વિષાદ યોગ - પ્રકરણ - 56 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 56

“ચાલ તારુ લેપટોપ ચાલુ કર અને કૃપાલસિંહના સ્વીસબેંકનું એકાઉન્ટ ખોલ. હવે તને સમજાઇ ગયુ હોવું જોઇએ કે મને તારા વિશે બધીજ ખબર છે એટલે કોઇ પણ જાતનું બહાનું બનાવતો નહીં, કેમકે આ બધુ કરી તું તારો સમય બગાડી રહ્યો છે.આ બધામા તારા પરિવારની સલામતી જોખમાઇ રહી છે. હું કેટલો સમય તારા પરિવારને કૃપાલસિંહથી છુપાવી શકીશ તે મને નથી ખબર.” આ સાંભળી વિલીએ કહ્યું “ આ કામ કરતા પહેલા મારી એક શરત છે.”

આ સાંભળી નિશીથે કહ્યું “વિલી તુ અત્યારે કોઇ શરત મુકી શકે તેવી હાલતમાં નથી છતા હું તારી શરત માન્ય રાખીશ બોલ. તારી શરત શુ છે?”

“આ કામ કર્યા પછી મને અને મારા પરિવારને સલામત જગ્યા પર પહોંચાડવાની વ્યવસ્થા તમારે કરવી પડશે.અને તમે કોના કહેવાથી તમે આ કામ કર્યુ છે તે મને કહેવુ પડશે.” વિલીએ કહ્યું.

“ઓકે તારી સલામતીની વ્યવસ્થા તો આમપણ હું કરવાનો જ હતો અને હું કોના કહેવાથી કામ કરી રહ્યો છું તે હું તને છેલ્લે કહીશ. ચાલ હવે લેપટોપ ચાલુ કર અને હું કહું છું તે પ્રમાણે કર.”

------------**********--------------------**************----------------*************-----------------

બાપુ રાજમહેલમાં જઇ સીધા જ ગંભીરસિંહને મળ્યા અને પુછપરછ કરતા બોલ્યા “આ વિલી અને કૃપાલસિંહ વિશે તમારો શું અભિપ્રાય છે?" આ સાંભળી ગંભીરસિંહે કહ્યું "સાહેબ મે તમને પહેલા તો કહ્યું હતુ કે હું તો નાનો માણસ છું મને શું ખબર હોય. મને તો મારો પગાર મળે છે. બાકી મોટા માણસોના ધંધામાં મને શું ખબર પડે?"

"વિલી અહીં શું કામ માટે આવેલો તે કંઇ તમને ખબર છે?"

" અહી આગળ રસ્તામાં જે અનાથાશ્રમ છે તેના દસ્તાવેજ કરવાના હતા. એટલે મને સાથે એક દિવસ લઇ ગયા હતા. એ સિવાય બીજી મને કશી ખબર નથી." ગંભીરસિંહે ખંધાઇથી કહ્યું.

"આ અનાથાશ્રમ કોણે ખરીદ્યો?"

"એ તો ખંડેર થઇ ગયો છે પણ કૃપાલસિંહને તેની જમીનમાં રસ છે એટલે તેણે જ આ જમીન ખરીદી છે પણ, તેનો દસ્તાવેજ મારા નામે કર્યો છે. તમને તો આ મોટા માણસોના કાળા ધોળાની ખબર જ છે ને. તેમા અમારા જેવા નાના માણસો ફસાઇ જાય. મે ઘણી ના પાડી છતા વિલી માન્યો નહીં." ગંભીરસિંહે કહ્યું.

"આ વિલી અને કૃપાલસિંહ વચ્ચે કેવા સંબંધ છે?" બાપુએ પુછ્યું.

"અરે આ વિલીજ કૃપાલસિંહનો અડધો કારોભાર સંભાળે છે." ગંભીરસિંહે કહ્યું.

"આ ઉર્મિલાદેવી અને કૃપાલસિંહ વચ્ચે કેવા સંબંધ છે?" આ પુછતા બાપુનો અવાજ એકદમ ધીમો પડી ગયો.

"રાજ ઘરાનાની ખટપટ તો તમે જાણતાજ હશો. ઉર્મિલાદેવીના પતિનું ખૂન થઇ ગયુ હતું. અને મે વાતો સાંભળી છે કે તે ખૂન પાછળ કૃપાલસિંહનો જ હાથ છે. ઉર્મિલાદેવીને કૃપાલસિંહ પ્રત્યે નફરત છે." આ સાંભળી બાપુના કાન ચમક્યા.

તેણે ઇ.દવેને ઇશારો કરી પાસે બોલાવ્યા અને કાનમાં કંઇક કહ્યું. આ સાંભળી ઇ.દવે ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ બાપુ ઉર્મિલાદેવીને મળવા ગયા. બાપુએ ઉર્મિલાદેવીને સીધુજ પુછ્યું “મને એવુ જાણવા મળ્યુ કે તમારા અને કૃપાલસિંહ વચ્ચે બહું સારા સંબંધ નથી.” આ સાંભળી ઉર્મિલાદેવીના ચહેરા પરના હાવભાવ ભદલાઇ ગયા અને તે બોલ્યા “હા, તો તેનું અત્યારે શું છે? તે અમારો અંગત મામલો છે.”

“હા, પણ મને લાગે છે કે આ વિલીને ગુમ થવા પાછળ કોઇ પર્શનલ દુશ્મની જવાબદાર છે.” બાપુએ સીધુજ તીર છોડતા કહ્યું.

આ સાંભળી ઉર્મિલાદેવીને ગુસ્સો આવ્યો અને તે બોલ્યા “એટલે તમે શું કહેવા માંગો છો? તમને ખબર છે ને કે તમે કોની સાથે વાત કરો છો?”

“હા, હું કૃપાલસિંહ મિનિસ્ટરના ભાભી સાથે વાત કરી રહ્યો છું. અને મને એ પણ ખબર છે કે આ ભાભીને કૃપાલસિંહ પર ખુન્નસ છે.” આ સાંભળી બાપુ થોડા રોકાયા પણ ઉર્મિલાદેવી કંઇ બોલ્યા નહીં એટલે બાપુએ એ આગળ કહ્યું

“પણ તમને ખબર નથી કે મને જે લોકોએ અહીં મોકલ્યો છે, તેને કૃપાલસિંહેજ ઓર્ડર આપેલો છે.” આ સાંભળી ઉર્મિલાદેવીનો પિતો ગયો અને તે બોલ્યા “ તમેન કોણે મોકલ્યા છે? તે સાથે મારે કોઇ નિસ્બત નથી. તે તમારો કૃપાલસિંહ પણ મને કંઇ કરી શકે એમ નથી. અને હવે પછી આવો ત્યારે ઓફિસીયલ લેટર સાથે આવજો. બાકી હું તમને અહીંથી ધકકા મારીને બહાર કઢાવીશ.” આટલું બોલી ઉર્મિલાદેવી ઊભા થઇ તેના રુમમાં જતા રહ્યાં.

બાપુ પણ ત્યાંથી બહાર નીકળી જીપ પાસે ગયાં એટલે દવે એ પુછ્યું “શું થયું બાપુ? કંઇ જાણવા મળ્યું?”

“ના, યાર આ બાઇ પાવરફૂલ છે પણ મને એક વાત ન સમજાઇ કે તેને કૃપાલસિંહ સાથે શો વાંધો છે? તેનો આ રાજમહેલનો બધોજ ખર્ચ કૃપાલસિંહ ઊઠાવે છે તેવુ ગંભીરસિંહે કહેલું. તો પછી ઉર્મિલાદેવીને કૃપાલસિંહ પ્રત્યે આટલી નફરત કેમ છે? અને જો કૃપાલસિંહ આ જાણતો હોય તો પછી શું કામ તે તેનો ખર્ચ ઉઠાવે છે? કંઇક તો રહસ્ય છે? જે આપણી સામે આવતુ નથી.”

આ બોલતી વખતે બાપુને ક્યાં ખબર હતી કે આ રહસ્ય તો હજુ કોઇની સામે આવ્યુ નહોતું.

થોડીવાર વિચારી બાપુએ કહ્યું “દવે એક કામ કરો અહીં જેટલા પણ નોકરો છે તેને બધાને એક પછી એક પુછપરછ કરો.” આ સાંભળી દવે અંદર જવા લાગ્યા ત્યાં પાછળથી બાપુએ કહ્યું “અને કંઇ પણ નવુ જાણવા મળે તો તરતજ મને જાણ કરજો.” બાપુ હજુ આગળ કંઇ બોલે ત્યાં એક બીજી જીપ દરબાર ગઢમાં દાખલ થઇ તેમાંથી એક લેડીસ પોલીસ ઊતરી અને બાપુ પાસે આવી.

“સર, હું કોન્સ્ટેબલ ગીતા ચૌધરી.”

તેને આવેલી જોઇને ઇ.દવે પાછા આવ્યા. ઇ.દવે તેને સાથે લઇ ગયા અને રાજમહેલની સ્ત્રી કર્મચારીની તપાસની કામગીરી સોપી. તેના જતાજ બાપુએ સીગારેટ સળગાવી અને પીતા-પીતા વિચારવા લાગ્યાં. તે થોડીવાર ઊભા ત્યાં દવેએ આવી કહ્યું “એક સ્ત્રી કર્મચારી પાસેથી માહિતી મળેલી છે કે બે ચાર દિવસ પહેલા ઉર્મિલાદેવીને કોઇ બે યુવાનો મળવા આવેલા. તેણે પાંચ છ કલાક રોકાયેલા અને પછી ગંભીરસિંહ સાથે બહાર ગયેલા.” આ સાંભળતાજ બાપુનો મૂડ બદલાઇ ગયો તેણે મહેલ તરફ ચાલવા લાગ્યા. દવે પણ તેની પાછળ રાજમહેલ તરફ ચાલ્યા.

“બેન તમારુ નામ શું છે? અને તમે અહીં શું કામ કરો છો?” બાપુએ પુછ પરછની શરુઆત કરતા કહ્યું.

“મારુ નામ વનિતા છે અને હું અહીં રાજમહેલમાંજ નોકરી કરુ છું.” પેલી સ્ત્રીએ કહ્યું.

“હા, તો વનિતાબેન તમે કહો છો કે કોઇ યુવાન ઉર્મિલાદેવીને મળવા આવેલો. તે કોણ હતો અને શું કામે આવ્યો હતો? તે તમને ખબર છે?” આ સાંભળી પેલી સ્ત્રીએ ડરતા ડરતા કહ્યું

“સાહેબ મને કશી ખબર નથી મે તો માત્ર તેને જોયો હતો. અને આ બધી વાત બા સાહેબને ખબર પડી જશે તો મારી નોકરી જતી રહેશે.”
“તમે ચિંતા નહી કરો તમારુ નામ ક્યાંય નહીં આવે. અમે બધી સ્ત્રીઓની પુછપરછ કરી છે તેમા કોણે અમને શું માહિતી આપી છે, તે કોઇને ખબર નહીં પડે. તમે જે પણ હોય તે સાચુ કહી દો.” આ સાંભળી પેલી સ્ત્રીને થોડી હિંમત આવી અને તે બોલી “સાહેબ તે કોણ હતા તે તો મને નથી ખબર પણ બે જુવાન છોકરા હતા. તે અહીં બા સાહેબને મળવા આવેલા અને જમવા પણ રોકાયા હતા. બા સાહેબે અને ગંભીરસિંહે તેની સાથે વાતો કરેલી.”

“ તે ક્યારે આવેલા? અને શું લઇને આવેલા? તમે આની પહેલા ક્યારેય તેને જોયા હતા?” બાપુએ પુછ્યું.

“તે બે દિવસ પહેલા આવેલા. આ પહેલા મે ક્યારેય તેને જોયેલા નથી. તે સફેદ કલરની કારમાં આવેલા.” પેલી સ્ત્રીએ કહ્યું.

“કારમાં કોઇ એવી વસ્તુ હતી કે જે અલગ હોય અથવા તમને કાર નંબર કે એવુ કંઇ યાદ છે?” બાપુને આશા નહોતી કે આ સ્ત્રીને કંઇ યાદ હશે છતા તેણે પુછ્યું.

“ના સાહેબ એવુ બધુ તો કંઇ યાદ નથી.” વનિતાએ કહ્યું.

ત્યારબાદ બાપુએ વનીતાને જવા દીધી અને ગંભીરસિંહને બોલાવ્યો. ગંભીરસિંહ આવતા બાપુએ કહ્યું.

“ પોલિસથી કોઇ માહિતી છુપાવવી એ પણ એક ગુનો જ છે.” આ સાંભળી ગંભીરસિંહને થોડો ડર લાગ્યો પણ તેણે ચહેરા પર કોઇ ફેર પડવા દીધો નહીં. અને બોલ્યો “સાહેબ, પણ મે તો કોઇ માહિતી છુપાવી નથી. જે મને ખ્યાલ હતો તે તો તમને કહી દીધુ.” આ સાંભળી બાપુએ ગંભીરસિંહને સામે તાકીને જોયુ અને બોલ્યા

“હા તો તમે અમને એ કેમ ના જણાવ્યું કે બે દિવસ પહેલા અહી કોઇ બે યુવાનો ઉર્મિલાદેવીને મળવા આવેલા. તે બંને તમને પણ મળેલા અને જમવા પણ રોકાયા હતા.” આ સાંભળતા ગંભીરસિંહે કહ્યું.

“હા એતો આવેલા પણ આ કેસ સાથે તેને શું સંબંધ હોઇ શકે? તે તો બે દિવસ પહેલા આવેલા.” ગંભીરસિંહે કહ્યું.

“શું સંબંધ હોઇ શકે તે શોધવુ અમારુ કામ છે. તમારુ કામ માત્ર સાચી માહિતી આપવાનું છે. જે તમે કર્યુ નથી. હું ધારુ તો તમને આ ગુનામાં અંદર કરી શકું.” બાપુએ એ થોડા ગુસ્સામાં કહ્યું.

“જો સાહેબ તમે જે પણ પુછ્યુ હતુ તેના મે સાચા જવાબ આપેલા. આ વાત મને ધ્યાનમાં નહી આવેલી. તેમા મારો કોઇ ગુનો નથી.” આ સાંભળી બાપુને નવાઇ લાગી તેને તો એમ હતુ કે આ ગામડાનો માણસ આ સાંભળી ડરી જશે. બાપુએ પેતરો બદલતા કહ્યું “જો અમે તમારા સાહેબ કૃપાલસિંહના કહેવાથીજ અહી તપાસ કરવા આવ્યા છીએ. તમે જો સપોર્ટ નહી કરો તો અમારે તેને ફરીયાદ કરવી પડશે.” આ સાંભળી ગંભીરસિંહે કહ્યું “પણ સાહેબ તમે જે પણ પુછશો તેનો હું સાચો જવાબ આપીશ તેનાથી વિશેષ હું શું કરી શકું.” બાપુને સમજાઇ ગયું કે આ માણસ ધમકીથી ડરે તેવો નથી એટલે ખોટો સમય બગાડવાનો કોઇ મતલબ નથી.

“ પેલા યુવાનો કોણ હતા અને અહીં શું કામે આવેલા?” બાપુએ પુછ્યું.

“તે કોણ હતા તે તો મને ખબર નથી. પણ તેમાંથી એક યુવાનને આ મેઇન રસ્તા નજીક રહેલા અનાથાશ્રમમાંથી કોઇએ દતક લીધો હતો. એટલે તે તેના ભુતકાળ વિશે તપાસ કરવા આવ્યો હતો. તેને કોઇએ કહ્યું હતુ કે અનાથાશ્રમ કૃપાલસિંહે ખરીદી લીધો છે એટલે તે અહી આવેલો.”

આ સાંભળી કૃપાલસિંહના મગજમાં અચાનક એક ચમકારો થયો અને તે ઊભા થતા બોલ્યા “તે યુવાનો શેમા આવેલા. તેની કાર કેવી હતી?”

“સફેદ રંગની XUV કાર હતી.” આ સાંભળતાજ બાપુ ઝડપથી બહાર નીકળ્યા અને દવેને બુમ પાડી. દવે આવ્યા એટલે તેણે કહયું “ચાલો ઝડપથી પેલો યુવાન આપણને ઉલ્લુ રમાડી ગયો.” આટલુ બોલી બાપુ આગળ ચાલવા લાગ્યા.

જીપમાં બેસતા બાપુએ ડ્રાઇવરને કહ્યું “ચાલ ઝડપથી પેલા ખેતરના રસ્તા પર લઇલે. પેલો યુવાન આપણને બનાવી ગયો.”

ડ્રાઇવરને કંઇ સમજાયુ નહી પણ તેણે જીપ ચાલુ કરી અને આગળ જવા દીધી. જીપ દરબારગઢની બહાર નીકળી એટલે દવે એ પુછ્યું “શું થયુ બાપુ? શું જાણવા મળ્યું ગંભીરસિંહ પાસેથી?” આ સાંભળતા બાપુએ કહ્યું

“ પેલો આપણને હમણા જે મળેલોએ યુવાન અહીં ઉર્મિલાદેવીને મળવા આવેલો. તે યુવાન આપણી પાસે ખોટુ બોલ્યો. તેનો મતલબ કે તે કઇ છુપાવે છે. અને મારી સિક્થ સેન્સ કહે છે કે તે જરુર આ કેસ સાથે સંકળાયેલો છે.” તે વાત કરતા હતા ત્યાં જીપ ખેતરના રસ્તા પર ચાલવા લાગી. બાપુ અને દવે બંને આજુબાજુ જોવા લાગ્યા. હજુ થોડા આગળ ગયા ત્યાં સામે ખેતરમાં એક ઓરડી દેખાઇ એટલે બાપુએ ડ્રાઇવરને કહ્યું “પેલી ઓરડી પાસે જીપ લઇલે.” આ એજ ઓરડી હતી જેમા વિલીને રાખેલો હતો.

----------------------**************------------------**************-----------------*************----------

“વિલી તે જિંદગીમાં ઘણા ખરાબ કામ કરેલા છે. આ બધાજ કામનું પ્રાયશ્ચિત કરવાનો મોકો તને આજે હું આપુ છું.” આટલુ બોલી નિશીથે પુછ્યું “ચાલ કૃપાલસિંહના સ્વીસ બેન્ક એકાઉન્ટના પૈસા તારે સરકારની તીજોરીમાં ટ્રાન્સફર કરવાના છે.” આ સાંભળી વિલી ધ્રુજી ગયો.

“તમે મને મારી નાખો પણ આ કામ હું નહી કરુ. મે આ કામ કર્યુ તો કૃપાલસિંહ દુનિયાના કોઇ પણ છેડેથી પકડીને મારા પરિવારને ખતમ કરી નાખશે.”

આ સાંભળી નિશીથે કહ્યું “વિલી તું તારા પરિવાર વિશે વિચારે છે પણ એકવાર દેશ વિશે વિચારી જો તારા આ પૈસાથી કેટલા અનાથ છોકરાને બે ટાઇમનું ભોજન મળશે. આ પૈસાથી કેટલા છોકરાને પહેરવા કપડા મળશે. આ પૈસા કૃપાલસિંહે બાળકોને વેંચીને, તેના અંગોના વ્યાપાર કરીને, કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરીને મેળવેલા છે. આ પૈસા તમે જે ખજાનો વેંચી મેળવેલા છે તે ખજાના પર દેશના દરેક નાગરીકનો હક છે. તું વિચાર કર કે તારા દિકરાને બે ટાઇમનું ભોજન પણ નસીબ ન થાય તેવી હાલતમાં તુ જોવા ઇચ્છશે? આજ દેશના હજારો બાળકો આ જ રીતે જીવી રહ્યા છે તેના પ્રત્યે તારી કોઇ ફરજ નથી. આ પૈસા આ હજારો બાળકો માટે વપરાશે. તારી જિંદગીમાં તે કરેલા તમામ પાપો આ એકજ સારુ કાર્ય ધોઇ નાખશે.” આ સાંભળી વિલીની અંદર પણ ધીમે ધીમે સંવેદના જાગવા લાગી તે કંઇ બોલ્યો નહીં એટલે નિશીથે આગળ કહ્યું

“વિલી, શું તને એમ લાગે છે કે તું આ પૈસા અમને નહીં આપે તો કૃપાલસિંહ તને અને તારા પરિવારને છોડી દેશે. તારા ડેથ વોરન્ટ પર તો કૃપાલસિંહે ત્યારેજ સાઇન કરી દીધી હતી, જે સમયે તેને ખબર પડી હતી કે તું તેના 150 કરોડ રુપીયા સલામત પહોંચાડી શક્યો નથી. હવે તું ગમે તે કરે કૃપાલસિંહ તને કે તારા પરિવારને છોડશે નહીં. પણ હું તને વચન આપુ છું કે તું જો કૃપાલસિંહના પૈસા આર.બી.આઇના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે તો હું તને અને તારા પરિવારને સલામત સ્થળ પર પહોંચાડી દઇશ.” નિશીથની વાત સાંભળી વિલી વિચારમાં પડી ગયો. નિશીથની વાત એકદમ સાચી હતી હવે તેને કૃપાલસિંહ કોઇ કાળે છોડે નહીં. અને જો મરવાનુંજ હોય તો એક સારુ કામ કરીને મરવુ શું ખોટુ .

“તમે જે કહો છો તે કરવા હું તૈયાર છું પણ, હું ટ્રાન્સફર કરુ તે રુપીયા આર.બી.આઇના એકાઉન્ટમાંજ જાય છે તેનું પ્રુફ મને જોઇએ.”

આ સાંભળી નિશીથ આગળ કંઇ બોલવા જાય ત્યાં નિશીથનો બીજા મોબાઇલમાં રીંગ વાગી. નિશીથે વિલીનો કોલ હોલ્ડ પર મુકી બીજા મોબાઇલ પર વાત કરીને કટ કરી નાખ્યો.

ફોન મુકી નિશીથે વિલીને કહ્યું “વિલી હું ના કહું ત્યાં સુધી એક શબ્દ પણ બોલતો નહીં અને કોઇ જાતની મુવમેન્ટ કરતો નહીં. કૃપાલસિંહના માણસો તારા રુમની નજીક શોધખોળ કરતા પહોંચી ગયા છે. તું શાંતિથી બેસજે તે તારા સુધી નહીં પહોંચી શકે પણ કોઇ જાતનો અવાજ કરતો નહીં.” આ સાંભળી વિલી ગભરાઇ ગયો અને શાંતીથી બેઠો તેના હ્રદયના ધબકારા વધી ગયાં. ત્યાં જ તેને આજુબાજુમાં ક્યાંક જોરથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.

------------**************------------------*************----------------***********-----------------

આજ સમયે આર.બી. આઇના ગવર્નરનો ફોન રણક્યો. ગવર્નરે ફોન ઉચક્યો એ સાથેજ સામે વાળા માણસે કહ્યું “આઇ.બી ચીફ એ.કે સક્શેના બોલુ છું.” આઇ.બી ચીફનો ફોન આવતા ગવર્નરને નવાઇ લાગી એ સાથેજ કંઇક અગત્યનું કામ હોવાનો સંદેહ પણ થયો. તે સક્શેનાને એકાદ વખત મળેલા પણ તેના સિવાય કોઇ વધુ પરિચય નહોતો.

“ઓહ, સક્શેના સાહેબ કેમ છે? આજે કેમ અમારી યાદ આવી ગઇ? કયાંક કોઇ બેન્ક લુટાઇ જવાની છે તેવા સમાચાર આપવાના નથી ને?” ગવર્નરે મજાક કરતા પુછ્યું.

“ના, મારે તો બીજા કોઇને લુટી બેન્કમાં પૈસા નાખવાના છે. આ ઉંધુ કામ કરવાનું છે.” ચીફે પણ મજાક કરી અને પછી સીધા મુદા પર આવતા કહ્યું “તમારા એક અંગત માણસની મારે જરુર છે. ગણતરીની મિનીટમાં આર.બી.આઇના એકાઉન્ટમાં બહુ મોટી રકમ ટ્રાન્સફર થવાની છે. મારે તેનું કન્ફર્મેશન જોઇએ છે અને ન્યુઝમાં પણ તમારા અધીકારીએ તે જાહેરાત કરવાની છે.” આ સાંભળી ગવર્નરને નવાઇ લાગી પણ આઇ.બી ચીફ પોતે ફોન કરે એટલે ઘટના સામાન્ય નહી હોય તે વાત તેને સમજાવવી પડે તેમ નહોતી.

“ઓકે તમે અત્યારે કંઇ જગ્યાએ છો? ત્યાં મારો માણસ પહોંચી જશે.” ગવર્નરે કહ્યું.

“હું દિલ્હિમાંજ મારી ઓફિસ પર જ છું તમે ઝડપથી મોકલી આપો.” ચીફે કહ્યું અને પછી ફોન મુકી દીધો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM