રુદ્ર ની પ્રેમકહાની - 27 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની - 27

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 27

રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે.. સમગ્ર પૃથ્વીલોકનાં રાજાઓનાં આગમન બાદ અસુરા નામનાં વાઘ ને રાજા હુબાલી મેદાનમાં ઉતારે છે.. જેની સામે છ પહાડી વરુઓ રાજા મિરાજ દ્વંદ્વ માટે ઉતારે છે.. અસુરા દ્વારા બધાં વરુઓનો ખાત્મો કરવામાં આવતાં રાજા જયવીર ત્રિપુરા યોદ્ધાઓને અસુરાની સામે મેદાને મોકલે છે.. જે અસુરાને હંફાવી મુકે છે.

ત્રિપુરા યોદ્ધાઓનાં ચહેરા મુખોટાં ધરાવતાં હોવાથી એમનાં મનમાં શું ચાલી રહ્યું હતું એ ચહેરા પરથી સમજવું અશક્ય હતું.. છતાં એમની અસુરા તરફ એકધ્યાને જોઈ રહેલી આંખો એ સ્પષ્ટ દર્શાવી રહી હતી કે એમને હવે અસુરા નો અંત કરવાનું મન બનાવી લીધું છે.. અસુરા પણ હવે સતત નિષ્ફળ પ્રયાસો બાદ પોતાની જાતને પુરવાર કરવાનાં ઉદ્દેશથી હવે આખરી હુમલો કરવાં પોતાની જાતને તૈયાર કરી ચુક્યો હતો.

ધરાને ધ્રુજાવી મુકતી એક જોરદાર ત્રાડ નાંખતાં ની સાથે જ અસુરા એ બે ડગલાં પાછાં લઈ એક જોરદાર છલાંગ મધ્યમાં ઉભેલાં ત્રિપુરા યોદ્ધા પર લગાવી દીધી.. એ ત્રિપુરા યોદ્ધો પહેલેથી સાવધ હોવાથી એને પોતાનાં બંને ઘૂંટણ વાળી પોતાનું શરીર ઝુકાવી લીધું.. આ સમયે જ એ યોદ્ધા એ પોતાનાં કમરે બાંધેલા કપડામાંથી વિજળીવેગે નાનાં ચાકુ જેવું એક શસ્ત્ર નીકાળ્યું અને અસુરાનાં પેટનાં ભાગે હુલાવી દીધું.. જ્યારે અસુરા હવામાં હતો એ જ ક્ષણે અન્ય બે ત્રિપુરા યોદ્ધાઓએ પણ એવું જ શસ્ત્ર અસુરાની ઉપર જોરથી ફેંક્યું.. એમનાં નિશાન અચૂક હતાં.. એટલે એક યોદ્ધા નું ચાકુ અસુરાનાં પેટમાં અને બીજાનું અસુરાની ગરદનનાં ભાગે ઉતરી ગયું.

પોતાનાં ઉપર થયેલાં ઉપરા-ઉપરી ઘા નાં લીધે ઘવાયેલો અસુરા જમીન પર ગડથોલિયા ખાઈ ગયું.. એને ઉભાં થવાની કોશિશ તો કરી પણ એનું શરીર કામ નહોતું આપી રહ્યું.. જાણે એનું ચેતનતંત્ર કામ આપતું બંધ થઈ ગયું હોય એમ અસુરા જમીન પર ફસડાઈ પડ્યો.. એનાં શ્વાસોશ્વાસ ભારે થઈ ગયાં અને થોડી જ ક્ષણોમાં સેંકડો લોકોની હત્યા કરનારો એ શક્તિશાળી શાર્દુલ અસુરા તરફડીયા ખાતો મોત ને ભેટ્યો.

એક હિંસક રાની પશુની મોત થતાં વાનુરામાં મોજુદ લોકોની જે ચિચિયારીઓ સાંભળવાં મળી એ જોઈ એ વિશે અનુમાન લગાવવું અશક્ય હતું કે હકીકતમાં મનુષ્ય કોણ છે અને જાનવર કોણ..?

પોતાનાં ત્રિપુરા યોદ્ધાઓનાં વિજય પર રાજા જયવીરે પોતાનાં સ્થાને ઉભાં થઈ તાળીઓ વડે એમને વધાવી લીધાં.. જે કુનેહપૂર્વક આ યોદ્ધાઓએ પોતાની યુદ્ધ કુશળતા બતાવી હતી એને ત્યાં આવેલાં બધાં રાજાઓને પ્રભાવિત કરી મૂક્યાં હતાં.. રાજા હુબાલીએ પણ જયવીર નાં યોદ્ધાઓ દ્વારા અસુરાનો અંત કરવામાં આવ્યો એ બાબતે જયવીર ને અભિનંદન પાઠવ્યાં.

થોડી ક્ષણો બાદ ઉદઘોષક ભરતે પુનઃ કાર્યક્રમ ની કમાન પોતાનાં હાથમાં લીધી અને ત્યાં હાજર રાજાઓ જોડે થોડી ચર્ચા કર્યાં બાદ વાનુરામાં હાજર જનમેદની ને સંબોધતાં કહ્યું.

"આ મહા શક્તિશાળી અને ચપળ એવાં ત્રિપુરા યોદ્ધાઓનો મુકાબલો એક વ્યક્તિ દ્વારા કરવો અશક્ય છે એટલે રાજા જયવીરે એવો પ્રસ્તાવ મુક્યો કે જો કોઈ રાજા એવું ઈચ્છે કે એમનો પ્રતિસ્પર્ધક એકલાં હાથે આ ત્રિપુરા યોદ્ધાઓનો મુકાબલો કરે એ યોગ્ય નથી તો એમનાં સ્પર્ધક સામે ફક્ત એક જ ત્રિપુરા યોદ્ધો મેદાનમાં ઉતરશે.. "

ભરત નાં આમ કહેતાં જ બધાં લોકો પણ આ વાત સાથે સહમત હોય એમ અંદરોઅંદર ચર્ચા કરવાં લાગ્યાં.. એમની ચર્ચા વચ્ચે ભરતે પુનઃ વાનુરામાં હાજર વિશાળ જનમેદનીને સંબોધતાં કહ્યું.

"રાજા જયવીર નો આ પ્રસ્તાવ સ્વીકારવો યોગ્ય હતો કેમકે આ ત્રણ ત્રિપુરા યોદ્ધાઓને પરાજિત કરવાં મુશ્કેલીભર્યું કાર્ય છે.. છતાં તમને જાણીને વિસ્મય થશે કે મધ્ય આર્યાવત પર જેમનું શાસન છે એવાં મહારાજા મહેન્દ્રસિંહ એ પોતાનો યોદ્ધા આ ત્રણેય ત્રિપુરા યોદ્ધાઓ સામે એકલે હાથ મુકાબલો કરશે એની જાહેરાત કરી દીધી છે.. પણ જોડે એમની શરત છે કે આ મુકાબલો ફક્ત અને ફક્ત શારીરિક રીતે લડવામાં આવે.. મતલબ ના કોઈ શસ્ત્ર કે ના કોઈ અસ્ત્ર.. રાજા જયવીર ને હું પુછવા માંગુ છું કે એમને મહારાજ મહેન્દ્રસિંહ ની આ શરત મંજુર છે..? "

ભરત નાં આ સવાલનાં જવાબમાં રાજા જયવીરે પોતાનાં હાથનાં ઈશારા સાથે હકારમાં પ્રત્યુત્તર આપતાં કહ્યું.

"અવશ્ય.. "

રાજા જયવીર ની સહમતી મળતાં જ ભરતે ઊંચા અવાજે ઉદઘોષણા કરતાં કહ્યું.

"રાજા જયવીર દ્વારા મહારાજ મહેન્દ્રસિંહ ની શરત મંજુર રાખવામાં આવી છે.. તો હવે મહારાજ મહેન્દ્રસિંહ નો પરમયોદ્ધા જેનું નામ હારુન છે એ ત્રિપુરા યોદ્ધાઓની સામે દ્વંદ્વ માટે મેદાનમાં પ્રવેશ કરી રહ્યો છે.. "

કોણ હતો હારુન કે જે આટલાં ચાલાક અને તાલીમબદ્ધ ત્રણ-ત્રણ ત્રિપુરા યોદ્ધાઓનો મુકાબલો કરવાં મેદાનમાં આવી રહ્યો હતો એ જાણવાની બેતાબી સાથે ઝરૂખામાં બેસેલાં રાજપરિવાર નાં લોકોની સાથે વાનુરામાં બેસેલાં લાખો લોકોની નજર ખુલી રહેલાં લોખંડનાં દરવાજા ઉપર સ્થિર થઈ.

દરવાજો ખુલતાં જ અંદરથી એક નવ થી દસ હાથ ઊંચો, ભારે ભરખમ શરીર ધરાવતો દૈત્યકાર મનુષ્ય બહાર આવ્યો.. મોટું માથું, મોટાં પગ અને મજબૂત બાજુઓ જોઈ એને મનુષ્ય કહેવો યોગ્ય તો નહોતો જ.. જાણે કોઈ રાક્ષસ કુળનો વ્યક્તિ હોય એવો હારુનનો દેખાવ હતો. હારુન ને જોઈને ત્યાં હાજર લોકોની વિચારશક્તિ શૂન્ય થઈ ગઈ હતી કે આટલો કદાવર મનુષ્ય પણ અસ્તિત્વ ધરાવે છે.

ભરત દ્વારા જણાવવામાં આવ્યું કે હારુન ને રાજા મહેન્દ્રસિંહનાં પુત્ર સાત્યકી દ્વારા નર્મદા નદીની કોતરોમાંથી પકડવામાં આવ્યો હતો.. હારુન નર્મદા નદીની આસપાસનાં વિસ્તારમાં ઘણાં સમયથી ત્યાંનાં ગરીબ અને માસુમ લોકોને પ્રતાડીત કરી રહ્યો હતો.. જેની ખબર રાજા મહેન્દ્રસિંહને પડતાં એમને પોતાનાં યુવા પુત્ર સાત્યકી ને હારુનને પકડવાની જવાબદારી સોંપી.. જેને સાત્યકી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી અને હારુન ને બંદી બનાવવામાં આવ્યો.

આજે એ જ હારુન વાનુરા નાં રક્તરંજીત ઇતિહાસ ધરાવતાં મેદાનમાં રાજા જયવીરનાં ત્રણ તાલીમબદ્ધ ત્રિપુરા યોદ્ધાઓનો એકલે હાથે મુકાબલો કરવાં ઉભો હતો.. ત્રિપુરા યોદ્ધાઓએ જ્યારે હારુન ને નજરે નિહાળ્યો ત્યારે એમની હાલત પણ કફોડી બની ગઈ.. આતો સારું થયું કે એ ત્રણ લોકો હતાં બાકી આ દાનવ હારુન નો મુકાબલો કરવાનું જોખમ ઉઠાવવું મતલબ જીવથી હાથ ધોવો એ વાત એમને સમજાઈ ચુકી હતી.

આખરે નગારાંનો પડઘમ શાંત થતાં જ આ મહાદ્વંદ્વ નો આરંભ થયો.. ત્રણેય ત્રિપુરા યોદ્ધાઓ એક સાથે દોડીને હારુન તરફ વિજળીવેગે આગળ વધ્યાં.. એમને હવામાં છલાંગ લગાવી અને હારુન પર પોતાનાં પગ વડે જોરદાર પ્રહાર કરી દીધો.. પણ આ શું..? હારુન આટલાં ભારે પ્રહાર છતાં પોતાની જગ્યાએથી ટસ નો મસ નહોતો થયો.. ત્રિપુરા યોદ્ધાઓ આ જોઈ હેરાન-પરેશાન થઈ ગયાં.

હારુને જોરદાર અટ્ટહાસ્ય સાથે એ લોકોને હાથનાં ઈશારા વડે પુનઃ પોતાની ઉપર હુમલો કરવાંનું કહ્યું.. હારુન નાં આ આમંત્રણ ને સ્વીકારતાં એ ત્રિપુરા યોદ્ધાઓએ પુનઃ હારુન પર હુમલો કરવાનો પ્રયત્ન કરી જોયો.. પણ હારુને પોતાની ગજબની શક્તિ વડે એમાંથી બે ત્રિપુરા યોદ્ધાઓને પેટનાં ભાગમાં જોરદાર ઘા કરતાં એમને લોહીની ઉલટી થઈ ગઈ અને એ બંને બેવડ વળી દર્દથી કરાહવા લાગ્યાં.

પોતાનાં સાથીદારોની આવી અવદશા જોઈને ત્રીજો ત્રિપુરા યોદ્ધો હારુન ની સામે બાથ ભીડવા જઈ પહોંચ્યો.. પણ થોડીક ક્ષણોમાં તો હારુને એની ગરદન મરોડી એને સ્વધામ પહોંચાડી દીધો.. એને માર્યાં બાદ પણ હારુનને સંતોષ ના થયો હોય એમ એનાં મૃત શરીરને હારુને હવામાં ઊંચકી લીધું અને જોરથી એનો મૃતદેહ દિવાલની તરફ ફેંકી દીધો.

પોતાનાં એક સાથીદાર ને ખોવાનાં દુઃખ ને બાજુમાં મૂકી બાકીનાં બંને ત્રિપુરા યોદ્ધાઓ પોતાની પીડાની પરવાહ કર્યાં વિના હારુન પર રિતસરનાં તૂટી પડ્યાં.. શરૂઆતમાં તો એમનાં એકપછી એક પ્રહારોનાં લીધે હારુને થોડી પીછેહઠ જરૂર કરી પણ જેવાં એ ત્રિપુરા યોદ્ધાઓ થોડાં થાકી ગયાં એ સાથે જ હારુન પુનઃ પોતાનાં અસલી રંગમાં આવી ગયો.. એને એક ત્રિપુરા યોદ્ધાને જોરદાર લાત મારી દૂર ફેંકી દીધો અને બીજાં ત્રિપુરા યોદ્ધાને જમીન પર પછાડી પોતાનાં હાથનો પ્રહાર એની છાતીનાં ભાગમાં કર્યો.. આમ થતાં જ એ યોદ્ધાનું હૃદય કામ આપતું બંધ થઈ ગયું અને આમ કરી હારુને એને પણ યમલોક પહોંચાડી દીધો.

હવે છેલ્લે જીવિત ત્રિપુરા યોદ્ધાની તરફ ધીરે-ધીરે હારુન આગળ વધ્યો.. જમીન પર પડેલો એ ત્રિપુરા યોદ્ધા પોતાની તરફ આગળ વધતી મોત ને જોઈ ડરી રહ્યો હતો.. મુખોટાંમાંથી દેખાતી એની આંખોમાં વ્યાપ્ત ડર સાફ-સાફ દેખાઈ રહ્યો હતો.. જે જોઈ હારુન ને ખુશી મળી રહી હતી.. હારુને એ છેલ્લાં જીવિત ત્રિપુરા યોદ્ધાનાં માથાનાં ભાગ પર પોતાનાં બંને હાથ મુકી બળપૂર્વક દબાણ આપ્યું.. આમ થતાં જ થોડી ક્ષણોમાં તો એ ત્રિપુરા યોદ્ધો મગજમાં લોહી ના પહોંચવાનાં લીધે અપાર દુઃખ ભોગવ્યા બાદ મોત ને ભેટી ગયો.

એકલાં હાથે ત્રણ-ત્રણ ત્રિપુરા યોદ્ધાઓને ખત્મ કર્યાં બાદ હારુન પોતાની અપાર શક્તિ પર ઘમંડ કરતો હોય એમ જોરજોરથી અટ્ટહાસ્ય કરવાં લાગ્યો.. એનું આ અટ્ટહાસ્ય મેદાનમાં રીતરસરનું પડઘાઈ રહ્યું હતું.

પોતાનાં હાથ ને હવામાં હલાવી વાનુરામાં હાજર જનમેદનીનું અભિવાદન ઝીલી રહેલાં હારુનને જોઈ ઝરૂખામાં બેસેલાં રાજા મહેન્દ્રસિંહ નો હરખ સમાય નહોતો રહ્યો.. હારુને જે રીતે ત્રણ-ત્રણ ત્રિપુરા યોદ્ધાઓને પરાસ્ત કરી એમને યમલોક પહોંચાડી દીધાં હતાં એ પછી તો કોઈ રાજા હારુનની સામે પોતાનો કોઈ સ્પર્ધક મેદાનમાં નહીં ઉતારે એ નક્કી હતું.. આ વાતની જાણ હોવાથી રાજા મહેન્દ્રસિંહ એ વાતે આશ્વસ્થ હતાં કે આજે વાનુરા નાં મેદાનમાં એમનાં રાજ્યનો વિજય પરચમ લહેરાશે.

ભરતે હારુન નો મુકાબલો કરવાં જો કોઈ રાજા ઈચ્છે તો પોતાનો યોદ્ધો ઉતારી શકે છે એ પૂછી જોયું પણ હારુન જેવાં દાનવ જોડે મેદાનમાં ઉતારી કોઈ રાજા પોતાનાં યોદ્ધાની જીંદગી દાવ પર લગાવવાં નહોતો ઈચ્છતો એટલે કોઈ આ માટે તૈયાર ના થયું.. આમ થતાં જ ભરતે છેલ્લે વાનુરામાં મોજુદ જનમેદની ને ઉદ્દેશતાં કહ્યું.

"અહીં મોજુદ સર્વે રાજવીઓએ પોતાની પાસે હારુન સામે મેદાનમાં દ્વંદ્વ માટે મોકલવા કોઈ પ્રતિદ્વંદી હોવાનો ઈન્કાર કરી દીધો છે.. એટલે હવે હારુન ને આજની આ વાનુરા સ્પર્ધાનો વિજેતા જાહેર કરવામાં આવે એ પહેલાં ઔપચારિકતા ખાતર તમારી સૌની સમક્ષ પ્રસ્તાવ મુકું છું કે છે કોઈ અહીંયા એવો વ્યક્તિ જે હારુનની સામે મેદાનમાં ઉતરી શકે..? હવે આ સવાલ ને મેં ઔપચારિકતા ખાતર એટલે કહ્યો કે જો ત્રણ-ત્રણ ત્રિપુરા યોદ્ધાઓ આ દાનવ સમાન હારુન સામે ટકી ના શક્યાં તો તમારામાંથી કોઈ આ અંગે વિચાર સુધ્ધાં નહીં કરે એ નક્કી જ છે.. છતાં જો કોઈને પોતાનો જીવ વ્હાલો ના હોય તો એ અવશ્ય હારુન સામે મેદાનમાં ઉતરવાનો પડકાર સ્વીકારી શકે છે. "

ભરતનાં આમ બોલતાં જ બધાં લોકો એકબીજાનો ચહેરો તકવા લાગ્યાં.. હારુન સામે મેદાનમાં ઉતરી કોઈ જાણીજોઈને મોત ને ગળે ના જ લગાવે એની બધાં ને મનોમન ખબર જ હતી. પણ અચાનક લોકોની ભીડ ને ચીરતો એક અવાજ વાનુરાનાં મેદાનમાં પડઘાયો.

"હું હારુન સામે દ્વંદ્વ નો આ પડકાર સ્વીકાર કરું છું.. "

આ બોલનાર કોણ હતું એ જોવાં લોકોએ વિસ્મય સાથે અવાજની દિશામાં નજર કરી.. એક સામાન્ય લાગતો નવયુવક આટલો મોટો પડકાર સ્વીકારવા તૈયાર થયો હતો એ જોઈ એની હિંમત ની દાદ આપવી કે એની મુર્ખતા પર હસવું એ કોઈને સમજાઈ નહોતું રહ્યું.. હજારો લોકો વચ્ચે પોતાનો રસ્તો કરી એ યુવક દિવાલને છેડે આવીને ઉભો રહ્યો.. અને પુનઃ પોતાની વાતનું પુનરાવર્તન કરતાં નીડરતાથી મક્કમ સ્વરે બોલ્યો.

"હું હારુન સામે દ્વંદ્વ કરીશ.. "

એ નવયુવક નો ચહેરો જોતાં જ રાજકુમારી મેઘના નાં ચહેરા પર આનંદ છવાઈ ગયો.. અને ખુશ થતાં એનાં મોંઢેથી અનાયાસે જ નીકળી ગયું.

"વીરા.. "

★★★

વધુ નવાં અધ્યાયમાં.

ત્રિપુરા યોદ્ધાઓનો વધ કરનાર હારુનને રુદ્ર પરાસ્ત કરવામાં સફળ થઈ શકશે? રુદ્રનું મેઘના ની પ્રેમકહાની કઈ દિશામાં આગળ વધશે..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***