શિયાળનું બહુવચન શિયાળો નહિ થાય..!
લોકોને શિયાળો જ કેમ માફક આવતો હશે, એ જ સમજાતું નથી. નહિ ઢંગના કપડાં પહેરાય, નહિ સાલી વાઈફ સાથે સીધી સેલ્ફી લેવાય કે કુલ્ફી ખવાય. ને ઘૂંટણીયા તી એવા થઇ ગયા હોય કે, જાણે ખંભાતી તાળા માર્યા હોય..! નહિ હાલે, નહિ વળે, ને નહિ થેલીમાં ભરીને લઇ જવાય..! સીધાં રહે ખરા પણ સીધા ચાલે નહિ. જેવી પ્રભુની માયા..! છતાં અમુકને તો એવી ઠંડબુદ્ધિ સુઝે કે, જમણમાં અદ્ડીયું, મેથીપાક ને સાલમપાકનું જમણ આપવાના હોય એમ, લગન પણ શિયાળામાં રાખે..! સાલા શિયાળાની સવાર જોઇને ભેરવાય જાય. સવાર એવી માદક ને આહલાદક હોય કે, બ્રહ્મચારી બાપુ પણ સમાધી તોડીને લગનની ચોગઠમાં આવી જાય..! બાકી તો જેણે વેઠયું હોય એને જ ખબર પડે કે, શિયાળાના ફણગા પછીની મૌસમમાં કેવાં ફૂટે..? દાદૂ..બધી વાત સાચી. શીયાળા સવાર દર્શનીય હોય, માદક હોય, રોચક હોય, ને કુદરતે રંગપૂરણી જ એવી કરી હોય કે, જોતાવેંત આંખ ઠરી જાય. પણ પાછળથી ખબર પડે કે, ટીવીમાં આવતી જાહેરાતના માલ જેવું જ એ બધું હોય. એમાં નહિ કોઈ માદકતા હોય કે, નહિ કોઈ આહલાદકતા. લગનના બખડજંતરમાં પડ્યા પછી તો, ખૂણે બેસીને એકતારો જ વગાડવાનો કે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે...! રામબાણ વાગ્યા હોય એ જ જાણે..!
જેવો સવાર ઉપર બપોરનો ઢોળ ચઢે, એટલે ઉષાનો કલર ઉડવા માંડે. ત્યારે ખબર પડે કે, આ તો બધું સાલું ક્ષણભંગુર છે..! શિયાળાની રાત તો કાચંડા જેવી છે. જેવી રાત પડે એટલે રીતસરનો આપણા ઉપર ઠંડાત્કાર થવા માંડે. સવારે ઉઠીએ ત્યારે ખબર પડે કે, આપણે તો પલંગ ઉપર સુતેલા, ને ફ્રીજમાં પથારી કરીને સુતા હોય એટલા ઠંડા કેમના થઇ ગયા..? સવારે પૂર્વની ક્ષિતિજે કોઈ ચિત્રકારે ચીતરેલા રંગબેરંગી આકાશને જોઇને ભેરવાઈ જઈએ યાર..! બાપા તો ટાંપીને બેઠાં જ હોય કે, દીકરો સમાધિમાંથી જાગે એટલી વાર..! આંગણામાં ચોરી સળગાવીને ઢોલ ઢમકાવી જ નાંખે..! પછી તો રસમંજન કહે છે એમ...
દિવસને કાજળ લગાવી રાત પાડે શિયાળો
નવોઢાનો ઘૂંઘટ ખેંચીને શરમાતો શિયાળો
થંભી ગયું આકાશ લઈ તારલાના ઝૂમખાંઓ
એને જ કહેવાય લગન જે પી ગયો શિયાળો
સાલા લગન શિયાળામાં, ચૂંટણી શિયાળામાં, નિશાળમાં સ્પોર્ટ્સ ડે શિયાળામાં ને એન્યુઅલ ડે પણ લોકો શિયાળામાં જ કાઢે ..! આવાં બધાં ડેઈઝ સવારમાં આવે ત્યારે તો એવું લાગે કે, બરફની લાદી ઉપર સુવાડીને આપણને મુઢમાર મારવા કાઢ્યા હોય..! મરઘાં જેવા મરઘા સવારે ‘કુકરેકુક’ કરવામાં હાંફી જાય તો માણસની શું દશા થતી હશે..? એ તો સારું છે કે, નિશાળવાળા એન્યુઅલ ડે સાંજને બદલે સવારે પાંચ વાગ્યે રાખતાં નથી. નહિ તો આપણે ગોદડા ગાદલાને રજાઈ સાથે જ બાબાના એન્યુઅલ ડે માં જવાનું આવે..! ઋતુઓ પણ કેવી બે-લગામ થવા માંડી છે, જુઓ ને..? વરસાદ પડે તો પડ્યા જ કરે. ને ઠંડી પડે તો એવી પડે કે, ચામડાં પણ ફાટવા માંડે. ઉનાળામાં વસ્ત્ર-ત્યાગ કરવાનો, ને શિયાળામાં સુતા હોય તો બાજુવાળાની પિછોડી ખેંચવાની..! મોઢેથી શ્વાસ કાઢીએ તો, શ્વાસ નીકળવાને બદલે બરફના ગાંગડા બહાર આવે એવી ટાઈટ ઠંડી પડે..! પીવાની આદતવાળાને મઝા આવી જાય. ગ્લાસમાં ખાલી ફૂંક જ મારવાની, એટલે બરફ હાજરા હજૂર..!
વિચાર કરો આવી કડકડતી ઠંડીમાં એન્યુઅલ ડે રાખ્યો હોય તો ભાઈઓ તો ઠીક, પણ બહેનોની તો હાલત તો એવી ખરાબ થઇ જાય કે, નહિ કસ્તુરબા ગાંધીનો પહેરવેશ પહેરાય કે, નહિ ઝીન્નત અમાનનો..! શિયાળામાં સુરજ પણ વહેલો ડૂબે, એટલે મેકઅપના પૈસા તો અંધારામાં જ જાય..! ઠંડીને લીધે મેક અપ ઉડે નહિ, બાકી પૈસા તો વસુલ નહિ થાય. અંધારામાં મેકઅપ જુએ કોણ..? આખું શરીર જ એવું સંતાઈ જતું હોય કે, કોઈને મોઢું બતાવવા લાયક પણ નહિ રહીએ. હસબંધ બાજુમાં બેઠો હોય તો પણ એની વાઈફને ઓળખી નહિ શકે..! સ્કુલના એન્યુઅલ-ડે ની મઝા છે દાદુ..!
ટાઇઢ કોઈની શરમ રાખતી નથી. ભલે ને શાળાનું વેકેશન શિયાળા માં ટૂંકું હોય, ને ઊનાળામાં લાંબુ હોય, ઠંડી પડે એટલે લાંબો માણસ પણ ઠુંઠવાયને ટૂંકો થવાનો. પણ ઉનાળામાં ફૂલીને લાંબો કે જાડો થતો નથી. સિવાય કે, શરીરે જાડા પેકિંગ ચઢાવ્યા હોય..! શિયાળો બેસે એટલે બસના સમય પત્રક બદલાય, રેલવેના સમય પત્રક બદલાય, પ્લેનના સમય પત્રક ને ભાડા બદલાય, પણ ન્હાવાના સમય નહિ બદલાય. બાકી ન્હાવામાટે પથારીમાંથી ઉઠીને બાથરૂમ સુધી જવું, એના કરતા ચાર ધામની યાત્રા કરવી સારી. ટ્રાન્સપોર્ટ માટે ત્યાં ખચ્ચર તો મળે..? એમ થાય કે, શિયાળાના ચાર મહિના ન્હાવા માટે બાથરૂમ ભીનું નહિ કરીએ તો ના ચાલે..? મેલના કારણે શરીરનું વજન વધી-વધીને કેટલુંક વધી જવાનું હતું ..? ટાઈટ ટાઇઢ પડતી હોય ત્યારે તો એવું લાગે કે, આપણે આપણું ન્હાવાને બદલે કોઈ ઉકલી ગયા હોય એનું ન્હાતા હોય એવું લાગે. પછી તો જેવો જેવો શિયાળો..! સાહસ કરીને બાથરૂમમાં ગયા પછી, બાથરૂમનો એક-એક સરસામાન હિમાલયના ખડક જેવો ઠંડોગાર લાગે. ધાબે સોલાર ચોંટાડ્યુ હોય તો પણ પાણી એવું કુલ-કુલ આવે કે, સોલારને પણ હડતાળ ઉપર જવાની આદત પડી ગઈ કે શું..? સાબુનો ગોટો બરફના ગોળા જેવો લાગે. ક્ષણિક તો એમ થાય કે, તેલ લેવા ગયો સાબુ, એના કરતાં તો કાચકાગળથી શરીર ઘવડેલું સારું..! શરીરે ઝાર બળે એટલું જ ને..? બાકી ન્હાવા પહેલા ધ્રુજારી તો નહિ ચઢે..!
બેઘડી વિચાર કરો કે, આવી ટાઈટ ટાઇઢમાં નિશાળના એન્યુઅલ ડેમાં નીકળવાનું આવે તો વાલીની હાલત શું થાય..? આખું વર્ષ ફી ભરાવીને તો ફીઇઈઈણ કાઢ્યું જ હોય, એ ફીઈઈઈણ પણ ઓછું પડ્યું હોય, એમ શિયાળામાં એન્યુઅલ ડે રાખીને વધારાનું ફીઈઈઈણ ઓકાવે. બાકી આમ જુ તો એન્યુઅલ-ડેની મઝા તો ખરી..! ભાગ લેનારા વિદ્યાર્થી કરતા એ દિવસે વાલીઓનો ઠઠારો ભારે હોય. ઢેબરા કે ઢોકળાને જેણે ઘરે હાથ નહિ લગાવ્યો હોય, એ એન્યુઅલ ડે ના અંધારામાં એનો ખુરદો કાઢી નાંખે. ભલે એન્યુઅલ ડે બાબાનો હોય, પણ બાબાના પેટનું પાણી પણ હાલતું નહિ હોય, પણ વાલીઓનાજ મોર એવા થનગનાટ કરતા હોય કે, જાણે શાળાના એન્યુઅલ ડે ને બદલે, સાળાની જાનમાં ટહેલવા નહિ આવ્યા હોય..? અમુકને તો, અંગ્રેજીમાં સમઝ પડે તો તો ઠીક મારા ભાઈ, નહિ તો માત્ર ફોટા જોવા જ આવ્યા હોય..! માત્ર બધા તાળી પાડે એટલે તાળી પાડીને મોઢામાં ઢોક્લું દબાવ્યું કે પત્યું..!
આ લોકોની જમાવટ એટલે બહુ ભારી હંઅઅઅ..? એન્યુઅલ ડે આવે તે પહેલાં તો મમ્મીઓના શણગારના બુકિંગ થઇ ગયાં હોય. અમુક તો એવો ઠઠારો કરીને આવે કે, જાણે જૂની એમ્બેસેડર ગાડી સીધી જ ગેરેજમાંથી બહાર ના આવી હોય..! ઠઠારામ હોય ત્યારે તો એવાં સામાજિક બની જાય કે, સામે થાંભલો ઉભો છે, એ પણ નહિ જુએ..! અથડાયા તો એને પણ સ્માઈલિંગનું સુદર્શન ચક્ર ફેંકે..! એટલું જ નહિ બધાને હલ્લો...હાઈ કરીને કહેતી પણ ફરે કે, જો જો હંઅઅઅ... “આપણા બાબા” એ પણ એન્યુઅલ ડેમાં ભાગ લીધેલો છે. કોઈ પૂછે કે, એ શામાં રહ્યો છે ? તો કહે, ‘ એની તો ખબર નથી, પણ આ વખતે એને ગયા વર્ષની માફક પડદા પાડવામાં કે ફુગ્ગા ઉડાડવામાં તો નથી જ રાખ્યો એ પાક્કું..!’ તારી ભલી થાય તારી..! આપણું મગજ એ વાતે ઉથલી જાય કે, આ ગૃહસ્થી “ આપણો બાબો “ શું જોઇને કહેતી હશે ? આપણો બાબો એટલે શું ? બાબો એટલે લીમીટેડ કંપની ને બાકીના શેરહોલ્ડર એવું..? થાય એવું કે, ખમણ-ઢોકળા ને ચવાણું ખાવામાં એનું પરપોટુ ક્યારે ખેલ કરીને વદા થઇ ગયું, એની ખબર શુદ્ધા નહિ પડે...!.