Rudra ni Premkahani - 28 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 28

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 28

રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે. વાનુરા નાં મેદાનમાં સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં વાઘ ને રાજા હુબાલી મેદાનમાં ઉતારે છે.. જેની સામે છ પહાડી વરુઓ રાજા મિરાજ દ્વંદ્વ માટે ઉતારે છે.. અસુરા દ્વારા બધાં વરુઓનો ખાત્મો કરવામાં આવતાં રાજા જયવીર ત્રિપુરા યોદ્ધાઓને અસુરા સામે મેદાનમાં ઉતારે છે જે અસુરાનો અંત આણે છે.. રાજા મહેન્દ્રસિંહ નો હારુન નામનો એક કદાવર દેહ ધરાવતો યોદ્ધા આ ત્રિપુરા યોદ્ધાઓને મોત ને ઘાટ ઉતારી દે છે.. હારુન સામે મેદાનમાં દ્વંદ્વ માટે ફેંકવામાં આવેલો પડકાર રુદ્ર સ્વીકાર કરે છે.

"મારું નામ વીરા છે.. હું આ મહાબલી હારુન સામે મેદાનમાં દ્વંદ્વ અર્થે ઉતરીશ.. "રુદ્ર નાં આમ બોલતાં જ ત્યાં ઉપસ્થિત બધાં નાં મોં ખુલ્લાં નાં ખુલ્લાં જ રહી ગયાં.. જ્યારે મેઘનાનાં ચહેરા પર રુદ્રને જોતાં જ ખુશી છવાઈ ગઈ. મેઘના ની નજર એ આવી ત્યારથી રુદ્રને શોધી રહી હતી.. જેવો રુદ્રને મેઘનાએ જોયો એ સાથે એનાં હૃદયમાં આનંદની છોળો ઉછળવાં લાગી.

અગ્નિરાજે પણ રુદ્રને જોતાં જ ઓળખી લીધો કે આ એ જ યુવક હતો જે મેઘના ની અંગૂઠી આપવાં આવ્યો હતો.. અને પોતાનો જીવ એક તોફાને ચડેલાં ગજરાજથી પણ રુદ્રએ બચાવ્યો હોવાની વાત મેઘનાએ અગ્નિરાજને કરી હતી.. એટલે અગ્નિરાજનાં મનમાં રુદ્ર માટે માન હતું.. રુદ્રને દ્વારા હારુન સામે મેદાનમાં ઉતરવાની વાત સાંભળી રાજા અગ્નિરાજે પોતાનાં સ્થાને ઉભાં થઈ રુદ્રને ઉદ્દેશતાં કહ્યું.

"નવયુવક, એ જાણીને ખુશી થઈ કે આ દાનવ સમાન હારુન સામે લડવાનો પડકાર તે સ્વીકાર્યો.. છતાં તું પુનઃ વિચાર કરી લે કે આમ કરી તે કોઈ ભૂલ તો નથી કરી ને..? કેમકે જો આ દાનવ ત્રણ તાલીમબદ્ધ યોદ્ધાઓને સરળતાથી હરાવી એમનાં પ્રાણ લઈ શકતો હોય તો તું તો એક સામાન્ય ખેડૂત છે.. "રુદ્ર ની સાચી ઓળખથી અજાણ રાજા અગ્નિરાજનું આમ વિચારવું યોગ્ય જ હતું.. પણ એ જાણતાં નહોતાં કે રુદ્ર કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ભગવાન શિવની કૃપાથી અવતરેલો નિમ રાજકુમાર છે.

"મહારાજ, જો કોઈની શક્તિથી અંજાઈ જઈએ તો તમે યુદ્ધ કર્યાં પહેલાં જ એનાંથી અડધું યુદ્ધ હારી જાઓ.. અને મેં આ પડકાર સ્વીકારી કોઈ ભૂલ નથી કરી.. હવે તમે મને રજા આપો તો હું આ હારુન નામનાં દૈત્ય સામે બાથ ભીડવા મેદાનમાં આવું.. "રુદ્ર નાં અવાજમાં નીડરતા હતી.

"જો હવે તે નક્કી કરી જ લીધું છે કે તું આ બાહુક હારુન ની સામે દ્વંદ્વ કરીશ તો પછી હું તને નહીં રોકુ.. મારાં આશીર્વાદ તારી સાથે છે.. વિજયી ભવ.. "રાજા અગ્નિરાજ બોલ્યાં.

અગ્નિરાજનાં સહમતી મળતાં જ રુદ્ર એ એક નજર મેઘનાની તરફ જોયું.. મેઘના ની પોતાની તરફ મંડાયેલી નજરો સાથે પોતાની નજરો અથડાતાં રુદ્રમાં નવી જ ઉર્જાનો સંચાર થયો અને એની દીવાલ ઉપરથી જ સીધી મેદાનમાં છલાંગ લગાવી દીધી.

ભરબપોર થઈ ગઈ હોવાથી વાતાવરણમાં રહેલી શીતળતા ગાયબ થઈ ચૂકી હતી અને એનાં સ્થાને ગરમી પ્રસરી ગઈ હતી. એક તો વાતાવરણની ગરમી અને ઉપરથી વાનુરાનાં આ ઐતિહાસિક મેદાનમાં એક પછી એક જોવાં મળેલી ઉત્તમ દ્વંદ્વ સ્પર્ધાઓએ ત્યાં હાજર લોકોને વધુ ગરમ કરી દીધાં હતાં.

રુદ્રએ મેદાનમાં આવતાં જ ઝરૂખાની તરફ જોઈ ત્યાં ઉપસ્થિત સર્વે રાજાઓનું મસ્તક ઝુકાવી અભિવાદન કર્યું અને પછી વાનુરામાં ઉપસ્થિત જનમેદનીનું.. ત્યારબાદ રુદ્ર ચાલીને હારુન ની સામે જઈને ઉભો રહ્યો.. પોતાની સમક્ષ ઉભેલાં રુદ્રને જોઈ હારુન એનો ઉપહાસ કરતો હોય એમ હસી રહ્યો હતો. ત્રણ-ત્રણ ત્રિપુરા યોદ્ધાઓને મોત ને ઘાટ ઉતારી દીધાં બાદ હારુન નો આત્મવિશ્વાસ એનાં અહંકાર માં પરિવર્તિત થઈ ચૂક્યો હતો.

રુદ્રએ પગથી માથા સુધી પહેલાં તો હારુનને ધારી-ધારીને જોયો.. દૂરથી તો હારુન કદાવર લાગતો જ હતો પણ નજીકથી તો એ કોઈ નાના પર્વત સમો લાગી રહ્યો હતો.. પગની આંગળીઓથી લઈને કાન સુધી હારુનનું દરેક અંગ કદમાં સામાન્ય મનુષ્યનાં અંગ કરતાં બે થી અઢી ગણું મોટું હતું.

હારુન કોઈ પણ ક્ષણે પોતાની ઉપર હુમલો કરી શકે છે એ રુદ્ર એનાં હાવભાવ પરથી સમજી ગયો હતો. હારુન ની નજર પોતાની સામે મેદાનમાં ઉભેલાં રુદ્રની સામે સ્થિર હતી. જાણે કોઈ ભૂખ્યો સિંહ પોતાનાં શિકાર ને જોઈ રહ્યો હોય એમ હારુન રુદ્રને જોઈ રહ્યો હતો.. અચાનક હારુન જોરથી ચિલ્લાયો અને કોઈ ઘસમસતાં હાથીની માફક રુદ્રની તરફ અગ્રેસર થયો.. અચાનક પોતાની તરફ આવી રહેલાં દૈત્ય સમાન હારુન ને જોઈ રુદ્ર એ પોતાને આગળ શું કરવાનું છે એ નક્કી કરી લીધું.

રુદ્ર પણ હારુનની તરફ દોડવા લાગ્યો.. હારુનથી જ્યારે આઠ-દસ ડગલાં જેટલું અંતર બાકી રહ્યું ત્યારે રુદ્ર જમીન પર ઘૂંટણભેર ઘસડાયો અને હારુન ની નજીક પહોંચી ગયો.. હારુન ગતિમાં હોવાથી રુદ્રની આ ચાલ સમજે એ પહેલાં તો રુદ્રએ પોતાનાં જમણાં હાથનાં ઉપયોગ વડે હારુન ની ગતિમાં અવરોધ ઉભો કરવાં હાથને હારુનનાં પગ જોડે અફડાવી દીધો.. ગતિમાં હોવાથી હારુન આમ થતાં જમીનદોસ્ત થઈ ગયો.

ભારે ભરખમ શરીર હોવાથી નીચે પડવાનાં લીધે હારુન ને સારાં એવાં પ્રમાણમાં માર વાગ્યો.. હારુન ઉભો થાય એ પહેલાં તો ચપળતા સાથે રુદ્ર એની પહેલાં ઉભો થઈ ગયો.. કેમકે હારુન ને ફરીવાર પોતાની જાતને સંભાળવાનો મોકો રુદ્ર આપવાં નહોતો માંગતો.. હારુન ઉભો થવાં જ જતો હતો ત્યાં રુદ્ર હારુન ની પીઠ ઉપર બેસી ગયો અને પોતાનાં બંને હાથ વડે હારુનની ગરદન બળપૂર્વક પકડી લીધી.. રુદ્ર ની આ હરકતથી બઘવાયેલો હારુન દીવાલની સમીપ ગયો અને પોતાની પીઠ પર બેસેલાં રુદ્રને ઉતારવા પોતાની પીઠને દીવાલ જોડે ટક્કર કરાવવા જતો હતો ત્યાં રુદ્ર ચાલાકીથી અંતિમ તબક્કે હારુનની પીઠ પરથી ઉતરી ગયો.. આ કારણથી હારુન ની પીઠ દીવાલ જોડે જોરથી અથડાઈ.

એક નાનો અમથો માણસ આમ પોતાને હંફાવી રહ્યો હતો એ વાતથી અકળાયેલો હારુન રુદ્રની તરફ દોડીને આગળ વધ્યો.. રુદ્ર ને ખબર હતી કે હારુન ને હરાવવા એનાં જ ગુસ્સાનો ઉપયોગ કરવો પડે એમ હતો.. એટલે હારુનનાં નજીક આવતાં જ રુદ્રએ જમીન પરથી માટી લઈને એની આંખોમાં નાંખી દીધી.. માટી આંખોમાં પડતાં જ હારુનની દ્રશ્યક્ષમતા થોડો સમય માટે શૂન્ય થઈ ગઈ.

આ તકનો લાભ લઈ રુદ્રએ ગુરુ ગેબીનાથ જોડે શીખેલી વિદ્યાનો ઉપયોગ કરી હારુન નાં પેટનાં અમુક ખાસ ભાગો પર એક પછી એક ઘા ઝીંકી દીધાં.. સામાન્ય લાગતાં આ ઘા એટલાં જોરદાર હતાં કે હારુનનાં પેટનાં આંતરિક ભાગો ને નુકશાન થયું અને એનાં લીધે હારુન નાં એ ભાગોની કાર્યક્ષમતા એકાએક અટકી ગઈ.

આંખમાં પડેલી માટીને દૂર કરી જ્યારે હારુન પુનઃ આજુબાજુ જોઈ શકતો થયો ત્યારે તો રુદ્ર એ એનાં આંતરિક ભાગોને નુકશાન પહોંચાડી એને મરણતોલ સ્થિતિમાં પહોંચાડી દીધો હતો.. હારુન ક્રોધિત થઈને અચાનક રુદ્રની તરફ આગળ વધ્યો અને રુદ્ર કંઈ કરે એ પહેલાં રુદ્રને પોતાનાં મજબૂત બાહુપાશ માં જકડી દીધો.. કોઈ અજગર પોતાનાં શિકારનો ભરડો લે એમ હારુન ધીરે-ધીરે રુદ્ર પર દબાણ વધારી રહ્યો હતો.

હારુન ની પકડમાં ફસાયેલાં રુદ્રની દયનીય હાલત જોઈ રાજકુમારી મેઘના, ઈશાન અને શતાયુ મનોમન મૂંઝાઈ રહ્યાં હતાં.. દરેક વધતી ક્ષણ રુદ્રને એની મોત ની સમીપ લાવી રહી હતી.. રુદ્ર પણ હવે પોતાની અટકતી શ્વાસોને અનુભવી રહ્યો હતો... પોતાનાં બંને હાથ પગને હલાવવાંની કોશિશમાં રુદ્ર ને સફળતા નહોતી મળી રહી.. આખરે રુદ્રએ હારુન ની ગુસ્સાથી લાલચોળ થયેલી આંખોમાં પોતાની મોત ને જોઈ એક યુક્તિ આજમાવી.

રુદ્રએ પોતાનાં માથાનાં ભાગ ને જોરથી હારુનનાં નાક સાથે અથડાવી દીધું.. શરીરનાં નાજુક અંગોમાંનાં એક એક નાક નાં ઉપર થયેલો આ ઘા કારગર નીવડ્યો અને હારુન ને આનાથી પારાવાર પીડા થઈ. રુદ્ર દ્વારા આવું ત્રણ-ચાર વખત કરતાં હારુન ને તમરિયા આવી ગયાં અને એની રુદ્ર પરથી પકડ ઢીલી થઈ ગઈ. આ તકનો ઉપયોગ કરી રુદ્ર હારુનની જીવલેણ પકડમાંથી નીકળી ગયો.

જમીન પર પગ મુકતાં જ રુદ્રને જીવમાં જાણે જીવ આવી ગયો હોય એવું લાગ્યું.. હવે હારુન પુનઃ પોતાની ઉપર હુમલો કરે એ પહેલાં રુદ્રએ છેલ્લો ઘા કરીને હારુનનું કામ તમામ કરી દેવાનું મન બનાવી લીધું.. રુદ્ર એ આંખો બંધ કરી પોતાનાં ગુરુ એવાં ગેબીનાથ ને યાદ કર્યાં અને ત્યારબાદ મહાદેવ નું નામ લઈ હારુન ની તરફ અગ્રેસર થયો.

હારુન પણ એક જોરદાર ત્રાડ નાંખી રુદ્રનો ફેંસલો કરવાં એની તરફ આગળ વધ્યો.. હારુન થી નજીક આવતાં જ રુદ્રએ પોતાની ગતિ વધારી અને હારુન ની નજીક પહોંચી એક છલાંગ લગાવી હારુન નાં ગરદન પર એક પ્રહાર કર્યો અને વિજળીવેગે બીજો પ્રહાર હારુનનાં હૃદયનાં ભાગે.. આમ કરી રુદ્રએ હારુન નાં મગજમાં જતો પ્રાણવાયુ અને હૃદયનાં ધબકાર અટકાવી દીધાં.. રુદ્રની આ ગજબની યુદ્ધ કુશળતા આગળ હારુન કંઈપણ કરવાં અસમર્થ નીવડ્યો અને બીજી જ ક્ષણે જમીન પર પર મોં નાં બળે પટકાયો.

જે કંઈપણ મેદાનની વચ્ચે ઘટિત થયું એ બધું ઘડીનાં છઠ્ઠા ભાગમાં થયું હતું.. અને આજ કારણથી ત્યાં ઉપસ્થિત બધાં આ શું થઈ ગયું એ આંખો ફાડીને જોઈ રહ્યાં.. એક સામાન્ય કદકાઠી ધરાવતાં સામાન્ય યુવકે જે રીતે કદાવર દેહનાં માલિક હારુનને પછડાટ આપી હતી એ ખરેખર સરાહનીય કાર્ય હતું.

મેઘના એ સૌથી પહેલાં રુદ્ર દ્વારા હારુન ને પરાસ્ત કરાતાં પોતાની પ્રતિક્રિયા આપતાં પોતાનાં સ્થાને ઉભાં થઈ તાળીઓ પાડી.. રાજકુમારી દ્વારા મળેલી આ પ્રશંસા ને રુદ્રએ સસ્મિત નતમસ્તક થઈને સ્વીકાર કરી એ સાથે જ શતાયુ અને ઈશાને રુદ્ર નાં ખોટી ઓળખ સમા નામ એવાં વીરા ને મેદાનમાં ગુંજતું કરી દીધું.. એ બંને ની સાથે લાખો લોકોની જનમેદનીએ પણ રુદ્ર ની જીતની ખુશીમાં વાનુરાનાં મેદાનમાં "વીરા.. વીરા... વીરા... વીરા.. " નામ ગુંજાવી દીધું.

એક નિમ રાજકુમાર નો આટલી મોટી સંખ્યામાં મનુષ્યો દ્વારા કરાયેલો જયજયકાર સાંભળી રુદ્ર, શતાયુ અને ઈશાન મનોમન હરખાઈ રહ્યાં હતાં.

"વાહ, શું દ્વંદ્વ હતો.. એક સામાન્ય લાગતાં યુવકે એક એવું અસામાન્ય કામ કરી બતાવ્યું જેની કલ્પના પણ અન્ય કોઈએ કરી નહોતી.. ખરેખર કોઈ રાજવી પરિવાર નાં સભ્યમાં હોય એવી ઉત્તમ યુદ્ધ કુશળતા વડે જે રીતે હારુન જેવાં દાનવ સમાન વ્યક્તિને યમલોક પહોંચાડ્યો છે એ પ્રશંસનીય છે.. "વાનુરાનું વાતાવરણ શાંત થતાં જ ઉદઘોષક ભરત બોલ્યો.

"તો આજે આ શુભ પ્રસંગ પર મહારાજ અગ્નિરાજ આપ સૌ સમક્ષ એક જાહેરાત કરવાં માંગે છે.. "આટલું કહી ભરતે મહારાજ અગ્નિરાજ તરફ પોતાનો હાથ લંબાવ્યો.

"અહીંયા ઉપસ્થિત સર્વે રાજાઓ અને કુંભમેળામાં આવેલાં શ્રધ્ધાળુઓની હાજરીમાં હું આ શુભ પ્રસંગે એક ખુશ ખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું.. અને એ ખુશ ખબર છે મારી દીકરી મેઘના નાં વિવાહ અંગેની.. "

રાજા અગ્નિરાજ ની આ વાત સાંભળી ત્યાં ઉપસ્થિત દરેકનાં ચહેરા પર હરખ ઉભરાઈ ગયો.. પણ બે લોકો હતાં જેમને રાજા અગ્નિરાજ ની વાત નું એ હદે આશ્ચર્ય થયું હતું કે અમુક ક્ષણ પૂરતું તો એમનું હૃદય ધબકારો જ ચુકી ગયું... અને એ બે વ્યક્તિમાં એક હતો રાજકુમારી મેઘનાને અંતઃકરણથી પ્રેમ કરતો રુદ્ર અને બીજી વ્યક્તિ હતી રાજકુમારી મેઘના સ્વયં. !!

★★★

વધુ નવાં ખંડમાં.

રાજા અગ્નિરાજ મેઘનાનાં લગ્ન અંગે શું જાહેરાત કરવાનાં હતાં. ? રુદ્રનું મેઘના ની પ્રેમકહાની કઈ દિશામાં આગળ વધશે..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો બીજો ખંડ.. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED