રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 8
રત્નરાજ ની સાથે મળીને પંચરાજ ની સેનાએ પાતાળલોકનાં ત્રણેય રાજાઓને પરાસ્ત કરીને હેમ જ્વાળામુખીનો સુવર્ણ ભંડાર તો કબજે કરી જ લીધો.. પણ સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરી જે મુજબ નિમ લોકો ક્યારેય કુંભમેળામાં નહીં જઈ શકે એવું લખાણ કર્યા બાદ બીજી શરત મુજબ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો.. આ બાબતથી હેરાન પરેશાન નિમ લોકો ગુરુ ગેબીનાથ જોડે ગયાં. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો.
ભવિષ્યમાં ફરીવાર મનુષ્યો કે અન્ય કોઈનાં કારણે નિમ લોકોની સ્થિતિ કફોડી ના બને એ હેતુથી ગુરુ ગેબીનાથે પોતાનાં મનની વાત નિમ લોકો સમક્ષ રજૂ કરતાં કહ્યું.
"આમ જોવો તો યક્ષરાજ બકારનાં લીધે તમારાં બધાં જોડે મનુષ્યો કરતાં વધુ શક્તિ હતી.. છતાં તમે સરળતાથી મનુષ્યો ની સેના સામે ઘૂંટણિયે બેસી ગયાં એનું કારણ છે તમારાં બધાં વચ્ચેની એકતાનો અભાવ.. અને આવું ફરીવાર ના થાય એ માટે તમારે બધાં એ સજાગ થઈને એકજુટ થવું જરૂરી છે. હું એવું નથી કહેતો કે તમે એક થઈને મનુષ્યો વિરુદ્ધ યુદ્ધ કરો પણ એ માનવો ફરીવાર તમારી સામે યુદ્ધ કરવાનું ના વિચારે એ માટે તમારું સંપીને રહેવું આવશ્યક છે.. "
"હા ગુરુવર, તમે સત્ય કહી રહ્યાં છો.. અમે તમે કહેશો એમ કરવાં તૈયાર છીએ.. હવે અમે મનમાં રહેલો વેર-ભાવ ભુલાવી એક થઈને જ રહીશું.. "ત્રણેય રાજાઓમાં વચ્ચે ઉભેલાં સુબાહુ એ પોતાની આજુબાજુ ઉભેલાં વાનુકી અને વિરભદ્ર નાં હાથમાં હાથ નાંખીને કહ્યું.
"ઉત્તમ.. ઘણું ઉત્તમ.. મારો એક બીજો પ્રસ્તાવ છે જો તમને યોગ્ય લાગે તો તમે એનો અમલ કરી શકો છો.. "શાંત મુખમુદ્રા સાથે ગુરુ ગેબીનાથ બોલ્યાં.
"બોલો ગુરુવર.. તમારો પ્રસ્તાવ અમારાં માટે આજ્ઞા સમાન છે.. "શીશ ઝુકાવી વિરભદ્ર બોલ્યો.
"હું ઈચ્છું છું કે તમે તમારાં સંતાનોનાં અંદરોઅંદર લગ્ન કરાવો.. જેથી તમારી વચ્ચેનો સુમેળભર્યો સબંધ કાયમ રહે.. વિરભદ્ર નાં બંને દીકરાઓ નાં લગ્ન વાનુકી રાજ અને સુબાહુ ની દિકરીઓ જોડે કરાવવામાં આવે એવી હું અંતઃકરણથી કામના કરું છું.. "ત્રણેય રાજવીઓ તરફ જોતાં ગુરુ ગેબીનાથ બોલ્યાં.
"અતિ સુંદર વિચાર છે ગુરુદેવ આપનો.. આમ કરવાથી નિમ લોકો વચ્ચે જે મનભેદ થયો છે એ દૂર થઈને કાયમી એકતા પ્રસ્થાપિત થશે.. "વાનુકી એ ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી જણાવ્યું.
"તો આજથી દસ દિવસ બાદ વિરભદ્ર નાં એક દીકરા દેવદત્ત ની સાથે સુબાહુ રાજની દીકરી નિર્વાનાં અને બીજાં દીકરા જલદ ની સાથે વાનુકી ની દીકરી વૈશાલીનાં વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવે.. "ગુરુ ગેબીનાથે કહ્યું.
ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી પાતાળલોકનાં ત્રણેય રાજવીઓએ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવી. આ વાત સાંભળી ત્યાં હાજર અલગ અલગ રાજ્યનાં નિમ લોકોએ પણ હરખ સાથે આ વાત ને વધાવી લીધી.
"ગુરુદેવ તમારી વાતનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ.. અને આજે જ આ શુભ અવસરની તડામાર તૈયારીઓ શરૂ કરી દઈએ.. આજથી દસ દિવસ પછી આ જ માં ભૈરવી નાં મંદિર માં વિવાહ નું આયોજન થશે.. "વિરભદ્ર બીજાં રાજાઓ વતી બોલ્યો.
ગુરુ ગેબીનાથ ને નત મસ્તક થઈ બધાં નિમ લોકોએ ત્યાંથી વિદાય લીધી અને પોતપોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યું.. માનવો દ્વારા થયેલી હારનું દુઃખ ભૂલી એક શુભ અવસર ની તૈયારીઓમાં સમગ્ર પાતાળલોક હવે પરોવાઈ જવાનું હતું.
********
દસ દિવસ સુધી સમગ્ર પાતાળલોકમાં ઉત્સવ નું અને હર્ષોલ્લાસનું વાતાવરણ બની રહ્યું.. જાણે કોઈ તહેવાર ને ઉજવતાં હોય એમ બધાં જ નિમ લોકો આગળ પાછળનું બધું જ ભુલાવી પોતાનાં રાજકુમારો અને રાજકુમારીઓનાં શાહી લગ્નનાં ભવ્ય સમારંભ ને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.
આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે વિરભદ્ર નાં બંને રાજકુમાર દેવદત્ત અને જલદ ની જાન વાજતેગાજતે માં ભૈરવી નાં મંદિર તરફ આગળ વધી.. જ્યાં સુબાહુ ની દીકરી નિર્વા અને વાનુકી ની દીકરી વૈશાલી સોળે શણગાર સજીને પોતાની જીંદગીના આ સૌથી સુંદર અવસર ને વધાવવા માં ભૈરવી નાં મંદિર ની બહાર બનાવવામાં આવેલાં ભવ્ય મંડપ માં હાજર હતી.
બત્રીસ જાતનાં પકવાન અને સુગમ સંગીત ની પણ પૂરતી વ્યવસ્થા મંડપમાં રાખવામાં આવી હતી.. ગુરુ ગેબીનાથ નાં હસ્તે જ આ સુંદર લગ્ન પ્રસંગ ની વિધિ થવાની હતી. પાતાળલોકનાં સમસ્ત નિમ લોકોને જોઈને એવું કહી શકવું અશક્ય હતું કે આ એજ નિમ લોકો હતાં જેમની જીંદગી થોડાં દિવસ પહેલાં સૂર્ય પ્રકાશ વીનાં અંધકારમય બની ચુકી હતી.
આખરે ઢોલ-નગારાં સાથે વાજતે ગાજતે વિરભદ્ર નાં બંને રાજકુમારો લગ્ન મંડપ સુધી આવી પહોંચ્યાં.. આ સાથે જ ગુરુ ગેબીનાથે મહાદેવ પુત્ર વિધ્નહર્તા શ્રી ગણેશનું નામ લઈને લગ્નવિધિ નો પ્રારંભ કર્યો.
વૈશાલી અને નિર્વા એ પ્રથમ વખત પોતાનાં પતિદેવ ને જોયાં હતાં.. એમની ધારણા કરતાં પણ બંને રાજકુમાર સોહામણા લાગી રહ્યાં હતાં.. પોતપોતાનાં ભાવિ કંથ સાથે આંખો મળતાં ની સાથે જ શરમ અને લજ્જા સાથે બંને રાજકુમારીઓએ નજર નીચે ઢાળી દીધી.
સામા પક્ષે દેવદત્ત અને જલદ પણ પોતાની ભાવિ પત્નીઓને જોઈ અતિ પ્રસન્ન હતાં.. સ્વરૂપવાન અપ્સરાઓ જેવી લાગતી બંને રાજકુમારીઓ ને જોઈ દેવદત્ત અને જલદ મનોમન હરખાઈ રહ્યાં હતાં. પોતાનાં સંતાનો નો પ્રસન્ન ચહેરો જોઈ વિરભદ્ર, સુબાહુ અને વાનુકી પણ ખુશ જણાતાં હતાં.
શાસ્ત્રો અને વેદોમાં બતાવેલી વિધિ પ્રમાણે ગુરુ ગેબીનાથે વિવાહ સંપન્ન કર્યાં. બંને યુગલો એ સર્વ પ્રથમ ગુરુ ગેબીનાથ નાં ચરણ સ્પર્શ કરીને સદાય સુખી રહેવાનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યાં. લગ્નવિધિ ની પુર્ણાહુતી સાથે જ રંગેચંગે સુંદર સજાવેલાં રથ પર સવાર થઈને બંને નવ પરણિત યુગલ ચિત્ર દેશ તરફ રવાના થઈ ગયું..
આખરે ગુરુ ગેબીનાથ નાં કહ્યાં મુજબ નિમ લોકો વચ્ચે સદાય એકતા કાયમ રહે એ હેતુથી આયોજવામાં આવેલાં વિવાહ સુખરૂપ પૂર્ણ થયાં હતાં.
*******
દેવદત્ત અને જલદ નાં અનુક્રમે નિર્વા અને વૈશાલી સાથે લગ્ન થયાં બાદ ગુરુ ગેબીનાથ જેવું ઇચ્છતાં હતાં એવું જ થયું.. જે નિમ લોકો વચ્ચે દુશ્મની પ્રવર્તતી હતી એ બધી જ દુશ્મની મિત્રતા માં પરિણમી ચુકી હતી.. એક અખંડ પાતાળલોકની સ્થાપના થઈ ચૂકી હતી.. જેનો વહીવટ વિરભદ્ર, સુબાહુ અને વાનુકી સાથે મળીને જ કરતાં. ટૂંક સમયમાં જ પાતાળલોક માં પહેલાંની માફક શાંતિ સ્થાપિત થઈ ચૂકી હતી.
આ તરફ પૃથ્વીલોક પર શું થઈ રહ્યું હતું એનો ચિતાર મેળવીએ.. અહીં રત્નરાજ નાં દીકરા અગ્નિરાજે એક પ્રસંગ માં રાજા શશીધરની દીકરી મૃગનયની ને જોઈ.. નામની જેમ જ હરણ જેવી સુંદર આંખો ધરાવતી મૃગનયની ને જોતાં જ એ અગ્નિરાજનાં દિલમાં વસી ગઈ. અગ્નિરાજે પોતાનાં મનની આ વાત પોતાનાં પિતાજી રત્નરાજ સમક્ષ રજૂ કરી.
અગ્નિરાજ ની વાત સાંભળી રત્નરાજે એની પસંદનાં વખાણ કર્યાં અને તાત્કાલિક પોતાનાં મિત્ર એવાં રાજા શશીધર જોડે પોતાનાં પુત્ર અગ્નિરાજ માટે શશીધર ની દીકરી મૃગનયનીનો હાથ માંગ્યો.. અગ્નિરાજ જેવાં વિશાળ રાજ્યનાં રાજકુમાર અને કુશળ યોદ્ધા ને પોતાની દીકરીનાં ભાવિ ભરથાર તરીકે ના સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ શશીધર માટે ઉભો નહોતો થતો.. શશીધરે પોતાની દીકરી માટે આવેલું આ માંગુ સહર્ષ સ્વીકારી લીધું.
રત્નરાજે પોતાનાં દીકરા અગ્નિરાજ નાં લગ્નમાં કોઈ કચાશ ના રહી જાય એની પૂરતી કાળજી રાખી.. દેશ-વિદેશથી પુષ્પો મંગાવીને આખી રત્નનગરી ને સજાવવામાં આવી.. કુશળ રસોઈયાઓ દ્વારા મહેમાનો અને સામાન્ય જનતા માટે સ્વાદિષ્ટ અને ભાવતાં વ્યંજનો પીરસવામાં આવ્યાં.
કોઈ સ્વપ્નમાં પણ ના વિચારી શકે એટલી ભવ્યતા સાથે રાજકુમાર અગ્નિરાજ અને રાજકુમારી મૃગનયનીનાં વિવાહ નો પ્રસંગ નિરધારવામાં આવ્યો.. યદુવીર, હુબાલી અને અમોલી સપરિવાર મોટી મોટી ભેટ સોગાતો લઈને અગ્નિરાજ અને મૃગનયની ને આશીર્વાદ આપવાં માટે રત્નનગરી પધાર્યાં હતાં. આખરે પાંચ દિવસ સુધી ચાલેલો આ ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ સંપન્ન થયો.
પાતાળલોક અને પૃથ્વીલોક પર ટૂંકા સમયગાળામાં યોજયેલાં આ વિવાહ પ્રસંગ ની અસર આવનારાં સમયમાં સમગ્ર સૃષ્ટિ પર પડવાની હતી.. જે વિધાતા નાં ચોપડે આ વિવાહ પ્રસંગ સંપન્ન થયાં એ સાથે જ લખાઈ ચૂક્યું હતું.
******
ગુરુ ગેબીનાથનાં સુઝાવ અને આશીર્વાદ થી પાતાળલોકમાં થયેલાં શુભ વિવાહનાં દોઢ વર્ષ બાદ જલદ અને વૈશાલીનાં ઘરે પારણું બંધાયું.. અને એક પરી જેવી સુંદર દીકરી નો જન્મ થયો. દીકરી નું નામ રાખવામાં આવ્યું ઉમા.. વૈશાલી પરમ શિવ ભક્ત હતી એટલે જ એને પોતાની દીકરીનું નામ માં પાર્વતી નાં જ એક નામ ઉમા પરથી રાખ્યું.. વૈશાલી ઈચ્છતી હતી કે પોતાની દીકરી પણ પોતાની જેમ જ આ સૃષ્ટિ નાં રચયિતા એવાં મહાદેવ ની ભક્ત બને.
પ્રથમ સંતાન ની પ્રાપ્તિ બાદ વૈશાલી એ વૈરાગ્ય અવતાર ધારણ કરી લીધો.. હવે એ ભલે જલદ ની સાથે રહેતી હતી પણ હવે વૈશાલી મન અને તન થી ભોળા મહાદેવ ની તપસ્યા માં અને પૂજામાં પોતાનું સમસ્ત જીવન પસાર કરવાં માંગતી હતી.. જેનો જલદે કોઈ વિરોધ ના કર્યો અને ઉલટાનું એ પણ પોતાનું સઘળું રાજ્ય પોતાનાં ભાઈ દેવદત્ત ને સોંપી પોતાની પત્ની સાથે જંગલમાં રહેવાં જતો રહ્યો. જલદ પણ વૈશાલી નાં સંગત ની અસર નીચે જાણી ચુક્યો હતો જીંદગીમાં સાચું સુખ પ્રભુ ભક્તિ છે બીજું કંઈ નહીં.
દેવદત્ત એ જલદને જતાં રોકવાની ઘણી કોશિશ કરી જોઈ પણ એનો કોઈ ફરક ના પડ્યો.. જલદ પોતાની જીદ ઉપરથી ટસ નો મસ ના થયો અને પ્રભુ ભક્તિ માટે જંગલમાં એક પર્ણ કુટીર બનાવીને રહેવાં લાગ્યો. પોતાનાં ભાઈનાં આમ પત્ની સાથે પોતાનું રાજ્ય છોડી જવાની વાતનું દુઃખ હૃદયમાં લઈને દેવદત્ત વ્યથિત રહેવાં લાગ્યો.. એને તો જલદે અચાનક ભરેલાં આ પગલાં ની પીડા સતત સતાવી રહી હતી.
દેવદત્ત ની આ બધી જ પીડા ત્યારે દૂર થઈ ગઈ જ્યારે એની પત્ની નિર્વા એ એને ખુશખબર આપી કે પોતે ગર્ભવતી છે અને નજીકમાં માં બનવાની છે.. આ હરખનાં સમાચાર સાંભળી દેવદત્ત ઘણાં અંશે જલદ દ્વારા આમ જંગલમાં જવાનું દુઃખ ભુલાવવામાં સફળ થયો હતો.
નિર્વા દ્વારા દેવદત્ત ને આપવામાં આવેલી ખુશખબરી નાં છ મહીનાં બાદ નિર્વા એ એક પુત્ર રત્ન ને જન્મ આપ્યો.. દેદીપ્યમાન અને તેજસ્વી ચહેરો ધરાવતાં આ બાળકને આશીર્વાદ આપવાં સ્વયં ગુરુ ગેબીનાથ પધાર્યાં.. ગુરુ ગેબીનાથ પ્રથમ વખત પોતાનાં રાજ્યમાં આવ્યાં હોવાથી વિરભદ્ર એ ગુરુવર ની દેખરેખ અને મહેમાનગતિમાં જરાપણ ઉણપ રહેવાં ના દીધી.
ગુરુ ગેબીનાથ નિર્વા અને દેવદત્ત નાં સંતાન ને આશીર્વાદ આપી ત્યાંથી માં ભૈરવીનાં મંદિર તરફ જવાં નીકળતાં હતાં ત્યાં વિરભદ્ર એ હાથ જોડી અને શીશ ઝુકાવી ગુરુ ગેબીનાથ ને કહ્યું
"ગુરુવર, તમે હવે અહીં આવ્યાં જ છો અને આજે દેવદત્ત નાં પુત્ર નાં જન્મ નો છઠ્ઠો દિવસ પણ છે તો કૃપા કરી તમે પાતાળલોકનાં ભાવિ રાજકુમારનું નામ રાખો એવી મારી અંતઃકરણથી પ્રાર્થના છે.. "
"અવશ્ય રાજન.. આ શુભ અવસર ને હું મારાં હાથે જ પૂર્ણ કરીશ.. "આટલું કહી ગુરુ ગેબીનાથે ઘોડિયાંમાં સુઈ રહેલાં દેવદત્ત અને નિર્વા નાં બાળકને હાથમાં લીધું અને સૂર્યદંડનો પ્રકાશ જે દિશામાંથી આવી રહ્યો હતો એ તરફ ઊંચું કરીને એકવાર આંખો બંધ કરી અને પુનઃ ખોલી અને બાળક નો પ્રસન્ન ચહેરો જોતાં કહ્યું.
"આ બાળક કોઈ સામાન્ય બાળક નથી.. આ બાળક મોટો થઈને પરોપકારી, પરમવીર યોદ્ધા અને દુઃખી લોકો માટે મસીહા સાબિત થવાનો છે.. હું આ બાળક ને નામ આપું છું રુદ્ર.. ભગવાન શિવ નાં એક રૂપનું નામ રુદ્ર જ આ બાળકનાં નક્ષત્રો અને ગ્રહો ની દિશા સાથે મેળ ખાય છે.. "
"રુદ્ર.. "નિર્વા એ ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી પોતાનાં સ્વામી દેવદત્ત ની ભણી જોતાં ધીરેથી કહ્યું. નિર્વાની સાથે દેવદત્તની આંખો પણ ખુશીથી છલકાઈ ચુકી હતી.
"બોલો રાજકુમાર રુદ્ર ની જય.. બોલો દેવાધિદેવ મહાદેવ ની જય.. "વિરભદ્ર નાં સેનાપતિ નું આમ બોલતાં જ ત્યાં મહેલની બહાર ઉપસ્થિત નિમલોકોનાં પ્રતિભાવનાં લીધે વાતાવરણમાં સતત આ જ સુર પડઘાવા લાગ્યાં.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રુદ્ર સાથે ભવિષ્યમાં શું બનવાનું છે...? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારે સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***