નવા બુટ Anya Palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવા બુટ

મસ્તમજાની ગરમ રજાઇના આલિંગનમાં હું સુતો હતો, અને જાણે કોઈએ ઠંડુ પાણી રેડ્યું હોય એટલી તીવ્રતાથી મારા મોબાઈલનું એલાર્મ વાગ્યું. થોડીવાર સુધી થયું કે “આજે વહેલું નથી ઉઠવું...ચાલશે”, પણ વળી પાછો શરીરનો ખયાલ આવ્યો અને ૬:oo નું એલાર્મ બંદ કરી ઉભો થયો. “હજુ તો ઊંઘવું જોઈએ” એ જ વિચારોમાં મેં મારી દૈનિક ક્રિયાઓ પૂરી કરી. મારા બુટની દોરીઓ બાંધી અને મારી પત્નીને સાદ પાડ્યો. તેના માથાની લટો શીંગડાની જેમ ઉપસી આવી હતી, તેણે મારી સામે જોયા વગર જ મને બહાર જતો જોઈ દરવાજો બંદ કર્યો.

હું મારા ફ્લેટના લગભગ ૭૨ જેટલા પગથિયા ફટાફટ ઉતરી મેઈન રોડ પર આવ્યો. વાતાવરણમાં ઠંડી બરાબર જામી હતી. લોકો રસ્તાની બંને બાજુ તાપણા સળગાવી ગરમી લઇ રહ્યા હતાં. કેટલાક પોતાના કુતરાને બહાર “ટટ્ટી” કરાવાને બહાને પોતાનું વજન પણ ઉતારવા પ્રયત્નશીલ જણાતા હતાં. મંદ-મંદ ગતિએ ચાલી હું “પ્રહલાદનગર ગાર્ડન” પહોંચ્યો. કારતક મહિનામાં જામતા ‘સિદ્ધપુરના મેળા’ જેવું વાતાવરણ જામી ચુક્યું હતું. ન ઉઠનારા પણ ઉઠીને ચાલવા આવી પહોચ્યાં હતા. એસ.જી હાઈવેથી આશરે ચાલતા ૧૦ મીનીટમાં પહોચી જવાય તેવા સુંદર લોકેશન પર આવેલા આ ગાર્ડનમાં લોકો ઉમટી પડ્યા હતા. દરવાજા આગળ જ મેં મારા બુટ ખંખેર્યા અને ડાબીથી જમણી ચાલવાનું શરૂ કર્યું.

ચાલવાનું શરૂ કરતા જ ડાબીબાજુથી કાને રાક્ષસી હાસ્યનો અવાજ અથડાયો, પછી યાદ આવ્યું કે ઘરડા લોકો માટે યોજાતા ‘હાસ્ય ક્લબ’ની આ આઉટપુટ છે!! રોજ એકબીજાને ચાલતા જોતા લોકો હસીને આગળ વધી રહ્યા હતા, અને એકબીજાને ‘ગુડ મોર્નિંગ’ કહી રહેલા લોકો કદાચ સાથે કામ કરતા હશે, કાંતો એકબીજાના પાડોશી હશે. કેટલાક એકદમ ગોટમોટ થઈને ચાલવા આવ્યા હતા અને કેટલાક માટે તો જાણે હજુ ઉનાળો જ ચાલુ ન હોય!! ચાલવામાં પુરુષો કરતા સ્ત્રીઓની ઝડપ વધુ હતી, આમેય આજકાલની સ્ત્રીઓ પુરુષોને આગળ થવા દે એમ છે જ નહિ!! ઘરડાઓની સાથે મારા જેવા યંગ અને ચાર્મિંગ લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. (એમાય છોકરીઓનો વધારે!!) વળી, ઘણાખરા લોકો સવારે ચાલવા પણ પોતાના ધંધાના કામે જ આવતા હોય છે. જેમકે અહીં રોજ સવારે સાડા છ ના ટકોરે પગમાં ચામડાના ચપ્પલ, ઉપર પેન્ટ-શર્ટ અને ખભે જુના લેખકો લટકાવતા તેવો સુતરાઉ કાપડનો થેલો લઈને એક કાકા આવી પહોંચે. શરૂઆતમાં તો મને પણ એમ જ લાગ્યું હતું કે મહાશય લેખક કે પત્રકાર હશે જે સવારે ઘણાબધા લોકો સાથે વારંવાર પરામર્શ કરતા જોવા મળતા. પરતું એકાદ વાર અનુભવ થયા પછી ખબર પડી કે એ તો ‘પ્રોપર્ટી એજન્ટ’ છે!! તેઓ દર વીસ મીનીટે ગાર્ડનમાં પોતાની ‘કંપની’ બદલતા હતા.

એ સવારે મેં પહેલીવાર કેટલાંક નાના છોકરાઓ કે જેઓ ૧૦-૧૫ વર્ષની વચ્ચેની ઉંમરનાં હશે તેમને જોયા. હું ત્યાં નિયમિત જાઉ એટલે મને લગભગ બઘાનાં ચહેરા યાદ હતા. હું જયારે મારો છઠ્ઠો રાઉન્ડ લગાવી ને સાતમો ચાલુ કરતો હતો ત્યારે એ લોકોને મેં અંદર આવતાં જોયા.

મેં છઠ્ઠો રાઉન્ડ પુરો કર્યો અને તેઓએ દોડવાનું ચાલુ કર્યુ. તેઓ મારી પાસેથી પસાર થયા. આજે તેઓનો પહેલો દિવસ હતો એટલે જ તેઓ આટલા ઝડપથી દોડી રહ્યાં હતા. બાકી બીજા બઘાની દોડ કાચબા જેવી હતી. તેઓ બાકી દોડતાં યુવાનો અને ઘરડાંઓને ઓવરટેક કરતા અને પછી તેઓને ખીજવવા પાછું ફરીને પણ જોતા હતા. કેટલાંક યુવાનો તો, એ પાછું ફરીને જોવે એ પહેલા જ પોતાની ઝડપ વઘારી દેતા હતા!!

લગભગ દસ મીનીટ સુઘી એકી શ્વાસે દોડ્યા પછી, તેઓ ઠંડા પડયા. તેઓ થાકી ગયા હતાં અને તેઓનો શ્વાસ ફુલી ગયો હતો. તેઓ લગભગ ત્રણ રાઉન્ડ એટલે કે લગભગ ૧.૦૫ કિલોમીટર જેટલું દોડયા હશે. ત્યાંનું એક રાઉન્ડ ૩૫૦ મીટરનું હોય છે, જે ત્યાંનાં સાઈનબોડ પર લખેલું હતું. તેઓમાંનો એક તો જમીન પર સુઈ જાય એવી હાલતમાં હતો. ચારેય છોકરાઓની ટી-શર્ટ પરસેવાથી રેબઝેબ થઈ ચુકી હતી. એ ચારેય છોકરાઓ તેમના પહેરવેશ પરથી ગરીબ જણાતાં હતાં. લગભગ દરેક ની ટી-શર્ટમાં ઓછામાં ઓછા એકાદ બે કાણા તો હતા જ. તેમને પાણીની જરૂર હતી એવું મને જણાયું, પણ હું મારો આઠમો રાઉન્ડ ચાલુ રાખવા કટિબધ્ધ હતો એટલે ચાલી નીકળ્યો.

આઠમો રાઉન્ડ પુરો કરી ફરી પાછો હું જયારે ત્યાં પહોચ્યો, ત્યારે તેઓએ કોઈક રમત ચાલુ કરી હતી. હું થોડીવાર ઉભો રહ્યો. તેમાંથી એક જણે મારી સામે જોયું અને ઘીમેથી બઘાને કંઈક કહયું, મને કંઈજ સંભળાયું નહિ પણ લાગ્યુ કે એ લોકો મારા વિશે જ કંઈક વાત કરી રહયા હશે. કારણકે એક પછી એક બઘાએ મારી સામે જોયું. મેં એમને નજર અંદાજ કર્યા. તેઓ ઉભા થયા અને દરવાજા તરફ ચાલવા માંડ્યાં. એમાંથી એકે પોતાનાં બુટ હાથમાં પકડેલા હતા. તેના બુટનું તળિયું એની બાજુઓથી અલગ પડી ગયું હતું અને ખુબ જ કફોડી હાલતમાં હતા. તે પોતાનાં પગ છુપાવી-છુપાવીને ચાલતો હતો. બઘાં જ એના બુટની મજાક ઉડાવતાં-ઉડાવતાં દરવાજાની બહાર નીકળી ગયા. હું પણ રોજની જેમ કસરતનાં સાઘનો પાસે જઈ થોડાં હાથ અજમાવી ઘર તરફ નીકળી પડયો.

***

રોજ સવારની જેમ બીજે દિવસે પણ ૬:૦૦ વાગ્યા નુ એલાર્મ વાગ્યું અને રોજ સવારની જેમ જ “આજે નથી જવુ, કાલથી જઈશ” ની ઇચ્છા થઇ, પણ પછી પત્નીના બે મેણા સાંભળી હું ઉઠી ગયો.

આજે હુ ગાર્ડનમાં પાંચ મિનિટ વહેલો હતો. રોજની જેમ જ લોકો ગોદડા જેવા તૈયાર થઇને આવી પહોચ્યાં હતાં. મેં પાંચ રાઉન્ડ પુરા કર્યા અને મારા બાજુમાંથી, ગઇકાલે વિમાનવેગે ઉડતા છોકરાઓ પસાર થયાં. આજે એ ચાર નહિ પણ ત્રણ જ હતા. મને કુતુહલ જણાયુ. પણ પછી લાગ્યુ કે એ મારે જાણવા જેવી બાબત નથી અને હું આગળ વધ્યો. થોડા આગળ વધતાં જ મેં ચોથા છોકરાને પોતાના પગ બાંકડા પરથી લટકાવી નીચું મોંઢુ રાખીને ઉદાસ બેઠો જોયો. એનો એ ગોળમટોળ ચહેરો ઉદાસીનતામાં રસગુલ્લા જેવો લાગતો હતો. હું આજુબાજુ જોઈ સાઇડમાં ઉભો રહ્યો. એ પોતાના ચપ્પલ ધારી-ધારી ને જોઇ રહ્યો હતો અને એકલો એકલો કાઇંક બબડતો હતો. મેં તેના નજીક જવાનો પ્રયત્ન કર્યો. હું એને ખબર ન પડે એ રીતે બાંકડાની પાછળની તરફ પહોંચ્યો.

“હું ગમે તેમ કરીને નવા બુટ લઇને જ રહીશ. મા ભલે ના પાડે, પણ મારે નવા બુટ લેવા જ છે.” હું કુતુહલવશ થઇ એની વાતો સાંભળતો રહ્યો. એણે એના ચપ્પલ તરફ જોયુ અને બોલી ઉઠ્યો “હું તારી સાથે વધારે દિવસ નહિ વિતાવુ. મારે તો મારા નવા બુટ જ જોઇએ. તું તો મારા મોટા ભાઇનો છે. હું નવા બુટ લાવીશ આવતીકાલે એટલે તને ત્યાં પાછા આપી દઇશ”

મારા કાને થોડો કંકાસ સંભળાયો. મેં સામે જોયુ તો તેના બાકીના ત્રણ મિત્રો એકબીજા સાથે ઝઘડતાં- ઝઘડતાં આવી રહ્યા હતાં. હુ બાંકડાથી થોડો દુર થયો અને કસરત કરતો હોવાનો ડોળ કરવા લાગ્યો.

એનાં મિત્રો ત્યાં આવી પહોચ્યાં. તેઓમાંના એકે, જેણે લાલ રંગની ટી-શર્ટ પહેરી હતી, એ બોલી ઉઠ્યો “બકા...તારે નવા બુટ નથી જ આવવાનાં, તું કાલથી જ આવવાનુ બંદ કરી દે”. બધા ખડખડાટ હસવા લાગ્યા. પેલા છોટુ ને જેમ ખોટુ લાગ્યુ હોય એમ ઉભો થયો અને ચાલવા મંડ્યો. થોડે આગળ પહોંચી એણે પાછુ જોયુ અને બોલ્યો “ આવતીકાલે હું આવીશ તો નવા બુટ સાથે જ આવીશ, નહિતર નહિ આવુ.” અને એ દરવાજા બહાર નીક્ળી ગયો.

હું પેલા ત્રણ તોફાનીઓ તરફ ગયો અને પુછ્યુ “એનું નામ શું છે?”

જેને પોતાના વાળ પર ખુબ જ ઘમંડ હતો એણે પોતાનો એક હાથ વાળમાં નાંખી જવાબ આપ્યો “રતન”

***

રતન ઘરે પહોચ્યો. ગઇકાલ ની જેમ જ ફરીથી આજે પણ તેણે જીદ પકડી. એની મમ્મીએ ગઇકાલની જેમ જ આજે પણ ચાર લાફા ચોડી દીધા. એનુ ગોળમટોળ મોંઢુ, લાલ ટામેટા જેવુ થઇ ગયુ હતુ. એની લખોટી જેવી ગોળ આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. તેની મમ્મીને કંઇ પડી જ ન હોય એમ લાફા ફટકારી પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ.

રતન બેઠો બેઠો રોતો રહ્યો. આજે તે ગઇકાલ કરતાં ઓછુ રડ્યો, કારણ કે રડતાં- રડતાં અચાનક જ એને કંઇક વિચાર આવ્યો ને એ દોડીને પોતાનાં નાની બખોલ જેવા ઘરમાં ઘુસી ગયો. એણે ઘરમાં શોધ ચાલુ કરી. જેમ ઇન્કમટેક્ષની ટીમ રેડ પાડે, ત્યારે કોઇને પણ પુછ્યા વગર વસ્તુઓને ફેદે અને ફેંકે છે, એ રીતે એ પણ કાંઇક શોધવા મંડ્યો હતો. આ જોઈ એની મોટી બહેન એને સમજાવવા દોડી આવી, પણ રતન આજે કાઈ પણ કરી નવા બુટ લાવવા માંગતો હતો. રતન ન માનતા એની બહેને પણ એને બે-ચાર લાફા ચોડી દીધા. રતન ચીસ પાડી રડવા લાગ્યો. તેની બહેને રતનને બહાર ધકેલ્યો. રતન ઉદાસ થઈ બહાર બેઠો-બેઠો રડતાં વિચાર કરવા લાગ્યો.

“એય નમુના...સ્કુલમાં જા. અહીં બેઠા-બેઠા તારૂ કાઈ નહિ વળે...”તેની મમ્મીએ તેને બહાર આવીને ઠપકો આપ્યો.

“ના... આજે હું નવા બુટ સિવાય નથી જવાનો.મને તું નવા બુટ લઇ આપ...” તેણે તેની મમ્મી સામે દલીલ કરી.

“તારે જે કરવું હોય તે કર પણ નવા બુટ આવવા શક્ય નથી, તારો ભાઈ પણ જુના જ પહેરે છે અને તારે પણ પેહેરવાના જ છે. હવે જલ્દી જા નહીતર તારા બાપને બોલવું છું હમણા” તેની મમ્મી ધમકાવતા બોલી. પપ્પાનું નામ સાંભળતાં જ રતન ઢીલો થઇ ગયો અને ઉદાસ મને સ્કુલે ચાલ્યો. આજે સ્કુલમાં પણ તેનું મન લાગતું નહોતું. તેનાં મિત્રોએ ફરીથી તેને ખીજાવવાનું ચાલુ કર્યું. તે કોઈની સામે કઈંજ બોલ્યો નહિ. તે તેના નવા બુટ માટે કાંઇક વિચારી રહ્યો હતો.

જેમ-તેમ કરી તેણે શાળામાં દિવસ પૂરો કર્યો. સાંજનો સમય હતો. રતન શાળાએથી ચાલતો ઘર તરફ આવી રહ્યો હતો. રતન એનાં રોજનાં મિત્રો કરતાં થોડો અળગો ચાલતો હતો. તેણે અત્યારે પણ એના ભાઈનાં ચપ્પલ પહેર્યા હતા, એ શરમ અનુભવી રહ્યો હતો.

રતન આજુ-બાજુ ડાફેરાં મારતો-મારતો ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યાં જ બે છોકરાઓ એમનાં પપ્પા સાથે નવા બુટ લઇ દુકાનમાંથી બહાર નીકળ્યા. એમાનો એક બોલી ઉઠ્યો “સારુ થયું આપણે નવુ બેગ ન લીધુ. જો બેગનાં બદલામાં આપણને કેટલા સરસ બુટ મળી ગયા....”

બીજા એ જવાબ આપ્યો “સાચી વાત છે”

અચાનક જ રતન થોભી ગયો, એના દિમાગમાં વિચારોનુ વંટોળ ચાલી નીકળ્યું. એના દિમાગમાં કાઇક ખુરાફાતી આઇડિયા આવ્યો અને તે દોડવા લાગ્યો. લગભગ ૧૦ મિનિટ સતત દોડ્યા પછી તે, જ્યાંથી ૧૫ દિવસ પહેલા તેણે નવી સ્કુલબેગ ખરીદી હતી ત્યાં જઇને ઉભો રહ્યો, એનો શ્વાસ ફુલી ગયો હતો પરંતુ તે ખુબ જ ઉત્સાહિત હતો. તેણે પોતાની બેગનો સોદો કરવાનું નક્કી કર્યું હતું. એ બેગના પૈસા લઇ તે બુટની દુકાન પર પહોચ્યોં અને દુકાનદાર સાથે ભાવતોલ કરી, પોતાના મનગમતાં બુટ ખરીદી લીધા. રતન ખુશખુશાલ થઇ ગયો. તે હવે ચાલવા ની જગ્યાએ હવામાં ઉડવાં માંડ્યો હતો. તે રસ્તામાં જતા દરેક ને પોતાના નવા બુટ બતાવતો જતો હતો.

ઘરે પહોચતાં જ જ્યારે તેના ઘરનાં લોકોને આ વાતની ખબર પડી, તો બધા જ ગુસ્સે થઈને રતન પર તૂટી પડ્યા. “એક તો બહુ મુશ્કેલીથી તને નવુ દફતર અપાવ્યુ હતુ ને તુ એ વેંચી ને આ બુટ લઇ આવ્યો.” એના પપ્પા બોલી ઉઠ્યા. “આજે તો આને જમવાનું આપવું જ નથી. કોઇના કેહવામાં જ નથી રહ્યો આ હવે” એની મમ્મી ઉકળી ઉઠી અને રતનનાં ગાલ પર બે તમાચા જડી દીધા.

“હુ થેલી લઇને શાળા એ જઇશ, પણ મને બુટ તો જોઇએ જ છે.” રતન રડતાં-રડતાં બોલી ઉઠ્યો. રતન લાફા ખાઈને પણ આજે ખુશ હતો. જેમ મોટા લોકોનાં ઘરમાં કોઇનુ નિધન થયુ હોય અને શોક હોય એવો શોક આજે રતનનાં ઘરમાં હતો. એક બાજુ લાલઘુમ થઈ ગયેલો રતન પોતાનાં નવા બુટ ખોળામાં લઇને રડી રહ્યો હતો અને બીજી બાજું તેની મમ્મી હજુ તેને વઢતી હતી. આ લડાઇ લગભગ અડધી રાત સુધી ચાલી અને અંતે કંટાળીને એની મમ્મી સુઇ ગઈ.

***

બીજા દિવસે સવારે હું રોજની જેમ ૬:૧૫ એ પહોચીં ગયો હતો. મારા પ્રથમ રાઉન્ડ પુરો કરવાની સાથે જ મેં રતનને મારા પાસેથી દોડતો જોયો. આજે એ બધાને બતાવવાં હવામાં ઉડતો હોય તે રીતે દોડતો હતો. એ જેની પણ પાસેથી પસાર થતો હતો બધાને પોતાના નવા બુટ જોવા મજબુર કરતો હતો. આજે એ દોડ્યા જ કરતો હતો, ઉભો રહેવાનું નામ જ નહોતો લેતો. રતન અને તેના નવા બુટને જોઇને એના રોજનાં મિત્રો પણ આજે ઈર્ષ્યા અનુભવતા હતા.

મેં મારા રોજનાં આઠ રાઉન્ડ પતાવ્યા અને હાંફતો-હાંફતો બાંકડાની પાસે ઉભો રહ્યો. અચાનક જ રતન મારી પાસે આવી પહોચ્યોં. મે તેને જોયો. તે આજે ખુબ જ ખુશ હતો. મારા કરતા પણ લગભગ ડબલ રાઉન્ડ માર્યા હોવા છતાં પણ આજે તેના મોં પર જરા પણ થાક જણાતો નહોતો. મેં હાંફવાનુ બંધ કર્યુ. હું ઘરે જવાના રસ્તા પર નીકળ્યો અને અચાનક જ મારા જુના બુટનું તળિયુ એની બાજુઓથી અલગ થઇ ગયુ. મેં પહેલા પાછળ જોયુ અને પછી નીચે. રતન હજુ ત્યાં જ ઉભો હતો. તેણે પણ મારા બુટની સરેઆમ ફજેતી થતી જોઈ. મેં બુટ ઉંચો કર્યો અને ચેક કર્યુ.

રતન ધીમે-ધીમે ચાલતો મારી પાસે આવ્યો અને બોલી ઉઠ્યો “કાકા...હવે કેટલા દિવસ આ જુના બુટ ચલાવશો. તમે પણ મારી જેમ નવા બુટ લઇ જ લો” એના અવાજ માં ગજબનો આત્મવિશ્વાસ હતો. હું જરાક મલકાયો અને તુટેલાં બુટ સાથે ધીમે-ધીમે દરવાજા તરફ ચાલ્યો.

---અન્ય પાલનપુરી