Aabhle udine ame motida laavya books and stories free download online pdf in Gujarati

આભલે ઉડીને અમે મોતીડા લાવ્યા..!

આભલે ઉડીને અમે મોતીડા લાવ્યા...!

ચગવા ચગાવવાના શોખ અઘરા છે રામા..! રામાયણની ફેકલ્ટી છોડી મહાભારતનો ધર્મ અપનાવવા જેવું..! પોતાનાએ જ પોતાનાને હણવાના. પતંગે ભૂલી જવાનું કે, રંગ-ભેદ વગર અમે દુકાનદારને ત્યાં કેવાં મૌજમાં લટકતાં..! પાંડવની માફક પંજામાં રહેતાં. જ્યારથી મોહની દોરીથી બંધાણા ને અમે એકબીજાના ઘાતક થઇ ગયાં. અમારી ઉડાનથી ખુશ થવાને બદલે, કોઈને પછાડું તો જ ચગાવનાર ને ટાઢક થાય. જે કુળમાં જન્મ્યા એને રાજી રાખવાનો દસ્તુર જો માણસ, નીભાવતો હોય, તો અમે હાડ-માંસ ને લોહી વગરના પતંગડા..! ગુલાંટ મારીને કેટલી વખત નારાજી વ્યકત કરીએ..?

કાપાકાપી-લપેટ ની ચીચયારીઓમાં અમારી વેદના સાંભળે કોણ..? ઉતરાયણ ઉતરવી જ જોઈએ, લોકોમાં ક્યાંથી ચ્યવનપ્રાશ આવી જાય સમજાતું નથી. ધાબા ઉપર લગનનો માંડવો બાંધ્યો હોય, ને પતંગ-દોરી લગ્ન ગ્રંથીથી બંધાવાના હોય, એવી ધમાચકડી ને ભૂંગળનો કોલાહલ થવા માંડે. સર્વ મંગલ માંગલ્યે રહે તો તો આનંદ થાય, પણ અદેખાયનો પવન છૂટે એટલે ધાબુ કુરુક્ષેત્રનું મેદાન બની જાય. ચોમાસામાં રેલ આવે ત્યારે, રેલના પાણી ઘરમાં ફરી વળે, ને ઉતરાયણ આવે ત્યારે પતંગ, ફીરકી, દોરીઓના શેષ અને અવશેષો ઘરમાં ફરી વળે. ત્યાં સુધી કે, દાદાનો ખાટલો પણ ગોદડાને બદલે પતંગ-ફિરકાથી હાઉસફુલ હોય. જ્યાં જ્યાં નજર મારી ઠરે પતંગ ફિરકાને દોરીઓ જ દેખાય..! ઘરના કોઈ ખુણાઓ ખાલી ના હોય. ઘાયલ પતંગોએ વાઢ-કાપ ને સાંધાના સરસામાન ખુણાઓ ઉપર અડીંગો જમાવ્યો હોય. આ તે કોઈ ઘર છે કે, પતંગનું ગોડાઉન એવું લાગે. ઘરનું નામ ભલે આનંદદ્વાર હોય, પણ કોલાહલ-દ્વાર બની જાય..! એમાં ઘાયલ પતંગોના ઢગલા જોઇને તો એવું જ લાગે કે, આપણે પતંગની હોસ્પિટલમાં આવ્યા છે..! ઘાયલોની ચીચયારી સંભળાય નહિ પણ, આપની આંખ તો જુએ ને..? બે ત્રણ પતંગના ખભા તૂટેલા હોય, બે-ચારની કમ્મર વળી ગઈ હોય, કોઈ પતંગ નિવસ્ત્ર બનીને લેપળીથી સંકોચાતો ખૂણામાં સંતાઈને પડ્યો હોય, કોઈને આખા શરીરે ઉઝરડા આવ્યા હોય. તો કોઈ પતંગ દોરી વગર વિધુર બનીને હાયકારા લેતો હોય..! રામબાણ વાગ્યા હોય એ જાણે બાપ..! ફીરકીની પણ હાલત એવી. ક્યા તો બિચારી ત્યકતા થવાથી ડૂસકા લેતી હોય ક્યાં તો બિચારી વિધવા બનીને નિ:સહાય આંસુ સારતી હોય..! આંખો ફાડી-ફાડીને તંદુરસ્ત પતંગ સામે જોતી હોય કે, કોઈ તો આ અભાગણનો હાથ ઝાલો...?

કાપાકાપીના એવાં તાંડવ ચાલે કે, ઘર-ઘરના ધાબે કોઈ બાપુની કથા બેસસાડીએ તો પણ લોકો સખણા નહિ બેસે..! બાપુની રામધૂન બોલવા જાય કે, પતંગના ઠુમકા મારવા જાય..? ભાભાઓ સિવાય મંજીરા ઠોકવા કોઈ ભાયડો નહિ ઉભો રહે. જુવાનીના જોમ આગળ ડોહાઓ બિચારા કરી પણ શું શકે..? જેને પતંગની કન્ના બાંધવાની નહિ ફાવે, એ જુવાનીયાઓની કન્ના તોડી પણ ક્યાંથી શકે..? કીડીને ઝાંઝર અને મચ્છરને માલીશ કરવા જેટલું અઘરું..! પોતાના માલિશના બાટલા સાચવવા જાય કે, જુવાનીયાઓને સાચવવા જાય..? આકાશ નહિ દેખાય તો ચગતા પતંગ તો દેખાય જ કેવી રીતે..? એટલે ચડ્ડી બનિયાન ધારીમાં એક ખૂણે બેસીને મઝા માણ્યા કરે બિચારા..! બહુ બહુ તો ટૂંટિયું વળીને લુંટેલા પતંગ સાચવે. દાંત તો પહેલેથી જ વોક-આઉટ કરી ગયાં હોય, એટલે બોરના ઠળિયા પણ નહિ કઢાય. દાદાની પથારી ઉપર દાદાને બદલે પતંગો આરામ ફરમાવતા હોય, તો બિચારા દાદા જાય પણ ક્યાં..? નહિ એનાથી આડા પડાય, કે નહિ આડા ફંટાય..! ગુરખાની માફક બેઠાં-બેઠા જ ઝોંકા ખાવાના. જાયે તો કહાં જાયે..! એમ થોડું કહેવાય કે, ‘ અમારા જમાનામાં માત્ર પતંગ જ ગુલાંટ મારતા, માણસો નહિ.....!

પતંગની માફક માણસને પણ ગુલાંટ મારવાની જાને ફાવટ આવી ગઈ. ભલભલા લોકો ભલભલી જાતની ગુલાંટ મારતા થઇ ગયાં. કેમ ચગવું, કેટલું ચગવું, ને કોને ક્યારે કાપવો, આ બધા ચેપ પતંગમાંથી જ આવેલા હોય, એવું લાગે. ગુલાંટ મારવી એટલે, માણસ માટે ચપટીનો ખેલ થઇ ગયો. જેની ગુલાંટ મારવાની ક્ષમતા ભારી, એને નેતા બનવાની ફાવટ સારી....! ‘

પતંગ ગમે તે દેશનો હોય, ગમે તે આકારનો હોય. ગમે તે રંગનો હોય. પણ ગુલાંટ એટલે ગુલાંટ. ગુલાંટ એટલે પતંગનો જન્મસિદ્ધ હક્ક....! પછી તો જેવું જેવું હવામાન એવી એવી એની ગુલાંટ....! રાજકારણ હોય કે, ઉતરાયણ હોય, બંને ફેકલ્ટીઓ પૂંછડા અને પવન ઉપર જ નભે. બંનેનો એક જ મુદ્દાનો કાર્યક્રમ કે, ચગવું, ચગાવવું, કાપવું ને કપાવું..! રાજકારણ અને ઉતરાયણમાં પવન જ અગત્યનો. જેમ ચૂંટણી આવે ત્યારે જ ઉમેદવાર મતવિસ્તારમાં આવે, એમ ઉતરાયણ આવે ત્યારે જ અમુકના પગલાં તો ધાબે પડે. આખું વર્ષ ક્યારેય ધાબે ચઢીને જોયું નહિ હોય કે, આ ધાબુ આપણા જ ઘરનું છે કે, બાજુવાળાનું....! કોઈ દિવસ ધાબે ચઢવાના પગથીયા ગણ્યા હોય તો ખબર પડે ને કે, ઘરને એક ધાબુ પણ આવેલું છે.

મહાત્માઓ ભલે એમ કહી ગયાં હોય કે, “ અવેરે જ શમે વેર, ના શમે વેર વેરથી.....! ´ પણ પતંગની કાપાકાપી ચાલતી હોય, ત્યાં જો આવા પ્રભાતિયાં ગાવા જઇયે તો, ઘેટું ચરવા ગયું પણ ઊન ગુમાવીને આવ્યું એવી દશા થાય. ભૂલી જાવ કે, આપણો પાડોશી દયાળુ ને દિલાવર છે. ભૂલી જાવ કે આપણો પાડોશી પરદુઃખભંજક છે. આપણા ઢગલાબંધ પતંગોની કન્ના ભલે એણે બાંધી આપી હોય, બાકી આપણા પતંગને સૌથી મોટું જોખમ આપણા પાડોશીનું જ હોય. આપણા ચગેલા પતંગોને આપણો પાડોશી જ વધારે કાપતો હોય....!

એકબાજુ ઉતરાયણની ચિચિયારી હોય, ધાબે ધમ્મ...ધમ્મના ઢોલ નગારા વાગતા હોય, એવું નથી કે પેચ માત્ર આકાશમાં જ લાગે કોઈની લાલ-પીળી લેપળી દેખાવી જ જોઈએ. ભર દોરીએ પોતાનો પતંગ મુકીને બીજાની લેપળીને લુંટવા જાય, એવું પણ બને. બાપાએ ભલે સારામાં સારી પતંગ લઇ આપી હોય, તો પણ બીજાની જ સારી લાગે. સેવન્ટી પ્લસવાળાની ભેખડ તુરી જાય તો બીજાની તો શું કથા કરવી..?

મુદ્દાની વાત એ છે કે, આકાશ તો પહેલા પણ હતું અને આજે પણ છે. પતંગ-દોરી ને ફીરકી, પહેલા પણ હતી, ને આજે પણ છે. ફીરકી પકડવાવાળા ત્યારે પણ હતાં, ને આજે પણ છે. પણ, સમયે સમયે પવન બદલાતો ગયો. પવન જોઇને વહાણ હાંકવાની રીત અને સમઝણ બદલાતી ગઈ. બાકી, પતંગમાં ક્યારે ઢીલ મૂકાય, ક્યારે દોરી ખેંચાય, ને ક્યારે ગુલાંટી મરાવાય, આટલું જો આવડી ગયું તો ખલ્લાસ.....! બંદા રાજકારણની પ્રવેશ પરીક્ષામાં સરિયામ ફતેહ....! કદાચ મોટા ગજાના નેતા નહિ થવાય, પણ ગામનો સરપંચ તો થઇ જ જાય. શું કહો છો દાદૂ..?

ઉતરાયણ એટલે ઊંચું જોવાનો દિવસ. બાકી પતંગ ચગાવવાનું તો એક બહાનું..! સૂર્ય મકર રાશિમાં જાય કે, મગરના મોઢામાં જાય, ઉતરાયણનો એક જ સંદેશ, પવનવાળી દિશામાં ગતિ કરતા રહો. પવન ભલે બદલાય, જાતને નહિ બદલવાની. પતંગના રંગ ગમે તે હોય, માણસના રંગ નહિ બદલાવા જોઈએ. આકાશ બતાવવાની લાલચ તો ઘણા આપે, પણ એ લાલચમાં ચગતાં જ નહિ રહેવાનું, ચેતતા પણ રહેવાનું. તો જ આપણા અતાપતા રહે..!

___________________________________________________________________________

12 જાન્યુઆરી 2020





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED