Rudra ni Premkahani - 6 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 6

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 6

બકાર નાં વધ બાદ મહાદેવે બકાર નાં પુનઃ જન્મ ને લઈને ઘોષણા કરી.. જે મુજબ બકાર હજારો વર્ષ બાદ મનુષ્ય યોનિમાં જન્મ લેશે એવું કથન મહાદેવે કર્યું. બકાર નાં શરીરનાં અંગો સુદર્શન ચક્ર દ્વારા વિભાજીત થઈને પાતાળલોકમાં જ્યાં પડ્યાં ત્યાં જે નિમ લોકો વસતાં હતાં એમની અંદર અમુક ખાસ શક્તિઓ આવી ગઈ.. અને આ શક્તિઓ નાં લીધે પાતાળલોક ચાર ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો.

એક તરફ પાતાળલોકમાં દુમલ દેશ નાં રાજા સુબાહુ, સર્પ દેશનાં રાજા વાનુકી અને ચિત્ર-વિચિત્ર પ્રદેશનાં રાજાઓ વચ્ચે ભીક્ષણ યુદ્ધ ચાલુ જ રહેતું.. જેમાં હજારો નિર્દોષ નિમ લોકો મોત ને ભેટયા. આ ખુવારી દિવસે અને દિવસે વધતી જ જતી હતી.. પણ એનો જે તે પ્રદેશનાં રાજા બની બેઠેલાં લોકોને કોઈ ફરક નહોતો પડતો.

ત્રણેય રાજાઓએ પોતપોતાનાં લગ્ન ધામધૂમથી કર્યાં.. પોતાનાં બંને આધિપત્ય નીચેનાં વિસ્તારોને એનો ઉત્તરાધિકારી મળે એ હેતુથી વિરભદ્ર એ બે લગ્ન કર્યાં.. સમય ની સાથે સાથે પાતાળલોકનાં ત્રણેય રાજવીઓને ઘરે સંતાન નો જન્મ થયો. સુબાહુ અને દેવીનાં ઘરે પુત્રી અવતરી જેનું નામ રાખવામાં આવ્યું નિર્વા.. સર્પ દેશનાં રાજા વાનુકી ની શિવ ભક્ત પત્ની સુલોચના એ પણ એક પુત્રી ને જન્મ આપ્યો જેનું નામ વૈશાલી રાખવામાં આવ્યું.

વિરભદ્ર એ બે લગ્ન કર્યાં હતાં.. એની એક પત્નીનું નામ હતું કપોલીની અને બીજી પત્ની નું નામ હતું દેવદાસી.. કપોલીની અને દેવદાસી બંને નાં ઘરે દીકરાં અવતર્યાં.. કપોલીની ને પુત્ર થયો એનું નામ દેવદત્ત રાખવામાં આવ્યું.. જ્યારે દેવદાસી નાં ઘરે પુત્ર થયો એનું નામ રાખવામાં આવ્યું જલદ. અમુક વર્ષો બાદ યુદ્ધ થી થાકેલાં નિમ લોકોએ થોડો સમય પૂરતું એમની વચ્ચે થતું નાનું-મોટું યુદ્ધ અટકાવવું ઉચિત સમજ્યું.

નિમ લોકોએ પોતાનાં વચ્ચે અંદરો-અંદર ચાલતી લડાઈ તો રોકી દીધી પણ એ લોકો એ ભૂલી ગયાં કે સત્તાલાલસા નો જે ગુણ એમની અંદર આવ્યો એ મૂળ મનુષ્યો ની દેન હતો.. માનવો ને હવે સમગ્ર પૃથ્વીનો વિસ્તાર પણ ઓછો લાગવા લાગ્યો હતો. જ્યારે પાતાળલોકમાં યુદ્ધવિરામ હતો એ જ સમયે પૃથ્વી પર રાજ કરતાં પાંચ રાજાઓ હુબાલી, યદુવીર, રત્નરાજ, અમોલી અને શશીધર વચ્ચે રત્નરાજ નાં આધિપત્ય ની રાજધાની રત્નનગરી માં એક મંત્રણા યોજાઈ.

પૃથ્વી પર વસતાં ઋષિ-મુનિઓની સમજાવટથી આ પાંચે રાજાઓએ પોતપોતાનો વિસ્તાર નક્કી કરી દીધો હતો અને એનાંથી આગળ વધી કોઈ રાજા બીજાં રાજા પર હુમલો નહીં કરે એવાં એક નિર્ણયને મંજૂરી પણ આપી હતી. હુબાલી અને અમોલી અનુક્રમે ગંગા-બ્રહ્મપુત્રાનાં જંગલ અને હિમાલય ની પર્વત શ્રેણી નાં વિસ્તારો પર રાજ કરતાં હતાં એટલે અન્ય ત્રણ રાજાઓની સરખામણીમાં તેઓ ધનવાન નહોતાં છતાં એમની જોડે અપાર સંપત્તિ તો હતી જ.

હુબાલી નું રાજ્ય અત્યાર નાં બિહાર અને છત્તીસગઢ થી લઈને છેક મ્યાનમાર સુધી વિસ્તરેલું હતું.. જ્યારે અમોલી રાજ કરતો હતો અફઘાનિસ્તાન થી શરૂ થતી પહાડીઓથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરતી હિમાલય પર્વત શ્રેણી પર.

યદુવીર નું રાજ્ય ફેલાયેલું હતું પાકિસ્તાન થી લઈને છેક આરબ સુધી.. શશીધર રાજ કરતો હતો સમગ્ર ઉત્તર ભારતથી ચીન સુધી.. અને દક્ષિણ ભારતનો સમગ્ર વિસ્તાર અને આજનું શ્રીલંકા રત્નરાજ ની સત્તા નીચે આવતાં હતાં.. આ પાંચેય રાજાઓનો સમૂહ પંચરાજ તરીકે ઓળખાતો. પંચરાજ વચ્ચે જે સંધિ થઈ હતી એ મુજબ છેલ્લાં ત્રીસ વર્ષથી પૃથ્વી પર નાનું અમથું પણ યુદ્ધ નહોતું થયું. આ શાંતિ ભર્યાં વાતાવરણને લીધે બધાં મનુષ્યો ખુબજ આનંદિત હતાં. પણ કહ્યું છે ને ક્યારેક વધુ પડતી શાંતિ આવનારાં મોટાં વાવાઝોડાંની આગાહી કરતી હોય છે અને રત્નનગરીમાં યોજાયેલી આ સભા એ માટે ની શરૂવાત હતી.

*****

રત્નનગરી માં આવેલાં રત્નરાજનાં સભાખંડ માં અત્યારે ચારેય રાજાઓ પોતપોતાનાં સેનાપતિ સાથે હાજર હતા.. રત્નરાજ ની વય અને એમનાં રાજ્યની નામના અન્ય રાજાઓથી વધુ હોવાથી અત્યારે રત્નરાજ સભાની આગેવાની કરતાં હોય એમ ઉચ્ચ સ્થાને બિરાજમાન હતાં. સભાખંડ ને ખૂબ જ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો.. હુબાલી અને અમોલી તો આવ્યાં ત્યારથી આ સભાખંડ નો શણગાર જ મનભરીને નીરખી રહ્યાં હતાં.

"અહીં ઉપસ્થિત સર્વે રાજવીઓનું હું રત્નરાજ અને મારો પુત્ર અગ્નિરાજ સ્વાગત કરીએ છીએ.. "સભા ને સંબોધતાં રત્નરાજે કહ્યું.

ચહેરાથી શાલીન અને ગંભીર મુખમુદ્રા ધરાવતાં રત્નરાજનો ભવ્ય દેખાવ અને રાજવી ઠાઠ જોઈને સમજી શકાતું હતું કે અન્ય ચાર રાજાઓની સરખામણીમાં એમની પાસે અપાર ધન-દોલત છે.. રત્નરાજ નો દીકરો અગ્નિરાજ આજે પ્રથમ વખત આવી કોઈ રાજનૈતિક સભામાં પોતાનાં પિતાજી જોડે હાજર હતો.

"મહારાજ, અમારાં સર્વ રાજાઓ તરફથી તમને નમસ્કાર.. "અમોલી એ નતમસ્તક થઈને કહ્યું.. પહાડી વિસ્તાર નાં રાજા અમોલીનો પહેરવેશ પહાડી લોકોને શોભે એવો જ હતો.. જાડા ઉનનાં કાપડનું વસ્ત્ર અને લાંબા પગરખાં જોઈ અમોલી પહાડી પ્રદેશનો રહેવાસી છે એવું સહેજે સમજી શકાતું હતું. અમોલી નાં પહાડી વિસ્તારનાં મુખ્ય નગરનું નામ હતું ગિરિપુર. બે વર્ષ અગાઉ ગિરિપુરમાં પડેલાં દુકાળ વખતે રત્નરાજે અનાજ નો ભંડાર મોકલી અમોલી પર કરેલાં ઉપકાર નાં લીધે અમોલી રત્નરાજ ને મોટાંભાઈ સમાન ગણતો હતો.

"આપ સર્વે રાજાઓ સ્થાન ગ્રહણ કરો.. એટલે સભાનો આરંભ કરવામાં આવે.. "દરેક રાજવીઓને પોતાનાં સ્થાન પર બિરાજમાન થવાનો સંકેત કરતાં રત્નરાજે મૃદુતાથી કહ્યું.

રત્નરાજ નો આગ્રહ સાંભળી દરેક રાજા અને એમનાં સર સેનાપતિ એ રત્નરાજ નાં સિંહાસન ની સામે પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું.. એમનાં બિરાજતાં જ દરેક રાજાઓને સોમરસ આપવામાં આવ્યો.. દેખાવે મનમોજી લાગતો રાજા યદુવીર તો આ સોમરસ પીતાં જ એનાં વખાણ કરતાં બોલી ઉઠ્યો.

"વાહ રાજન, આવાં સ્વાદિષ્ટ સોમરસનું તો મેં મારી જીંદગીમાં પ્રથમ વખત રસપાન કર્યું છે.. આ સોમરસ તો જાણે અમૃત હોય એવું મને લાગ્યું.. "

"અગ્નિરાજ, રાજા યદુવીર અહીંથી રવાના થાય ત્યારે આ સોમરસ ની એકાવન કળશ ભરીને આપવામાં આવે.. "યદુવીર નાં મોંઢે સોમરસ નાં વખાણ સાંભળી રત્નરાજે પોતાનાં પુત્ર અગ્નિરાજ ને આદેશ આપતાં કહ્યું.

રત્નરાજ ની વાત સાંભળી આંખો અને ચહેરા ને નીચે નમાવી યદુવીરે એમનો મનોમન આભાર માન્યો.

"તો હવે લાંબી મુસાફરી બાદ આ સોમરસ દ્વારા તમારો થાક ઉતરી ગયો હોય તો આ સભા કેમ બોલાવી હતી એ અંગે આપ સમક્ષ ચર્ચા કરી શકું..? "રત્નરાજે સભામાં હાજર રાજાઓ સામે જોઈ સવાલ કર્યો.

જેનાં જવાબમાં બધાં રાજાઓએ શીશ ઝુકાવી સહમતી આપી એટલે રત્નરાજે પોતાનાં સિંહાસન ઉપરથી ઉભાં થતાં સભાને સંબોધતાં કહ્યું.

"આપણી વચ્ચે થયેલી સંધિ મુજબ આપણે અંદરોઅંદર યુદ્ધ નથી કરતાં અને એટલે જ પૃથ્વી પર વસતાં માનવો ખુશ અને પ્રસન્ન જણાય છે.. આ સંધિ કરી આપણે દર વર્ષે થતી લાખો મનુષ્યો ની ખુવારી ને ટાળી દીધી છે.. એક રીતે આ ખૂબ જ ઉત્તમ કાર્ય થયું છે.. "

"હા મહારાજ, આ સંધિ પછી આપણાં બધાં વચ્ચે સુમેળભર્યો સંબંધ સ્થાપિત થયો છે અને આપણે લડાઈ મૂકી જરૂર પડે એકબીજાની મદદ કરતાં પણ થયાં છીએ.. આ સંધિ આપણાં સૌ માટે વરદાન સાબિત થઈ છે એવું મારુ માનવું છે.. "શશીધરે વિનમ્રતા સાથે કહ્યું.. શશીધર નો દેખાવ કોઈ રાજવી પુરુષ ને શોભે એવો સુંદર હતો.. એકરીતે જોઈએ તો પંચરાજ નાં સમૂહમાં રત્નરાજ ને ટક્કર આપે એવો ફક્ત શશીધર જ દેખાઈ રહ્યો હતો.

"આપની વાત સત્ય છે રાજન.. પોતપોતાનાં રાજ્યનો વિસ્તાર વધારવાં આપણે મનુષ્યો નું જ રક્ત રેડીને ધરતી ને રક્તરંજીત કરી મુકતાં.. જે એક પ્રકારનું પાપ જ હતું.. જેમાંથી આપણ ને મુક્તિ મળી ગઈ.. "રત્નરાજે કહ્યું.

"તો મહારાજ હવે તમે જણાવશો કે તમે આ સભાનું આયોજન કેમ કર્યું છે..? ક્યાંક તમે આ સંધિમાં કોઈ ફેરફાર તો નથી કરવાં ઈચ્છતાને..? "હુબાલી એ રત્નરાજ ને ઉદ્દેશીને સવાલ કર્યો. હુબાલી દેખાવમાં સહેજ નીચો અને વાંકળીયાં કેશ ધરાવતો વિચિત્ર લાગતો માણસ હતો.

"ના જંગલરાજ, આ સંધિ માં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.. પણ હું તમારી આગળ એક પ્રસ્તાવ મૂકવાં જઈ રહ્યો છું જેની ઉપર તમે જરૂરી વિચારમંથન કરી યોગ્ય ઉત્તર આપો એવી મારી વિનંતી છે.. "રત્નરાજે કહ્યું.

"બોલો રાજન, આપ શું પ્રસ્તાવ મૂકવાં ઈચ્છો છો..? "રત્નરાજની વાત સાંભળી અન્ય રાજાઓનાં બદલામાં હુબાલીએ કહ્યું.

હુબાલી ની વાત સાંભળી રત્નરાજે મનોમન કંઈક વિચાર્યું અને પછી પોતે શું પ્રસ્તાવ મૂકવાં માંગતા હતાં એ વિશે બોલવાનું શરૂ કર્યું.

"આપણે સંધિ નાં નિયમો મુજબ એકબીજા સાથે યુદ્ધ નથી કરી શકતાં એ વાત તો યોગ્ય છે.. પણ સંધિમાં એવો ઉલ્લેખ નથી કે આપણે યુદ્ધ જ ના કરી શકીએ.. "

"આનો અર્થ જણાવવાનો કષ્ટ લેશો રાજન.. "રત્નરાજે જે કહ્યું એ ના સમજાતાં યદુવીરે કહ્યું.

"પિતાજી જે કહેવા માંગે છે એ હું જણાવીશ.. એમનો તમારાં બધાં માટે શું પ્રસ્તાવ છે એ વિશે હવે હું રજુઆત કરીશ.. "પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં રત્નરાજ નાં પુત્ર અગ્નિરાજે કહ્યું.

અગ્નિરાજ નાં ઉભાં થતાં જ રત્નરાજે પોતાનાં જમણાં હાથનાં ઈશારાથી પોતાનાં પુત્ર અગ્નિરાજ ને સભા ની કમાન સોંપી અને પોતે સિંહાસન ઉપર પુનઃ બિરાજમાન થઈ ગયાં.

છ હાથ ઊંચો, પહોળી છાતી ધરાવતો, સ્નાયુબદ્ધ દેહ નો મલિક અગ્નિરાજ એક વિશાળ અને ધનવાન રાજ્યનાં રાજકુમાર તરીકે શોભનીય લાગતો હતો.. એનાં ચહેરા પર અત્યારે કોઈ ભાવ નહોતાં.. શૂન્ય ભાવ ધરાવતાં ચહેરે અગ્નિરાજે કહ્યું.

"અહીંયા ઉપસ્થિત સર્વે રાજાઓને શીશ ઝુકાવી હું રત્નનગરી નો રાજકુમાર અગ્નિરાજ એ કહેવા માગું છું કે ભલે આપણે અંદરોઅંદર યુદ્ધ ના કરી શકીએ.. પણ એકબીજાની સાથે મળીને બીજાં કોઈ વિરુદ્ધ તો યુદ્ધ કરી જ શકીએ.. "

પોતાની વાત નો મર્મ સ્પષ્ટતા કર્યાં વિના કોઈને સમજાશે નહીં એ જાણતાં અગ્નિરાજે પોતે શું કહી રહ્યો હતો એ વિષયમાં સભા ને સંબોધતાં કહ્યું.

"હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે સાથે મળી પાતાળલોકમાં વસતાં નિમ લોકો સામે યુદ્ધ નું એલાન કરી દઈએ.. અત્યારે નિમ લોકો અંદરોઅંદર લડાઈમાં માનસિક અને શારીરિક રીતે થાકી ગયાં છે.. હાલ તો સત્તા લાલસા માં અંધ બનેલાં નિમ લોકો જોડે આપણો મુકાબલો કરવાની શક્તિ જ નથી.. "

"તમારો કહેવાનો અર્થ એમ કે આપણે વગર કોઈ કારણે નિમ લોકો સામે યુદ્ધનું એલાન કરી દઈએ..? "અગ્નિરાજ ની વાત સાંભળી હુબાલી એ સવાલ કર્યો.

"હા અરણ્ય રાજ.. આપણે પાતાળ માં વસતાં એ તુચ્છ નિમ લોકો સામે યુદ્ધ નું એલાન તો કરીએ પણ એ વગર કારણે નથી કરવાનું.. "ચહેરા પર કટુ સ્મિત સાથે અગ્નિરાજે કહ્યું.

"રાજકુમાર.. તો પછી કારણ જણાવો.. "શશીધરે કહ્યું.

"કારણ છે હેમ જ્વાળામુખી નો અપાર સુવર્ણ ભંડાર.. એ સુવર્ણ ભંડાર એટલો મોટો છે કે જેનાં વિશે આપણે ફક્ત કલ્પના કરવી જ રહી.. "આંખોમાં ચમક સાથે પોતાનાં વાક્યનાં દરેક શબ્દો ને અલગ પાડતાં અગ્નિરાજે સભામાં ઉપસ્થિત રાજાઓ અને સેનાપતિઓ ભણી જોતાં કહ્યું.

અગ્નિરાજ નાં મુખેથી પાતાળલોકમાં આવેલાં સુષુપ્ત પડેલાં હેમ જ્વાળામુખીની અંદર લાવા ની જગ્યાએ જે સુવર્ણ ભંડાર નીકળ્યો હતો એનો ઉલ્લેખ સાંભળી હુબાલી, શશીધર, યદુવીર અને અમોલી નો ચહેરો પણ ખીલી ઉઠ્યો.. એમનાં ચહેરા નાં ભાવો જોઈ અગ્નિરાજ સમજી ચુક્યો હતો કે સુવર્ણ ભંડાર મેળવવાની લાલસાનાં લીધે ત્યાં હાજર ચારેય રાજવીઓ પોતાનાં પિતાનો સાથ આપવાં તૈયાર થઈ જશે એટલે અગ્નિરાજે કહ્યું.

"બોલો તો હવે કોણ આ કારણ સાંભળ્યાં બાદ મહારાજ રત્નરાજ ની સાથે મળી નિમલોકો વિરુદ્ધ યુદ્ધમાં જોડાવવાની તૈયારી બતાવે છે..? "

"રાજકુમાર, તમે જે કહ્યું એ કારણ સાંભળ્યાં બાદ હું તો મહારાજ રત્નરાજ નો સાથ આપવાં તૈયાર છું.. પણ એ પહેલાં મારે અન્ય રાજવીઓની સાથે થોડીક ક્ષણો પૂરતી ચર્ચા-વિચારણા કરવી છે.. જો તમને કોઈ વાંધો ના હોય તો..? "શશીધરે બધાં રાજાઓ તરફ જોઈને એમનાં મનની વાત રજૂ કરતાં કહ્યું.

શશીધર ની વાત સાંભળી રત્નરાજે એમને ચર્ચા વિચારણા કરવાની સહમતી આપી.. રત્નરાજ ની સહમતી મળતાં હુબાલી, શશીધર, યદુવીર અને અમોલી એ થોડો સમય ખાનગી વિચાર વિમર્શ કર્યો અને પછી એમને જે નક્કી કર્યું એ વિશે રત્નરાજ અને અગ્નિરાજ ને જણાવતાં કહ્યું.

"રાજન.. અમે જાણીએ છીએ કે તમારું રાજ્ય અને શક્તિ અમારાં ચારેય રાજાઓથી વધુ છે.. તમે ઈચ્છો તો એકલાં જ નિમલોકો ને યુદ્ધમાં હરાવી શકવાનું સામર્થ્ય ધરાવો છો.. છતાં અમને અહીં બોલાવ્યાં એ બદલ તમારો આભાર માનતાં તમારી સમક્ષ અમે યુદ્ધમાં જોડાવવાની તૈયારી સાથે એક નાનકડી શરત મૂકીએ છે જે તમને યોગ્ય લાગે તો સ્વીકારો એવો અમારો અનુરોધ છે.. "શશીધરે રત્નરાજ ને ઉલ્લેખીને કહ્યું.

"ફરમાવો.. "રત્નરાજે હાથનાં ઈશારાથી શશીધર ને પોતાની શરત જણાવવાની અનુમતિ આપી.

"હેમ જ્વાળામુખી માંથી જે સુવર્ણ ભંડાર મળશે એમાંથી અડધો ભાગ તમારો રહેશે અને બાકીનો અડધો ભાગ અમારાં ચાર રાજાઓ વચ્ચે સરખે ભાગે વહેંચાશે.. બસ આ અમારી એક નાનકડી માંગણી છે.. "શશીધરે વિવેકસભર અવાજે કહ્યું.

શશીધર ની વાત સાંભળી રત્નરાજે પોતાનાં પુત્ર અગ્નિરાજ ભણી જોયું.. અગ્નિરાજે આંખો વડે રાજા શશીધર ની માંગણી સ્વીકારવા રત્નરાજ ને જણાવ્યું એટલે રત્નરાજ પોતાનાં સ્થાન પરથી ઉભાં થઈ ને આહવાન કરતાં બોલ્યાં.

"તમારી આ માંગણી મને સ્વીકાર્ય છે.. તો આજથી બરાબર અગિયાર દિવસ પછી આપણે સૌ મળી વીંધ્યાચળ ની પહાડીઓમાંથી પાતાળલોકમાં જતાં માર્ગનો ઉપયોગ કરી નિમલોકો પર આક્રમણ કરી દઈએ.. "

આ સાથે જ નિમલોકો ની દુનિયાને ખેદાન-મેદાન કરી નાંખવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.. જેનું પરિણામ કોને અને કેવું ભોગવવું પડનારું હતું એતો વિધાતા ને જ ખબર.. !!

★★★

વધુ નવાં અધ્યાયમાં.

નિમલોકો અને મનુષ્યો વચ્ચેનાં યુદ્ધનું શું પરિણામ આવશે..? શું નિમલોકો એક થઈને મનુષ્યોને યુદ્ધમાં હંફાવી શકશે..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED