Rudra ni Premkahani - 9 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 9

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 9

પંચરાજ ની સેના સામે થયેલાં પરાજય પછી સાથે સાથે નિમ લોકો માટે એક સંધિ પણ તૈયાર કરવામાં આવી જે મુજબ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ ને પણ મનુષ્યો એ બંધ કરી દીધો. ગુરુ ગેબીનાથે પોતાની દિવ્ય શક્તિ વડે સૂર્યદંડ ને માં ભૈરવી નાં મંદિર પર સ્થાપિત કરી સૂર્ય પ્રકાશ ની સમસ્યા નો પ્રશ્ન ઉકેલી દીધો. સાથે-સાથે ગેબીનાથે નિમ રાજાઓને સલાહ આપી કે એમની સંતાનોનાં વિવાહ કરાવે.. બધાં રાજવીઓ એ આ સલાહ માથે ચડાવી પોતપોતાનાં દીકરા-દિકરીઓનાં ગેબીનાથ નાં કહ્યાં મુજબ લગ્ન કરાવી દીધાં.. જેનાં કારણોસર નિર્વા અને દેવદત્ત નાં ઘરે એક તેજસ્વી પુત્ર-રત્નનો જન્મ થયો જેનો નામ ગુરુ ગેબીનાથે રુદ્ર રાખ્યું.

રુદ્ર નાં જન્મની સાથે જ પાતાળલોકમાં જાણે ખુશીઓની લીલોતરી છવાઈ ગઈ.. નિમ લોકો વચ્ચેની એકતા દિવસે અને દિવસે વધુ સુદૃઢ થઈ રહી હતી.. પોતાનાં ભાઈ જલદ અને જલદની પત્ની વૈશાલીનાં બાકીનું જીવન પ્રભુ ભક્તિમાં પસાર થાય એ હેતુથી જંગલમાં ગયાં બાદ સમગ્ર પાતાળલોકની જવાબદારી દેવદત્ત નાં માથે આવી પડી હતી.. જેને પોતાની પત્ની નિર્વા સાથે મળીને દેવદત્ત ઉત્તમ રીતે નિભાવી રહ્યો હતો.

માનવો દ્વારા પાતાળલોકમાં જે ખુવારી કરવામાં આવી હતી અને સાત વર્ષ વીતી ગયાં હતાં અને રુદ્ર પણ પાંચ વર્ષનો થઈ ગયો હતો.. આટલી નાની ઉંમરે પણ રુદ્રમાં એક મોટી ઉંમરના વ્યક્તિ જેવી શાલીનતા અને સમજણ હતી.. એક રાજકુમાર હોવાં છતાં રુદ્ર એ ક્યારેય પોતાનાં માતા-પિતા આગળ કોઈ વાતની જીદ નહોતી કરી. આગળ જતાં રુદ્ર પાતાળલોકનો ભાવિ રાજા બનવાનો હોવાથી એનું ઘડતર યોગ્ય રીતે થાય એ જરૂરી હતું.. અને એથી જ દેવદત્ત અને નિર્વા રુદ્ર નાં પાંચ વર્ષ પૂર્ણ થતાં ની સાથે એ અંગે ચર્ચા કરવાં લાગ્યાં.

"સ્વામી.. જોતજોતામાં આપણો રુદ્ર પાંચ વર્ષનો થઈ ગયો.. એની ખબર જ ના પડી.. "દેવદત્ત ને ઉદ્દેશીને નિર્વા એ કહ્યું.

"હા.. સાચી વાત છે.. અને એમાં સૌથી વધુ જો કોઈનો હાથ હોય તો એની મોટી બહેન ઉમા નો. એ રુદ્ર થી એક વર્ષ માંડ મોટી છે પણ પોતાનાં નાના ભાઈનું જીવથી પણ વધુ ધ્યાન રાખે છે.. "પોતાનાં ભાઈ જલદ ની દીકરી ઉમા જે અત્યારે પોતાનાં દીકરા રુદ્ર સાથે જ ઉછરી રહી હતી એનાં વખાણ કરતાં દેવદત્ત બોલ્યો.

"ઉમા સાચેમાં એની માતા ની જેમ જ શાલીન અને માયાળુ છે.. સાથે શિવની પરમભક્ત તો ખરી જ.. "પોતાની સગી દીકરી ના હોવાં છતાં રુદ્ર અને ઉમા વચ્ચે ક્યારેય ભેદ ના સમજનાર નિર્વા દેવદત્ત નાં સુરમાં સુર પરોવતાં બોલી.

"અને એ ઉમા નાં જ સંગ ની અસર છે કે આપણાં દીકરા એ જે પ્રથમ શબ્દ બોલ્યો એ શબ્દ હતો.. 'મહાદેવ'.. "આંખો બંધ કરી નતમસ્તક થઈને દેવદત્ત બોલ્યો.

"હવે તમને લાગતું નથી કે આપણાં પુત્ર ની યોગ્ય ઘડતર થાય એ માટે આપણે કંઈક પગલું ભરવું જોઈએ..? "નિર્વા એ મનમાં ઘણાં સમયથી ચાલી રહેલો પ્રશ્ન દેવદત્ત ની સમક્ષ રજુ કરતાં કહ્યું.

"સાચી વાત છે દેવી તમારી.. પણ અહીં પાતાળલોકમાં આપણાં રાજમહેલથી વધુ ઉત્તમ સ્થળ કયું હોઈ શકે આપણાં પુત્રનાં ઘડતર માટે..? "નિર્વા નાં સવાલનાં પ્રતિભાવમાં થોડું વિચાર્યા બાદ દેવદત્તે કહ્યું.

"તમારી વાત ખોટી નથી મહારાજ... અહીં આપણાં માર્ગદર્શન નીચે મહેલમાં પણ આપણે આપણાં રુદ્ર ની જીવન ઘડતર સારી રીતે કરી શકીશું.. પણ હું ઈચ્છું છું કે મારો દીકરો એ બધું જ જ્ઞાન મેળવે જેનો ઉપયોગ કરીને એ સારી રીતે પાતાળલોક ઉપર રાજ કરી શકે.. આમ થવાથી અહીં વસતાં લાખો નિમ લોકોની જીંદગીમાં સુધારો આવશે.. "મહારાણી નિર્વા એ પોતાની વાત રાખતાં કહ્યું.

"તમારી વાત તો સાચી છે મહારાણી.. પણ તમે જ કહો કે એવું કયું સ્થળ છે જ્યાં આપણાં દીકરા ને રાજમહેલમાં મળે એનાંથી વધુ જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ય થશે..? "દેવદત્તે સવાલસુચક નજરે નિર્વા ની તરફ જોઈને પૂછ્યું.

પોતાનાં પતિ પરમેશ્વર નાં આ સવાલ ની જ રાહ જોઈ રહી હોય એમ આ સવાલ પૂછાતાં જ નિર્વા એ કહ્યું.

"એ સ્થળ છે ગુરુ ગેબીનાથ નો આશ્રમ.. જ્યાં એ નિમ લોકોનાં બાળકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરે છે.. "

"અતિ ઉત્તમ વિચાર છે આપનો.. ઉત્તમ.. "નિર્વા નો જવાબ સાંભળી પ્રસન્ન મુખમુદ્રા સાથે દેવદત્ત બોલ્યો.

"તો પછી શુભ કાર્ય માં ખોટો સમય વ્યય કરવો પોષાય નહીં.. આપણે આવતીકાલે જ રુદ્ર ને સાથે લઈ ગુરુવર ને સોંપી આવીશું.. જ્યાં સુધી રુદ્ર અઢાર વર્ષનો નહીં થાય ત્યાં સુધી એ ગુરુવર નાં આશ્રમમાં રહી એમની સેવા કરશે.. ત્યારબાદ જ આપણે એને પાતાળલોકમનો રાજા ઘોષિત કરીશું.. "નિર્વા નાં અવાજમાં એક મક્કમ નિશ્ચય હતો.. એક માં હોવાં છતાં પોતાનાં પ્રાણથી અધિક પુત્રની અંદર યોગ્ય સંસ્કારોનું સિંચન થાય અને એ ભવિષ્યમાં પરમાર્થ નાં કાર્ય કરી શકે એ હેતુથી મહારાણી નિર્વા એ હૃદય ઉપર પથ્થર રાખીને આ આકરો નિર્ણય લીધો હતો.

પોતાની પત્નીનો આ નિર્ણય સાંભળી દેવદત્તે નિર્વા ને ગળે લગાવીને હરખાતાં કહ્યું.

"હું નસીબદાર છું કે મને તમારાં જેવાં પત્ની મળ્યાં છે.. આપણે કાલે જ રુદ્ર ને ગુરુવર નાં આશ્રમે મૂકવાં પ્રસ્થાન કરીશું.. "

******

મહારાણી નિર્વા અને મહારાજ દેવદત્ત સવાર પડતાં જ પોતાનાં પાંચ વર્ષનાં પુત્ર રુદ્ર અને દીકરી ઉમા ને સાથે લઈને રથમાં સવાર થઈ માં ભૈરવી નાં મંદિર તરફ ચાલી નીકળ્યાં જ્યાં ગુરુ ગેબીનાથ આશ્રમ બનાવીને રહેતાં હતાં.

રુદ્ર અને ઉમા ને નિર્વા અને દેવદત્તે એ વિષયમાં કંઈપણ ના કહ્યું કે રુદ્રનાં ઘડતર માટે એને એ લોકો આશ્રમમાં મૂકવાં જાય છે.. આ પાછળનું કારણ હતું ઉમા નો પોતાનાં ભાઈ તરફનો પ્રેમ.. ઉમા ને જો આ વિષયમાં ખબર પડત તો એ ક્યારેય રુદ્ર ને પોતાનાંથી અલગ થવાં જ ના દેતા.. એટલે ગુરુ ગેબીનાથ જ પોતાની રીતે ઉમા ને સમજાવી રુદ્ર ને પોતાની પાસે રાખે એવી બંને પતિ-પત્નીની ઈચ્છા હતી.

અચાનક કોઈ કહેણ વગર દેવદત્ત નું સપરિવાર ત્યાં આવી ચડવું ગુરુ ગેબીનાથ માટે આશ્ચર્ય લઈને જરૂર આવ્યું હતું.. દેવદત્તે અને નિર્વા એ ગુરુ ગેબીનાથ નાં ચરણ સ્પર્શ કરી એમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યાં.. ઉમા અને રુદ્રએ પણ પોતાનાં માતા-પિતાને અનુસરી ગુરુદેવ નાં ચરણસ્પર્શ કરી એમનાં આશીર્વાદ મેળવ્યાં.. ઉમા અને રુદ્ર ને આશ્રમની બહાર મોજુદ બગીચામાં રમવા જવાનું કહી દેવદત્તે ગુરુ ગેબીનાથ ને ઉદ્દેશતાં કહ્યું.

"ગુરુવર, તમારી સાથે ખાસ મુદ્દા પર ચર્ચા કરવી છે.. "

"અવશ્ય રાજન, આપ જે વાત મનમાં લઈને આવ્યાં છો એ અંગે મુક્ત મને ચર્ચા કરી શકો છો.. "ગુરુ ગેબીનાથે સ્મિત સાથે દેવદત્ત તરફ જોઈને કહ્યું.

"ગુરુવર, રુદ્ર હવે જોતજોતામાં પાંચ વર્ષનો થઈ ગયો છે.. અને થોડાં વર્ષો બાદ એ પાતાળલોકનો રાજા પણ બનશે.. તો હું એવું ઈચ્છું છું કે એ રાજા બન્યાં પહેલાં એને યથાયોગ્ય બને.. "શીશ ઝુકાવી દેવદત્તે કહ્યું.

"સત્ય વાત કહી તમે રાજન.. કેમકે પોતાનાં કુળ નાં લીધે સત્તા પર આવીને રાજ કરવું અલગ વાત છે અને પોતે રાજા તરીકે બધાં જ ગુણો ધરાવતાં હોવાનાં લીધે સત્તાની જવાબદારી તમને સોંપવી અલગ વસ્તુ.. "દેવદત્ત નાં આ નિર્ણય ને યોગ્ય ઠેરવતાં ગેબીનાથે કહ્યું.

"અમે એવું વિચારીએ છીએ કે અમારો રુદ્ર હવેથી આપની છત્રછાયા માં ધડાય જેથી એની અંદર વેદો, પુરાણો, ઉપનિષદો નાં અપાર જ્ઞાન ની સાથે યુદ્ધકળામાં નિપુણતા પણ આવે.. તમારાંથી ઉત્તમ વ્યક્તિ એનાં જીવન ઘડતર માટે શોધવો શક્ય નથી ગુરુવર.. "પોતે ત્યાં કેમ હાજર હતાં એનું મુખ્ય કારણ ગુરુ ગેબીનાથ સમક્ષ રાખતાં નિર્વા એ કહ્યું.

"હા ભગવંત.. હવેથી તમે જ રુદ્રનાં ગુરુ, માર્ગદર્શક અને માતા-પિતા બની એને તમારી રીતે બધી જ કળાઓમાં નિપુણ બનાવી સર્વસંપન્ન બનાવો જેથી આગળ જતાં એ નિમ લોકોનાં ઉદ્ધાર માટે સદાય ચિંતિત અને પ્રયત્નશીલ રહે.. "ગેબીનાથ સમક્ષ કર જોડી દેવદત્તે મૃદુતાથી કહ્યું.

દેવદત્ત અને નિર્વા નો આ આગ્રહ જોઈ ગુરુ ગેબીનાથે થોડું મનોમંથન કર્યાં બાદ કહ્યું.

"જો મારાં માર્ગદર્શન થી રુદ્ર નું યોગ્ય ઘડતર થતું હોય અને એનાં લીધે આ ભલાભોળા નિમ લોકોનું ભવિષ્ય સુધરતું હોય તો હું આ કાર્ય માટે તૈયાર છું.. તમે રાજકુમાર રુદ્ર ને મારાં આશ્રમમાં મૂકીને જઈ શકો છો.. "

"ધન્યવાદ ગુરુવર.. તો આજથી જ રુદ્ર તમારાં સાનિધ્યમાં રહીને બીજાં નિમ બાળકો સાથે શિક્ષા પ્રાપ્ત કરશે.. હું અને મહારાણી ક્યારેક-ક્યારેક અહીં આવતાં રહીશું.. બાકી તો રુદ્ર જ્યારે બધી વિદ્યાઓમાં પારંગત થાય ત્યારે જ એને લેવાં આવીશું.. "દેવદત્તે કહ્યું.

"અમને વિશ્વાસ છે કે આપનાં જોડેથી જ્ઞાન મેળવવામાં સમય વિતાવ્યા બાદ રાજકુમાર રુદ્ર અવશ્ય મહારાજ રુદ્ર બનવાનાં દરેક ગુણ ધરાવતો થઈ જશે.. "નિર્વા એ કહ્યું.

"ચલો તો રુદ્ર અને ઉમા ને બોલાવો એટલે આપણે બધાં સાથે મળીને ભોજન કરી લઈએ.. "ગુરુ ગેબીનાથે કહ્યું.

એમનાં આ પ્રસ્તાવ ને માન આપી દેવદત્ત અને નિર્વા પોતાનાં બંને સંતાનો સાથે ભોજનશાળામાં પ્રવેશ્યાં.. ત્યાં જઈને શુદ્ધ અને સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યા બાદ હવે ગુરુ ગેબીનાથ ને એક ભારે કાર્ય કરવાનું હતું જે હતું ઉમા ને સમજાવવી.. પોતાનાં લાડકવાયા ભાઈ રુદ્રથી બાર-તેર વર્ષનો વિયોગ સહન કરવો પડશે એ વાત સાંભળ્યાં બાદ ઉમા રુદ્ર ને સાથે લઈ જવાની જીદ કરશે અને એને સમજાવવી પોતાનાં માટે અશક્ય હતું એ જાણતાં દેવદત્ત અને નિર્વા એ આ કાર્ય ગુરુવર ને સોંપ્યું.

લાખો લોકોનાં ભવિષ્ય માટે અને એમનાં જીવનધોરણ માટે રુદ્રનું અહીં આશ્રમમાં રહેવું જરૂરી હતું.. એ વિશે મૃદુતાથી અને પ્રેમથી ગેબીનાથે ઉમા ને સમજાવ્યું.. ગુરુ ગેબીનાથ ની વાત સાંભળ્યાં બાદ ઉમા એ જનકલ્યાણ માટે રુદ્ર નો વિયોગ સહન કરવાની વાતનો સહર્ષ સ્વીકાર કરી લીધો.

રુદ્ર અહીં આશ્રમમાં રહેવાની વાતનો કોઈ જાતનો વિરોધ કર્યાં વીનાં પ્રેમથી ત્યાં રહેવાં તૈયાર થઈ ગયો એટલે રુદ્ર ને ત્યાં ગુરુ ગેબીનાથ નાં આશ્રમમાં મૂકીને દેવદત્તે પોતાની પત્ની નિર્વા અને દીકરી ઉમા સાથે રથમાં બેસી મહેલ તરફ પ્રયાણ કર્યું.

********

દેવદત્ત અને નિર્વા જ્યારે પોતાને આશ્રમમાં છોડીને ગયાં એ સમયે રુદ્રને એનો સહેજ પણ અણસાર નહોતો કે એને તેર વર્ષ જેટલાં લાંબા સમય માટે અહીં આશ્રમમાં રહેવાનું હતું.. અને જો ખબર હોત તો પણ રુદ્ર જેટલો સંસ્કારી હતો એ પરથી એ તો નક્કી જ હતું કે આ વાતનો એ વિરોધ ના જ કરત.

આશ્રમમાં હવે રાજકુમાર રુદ્ર પણ પોતાની સાથે રહેવાનાં છે અને એમની જોડે જ રહી ગુરુ ગેબીનાથ જોડે શિક્ષા પ્રાપ્ત કરવાનાં છે એની જાણ જ્યારે આશ્રમમાં રહેતાં નિમ લોકોનાં બાળકોને થઈ ત્યારે એ લોકોની અંદર ખુશીનું મોજું ફરી વળ્યું.. પોતાનાં રાજ્યનો રાજકુમાર હવેથી પોતાની સાથે જ રહેવાનો હતો એ વાત એ સામાન્ય નિમ બાળકો માટે સાચેમાં આનંદદાયક હતી.

બાકી નિમ બાળકો તો રુદ્ર નાં આશ્રમમાં આગમન થવાથી ખુશ હતાં પણ બે બાળકો એવાં પણ હતાં જેમને રુદ્ર નું ત્યાં આવવું સહેજ પણ ગમ્યું નહોતું અને એ બંને બાળકોનાં નામ હતાં શતાયુ અને ઈશાન.. ગુરુ ગેબીનાથ નાં પરમ શિષ્ય એવાં શતાયુ અને ઈશાન ને રુદ્ર નાં આગમન સાથે જ એવી ભીતિ થઈ કે હવેથી રુદ્ર ગુરુ ગેબીનાથ નો સૌથી વધુ પ્રિય શિષ્ય બની જશે અને અન્ય નિમ બાળકો પણ રુદ્ર ને જ મહત્વ આપશે.

આ વિચાર આવતાં જ રુદ્ર નાં આગમનનાં બીજાં દિવસે જ શતાયુ અને ઈશાન અંદરોઅંદર એ વિષયમાં ચર્ચા કરવાં લાગ્યાં કે આખરે એ બંને મળીને એવું કંઈક કરે જેથી રાજમહેલમાં બધી જ સગવડો નીચે જીવન જીવેલો રુદ્ર આશ્રમ મૂકીને જતો રહે.

ઘણી લાંબી ચર્ચા બાદ શતાયુ એ કહ્યું.

"ઈશાન, તું ચિંતા ના કર.. મારી જોડે એક એવો ઉપાય છે જે એ રાજકુમાર ને આ આશ્રમ છોડવા મજબુર કરી મુકશે.. "

"શું છે એ ઉપાય.. જણાવીશ મને..? "શતાયુ ભણી જોતાં ઈશાને સવાલ કર્યો.

ઈશાન નો સવાલ સાંભળી શતાયુ એ પોતાનાં મનમાં નિર્મિત થયેલાં ઉપાય અંગે ઈશાન ને જણાવવાનું શરૂ કર્યું.. એ બંને એ વાતથી બેખબર હતાં કે ગુરુ ગેબીનાથ એમની વાત સાંભળી રહ્યાં છે.. !!

★★★

વધુ નવાં અધ્યાયમાં.

શતાયુ જોડે કયો ઉપાય હતો રુદ્ર ને આશ્રમમાંથી ભગાવવાનો...? શતાયુ અને ઈશાન ની વાત સાંભળી ગયાં બાદ ગુરુ ગેબીનાથ શું પગલું ભરશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED