સાહસ (અંક 3)
કોલેજમાં પ્રવેશતાવેંત જ સેજલે એક મૃતદેહ જોયો હતો. એ બેભાન થઈ ગઈ હતી. ધવલે એને જગાડી હતી.
કલાસની બહાર એક પ્રોફેસર જરા શકમંદ રીતે વર્તતા હતા. એમણે રાકેશ અને સચિન સાથે જરા વિચિત્ર વર્તન કર્યું હતું.
રાકેશે અને સચિને દોડીને એ પ્રોફેસરને ઓવરટેક કરીને અટકાવ્યા.
“ફોન ક્યાં લઈ જાઓ છો, સર?” રાકેશે પૂછ્યું.
“અન દિલ્લગી તો આલો!” સચિને કહ્યું- "ઇના વગર માર નઈ ચાલ, સાહેબ."
“આ બધી ધમાલ પૂરી થાય પછી લઈ જજે તારો ફોન.” પ્રોફેસરે વ્યગ્રતાથી રાકેશને કહી દીધું.
"એવું કેમ, સાહેબ?” રાકેશ ગુસ્સે થઈ રહ્યો હતો- "આ બધી ધમાલમાં મારા ફોનનો શું વાંક?"
“એ જે વાત થઈ હોય એ.” પ્રોફેસરે ચીડાઈને કહ્યું- “ખૂનનો આ કેસ પૂરો થાય પછી આવીને તારો ફોન લઈ જજે.”
“અલા પણ તમે તો ચેવી વાત કરો સો, સાએબ?” સચિને કહ્યું- “ખૂન થઈ જાય તો દિલ્લગી પણ નઈ ખાવાની? ફોન ના આલો તો કશો વાંધો નઇ, દિલ્લગી તો આલો, યાર!"
“વધારે માથાકૂટ ન કરશો. જાઓ હવે અહીંથી.” કહીને પ્રોફેસર ચાલતાં થયા.
“હું કમ્પ્લેઈન કરીશ.” રાકેશ મોટેથી બોલ્યો.
પ્રોફેસર અવળા ફરીને બોલ્યા- “અત્યારે આ ધમાલમાં તારા મોબાઈલની ફરિયાદ કોઈ ઈધ્યાનમાં લેશે? કોઈ નહિ સાંભળે?” વટથી હસીને એ સીડીઓ તરફ ચાલતાં થયાં.
“આ તો ગાંડી ખોપડીનો છે, યાર!” રાકેશે સચિનને કહ્યું- “ફોન લઈ ગ્યો મારો!”
“ને મારી દિલ્લગીનો શું વાંક હતો આમાં?” સચિન બબડ્યો- “સત્તાનો દુરુપયોગ જ કરે હે મારાહારા!.”
“ફોન તો હું પાછો લઈશ જ.” રાકેશ બોલ્યો- "ભલે ગમે તે થાય."
“શું કરીશ તું?” સચિને પૂછ્યું.
રાકેશે મક્કમતાથી જવાબ આપ્યો- “સાહસ.”
ને આ બાજુ, વિદ્યાર્થીઓની ભીડમાં બે મિત્રો એવાં હતાં કે જેમણે આ બંને ઘટનાઓ જોઈ હતી - પ્રોફેસરે સેજલ અને ધવલની વાત સાંભળી હતી એ અને એ જ પ્રોફેસરે રાકેશનો ફોન પડાવી લીધો એ પણ. એ બંને હતાં - કૌશલ અને કૃશાલ.
“કોણ છે આ?” કૌશલે કૃશાલને પૂછ્યું.
“કેમેસ્ટ્રીનો પ્રોફેસર સે.” કૃશાલે ડિટેક્ટીવની અદામાં માહિતી આપી- “પ્રતાપ ડામોર નામ સે ઈનું. નવો આઈવો છે. લગભગ એક મઈનો જ થિયો સે એને આંય આયે. ઈનઓર્ગેનિક કેમીસ્ટ્રીમાં માસ્ટરી સે ઇની. પાકી ખબર નહીં મારી આગળ પણ કહેવાય સે કે ઈ પ્રતાપ ડામોર Ph.D. થયેલો સે.”
કૌશલ ઘડીક કૃશાલ સામે જોઈ રહ્યો. બોલ્યો- “ આટલી બધી માહિતી કેમની લઈ આયો લ્યા?”
“મને તો ભૈ પે'લેથી જ આ માણસનું વર્તન વિચિત્ર લાગતું આઈવું સે.” કૃશાલે કહ્યું- “મેં એને કૉલેજના જુદા જુદા ભાગોના ફોટા પાડતો જોયો’તો. એને એ ઈ નથ ખબર કે કોઈ ઈને ફોટા પાડતું જોઈ ગયું’તું. મને એવું લાગે સે કે એણે એની રીતે કૉલેજનો નકશો પણ તૈયાર કઈરો સે.”
“પણ..” કૌશલ વિચારમાં પડ્યો- “પણ આ બધું શું કામ કર છે એ?”
“ઈ જ તો પ્રશ્ન સે, દોસ્ત!”
“આપણે તપાસ કરીએ.” કૌશલે ઉત્સાહથી કહ્યું-
“ગોતી કાઢીએ બધું.”
“હું તો ગોતતો જ 'તો!” કૃશાલે કહ્યું- “પણ ઈમાં વરી આ પોલીસ આઈ જઈ. હવ આપણે જાસૂસ બનવા જ્યા અન પોલીસની નજરે ચડ્યા તો લોચા થઈ જાશે.”
“સાહસ તો કરવું પડશે!” કૌશલે કહ્યું- “કરીશું સાહસ?”
"કરીએ!"
અને આ તરફ લાશ પર નજર સ્થિર કરીને બેઠેલી સેજલે ધવલને કહ્યું- “આના ખૂનની વાત મારા મનમાંથી ખસતી નથી. હું આ બાબતે કંઈ શોધીશ નહિ ત્યાં સુધી મને જપ નહિ વળે.”
“તો શોધીએ આપણે..” ધવલે મક્કમતાથી કહ્યું- “કરીએ સાહસ....”
(વધુ આવતા અંકે)