્યું છે.” પેટ્રીકનાં શબ્દોમાં ખરેખર પ્રસંશા ઝલકતી હતી.

“શું કરીએ ઈન્સ્પેકટર સાહેબ, આપણો ધંધો જ એવો છે કે બધી બાજું ધ્યાન રાખવું પડે.” ભાઉનો ચહેરો પણ મલક્યો. તેમાં પોલીસનો ઉપહાસ ઉડાવવાનાં કોઇ ભાવ નહોતાં. તે સાચું બોલ્યો હતો.

“આપણો નહીં ભાઉ, ફક્ત તમારો. તમારાં જેવા લોકોને કારણે જ અમારે ઉજાગરો કરવો પડતો હોય છે માટે પોલીસ ડિપાર્ટમેન્ટને તમારી સાથે ન જોડો.” પેટ્રીક બોલ્યો. રંગા ભાઉ હસી પડયો.

“ભલે એમ રાખો. પણ ઉભા છો શું કામ, બેસો ને. અરે કોઇ છે અંદર? સાહેબ લોકો આવ્યાં છે. તેમની ખાતરદારીમાં ચા-પાણીની વ્યવસ્થા કરો.” ભાઉએ પાછળ ડોકું ફેરવીને અંદર બીજા રૂમનાં દરવાજામાં ઝાંકતાં કહ્યું.

“એવી કોઇ તકલીફ ઉઠાવવાની જરૂર નથી. જો તું મને સહકાર નહી આપે તો એવી ખાતરદારી હું તારી કરીશ. અને એ પણ મારી જગ્યાએ, મારી સ્ટાઇલમાં.” ત્યાં મુકાયેલા સ્ટૂલ ઉપર બેઠક લેતા પેટ્રીક બોલ્યો.તેનો મૂડ એકાએક ચેન્જ થઇ ગયો હતો. તેનો મીજાજ હજું ફાટેલો જ હતો. તે કોઇપણ સમયે કંઈ પણ કરી શકે તેમ હતો એટલે ચારું ઉભી જ રહી. તેને લાગતું હતું કે પેટ્રીક સર જરૂર કોઇ મોટી ઉપાધી સર્જવાનાં છે એટલે તે આવનારી પરિસ્થિતિનો મુકાબલો કરવા મનોમન સજ્જતા કેળવી રહી હતી. પોલીસ સ્ટેશનેથી નીકળતા પહેલાં તેણે પોતાની ગન સાથે લઇ લીધી હતી અને પેટ્રીક સર પાસે પણ ગન છે એ વાતની તેને ખબર હતી. રંગા ભાઉ ખરેખર સારો માણસ હતો એનો અનુભવ તેને પહેલી વખત મળી ત્યારે જ થયો હતો પરંતુ દરેક વખતે એ સારો જ રહેશે એની કોઇ ગેરેંટી નહોતી. વળી પેટ્રીક સર આખરે શેની પાછળ છે એ પણ તે ક્યાં જાણતી હતી! એટલે તેનું સતર્ક રહેવું જરૂરી હતું.

“મને તમારી મહેમાનગતી માણવાનો ચોક્કસ આનંદ થશે પરંતુ અત્યારે તો તમે મારે ત્યાં આવ્યાં છો એટલે પહેલો હક્ક મારો બને કે નહી? બોલો શું લેશો?”

“ઈન્સ્પેકટર કાંબલે. મારે ઈન્સ્પેકટર કાંબલે જોઈએ.” દાંત ભિંસીને પેટ્રીક બોલ્યો. અને એ સાથે જ… કમરામાં કોઈએ બોમ્બ ફોડયો હોય એવી સ્તબ્ધતા પ્રસરી ગઇ. ચારુંને એકાએક પેટ્રીક સરનાં ઉખડેલા મૂડનો તાળો મળી ગયો અને સાથોસાથ તે થડકી ઉઠી હતી. પણ પેટ્રીક સર આ સવાલ રંગા ભાઉને શું કામ પૂછી રહ્યો હતો? ક્યાંક તેને એમ તો નથી લાગતુંને કે કાંબલે સર ગાયબ થયાં તેની પાછળ રંગા ભાઉનો હાથ છે! જો ખરેખર એમ હોય તો એ ઘણી ગંભીર બાબત હતી. તેણે અસમંજસ ભરી નજરે ભાઉ તરફ જોયું. પરંતુ ભાઉનાં ચહેરા ઉપર પણ એવા જ ભાવો રમતાં હતા.

“ઓહ, તો તમે કાંબલે સાહેબને શોધવા અહી આવ્યાં છો! પણ તમે ખોટા દરવાજે દસ્તક દીધી છે. હું કાંબલે વિશે કંઈ જ નથી જાણતો. જો જાણતો હોત તો સાચું કહું છું મને તમારી મદદ કરવામાં ઘણો આનંદ આવ્યો હોત.” ભાઉએ સાવ ઠાવકાઇથી કહ્યું.

“મારે કોઇ નાટક નહી જોઇએ. હું જાણું છું કે તને બધી ખબર છે. જો કાંબલે સાહેબ નહી મળે તો એટલું તો ચોક્કસ કહીશ કે તને હું ઠેકાણે પાડી દઇશ.” પેટ્રીકનો અવાજ ઉંચો થયો અને તેનો હાથ અનાયાસે તેની ગન સુધી પહોંચ્યો. એ જોઇને ચારુંની ધડકનો એકદમ જ તેજ થઇ. રંગા ભાઉની નજરોએ પેટ્રીકની એ હરકતની નોંધ લીઘી હતી અને તેનો ચહેરો ગંભીર બન્યો હતો. તેનો હાથ તે જે તકિયાને અઢેળીને બેઠો હતો એની નીચે ગયો. તકિયા નીચે તેની રિવોલ્વર હતી.

“રીલેક્ષ ઈન્સ્પેકટર. તું અત્યારે મારાં ઘરમાં… મારો મહેમાન બનીને આવ્યો છે. હું નથી ઈચ્છતો કે અહી કોઇ ખોટી ગલત ફહેમીથી હંગામો ફેલાય અને મારાં ઘરમાં લોહી રેડાય.”

“તો સીધી રીતે મારા પ્રશ્નનો ઉત્તર આપ.”

“મને ખ્યાલ હોય તો આપુ ને.”

“એક મિનિટ, એક મિનિટ. મને લાગે છે કે કંઇક લોચો છે. પેટ્રીક સર, તમને કેમ લાગ્યું કે ભાઉ કાંબલે સર વિશે જાણતાં હશે!” ચારું એકાએક વચ્ચે બોલી ઉઠી. મામલો વધું તંગ થાય એ પહેલા ચોખવટથી વાત કરવી જરૂરી હતી.

“તું રંગા ભાઉને મળી એ પછીથી જ આ સીલસીલો શરૂ થયો છે અને સાહેબ પણ એ પછી જ ગાયબ થયા હતા.” તેણે ગન લગભગ બહાર કાઢી જ લીધી હતી અને ભાઉ તરફ તેની નળી તાકી હતી. એ જોઇને ભાઉ ચમકયો હતો. તેને ખતરાનો અંદેશો આવી ગયો. સામે બેસેલા અફસરનાં ઈરાદાઓ ખતરનાક જણાતા હતા. ગન તાકવાનો મતલબ એ ન સમજે એટલો નાસમજ નહોતો. તકિયા હેઠળથી તેનો હાથ બહાર આવ્યો ત્યારે તેના હાથમાં રિવોલ્વર ચળકતી હતી. ક્ષણનાં ચોથા ભાગમાં પેટ્રીક અને ભાઉ, બન્નેએ સામસામી ગન તાકી દીધી હતી. કમરામાં કાતિલ સન્નાટો છવાઇ ગયો. બધાનાં જીવ તાળવે ચોંટી ગયા. ચારું સ્તબ્ધતામાં સરી પડી હતી. જ્યારે તેની સમજમાં માજરો આવ્યો ત્યારે તેણે પણ પોતાની ગન ખેંચી કાઢી અને ભાઉનાં કપાળે તાકી દીધી હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED