રુદ્ર ની પ્રેમકહાની - 4 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની - 4

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 4

પોતાને સ્વર્ગમાંથી દેવતાઓએ ષડયંત્ર રચી કાઢી મુક્યો હોવાનું જાણ્યાં બાદ બકારે પૃથ્વી પરથી ગંગા ને પાતાળલોકમાં લાવી મૂકી.. આમ કરવાથી હેરાન-પરેશાન મનુષ્યો દેવતાઓને અરજ કરે છે.. જેનાં કારણે દેવતાઓ અને બકાર વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે જેની અંદર બકાર એકલો જ બધાં દેવતાઓને પરાસ્ત કરી મૂકે છે.. બકારનું શું કરવું જોઈએ એમ દેવતાઓ વિચારતાં હોય છે ત્યારે ઈન્દ્ર દેવને બકારનો અંત કરવાની યુક્તિ સુઝે છે.

"દેવરાજ, તો શીઘ્ર એ યુક્તિને આજમાવો જેનાંથી તુરંત બકાર દ્વારા મળેલાં પરાજયનો બદલો લઈ શકાય.. "ઈન્દ્ર દેવની વાત સાંભળતાની સાથે જ અગ્નિદેવે ઉત્સુકતાથી કહ્યું

"બકાર ની આ શક્તિ નું કારણ છે એનું મહાદેવ નાં અંશ હોવું. આપણે હવે એની સાથે યુદ્ધમાં ઉતરીએ તો નક્કી પુનઃ પરાજયનો સ્વાદ ચાખવો પડે એમ છે.. એનાં કરતાં આપણે સહાયતા માટે શ્રી હરિ વિષ્ણુ પાસે જઈએ.. "ઈન્દ્ર દેવે કહ્યું.

"અરે આ તો ઉત્તમ વિચાર છે.. આમ પણ શ્રી હરિ વિષ્ણુ તો સદાયને માટે મનુષ્યો નું હિત કરનારાં અને સૃષ્ટિનાં પાલનકર્તા છે.. જેવી એમને ખબર પડશે કે આ હદે મનુષ્યો પર વિપદા આવી પડી છે તો આ વિપદા નું કારણ શોધી શ્રી હરિ એ કારણ એટલે કે બકારનો અંત અવશ્ય આણશે.. "યમરાજે પોતાની ભરાવદાર મૂછો પર તાવ આપતાં કહ્યું.

"તો પછી આપણે અહીં વાતો કરવામાં સમય વ્યથિત કેમ કરી રહ્યાં છીએ.. ચલો હમણાં જ વૈકુંઠ તરફ પ્રયાણ કરીએ.. "સૂર્યદેવે કહ્યું.

"ચલો આપણે બધાં સાથે મળી ભગવંત વિષ્ણુ ને રીઝવવા જઈએ.. એ આપણી અરજ સાંભળી નક્કી બકાર ને પોતાની રીતે સજા આપશે.. "ઈન્દ્ર દેવે પોતાનાં સિંહાસન પરથી ઉભાં થતાં કહ્યું.

ઈન્દ્રદેવની સાથે સાથે જ સમસ્ત દેવતાં ગણ નીકળી પડ્યું સ્વર્ગમાંથી સીધું જ શ્રી હરિનાં નિવાસસ્થાન એટલે કે વૈકુંઠની તરફ.. દેવતાઓ જ્યારે વૈકુંઠ પહોંચ્યા ત્યારે શ્રી હરિ વિષ્ણુ શેષનાગ પર માથું ઢાળી આરામ ફરમાવી રહ્યાં હતાં.. દેવગણ ને આમ ચિંતિત ચહેરે અચાનક જ વૈકુંઠ આવેલાં જોઈ વિષ્ણુ ભગવાન એમની તરફ જોઈને ચહેરા ઉપર સ્મિત સાથે બોલ્યાં.

"પધારો દેવરાજ ઈન્દ્ર તથા સમસ્ત દેવતાં ગણ.. વૈકુંઠ માં તમારું સ્વાગત છે.. "

"જગત પાલનકર્તા, શ્રી હરિ વિષ્ણુ ને સમસ્ત દેવગણ વતી હું પ્રણામ કરું છું.. "ઈન્દ્ર દેવ ભગવાન વિષ્ણુ સમક્ષ માથું ઝુકાવી બોલ્યાં.

"અહીં આમ અચાનક આવવાનું કોઈ કારણ.. તમારાં ચહેરા પરથી લાગે છે કે કોઈ વિકટ સમસ્યા છે..? "ઈન્દ્રદેવ તરફ પ્રશ્નસુચક દ્રષ્ટિએ જોતાં વિષ્ણુ ભગવાને પૂછ્યું.

"પ્રભુ, આ સમસ્યા અમારી છે એમ કહ્યાં કરતાં મનુષ્યોની વધુ છે એમ કહેવું વધુ ઉચિત રહેશે.. કેમકે આ સમસ્યાનાં લીધે અમો દેવતાઓને તો કંઈ તકલીફ નથી.. પણ લાખો સામાન્ય મનુષ્યો મોત ની અણીએ આવીને ઉભાં છે.. સામાન્ય મનુષ્યો પર આવેલું કષ્ટ અમને પણ તકલીફ આપી રહ્યું છે એટલે અમે એનાં નિવારણ માટે આપની જોડે આવ્યાં છીએ.. "ઉત્તમ અદાકારી સાથે દેવરાજ ઈન્દ્ર એ કહ્યું.

"દેવરાજ.. તમે આમ ગોળ ગોળ વાતો કરવાનાં બદલે સીધી મુદ્દાની વાત જણાવશો.. મને ખબર પડે કે માનવો ઉપર કેવાં પ્રકારની વિપદા આવી પડી છે..? ઈન્દ્ર દેવની વાત સાંભળી વિષ્ણુ ભગવાને પૂછ્યું.

જવાબમાં ઈન્દ્રદેવે બકાર ને જ ખોટો ઠેરવતી ઉપજાવી કાઢેલી વાત કહી સંભળાવી.. જેમાં બકાર નો ગુનો હોવાથી પોતે બકારને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યો હોવાનું કહ્યું.. સાથે બકાર દ્વારા માં ગંગા ને પાતાળલોકમાં લઈ જવામાં આવી હોવાની વાત કરી.. ઈન્દ્ર દેવની આ વાત સાંભળતાં જ મનુષ્યો માટે સદાય ચિંતિત રહેતાં એવાં શ્રી વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા અને કહ્યું.

"તો ઈન્દ્ર દેવ તમારે એ બકારનો ખાત્મો કરી દેવો જોઈએ.. એવાં ઘમંડી વ્યક્તિને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી.. "

"પ્રભુ, અમે તમને મળ્યાં પહેલાં એ યક્ષ બકાર સામે યુદ્ધ કરવાં ગયાં હતાં.. પણ એ બકારે પોતાની માયાવી શક્તિ વડે સમસ્ત દેવતાગણ ને પરાજય નો સ્વાદ ચખાડ્યો છે.. એટલે જ માનવોનાં જીવન ની રક્ષા હેતુ તમે બકાર નો અંત કરો એવી એક અરજ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયાં છીએ.. "ઈન્દ્રદેવે કહ્યું.

ઈન્દ્રદેવની વાત સાંભળ્યાં બાદ વધુ વિચાર્યા વગર વિષ્ણુ ભગવાને કહ્યું.

"ઈન્દ્રદેવ, તમે હવે નિશ્ચિન્ત થઈ જાઓ.. પોતાની શક્તિ ઉપર ઘમંડ કરતાં એ અભિમાની બકારનો વધ હું કરીશ.. અને માં ગંગા ને પુનઃ પૃથ્વી પર જનકલ્યાણ અર્થે લેતો આવીશ.. "

"પ્રભુ, અમને તમારાંથી આ જ આશા હતી.. કે તમે માનવજાતિનાં કલ્યાણ માટે, એમની ઉપર આવેલી વિપદાઓ માટે કોઈક તો માર્ગ જરૂર નિકાળશો.. "ઈન્દ્ર દેવે કટુ મુસ્કાન સાથે જોડે આવેલાં અન્ય દેવતાઓ ઉપર નજર ફેંકી અને પછી લક્ષ્મીપતિ શ્રી હરિ વિષ્ણુ સમક્ષ શીશ ઝુકાવી કહ્યું.

"તમે સ્વર્ગલોક પહોંચો અને બકાર ને ખબર પહોંચાડો કે એક સામાન્ય વૃદ્ધ બ્રાહ્મણ એને આ ક્ષણે જ યુદ્ધ માટે પડકારી રહ્યો છે.. "આટલું કહેતાં જ ભગવાન વિષ્ણુ શેષનાગ પરથી બેઠાં થયાં અને પોતાનું રૂપ વયોવૃદ્ધ બ્રાહ્મણમાં પરિવર્તિત કરી દીધું.

****

સ્વર્ગલોક પહોંચી ઈન્દ્રદેવે પાતાળમાં એક દૂત મોકલી બકાર ને એ ખબર મોકલાવી કે બકારે માં ગંગા ને પાતાળમાં લઈ જઈ માનવો ને પીડા આપતું જે કૃત્ય આચર્યું છે એનાંથી ગુસ્સે થઈ એક વૃદ્ધ બ્રાહ્મણે એને યુદ્ધ માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સમસ્ત દેવતાઓને એકલાં હાથે પોતાની અપાર શક્તિ વડે પરાસ્ત કર્યાં બાદ બકાર નું મન અભિમાનથી ભરાઈ ચૂક્યું હતું.. એને હતું કે હવે એ સમગ્ર પૃથ્વી પર કોઈનાંથી પરાજિત થઈ શકે એમ નથી એટલે એને એ વૃદ્ધ બ્રાહ્મણ બનેલાં શ્રી હરિ વિષ્ણુ સામે યુદ્ધ કરવાનો પડકાર સ્વીકારી લીધો.

વીંધ્યાચળ ની પર્વતશ્રેણી જોડે આવેલો ખુલ્લો પ્રદેશ એમનું યુદ્ધ મેદાન બનવા જઈ રહ્યું હતું.. બકારે જ્યારે ત્યાં પહોંચી જોયું કે એક લાકડીનાં ટેકે ઉભેલો કોઈ વૃદ્ધ માણસ એની સામે ઉભો છે.. એ વૃદ્ધ વ્યક્તિ હકીકતમાં જગતનાં પાલનકર્તા વિષ્ણુ ભગવાન છે એ જાણ્યાં વગર એમનો ઉપહાસ કરતાં બકારે કહ્યું.

"તો એ તું છે જેને મને, યક્ષરાજ બકાર ને યુદ્ધ માટે લલકાર્યો હતો.. લાગે છે તને તારી જીંદગી વ્હાલી નથી.. આ જે બે-ચાર વર્ષ જીવવાનું બાકી હતું એ સુખેથી જીવી લીધું હોત તો.. હવે તારી ઈચ્છા છે કે મારાં હાથે મરવું જ છે તો એ ઈચ્છા હું હમણાં જ પૂર્ણ કરું.. "

આમ બોલી બકારે આંખો બંધ કરી અને કોઈ મંત્ર બોલ્યો.. એ સાથે જ એક નાના ભાલા જેવું અસ્ત્ર બકારનાં હાથમાં પ્રગટ થયું.. બકારે એ અસ્ત્ર નો વાર સીધો જ એ વૃદ્ધ વ્યક્તિ તરફ કરી દીધો.. પોતાની સામે આવી રહેલાં એ અસ્ત્ર ભણી જોઈ વિષ્ણુ ભગવાને ફક્ત આંખો ને પટપટાવી.. એ સાથે જ એ અસ્ત્ર એક ગુલાબનાં ફુલોનાં હારમાં પરિવર્તિત થઈને ભગવાન વિષ્ણુ ની ગરદન માં આવી પડ્યું.

આ બધું કઈ રીતે થયું એ બકાર હજુ સમજી નહોતો રહ્યો.. બકારે મનોમન બીજો મંત્ર બોલી એક બીજું અસ્ત્ર હાથમાં ધર્યું.. આ અસ્ત્ર નો પણ બકારે વૃદ્ધ બ્રાહ્મણ બનેલાં ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરી દીધો.. જેનાં પ્રતિભાવ માં વિષ્ણુ ભગવાન ભેદી મુસ્કાન કરતાં પોતાની જગ્યાએ જ ઉભાં રહ્યાં.. આ અસ્ત્ર પણ ફૂલ બની ભગવાન વિષ્ણુ પર પુષ્પવર્ષા કરીને અદ્રશ્ય થઈ ગયું.

"મને ખબર પડી ગઈ કે તું માયાવી બ્રાહ્મણ છો.. તું આમ આસાનીથી તો હાર નહીં જ સ્વીકારે.. તારો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે.. "પોતાનાં બંને પ્રહાર નિષ્ફળ જતાં બકાર આવેશમાં આવીને બોલ્યો.

"શું થયું યક્ષરાજ, બધાં અસ્ત્રો પૂર્ણ થઈ ગયાં કે પછી બીજું કંઈક બાકી રહી ગયું છે.. "બકાર નો ઉપહાસ કરતાં વૃદ્ધ બ્રાહ્મણ બનેલાં શ્રી હરિ એ કહ્યું.

એ વૃદ્ધ બ્રાહ્મણ ની વાત સાંભળી ગુસ્સાથી રાતાચોળ થયેલાં બકારે આગગોળા ની વર્ષા એ વૃદ્ધ બ્રાહ્મણ પર કરી દીધી.. બકાર નાં આશ્ચર્ય વચ્ચે એ અગનગોળા હિમમાં પરિવર્તિત થઈને હવામાં જ વિલીન થઈ ગયાં. આ બધું જોઈ બકાર એટલું તો સમજી ચુક્યો હતો કે એની સામે જે વ્યક્તિ વૃદ્ધ બ્રાહ્મણ નો વેશ ધરી મોજુદ હતી એ કોઈ સામાન્ય વ્યક્તિ તો નહોતી.

"કોણ છે તું.. મને ખબર છે કે તું કોઈ સામાન્ય માણસ તો નથી જ.. બાકી જે યક્ષરાજ બકારનાં પ્રહારનો દેવતાઓ જોડે પણ કોઈ જવાબ નહોતો એનાં અસ્ત્રો ને કોઈ આટલી આસાનીથી રોકી જાય એ શક્ય નથી.. "ધૂંવાપૂંવા થતાં બકારે કહ્યું.

"બકાર, તે તારાં ઘમંડમાં આવી કરોડો લોકો ને પોષતી માં ગંગા ને પૃથ્વીલોકમાંથી પાતાળલોકમાં લાવી જે પાપ કર્યું છે એની સજા આપવાં માટે હું આવ્યો છે.. તે મારો યુદ્ધનો પડકાર સ્વીકાર કર્યો છે એટલે તારે યુદ્ધ તો કરવું જ પડશે.. "વૃદ્ધ બ્રાહ્મણનાં વેશમાં મોજુદ ભગવાન વિષ્ણુ એ સ્પષ્ટ શબ્દોમાં શાલીનતાથી કહ્યું.

"સારું તો હવે હું યુદ્ધ જ કરીશ.. અને એ પણ ત્યાં સુધી જ્યાં સુધી મારાં કે તમારાં બંનેમાંથી એકનો વધ ના થાય.. એક નું મૃત્યુ ના થાય.. "હવે બકારનાં અવાજમાં એ વૃદ્ધ બ્રાહ્મણ માટે માન આવી ગયું હતું.

બકારનાં આટલું બોલતાં જ પુનઃ યક્ષરાજ બકાર અને વૃદ્ધ બ્રાહ્મણ બનેલાં શ્રી હરિ વિષ્ણુ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું.. સમસ્ત દેવગણ પણ સ્વર્ગમાંથી આ યુદ્ધ ને નિહાળી રહ્યાં હતાં.. એમને તો બકાર નો અંત ક્યારે થાય એ જોવાની ઉત્સુકતા હતી.

બકારે પણ એક વીર યોદ્ધાની માફક ભગવાન વિષ્ણુ સામે યુદ્ધ કર્યું.. બકાર ની શક્તિ અને યુદ્ધકળા તો શ્રી હરિ વિષ્ણુને પણ પ્રભાવિત કરી ગઈ. જો ભગવાન વિષ્ણુને જાણ હોત કે દેવતાઓનાં ષડયંત્રનો ભોગ બનેલાં બકારે દેવતાઓને પાઠ ભણાવવાની મંછા સાથે માં ગંગાને પાતાળલોકમાં લાવવાનું આ અવિચારી પગલું ભર્યું છે તો ક્યાંક એ બકાર ને જીવિત રાખત.. પણ એમને તો ઈન્દ્ર દેવે જે કહ્યું એની ઉપર પૂરતો ભરોસો હતો એટલે એમનાં મનમાં તો બકાર નો વધ કરવાની વાત જ ચાલતી હતી.

એક પહોર સુધી બકાર ભગવાન વિષ્ણુ ને ટક્કર આપતો રહ્યો.. પણ આખરે જગતગુરુ યોગેશ્વર સામે બકાર શરણે પડી ગયો. ભગવાન વિષ્ણુનાં પ્રહારથી બકારનો સમગ્ર દેહ રક્તરંજીત થઈ ચૂક્યો હતો.. એની બંને પાંખો પણ એનાં શરીરથી વિખૂટી પડી ગઈ હતી અને એ જગ્યાએથી પણ રક્ત વહી રહ્યું હતું.

પોતે જેની સામે યુદ્ધ કરી રહ્યો હતો એ વૃદ્ધ માણસ કોઈ મહાન વ્યક્તિ છે જે વેશ બદલીને પોતાનો ઘમંડ ઉતારવા અને પોતે માં ગંગા ને પાતાળલોકમાં લાવી મનુષ્યો ને જે કષ્ટ આપ્યું એની સજા આપવાં આવ્યાં છે એ મહેસુસ થતાં પોતાની વાણીમાં નરમાશ સાથે બકાર બોલ્યો.

"પ્રભુ, હું મારી હાર સ્વીકારું છું.. મારી એક ભૂલનાં લીધે સમસ્ત મનુષ્યો ને ભારે વિપદાનો સામનો કરવો પડ્યો એ વાત નો મને ખેદ છે.. તમે મારો વધ કરી શકો છો પણ એ પહેલાં મને તમારું સાચું રૂપ બતાવો એવી મારી વિનંતી છે.. "

બકાર નાં આમ બોલતાં જ ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણ નાં વેશમાંથી પુનઃ પોતાનાં અસલ સ્વરૂપમાં આવી ગયાં.. એમને જે રૂપ ધર્યું એ જોઈને બકારની આંખો પહોળી થઈ ગઈ.. પોતે અત્યાર સુધી સૃષ્ટિનાં કર્તાહર્તા એવાં ભગવાન વિષ્ણુ સામે યુદ્ધ કરી રહ્યો હતો એની ખબર પડતાં જ બકારનાં ચહેરા પર પસ્તાવાનાં ભાવ ઉભરાઈ આવ્યાં.. ધવાયેલાં તન અને મન સાથે બકારે બે કર જોડી શીશ ઝુકાવી શ્રી હરિ વિષ્ણુને વંદન કર્યાં અને કહ્યું.

"ભગવંત, આપ ને ખુદ વેશ બદલી મારો વધ કરવાં આવવું પડ્યું એનો મતલબ કે મેં જે કંઈપણ કર્યું એ અક્ષમ્ય અપરાધ છે.. જેની સજારૂપે મોત મળશે એ પણ મને મંજુર છે.. હું તો મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે તમારાં હાથે મારી મુક્તિનો માર્ગ મોકળો થશે.. પણ હું માં ગંગા ને પૃથ્વીલોક પરથી પાતાળલોકમાં કેમ લઈ ગયો એનું કારણ તમારાં માટે જાણવું જરૂરી છે.. "

"બોલો યક્ષરાજ તમે આ કેમ કર્યું હતું.. તમારી વાત સાંભળ્યાં બાદ જ મારું સુદર્શન ચક્ર તમારો વધ કરશે એ મારું વચન છે.. "બકાર ની તરફ જોઈ શાંત ભાવે ભગવાન વિષ્ણુએ કહ્યું.

ભગવાન વિષ્ણુ ની રજા મળતાં જ બકારે શીશ નમાવી પોતાની સાથે કઈ રીતે દેવતાઓએ ષડયંત્ર રચ્યું એ વિશે ભગવાન વિષ્ણુ ને કહેવાનું શરૂ કર્યું.

*****

આ તરફ કૈલાસ પર્વત પર ભગવાન શંકર ધ્યાનમુદ્રા માં બેઠાં હતાં ત્યાં નંદી ત્યાં આવી પહોંચ્યો.. મહાદેવ ને ધ્યાનમુદ્રામાં જોઈ નંદીએ હાથ જોડી કહ્યું.

"પ્રભુ, આંખો ખોલો.. ગજબ થઈ ગયો છે.. મહાગજબ.. "

નંદીનો બેબાકળો અવાજ સાંભળી મહાદેવે ધીરેથી આંખો ખોલી અને પોતાની સંમુખ શીશ ઝુકાવી ઉભેલાં નંદીની તરફ જોઈને પૂછ્યું.

"શું થયું નંદી મહારાજ.. કેમ આટલાં રઘવાયાં થયાં છો..? "

"પ્રભુ, તમારાં અંશ એવાં યક્ષરાજ બકાર અને શ્રી હરિ વિષ્ણુ નું ભીષણ યુદ્ધ ચાલુ છે.. જેમાં બકારનો વધ નિશ્ચિત છે.. "નંદીએ હાથ જોડી જણાવ્યું.

"વૈકુંઠપતિ ને એક યક્ષ જોડે યુદ્ધ કરવું પડ્યું એનું કોઈ કારણ..? "મહાદેવે નંદીની વાત સાંભળી વિસ્મય સાથે કહ્યું.

જવાબમાં નંદીએ યક્ષરાજ બકાર ને કઈ રીતે સ્વર્ગમાંથી નિકાળવામાં આવ્યો અને પછી દેવતાઓ જોડે બદલો લેવાની વિચારધારા એ બકાર ને માં ગંગા ને પાતાળલોકમાં લઈ જવાનું કૃત્ય કરવાં મજબુર કર્યો એ વિશે જણાવ્યું.. દેવતાઓએ જ નારદજીની સહાયતાથી મહાદેવ ને મૂર્ખ બનાવ્યાં અને હવે ભગવાન વિષ્ણુ ને ઉશ્કેરી બકાર સામે યુદ્ધ કરવાં કઈ રીતે તૈયાર કર્યાં એની માહિતી આપી દીધી.

"અરે તો તો પછી બકારને મારે બચાવવો જોઈએ.. ભલે એને માં ગંગા ને પૃથ્વી પરથી પાતાળમાં લઈ જવાનું ઘોર પાપ કર્યું હોય પણ એની સજા મૃત્યુદંડ તો નથી જ.. શ્રી હરિ વિષ્ણુ બકારનો વધ કરે એ પહેલાં મારે ત્યાં પહોંચી એમને અટકાવવા પડશે.. "નંદીની વાત સાંભળી મહાદેવ પોતાનાં સ્થાન પરથી ઉભાં થયાં અને નંદી પર સવાર થઈને નીકળી પડ્યાં વીંધ્યાચળની પહાડી તરફ.. !

★★★

વધુ નવાં અધ્યાયમાં.

મહાદેવ કઈ રીતે બકારને બચાવશે..? ભગવાન વિષ્ણુ નાં હાથે બકાર નો વધ થઈ જશે..? બકારનો વધ થઈ જશે તો એનું પરિણામ શું આવશે..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે.. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી.. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***